કાશ્મીર ખીણપ્રદેશમાં ૨૭ વર્ષ જુનું મંદિર ઘંટારવથી ગાજી ઊઠ્યું
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭


કાશ્મીરના વિસ્થાપિતો માટે અચ્છે દિન

ગત માસમાં જ્યારે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી ત્યારે વર્ષોથી આતંકવાદથી ગ્રસ્ત કાશ્મીર ખીણપ્રદેશમાં આવેલા એક અકલ્પનીય પરિવર્તન તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હતું. ૧૯૯૦માં મુસ્લિમ આતંકીઓએ ખીણપ્રદેશમાંથી હાંકી કાઢેલા હજારો હિન્દુ પરિવારો માટે આ મહાશિવરાત્રિ પર્વ સાચા અર્થમાં ‘શિવમ્’ - કલ્યાણકારી નીવડ્યું હતું.

ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી - ભાજપની ગઠબંધનની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તે પછી ખીણપ્રદેશમાં દાયકાઓથી દયનીય સ્થિતિમાં રહેલાં અનેક મંદિરોમાં પુન: એકવાર ઘંટારવ ગુંજી ઊઠ્યો છે. આશ્ર્ચર્યની વાત એ હતી કે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીમાં મુસ્લિમ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા; એટલું જ નહીં, તેમણે આ મંદિરોની સાફ-સફાઈ પણ કરી હતી. આ મંદિરો પૈકી સૌથી પ્રાચીન ગણાતા નંદકિશોર મંદિરમાં તો હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. લગભગ ૩૦ વર્ષોથી ર્જીણ-શીર્ણ સ્થિતિમાં રહેલા આ મંદિરનાં દ્વાર ખોલવાનું અને તેને સ્વચ્છ કરવાનું ‘ભગીરથ’ કાર્ય મુસ્લિમ યુવાનોએ કર્યું હતું. ખીણપ્રદેશમાં આવેલા આ અકલ્પનીય પરિવર્તનને ‘મોદી ઈફેક્ટ’ સિવાય બીજું કયું નામ આપી શકાય ?

સ્વાતંત્ર્ય પછી શેખ અબ્દુલ્લાની ‘મુસ્લિમ કોન્ફરન્સ’ (હવે નેશનલ કોન્ફરન્સ) મુફ્તી મો. સઈદની પીડીપી તથા કોંગ્રેસ - આ ત્રણેય પક્ષોના કોમવાદી રાજકારણે મુસ્લિમ આતંકને ઉત્તેજન આપવાનું જ કાર્ય કર્યું હતું. તેમના શાસનમાં લાખો હિન્દુ-શીખ પરિવારોને, મુસ્લિમ આતંકીઓએ ખીણ પ્રદેશમાંથી હાંકી કાઢ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રવાદી અને વિકાસના એજન્ડાને જમ્મુ અને લડાખ પ્રદેશમાં અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થયું. તેને કારણે કાશ્મીરને સૌપ્રથમવાર રાષ્ટ્રીય વિચારધારાવાળા પક્ષ સાથેની ગઠબંધન સરકાર પ્રાપ્ત થઈ હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીના પ્રયત્નો યશસ્વી નીવડ્યા. આ મહાશિવરાત્રી પર્વના દિવસે ખીણપ્રદેશમાં ‘મોદી ઈફેક્ટ’ ખીલી ઊઠી હતી. અને દાયકાઓથી અવાવરું રહેલાં અનેક મંદિરો ઘંટારવ અને ‘બમ બમ ભોલે’ના સૂરોથી ગુંજી ઊઠ્યાં હતાં. આ મંદિરોમાં સૌથી પ્રાચીન એવું નંદકિશોર ધામ પુન: ધબકતું થાય તે માટે મુસ્લિમ યુવાનોએ વિશેષ પ્રયત્ન કર્યો હતો તે નોંધપાત્ર ગણી શકાય.

 શ્રીનગરથી લગભગ ૪૦ કિ.મી. દૂર આવેલા નંદકિશોર ધામની આસપાસ રહેતા અને મુસ્લિમ આતંકીઓ દ્વારા હાંકી કઢાયેલા હિન્દુ પરિવારોને ગામલોકોએ પુન: બોલાવ્યા હતા અને તેમની સાથે જ આ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. આ શુભ કાર્યમાં અગ્રેસર રહેલા મહંમદ સુલતાને જણાવ્યું હતું કે, "અમને શિક્ષણ તો આ પંડિતો જ આપતા હતા. તેઓને વિસ્થાપિત થવું પડ્યું તે પછી અહીં શિક્ષણનું સ્તર નીચું ગયું છે. આથી આ પંડિતો અહીં પાછા ફરે તેવી અમારી સૌની ઇચ્છા છે.

