મુંબઈના ડબ્બાવાલાઓની અનોખી વાત...
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૭


દેશ અને દુનિયામાં મુંબઈના ડબ્બાવાલા મેનેજમેન્ટ અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની કામ કરવાની શૈલી અને સંપૂર્ણ પ્રક્રિયા આશ્ર્ચર્ય પમાડે તેવી છે. ગત ૪ ફેબ્રુઆરીએ અમદાવાદના એએમએ ખાતે આ સંદર્ભે એક સરસ કાર્યક્રમ યોજાઈ ગયો. યંગ ઇન્ડિયા અને અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોશિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુંબઈના ડબ્બાવાલાઓ પર અભ્યાસ કરનારા ડૉ. પવન અગ્રવાલે આ સંદર્ભે શ્રોતાઓ સમક્ષ વિગતે રસપ્રદ ચર્ચા કરી હતી.

મુંબઈમાં ડબ્બાવાલાઓનું કામ કેમ સફળ રહ્યું તેનું કારણ આપતા ડૉ. પવન અગ્રવાલ જણાવે છે કે, મુંબઈમાં સામાન્ય માણસને સવારે નવ વાગે ઓફિસે પહોંચવું હોય તો પાંચ વાગે ઘરેથી નીકળવું પડે. આથી ઘરે પત્નીને પણ વહેલા ઊઠી ટિફિન બનાવવું પડે. વળી ટીફીન બપોરે ઠંડુ ખાવું પડે. ડબ્બાવાલા સમયસર ઘરનું ખાવાનું અને ગરમ-ગરમ પહોંચાડતા હોય તો કોણ પોતાની પત્નીને વહેલા ઉઠવા દે. આ માટે તેમણે એક સૂત્ર આપ્યું છે ‘જો બીવીસે કરે પ્યાર વો ડબ્બાવાલે કો કૈસે કરે ઇન્કાર...’
બીજુ કારણ છે મુંબઈની ભીડ. એક હાથમાં થેલો અને બીજા હાથમાં ટિફિન લઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કેલ છે. આ મુશ્કેલી ડબ્બાવાલા દૂર કરી દે છે. મુંબઈના ડબ્બાવાલા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે મુંબઈમાં ડબ્બાવાલાની શ‚રૂઆત ૧૮૯૦માં થઈ અને ટ્રસ્ટ તરીકે તેની નોંધણી ૧૯૫૬માં થઈ એટલે એમ કહેવાય કે ‘હમ અંગ્રેજો કે જમાને કે ડબ્બાવાલે હૈ....’ ૧૨૫ વર્ષ જૂની આ પરંપરા આજે પણ ટાઈમ મેનેજમેન્ટ અને કસ્ટમર કેરની બાબતમાં પાવરફૂલ છે. આ પરંપરામાં આજે મુબંઈ નેટવર્કમાં ૫ હજાર ડબ્બાવાલા છે. તેમના ૨ લાખ કરતા વધારે ગ્રાહક છે અને મહત્ત્વની વાત એ છે કે ૧ કરોડ ૬૦ લાખ ડબ્બા ટ્રાન્ઝેક્શનમાં અમારી માત્ર એક ભૂલ થાય છે અને તેને પણ ઝીરો લેવલે લાવવા ડબ્બાવાલા કટિબદ્ધ છે. આ ડબ્બાવાલા મુંબઈ ૬૦થી ૭૦ કિ.મી.નો વિસ્તાર કવર કરે છે. દરરોજ ૮થી ૯ કલાક કામ કરે છે. આ ૫૦૦૦ ડબ્બાવાલાઓનું સરેરાશ ભણતર ૮ ધોરણ છે અને મહિને ૧૦થી ૧૨ હજાર કમાઈ લે છે. અત્યાર સુધીમાં આ ડબ્બાવાલાઓ ઉપર એક પણ પોલિસ કેસ થયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે ‘ડબ્બાવાલાઓ માત્ર ટિફિન નહીં ટિફિનની સાથે વિશ્ર્વાસ અને ઇમાનદારી સાથે ઘણુ લોકો સુધી પહોંચાડે છે. ટિફિનમાં પત્ની પોતાના પતિ માટે દવા, ઝઘડો થયો હોય તો ચિઠ્ઠી, ઘેર ભૂલેલા મોબાઈલ કે ચશ્મા પણ મોકલે છે. પતિને રોકડ પગાર મળે અને તે લોકલ ટ્રેનમાં એ રકમ લઈને ન જઈ શકે તો એ ખાલી થયેલા ટિફિનમાં ઘેર પૈસા મોકલી આપે છે. આમ, ટિફિન સાથે અનેક પ્રકારની લાગણીઓની હેરફેર થાય છે.’
તેમણે જણાવ્યું હતું કે આ ડબ્બાવાલાઓ માટે કામ એ જ પૂજા છે, તેઓ ગ્રાહકને ભગવાન માને છે, તેઓ માને છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને સાથે સાથે તેઓ માનવમૂલ્યોને પણ અદકેરું મહત્ત્વ આપે છે. આથી જ ૧૮૯૦થી શ‚રૂ‚‚ થયેલી આ સિસ્ટમ અવિરત ચાલે છે. તેઓ કોઈ દિવસ હડતાળ પાડતા નથી. જાણ વિના રજા પણ લેતા નથી. માત્ર દિવાળી વખતે એક મહિનાના પગારનું બોનસ મેળવે છે. કામના કલાકો દરમિયાન કોઈપણ વ્યસનથી દૂર રહે છે. તેમની આ પ્રતિબદ્ધતાના કારણે મુંબઈના લોકો ઘરનું ટિફિન મગાવી બહારનું ખાવા પાછળ વર્ષે રૂા. ૫૦૦ કરોડની બચત કરે છે.

