આર્મીએ ધ્રાગંધ્રામાં ચલાવ્યું અનોખું અભિયાન...
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૭


 

યુવા પેઢી સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે સેનાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાગંધ્રા મિલિટરી સ્ટેશનમાં માહિતી અભિયાનનું આયોજન કર્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ ભારતીય સેનાની ક્ષમતા વિશે વિદ્યાર્થીઓને માહિતાગર કરવાનો તથા રાષ્ટ્રનિર્માણ માટે ભારતીય સેનાની ભૂમિકા અને પ્રદાનની ઉપયોગી જાણકારી આપવાનો હતો.

આ માહિતી અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સને સૈનિકના જીવનના વિવિધ પાસાનો પરિચય થયો હતો. આ અભિયાનમાં શાળાના 1500 વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સે હાજરી આપી હતી. શરૂઆતમાં આ તમામ વિદ્યાર્થીઓ અને કેડેટ્સને આધુનિક શસ્ત્રો અને સર્વેલન્સ ઉપકરણ દર્શાવવામાં આવ્યા હતા. પછી વિદ્યાર્થીઓ યુદ્ધ જેવી સ્થિતિમાં ફિલ્ડ આર્ટેલરી બેટરી દ્વારા ડેવલપમેન્ટના સાક્ષી બન્યા હતા. વિદ્યાર્થીઓને સેનામાં જોડાવા માટે ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો પર ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મિલિટરી બેન્ડના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ધ્રાગંધ્રા મિલિટરી સ્ટેશનના સ્ટેશન કમાન્ડરે ભારતીય સેનાની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા અને પ્રદાન વિશે માહિતી આપવા વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું, ત્યારે તેમણે રાજ્યમાં ધરતીકંપ, પૂર અને આંતરિક સુરક્ષાની સ્થિતિ જેવા કુદરતી આફતો દરમિયાન સેનાના પ્રતિસાદ અને પ્રદાનને સૂચવ્યું હતું. તેમણે ગર્વ સાથે કહ્યું હતું કે, ભારતીય સેના નાગરિકોની સેના છે અને યુવા પેઢીએ તેમની કારકિર્દીના પ્રથમ વિકલ્પ તરીકે સશસ્ત્ર સેનાને પસંદ કરવી પડશે.