દુશ્મન કોણ ?
SadhanaWeekly.com       | ૧૭-માર્ચ-૨૦૧૭


 

કડી એક નાનું રજવાડું હતું. અહીંના રાજા હતા મલ્હાવરાવ. તે ખૂબ જ બહાદુર અને પ્રતાપી રાજવી હતા, છતાં પણ તેઓ આજુબાજુનાં રાજ્યો પર કદાપિ ચઢાઈ કરતા ન હતા.
જ્યારે પાડોશી રાજા એના પર ચઢાઈ કરતા, તો ના છૂટકે એમને એમની સાથે યુદ્ધ કરવું પડતું. યુદ્ધમાં પડોશી રાજાઓ જ્યારે પરાજિત થઈ જતા તો તેમને બંદી બનાવીને મલ્હાવરાવની સામે લાવવામાં આવતા. મહારાજા મલ્હાવરાવ એમને એક જ સવાલ પૂછતા- ‘ભવિષ્યમાં શું ઇચ્છો છો ? યુદ્ધ કે શાંતિ ? જો તમે શાંતિ ઇચ્છતા હો તો તમને હારેલું રાજ્ય પાછું મળી જશે, નહીં તો નહીં.’
‘શાંતિ ઇચ્છું છું’ એમ કહીને હારેલા રાજાઓ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવી લેતા.
પછી તો કેટલાંય વર્ષો સુધી કડી રાજ્ય પર કોઈના તરફથી આક્રમણ ના થયું. મહારાજા મલ્હાવરાવ ખૂબ જ ખુશ થયા. ‘હવે પાડોશી રાજાઓ એમની જેમ શાંતિપૂર્ણ જીવન જીવવા માગતા હતા. આમ વિચારીને મલ્હાવરાવે પોતાની સૈન્ય-શક્તિ ધીમે ધીમે ઓછી કરી દીધી.’
પાડોશી રાજ્યોને જ્યારે આ વાતની જાણ થઈ, તો તેઓ મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયા. એટલું નહીં, ગુપ્ત રીતે મલ્હાવરાવ પર ચઢાઈ કરવાની યોજના પણ બનાવવા લાગ્યા. મલ્હાવરાવને આ બધી વાતોની કશી જ ખબર ન હતી.
એક દિવસ પાડોશી રાજા બલભદ્રે કડી રાજ્ય પર ચઢાઈ કરી દીધી. ઓચિંતા હુમલાથી મલ્હાવરાવ ગભરાઈ ગયા. જેમ તેમ કરી તેઓ યુદ્ધ માટે તૈયાર થયા. આ યુદ્ધમાં મલ્હાવરાવની હાર થઈ. એમને એમના રાજ્યનો પૂર્વ ભાગ બલભદ્રને આપવો પડ્યો.
મલ્હાવરાવની આ હારથી પાડોશી રાજાઓનું મનોબળ વધી ગયું. થોડાક દિવસો પછી બીજા પાડોશી રાજાઓએ પણ મલ્હાવરાવ પર ચઢાઈ કરી. આ પરિસ્થિતિ માટે મહારાજા મલ્હાવરાવ બિલકુલ તૈયાર ન હતા. તેઓ પોતાનો જીવ બચાવવા ભાગ્યા. નજીકની માલજી ભગતની જગ્યામાં ગુફામાં એમણે આશરો લીધો. જગ્યાના મહંતે આશરો આપતાં મલ્હાવરાવે બધી વાત માંડીને કહી. મહંતે એમને સાંત્વન આપતાં કહ્યું, ‘મહારાજા, આપના પાડોશી રાજવીઓ આપના દુશ્મન નથી.’
‘તો કોણ છે મારા દુશ્મન ?’ મહારાજાએ પૂછ્યું.
માણસનો સૌથી મોટો દુશ્મન છે એની ‘કમજોરી’. આપની સાથે પણ આવું જ બન્યું છે. જ્યારે આપ શક્તિશાળી હતા, ત્યારે આપના પાડોશી રાજવીઓ આપનું કશું ના બગાડી શક્યા. જ્યારે આપની લશ્કરી તાકાત ઓછી થતી ગઈ, તો એમણે માથું ઊંચક્યું. ભલે, આજે આપ પરાજિત થઈને આ સ્થિતિમાં આવી ગયા છો, એ ઠીક છે, આપ શાંતિના પૂજારી છો, પરંતુ બીજા લોકો આપની શાંતિની વાત ત્યારે માનશે, જ્યારે આપ શક્તિશાળી હશો. કમજોરની વાત કોઈ ક્યારેય નથી સાંભળતું. આજથી આપ બધી ચિંતાઓ છોડીને આપની શક્તિ વધારવાની કોશિશ કરો. આપને જરૂર સફળતા મળશે. મારા આશીર્વાદ છે.
લગભગ બે વર્ષના પ્રયત્નો પછી મહારાજા મલ્હાવરાવે પોતાને શક્તિશાળી બનાવી દીધા.
સંપૂર્ણ તૈયારી પછી એક દિવસ યોગ્ય સમય જોઈને મહારાજા મલ્હાવરાવે એમના ચારે પાડોશી રાજાઓ પર એક સાથે ચઢાઈ કરી. બરાબર યુદ્ધ જામ્યું. આ યુદ્ધમાં મહારાજા મલ્હાવરાવે પોતાની બહાદુરી અને તાકાતનો પરિચય કરાવ્યો. દુશ્મનોના દાંત ખાટા કરી નાંખ્યા. તેઓ ખૂબ જ ખરાબ રીતે પરાજિત થયા. ચારે રાજાઓને બંદીવાન બનાવીને મલ્હાવરાવે એમને કહ્યું ‘તમે મારી સાથે દગો કર્યો છે, એટલે તમને ચારે જણાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.’
મૃત્યુના ભયથી તેઓ ચારે ગભરાઈ ગયા, કરગરવા લાગ્યા. મલ્હાવરાવે  એમને માફ કરી દીધા અને એમનાં રાજ્ય પણ પાછાં આપી દીધાં.