તલાક... તલાક... તલાક... ત્રિપલ તલાક : સ્મૃતિનાં પૃષ્ઠો
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭


૧૧ માર્ચ, ૨૦૧૭નો આખો શનિવાર યુપી તથા અન્ય રાજ્યોમાં થયેલ ચૂંટણીનાં પરિણામો જોવામાં વ્યસ્ત રહ્યો. યુપીનાં પરિણામો તથા ટીવી પર અપાતા પ્રતિસાદો જેમ જેમ જોતી ગઈ તેમ તેમ સ્મૃતિનાં પૃષ્ઠો પણ ઊઘડતાં ગયાં. હું સ્ક્રીન પર જોઈ રહી હતી - યુપીમાં આ વખતે નાતજાતનાં બધાં જ સમીકરણો ફગાવી દઈને મતદાતાઓએ મતદાન કર્યું હતું. આવતાં જતાં પરિણામો યુપીમાં ધર્મના આધારે મતોના ધ્રુવીકરણનો દાવો કરનાર વિપક્ષો તેમજ ટીવી ચેનલોને ખોટા પાડી રહ્યાં હતાં. ભલભલા પોલિટિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે જે પાર્ટી એકેય મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપે તે પાર્ટી કમ સે કમ યુપીના મુસ્લિમ મતવિસ્તારોના વોટ તો નહીં જ નહીં મેળવી શકે, પરંતુ બન્યું તેનાથી તદ્દન ઊલટું ! આમ કેમ થયું? એ પ્રશ્ર્નનો જવાબ પરદાનશીન મુસ્લિમ સ્ત્રીઓએ બીજેપીની તરફેણમાં કરેલ મતદાનમાં હતો. વર્ષો સુધી ખાવિંદને પોતાનો ખુદા માનીને તેની ઇચ્છા પ્રમાણે મતદાન કરી રહેલ મુસ્લિમ સ્ત્રીઓએ આ વખતે પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. ત્રિપલ તલાકના દોઝખમાંથી બહાર કાઢવાનું વચન આપતી પાર્ટીને તેમણે મત આપ્યો અને આ બધું બની ગયું મુસ્લિમ પુરુષોની જાણ બહાર ! પરદાનશીન મુસ્લિમ સ્ત્રીઓના મૌન સમર્થન તથા દૃઢ એક્શને વિચારપૂર્વક વોટ આપવાની જાણે એક નવી પરંપરા સર્જી !

‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ જેવા નારીવાદી લોકપ્રિય નારાનું એક જ્વલંત ઉદાહરણ એટલે ભારતીય મુસ્લિમ સ્ત્રીઓએ આ વખતે યુપીના ઇલેક્શનમાં કરેલ મતદાન. આ સ્ત્રીઓના જીવનમાં કોઈ એક એવો ભય હોય કે જે તેમને જીવનભર સતાવતો હોય, તો તે છે તલાકનો ભય. ‘ખાવિંદ ગમે તે ક્ષણે ‘તલાક, તલાક, તલાક’ એવું ત્રણ વાર ઉચ્ચારીને પત્નીને પોતાના જીવન તેમજ ઘરની બહાર કાઢી મૂકી શકે. વ્યક્તિગત જીવનની આ વિડંબણાનો તોડ આ વખતે મુસ્લિમ સ્ત્રીઓએ પોતાની પોલિટિકલ હેસિયત સ્થાપીને કર્યો છે.

