હિન્દુ બનશે એક દિવસ અમેરિકાનો રાષ્ટ્રપતિ!
SadhanaWeekly.com       | ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૭


 

રાષ્ટ્રીયતા અને નાગરિકતા બંને અલગ અલગ હોવા છતાં પણ બંને એક જ વસ્તુ છે. રાષ્ટ્રીયતા જન્મથી જ મળે છે, જે ક્યારેય બદલી નથી શકાતી, પરંતુ નાગરિકતા એક રાજનૈતિક વ્યવસ્થા છે ! જે કાળ, સમય અને સ્થાન સાથે બદલાતી હોય છે. ભારતમાં જન્મનાર કોઈ પણ વ્યક્તિ જેના પૂર્વજો વર્ષોથી જે દેશમાં રહે છે તેને તેની રાષ્ટ્રીયતા કહેવાય છે, પરંતુ તે જ વ્યક્તિ એક લાંબા ગાળા સુધી કોઈ અન્ય દેશમાં રહીને કામકાજ કરે છે અને એ સમયગાળા પૂરતું તેના નગરની સગવડોના લાભ લે છે તો તે તેની નાગરિકતા બની જાય છે. નાગરિકતા અસ્થાયી હોઈ શકે છે. જ્યારે રાષ્ટ્રીયતા સ્થાયી છે જે તેના પૂર્વજોથી ચાલતી આવી છે જે ના તો મટી શકે છે કે ના તો કોઈ તેને છીનવી શકે છે અને, ના તો કોઈ તેને બદલી શકે છે અને આ પરિભાષા મુજબ જ વાત લંબાવીએ તો ભારતમાં રહેનારા જુદાજુદા ધર્મોના અનુયાયી પણ રાષ્ટ્રીયતાના આધારે તો હિન્દુ જ છે, પરંતુ હિન્દુ ધર્મ હેઠળ અન્ય ધર્મમાં માનનારા પોતાને હિન્દુ કહેતાં ખચકાય છે. હિન્દુ શબ્દોનો તેઓ વિરોધ કરે છે. જ્યારે હિન્દુ શબ્દનો ઉપયોગ નાગરિકતા અથવા તો રાષ્ટ્રીયતા માટે થઈ રહ્યો હોય ત્યારે પોતાને હિન્દુ કહેવામાં શા માટે ખચકાય છે? જન્મોજનમથી તેની ઓળખ હિન્દુ છે પરંતુ હવે આ શબ્દ સાથે છેડો ફાડવાનું એક માત્ર કારણ એવું સમજે છે કે હિન્દુ કહેવડાવવાથી ક્યાંક તેમના ઇસ્લામ, ખ્રિસ્તી યા યહૂદીપણાને યા પારસીપણાને કોઈ જોખમ ન ઊભું થાય અને એટલે તેઓ પોતાને હિન્દી કે હિન્દુસ્તાની તો કહેવડાવશે પણ હિન્દુ ક્યારેય નહીં. આ તો એવું છે કે ગોળથી બનતી કોઈ વાનગી સામે વિરોધ નથી પણ તેમને એ ગોળ સામે જ વાંધો છે જેનાથી તે વાનગી બની છે, અને આ ગોળ સામે તેને માત્ર વિરોધ જ નથી બલ્કે ભારે ઘૃણા છે, માટે પોતાને સંતુષ્ટ કરવા અથવા તો અંદરના તિરસ્કારને સંતાડવા માટે હિન્દી, ભારતીયતા અથવા તો હિન્દુસ્તાની શબ્દનો ઉપયોગ કરી પોતાના અહમ્ને શાંત કરવાનો અસફળ પ્રયાસ કરી રહ્યા છે.
