લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ૨૪મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત યોગ ઉત્સવ ૨૦૧૭નો પ્રારંભ 
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૭
 


ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત કામ કરતી સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યોગા એન્ડ નેચરોપથી (સીસીઆરવાયએન) દ્વારા દેશના ૧૦ રાજ્યોમાં ૩૧ માર્ચ પહેલાં યોગ ઉત્સવના આયોજન કરવાના કાર્યક્રમના ભાગરૂપે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય ગુજરાત યોગ ઉત્સવ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે.
લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ શિવરાત્રીના દિવસે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં સવારે ૬થી૮ દરમિયાન સૂર્યનમસ્કાર, યોગાસન તથા પ્રાણાયામ પ્રેક્ટિસ સેશન તથા મંત્રોચ્ચાર બાદ મિલિટ્રી પાઇપ બેન્ડ પર્ફોર્મન્સ આપશે. ત્યારબાદ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમનો પ્રારંભ કરાવશે અને આ પ્રસંગે મોરારજી દેસાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ - દિલ્હીના ડાયરેક્ટર શ્રી બસવ રેડ્ડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ત્રણ દિવસીય ગુજરાત યોગા ઉત્સવમાં યોગ વિષય ઉપર આયોજિત કુલ નવ સેશન યોજાશે, જેમાં લોનાવાલા ખાતેના કૈવલ્યધામના ડૉ. શરદ ભાલેકરજી, બેંગ્લોરના એસવીવાયએએસએના એન.વી. રઘુરામ, આધ્યાત્મ વિદ્યામંદિરના સ્વામીની વિદ્યાપ્રકાશાનંદા, જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદિક કોલેજના ડો. અર્પણ ભટ્ટ, વડોદરાના રામ ક્રિષ્ન મિશનના સ્વામી નિખિલેશ્ર્વર આનંદા, હરદ્વારના પતજલી યોગ પીઠના ડો. જયદીપ આર્ય, અમદાવાદ આર્ટ ઓફ લિવિંગના તુષાર પંચાલ, અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી આદ્યાત્મનંદ તથા રશિયાના સરગી અને કેનેડાના જેરીડ લી વિવિધ વિષયો ઉપર વિસ્તારપૂર્વક પોતાના વક્તવ્યો આપશે.
આ દરમિયાન સાત સમાંતર સેશન પણ યોજાશે, જેમાં ભારતમાં યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના નિષ્ણાંતો યોગ થેરાપી અંગે અંદાજે ૧૦૦૦ શ્રોતાઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીશ સહિતની બિમારીઓના યોગ દ્વારા ઉપચાર અંગે માહિતી આપશે. સેમિનાર સેશન અને પેરેલલ સેશનની સાથે-સાથે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીની સાંજે યોગ, સંગીત અને નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમા આંતરરાષ્ટ્રી સ્તરે ખ્યાતિપ્રાપ્ત કલાકારો અદ્ભુત કલા અને સંગીત પ્રદર્શિત કરશે.
યોગ અને આયુર્વેદના લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોગ વિષય આધારિત એક્ઝિબિશન અને પોસ્ટર ડિસ્પ્લે, એક હોલમાં યોગાસનના વિડિયો, ક્વિઝ કોમ્પિટિશન સહિતની પ્રવૃત્તિ પણ યોજવામાં આવશે. ત્રણ દિવસીય ગુજરાત યોગ ઉત્સવમાં વિવિધ સંસ્થાઓને સ્ટોલની ફાળવણી પણ કરાઇ છે, જ્યાં તેઓ યોગ અને આધ્યાત્મના સાહિત્ય ત્ાથા આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી શકશે તથા મુલાકાતીઓ વિસરતી વાનગીઓનો પણ અત્યંત વાજબી ભાવે સ્વાદ માણી શકશે.
૨૬મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરાશે, જેમાં લાઇફ મીશનના પરમ પૂજ્ય રાજશ્રી મુની ઉપસ્થિત રહેશે. ગુજરાત યોગ ઉત્સવ ૨૦૧૭માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને યોગ, આયુર્વેદ અને આધ્યાત્મથી પરિચિત થશે તેવી અપેક્ષા છે.