આ સાથે મારી સ્મૃતિનાં પૃષ્ઠો ખૂલતાં જતાં હતાં. મને સ્મરી રહી હતી જુહાપુરામાં વસતી તસ્લીમબીબી (નામ બદલેલ છે). પેચવર્કની ચાદરો, ઓશીકાનાં કવર અને સાડીઓ બનાવવામાં નિપુણ આ બહેનને હું જુહાપુરામાં યોજાયેલ એક સીલાઈ મશીન વહેંચવાના કાર્યક્રમમાં વર્ષો પહેલાં મળી હતી. ધીમે ધીમે ઘરોબો વધતાં પારિવારિક જીવનની વાતો પણ શરૂ થયેલી. તે પોતાના પતિની ત્રીજી પત્ની હતી. જોવા જેવી વાત એ હતી કે વાત પેચવર્કની હોય, કે કમાણીની, તેનો અંત હંમેશા આ મુસ્લિમ બહેનના મનમાં ઘર કરી ગયેલ અસુરક્ષાની ભાવનાથી થતો. ઘરવખરી વસાવવામાં તેને રસ ન હતો. તે હંમેશ કહેતી, ‘મર્દ જાત કા ક્યા ભરોસા, કલ ઊઠ કે ‘તલાક, તલાક, તલાક’ બોલ દેગા. ઔર ઘર સે નિકાલ ફેંકેગા. ઐસે ઘર મેં ઘરવખરી બસાને કા ક્યા ફાયદા ?’ તેની વાતમાં દમ હતો...

* **

સ્મૃતિના એક અન્ય પૃષ્ઠ પર મને મારી વહાલી સહકાર્યકર બહેનપણી સ્મરે છે. કૉલેજમાં વ્યાખ્યાતાની નોકરીનાં પ્રારંભિક વર્ષોમાં મારી સાથે કામ કરતી બે સમવયસ્ક સ્ત્રીઓ સાથે ગાઢ મૈત્રી હતી. અમારી ત્રિપુટીમાંની એક ધર્મે મુસ્લિમ હતી. અમદાવાદના મુસ્લિમ સમાજમાં દબદબો ધરાવતા શિક્ષિત કુટુંબની દીકરી એવી અમારી બહેનપણી અંગ્રેજી માધ્યમમાં ભણેલી હતી. અમને જ્યારે પણ કોઈ એરિયર્સ કે એકસ્ટ્રા રકમ મળે ત્યારે અમારી આ બહેનપણી અમને જ્વેલર્સની દુકાનમાં ખેંચી જતી. ત્યાં જઈને જેટલી રકમ મળી હોય તેમાં થોડી વધારાની ઉમેરીને તે દાગીના ખરીદી લેતી. વળી અમને બંનેને પણ તે દાગીના ખરીદવાનું કહ્યા કરતી, પરંતુ અમારા બંનેનું વર્તન મુસ્લિમ બહેનપણી કરતાં તદ્દન ભિન્ન હતું. અમે વધારાની રકમ મળતાંની સાથે ઘર માટે કોઈ કલાત્મક વસ્તુ કે રસોડાને ઉપયોગી ચીજવસ્તુ ખરીદતાં. અમારા આ વર્તનને પેલી મુસ્લિમ બહેનપણી હંમેશા વખોડતી. છેવટે એક વખત અમે બંને બહેનપણીઓએ નક્કી કર્યું કે અમારી મુસ્લિમ બહેનપણીને અમારા મનની વાત કરવી અને અમે તેને ટોકી. એને ઘરેણાં ખરીદતાં રોકીને કહ્યું, ‘તારા ઘરે આવીએ છીએ ત્યારે સારાં કપ-રકાબી કે ટ્રે પણ નથી હોતાં. તારા રસોડામાં એલ્યુમિનિયમનાં વાસણો વપરાય છે. પડદાના કલર ઝાંખા થઈ ગયા છે, અને તોય તું પોતાના ઘરેણાના શોખ પૂરા કરવામાંથી ઊંચી આવતી નથી ?’ અમારી ટકોર સાંભળીને પેલી મુસ્લિમ બહેનપણી થોડી ગંભીર થઈ ગઈ અને બોલી, ‘મને સલાહ આપવા નીકળી છો પણ તમને ખબર છે કે મુસ્લિમ સ્ત્રીનું જીવન એટલે શું? તેનો તો એકમાત્ર આધાર તેનાં ઘરેણાં હોય છે. પતિ ‘તલાક, તલાક, તલાક’ બોલે એટલે પતિ સાથે ઘર અને ઘરવખરી બધું જ પારકું થઈ જાય. ફક્ત સાથે રહે તો એકમાત્ર સ્ત્રીધન.’ તેનો આ જવાબ સાંભળીને અમે બંને બહેનપણીઓ અવાક થઈ ગઈ. મારા મને પ્રશ્ર્ન કર્યો, ‘સતત ઝળુંબતી આવી અસુરક્ષિતતા સાથે કોઈપણ સ્ત્રી પોતાના પતિ સાથે કઈ રીતે જીવી શકે? ઘરને કેવી રીતે પ્રેમ કરી શકે ? એમાંય વળી, સુશિક્ષિત, સંસ્કારી અને સુંદર મારી બહેનપણી જેવી સ્ત્રી આવું કઈ રીતે સહન કરતી હશે !’