જે હિન્દુ સંસ્કારોથી તે પોતાને ફાયદો ઉઠાવવા માંગે છે તેનો જ ઉપયોગ કરવાનો આવે તો પચાસ દલીલો ઊભી કરવાનો અસફળ પ્રયાસ કરે છે ! આ બિલકુલ એવું જ છે કે પત્ની તેના પતિને સ્વામી કહેવાનો ઇન્કાર કરે અને એવો જ કોઈ બીજો શબ્દ વાપરે અને તે તો બિચારી સમાજમાં શરમની મારી એવું કરે છે, પરંતુ અહીંયાં હિન્દુ કહેવા વિશે તેમને વિરોધ કેમ છે તે સમજની બહાર છે. અલબત્ત, એવું પણ નથી કે બધા જ એવું કરે છે. દુનિયામાં અસંખ્ય લોકો એવા છે જે પોતાને હિન્દુ કહેવા અને કહેડાવવા પર ગર્વ અનુભવે છે. જ્યાં સદીઓથી રહેનાર હિન્દુ આજે પણ પોતાનો પરિચય આપતાં કહે છે કે હા, હું હિન્દુ યહૂદી છું.
હવે સવાલ એ છે કે ઇઝરાયલમાં રહેનારો હિન્દુ પોતાની જાતને યહૂદી હિન્દુ કહીને ઓળખાવી શકે છે તો પછી કોઈ મુસ્લિમ અથવા ખ્રિસ્તી પોતાની જાતને હિન્દુ મુસ્લિમ કહેતાં કેમ ખચકાટ અનુભવે છે ? આ મુદ્દે ઇઝરાઇલના નિવાસી યશવંત પાઠકે આ બાબતનો પોતાનો એક અનુભવ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો. તેઓ લખે છે કે થોડા દિવસો પહેલાં ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ સમારંભના પ્રસંગે જેરુસલેમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેને જવાનો પ્રસંગ બનેલો ત્યાં તેમણે કહ્યું કે હું હિન્દુ છું અને ભારતથી આવ્યો છું અને ત્યાં ઉપસ્થિત લોકોએ મારી અને મારી પત્ની સાથે ભાવવિભોર થઈને વાતચીત કરી. તેઓ તેમની વચ્ચે અમને જોઈને ખૂબ જ પ્રસન્ન હતા. અમને મીઠાઈ ખવડાવી, અમારાં બાળકોને રમવા માટે રમકડાં આપ્યાં અને અમારી સાથે ફોટા પણ પડાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે અમે હિન્દુસ્તાન, હિન્દુ અને હિન્દુદર્શનનું સન્માન કરીએ છીએ. તેઓએ ઉમેર્યું કે તમારો દેશ માત્ર એક જ એવો દેશ છે જ્યાં અમારે ક્યારેય સંકટોનો સામનો નથી કરવો પડતો, એટલું જ નહીં અન્ય દેશોએ અમને બહુ સતાવ્યા પણ ભારત અને ભારતીયો એ અમને માન આપ્યું. આ ડૉક્ટરે લખ્યું છે કે આ પ્રકારની વાતચીતથી તેને ઘણું આશ્ર્ચર્ય થયું. બેન્જામિને ડૉક્ટર પાઠકને કહ્યું કે હિન્દુ કોઈ ધર્મ નથી બલ્કે એક જીવનપદ્ધતિ છે, જે અનુસાર પ્રત્યેક વ્યક્તિને પોતાની સગવડ પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. બધા જ લોકો ઈશ્ર્વરની પ્રાપ્તિ કરી શકે છે. એવી હિન્દુ ધર્મની માન્યતા છે. માટે જ હું પોતાને હિન્દુ યહૂદી કહું છે એ જ સમયે એક અમેરિકન વ્યક્તિએ મને પૂછ્યું કે શું તમે ભારતથી આવ્યા છો ? મેં ઉત્તર આપ્યો હા શ્રીમાન હું ભારતથી આવ્યો છું. ત્યારે તેમણે કહ્યું મારું નામ માર્ક સ્કવેર છે. વાતચીત આગળ વધારતો મને પૂછ્યું કે તમને ભારતીય સંગીત માટે પ્રેમ છે ? તેની ધૂન અને સંગીત તમને સારા લાગે છે ? ત્યારે મેં કહ્યું હું મારા દેશના સંગીત પ્રત્યે દિલથી વારી જાઉં છું ! પછી તેમનું નિમંત્રણ મળતાં શ્રીમાન પાઠક પછી તેના ઘરે પહોંચી ગયા અને ત્યાં જતાં જોયું કે માર્ક પાસે તો અસંખ્ય ભારતીય સંગીતની સીડીઓ છે. આસાવરી, દરબારી, કાનડા જેવા ઘણા રાગો પર આધારિત એવી ઘણી સુંદર સીડીઓ કે જેને શબ્દોમાં વર્ણવી ના શકાય ! આ બધું જોઈને ડૉક્ટર યશવંત તો ગદગદ થઈ ગયા !