કોણ છે ડૉ. પવન અગ્રવાલ
આ ડબ્બાવાલાઓ પર ડૉ. પવન અગ્રવાલે ‘એ સ્ટડી ઑફ લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ ઑફ ડબ્બાવાલા ઇન મુંબઈ’ એવો વિશદ સંશોધન લેખ તૈયાર કર્યો છે અને ડબ્બાવાલાઓની મેનેજમેન્ટ સિસ્ટમ પર સંખ્યાબંધ પુસ્તકોનું સર્જન કર્યું છે તથા દેશ-વિદેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ તથા મેનેજમેન્ટ સંસ્થાઓમાં વર્કશોપ્સ તથા લેક્ચર્સ પણ યોજ્યાં છે.

મુંબઈના ડબ્બાવાલાઓ પર અભ્યાસ કરનારા ડૉ. પવન અગ્રવાલ


ડબ્બાવાલાની અનોખી પહેલ
ડૉ. પવન અગ્રવાલે કહ્યું કે ડબ્બાવાલાઓ દેશ માટે સેવાનું કામ પણ કરે છે. તેમણે કહ્યું કે ડબ્બાવાળા ટિફિનમાં શું છે એ ટિફિન ખોલીને ક્યારેય જોતા નથી, પણ તેમને લાગ્યું કે સમયના અભાવ કે કોઈ કારણસર તેમના ગ્રાહકો ભોજન નથી કરતા અને તે ભરેલું ટિફિન પાછુ ઘરે પહોંચે છે અને તેનો બગાડ થાય છે. આથી ડબ્બાવાળાઓ એ એક ઉપાય શોધ્યો. તેમણે તેમના ગ્રાહકોને અપીલ કરી કે જો ટિફિન ભરેલું હોય તો અમને કહો. ટિફિન પર લખો ‘share my dabba’ અમે ભોજનને યોગ્ય જગ્યાએ પહોંચાડીશું. આનું પરિણામ એ આવ્યું કે આજે દરરોજ ૧૦૬૨ જેટલા કુપોષિત બાળકોને બે ટાઈમનું ભોજન આ રીતે મળી રહે છે.


 

 

આ કાર્યક્રમ યંગ ઇન્ડિયા, અમદાવાદ ઍડર્વટાઈઝિંગ સર્કલ એસોશિએશન સહિત એફઆઈસીસીઆઈ, જીસીસીઆઈ, જીયો, રાઉન્ટ ટેબલ ઇન્ડિયા અને ટીઆઈઈના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં આ સંસ્થાના અગ્રણીઓ પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સર્વશ્રી તેજસ શાહ, અજિત શાહ, ધ્રુવ શાહ, નીના પરીખ, પ્રિયાંશી વડોદરિયા, અદિતી પારેખ ઉપસ્થિત રહ્યા હતા અને યંગ ઇન્ડિયા દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


ડબ્બાવાલાઓ શીખવે છેઆ મેનેજમેન્ટ પાઠ
* લગન
* પ્રતિબદ્ધતા
* સાતત્ય
* ૧૦૦ ટકા અમલ
* ચોક્સાઈ
* સમર્પણ
* સમય પાલન

- હિતેશ સોંડાગર