સુલતાનની વાતને સમર્થન આપતાં ફારૂક નામના અન્ય યુવાને જણાવ્યું હતું કે, ‘પંડિતો તો કાશ્મીરના અવિભાજ્ય અંગ છે, તેમના વિના કાશ્મીર અપૂર્ણ છે. તેઓ પાછા ફરશે તો જ કાશ્મીરની સૌરભ પુન: પ્રસરશે.’ કાશ્મીર ખીણ પ્રદેશમાં આવેલા આ અકલ્પનીય પરિવર્તનનું શ્રેય ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાને જ જાય છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી.

મહાશિવરાત્રી પર્વના દિવસે એક અભૂતપૂર્વ ઘટના એ બની હતી કે છેલ્લા ત્રણ દાયકાઓથી હાડમારી ભરેલું જીવન જીવી રહેલા વિસ્થાપિત હિન્દુઓની રાહતછાવણીઓની રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી મહેબૂબા મુફ્તીએ મુલાકાત લીધી હતી. આવી સિદ્ધિ પ્રાપ્ત કરનારા તેઓ રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. કેમ કે અગાઉના સર્વ મુખ્યમંત્રીઓ આ નિરાશ્રિત હિન્દુ પરિવારોને રાજ્યની જનતા ગણતા જ ન હતા. મુખ્યમંત્રી મુફ્તીએ પુર્ખુ, મીઠુ, નાગરોટા અને બુટાનગરની નિરાશ્રિત છાવણીઓની શુભેચ્છા મુલાકાત લઈને સૌને મહાશિવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જગતીનગર વસાહતમાં તેમણે હિન્દુ નિરાશ્રિતો સાથે સારો એવો સમય વિતાવ્યો હતો અને મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કાશ્મીર ખીણપ્રદેશમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે મુસ્લિમો પણ ઇચ્છી રહ્યા છે કે અહીંથી હાંકી કાઢવામાં આવેલા હિન્દુઓ પાછા ફરે. હિન્દુ-મુસ્લિમ એકતાની ડંફાસો મારતી સેક્યુલર ગેંગ જે કામ ૩૦-૩૦ વર્ષોમાં ન કરી શકી તે કામ ૧૩ માસમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભાજપના રાષ્ટ્રવાદે કરી બતાવ્યું છે. ‘આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આપણે એ જ પ્રાર્થના કરીએ કે રાજ્યમાં પુન: શાંતિ સ્થપાય અને નિરાશ્રિત બનેલા સૌ પરિવારો પોતાનાં ગામોમાં પરત આવીને શાંતિથી રહી શકે.’ આ શબ્દો હતા રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના !!!

કાશ્મીર ખીણપ્રદેશમાં હિન્દુઓની હકાલપટ્ટી પછી થયેલી સ્થિતિનું વર્ણન કરતાં મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું હતું કે હિન્દુ અને શીખ સમાજ તો અહીંની સમૃદ્ધિનો ભંડાર હતા. તેઓ અહીંથી નિરાશ્રિત થઈને ગયા પછી આ સમૃદ્ધિ જમ્મુમાં ગઈ. અમે ઇચ્છીએ કે ખીણપ્રદેશ પંડિતોના પુનરાગમનથી પુન: સમૃદ્ધ બને. મહેબૂબા મુફ્તીના આ શબ્દો ભાજપને સાંપ્રદાયિક ગણતા સર્વ કોમવાદી પક્ષોને સણસણતા તમાચા સમાન હતા. રાજ્યના મુસ્લિમ યુવાનોએ પણ અનુભવ્યું છે કે રાષ્ટ્રવાદી વિચારધારાવાળી સરકાર આવવાથી વર્ષોથી બંધ પડેલાં સરસ્વતી ધામો પણ ખૂલ્યાં છે. તો કલ્યાણકારી દેવ મહાદેવજીના પર્વ મહાશિવરાત્રી પર્વથી ખીણપ્રદેશમાં વર્ષોથી અવાવરુ રહેલા નંદકિશોર ધામ સહિત અનેક મંદિરોમાં પણ ઘંટારવ અને આરતીના સૂરો ગુંજતા થયા છે. લાગે છે કે, ‘મોદી ઈફેક્ટ’ને કારણે આતંકવાદથી ગ્રસ્ત ખીણપ્રદેશ અને ત્રસ્ત સમાજ માટે ‘અચ્છે દિન’નું આગમન થઈ ચૂક્યું છે !!!