આટલા મોટા સંગ્રહની કલ્પના તો કોઈ સપનામાંય ના કરી શકે ! અમારી આ દશા જોઈને તેઓ મનમાં ને મનમાં મલકાઈ રહ્યા હતા અને ત્યારે જ તેઓએ કહ્યું કે કેટલાંક વર્ષો પહેલાં મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હું આપઘાત કરવા માટે નીકળ્યો ત્યારે બહાર દૂરથી મારા કાનમાં સિતારની ધૂન સંભળાઈ અને થોડા સમય બાદ લાગ્યું કે કોઈએ મને વશમાં લઈ લીધો છે. જેમ જેમ તે સ્વર નજીક આવતો ગયો તેમ તેમ મને લાગવા લાગ્યું કે તે મને પાસે બોલાવી રહી છે. હું તે ધૂનમાં ખોવાઈ ગયો અને એ જ ક્ષણે મારા મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર નીકળી ગયો. મેં નિશ્ર્ચય કર્યો કે મારે જીવવું છે અને જોમ સાથે પરિસ્થિતિઓનો સામનો કરવો છે. ત્યારથી જ ભારતીય સંગીતનો પ્રેમી નહીં પરંતુ ભક્ત બની ગયો છું. હું ગર્વથી કહું છું કે જેણે પોતાના જીવનમાં ભારતીય સંગીતને નથી માણ્યું કે નથી અપનાવ્યું તેણે જીવનમાં કઈ જ નથી કર્યું.
હમણાં જ નિવૃત્ત થયેલા રાષ્ટ્રપતિ ઓબામાએ ભવિષ્યવાણી કરી છે કે આવનારા સમયમાં જો કોઈ અમેરિકાનો રાષ્ટ્રપતિ બનશે તો તે ભારતમાં જન્મેલો હશે. અમેરિકામાં દિવસે ને દિવસે ભારતીયોએ પોતાની બુદ્ધિ અને ક્ષમતાથી વિશ્ર્વની મહાસત્તાનું દિલ જીતી લીધું છે.
ભારતીયોની કાર્યક્ષમતાને લીધે તે ધરતીનું માન સન્માન પણ અનેકગણું વધ્યું છે અને અમેરિકા જ નહીં સમગ્ર વિશ્ર્વ તેને માને છે. એટલું જ નહીં અમેરિકામાં એક પણ એવી ઘટના નથી ઘટી જેમાં પાછલાં પાંચસો વર્ષોમાં તેઓએ કંઈ પણ એવું કામ કર્યું હોય જેનાથી તેની સરકાર અથવા તો લોકોને ઠેસ પહોંચી હોય. પોતાની પ્રકૃતિ અનુસાર જ્યાં જાય છે અને બસ, તેના થઈ જાય છે.
અમેરિકામાં વસતા હિન્દુઓના સ્વભાવ, કાર્યક્ષમતા અને રાષ્ટ્રભક્તિથી ત્યાંની જનતા પ્રભાવિત છે.
માટે જ તેનો પુરસ્કાર આજે નહીં તો કાલે મળવાનો જ છે, માટે જ ઓબામાએ ભારતીયો માટે ઉચ્ચારેલા શબ્દોનો જાદુ અમેરિકાના માથે ચડીને પોકારી રહ્યો છે.

- મુજફ્ફર હુસેન