* **

સ્મૃતિનું એક ઓર પૃષ્ઠ ખૂલી રહ્યું છે અને મને સંભળાય છે અંગ્રેજી સાહિત્યના સશક્ત હસ્તાક્ષર સમા કમલા દાસના શબ્દો. ‘એક લેખિકાનું જીવન એટલે જાણે જાહેર જગ્યાએ ફોક્સ લાઈટની બરાબર નીચે ગોઠવેલ પારદર્શક કાચના બાઉલમાં મૂકેલ સોનેરી માછલીનું જીવન. તે માછલીની નાનામાં નાની હલચલને સમગ્ર જનતા જુએ છે.’


આવા શબ્દોમાં કવિજીવનની વાત કરનાર ‘માય સ્ટોરી’ (૧૯૭૬) નામક અતિ લોકપ્રિય તેમજ તેટલી જ ચકચાર મચાવનાર આત્મકથાનાં લેખિકા કમલા દાસે પોતાના આત્મલેખનમાં પ્રેમની ખોજને કેન્દ્રસ્થાન આપ્યું. પ્રેમ પામવાના તેમના અગણિત પ્રયાસો અને સંબંધોની વાત તેમણે મોકળે મને કરી. તેમની આ મોકળાશમાં ક્યાંય છોછ ન હતી. સ્ત્રીજાતના મન, બુદ્ધિ તથા કલમની આવી મોકળાશે તેમને ચર્ચાસ્પદ બનાવી મૂકેલાં. કેરળના હિન્દુ સમાજે તેમનો ઘોર વિરોધ પણ કરેલો, પરંતુ તેમ છતાં પરિણીત હોવાના સામાજિક સ્ટેટસ તથા પતિની હયાતીએ તેમને આંચ આવવા દીધી નહોતી.

પતિના મૃત્યુ બાદ કેરળમાં ૨૦ વર્ષ મૃત:પ્રાયપણે જીવન જીવી રહેલાં કમલા દાસ અચાનક જ જગચર્ચાનો વિષય બની ગયેલાં. આ એ જ કમલા દાસ હતાં કે જેમણે લખ્યું કે ‘જીવનસરોવરમાં પ્રેમકમળ ખીલવવાની’ તેમની અભીપ્સા ક્યારેય મરી પરવારે તેમ નહોતી. વિધવા જીવન જીવી રહેલ કમલા દાસના જીવનમાં સાદિક અલી નામક ઇસ્લામિક સ્ટડીઝના એક્સપર્ટે પ્રવેશ કર્યો. પોતાની જાતને શુદ્ધ હિન્દુ તેમજ કૃષ્ણભક્ત માનતાં કમલા દાસને મ્લેચ્છને સ્પર્શ કરવાની પણ સૂગ હતી, પરંતુ સાદિકના અવાજનો જાદુ, તેની ઉર્દૂ શાયરીનો નશો અને ૨૦ વર્ષથી સુકાઈ ગયેલ જીવનસરોવરમાં પ્રેમકમળ ખીલવવાની સંભાવનાએ ૬૭ વર્ષનાં કમલા દાસને મોહી લીધાં. પ્રેમીના આમંત્રણથી તેના આવાસે ત્રણ દિવસના સહચર્ય પછી કાર દ્વારા કોચીન પાછાં ફરી રહેલાં કમલા દાસે લખ્યું છે, ‘મેં મારી સાથોસાથ સફર કરી રહેલ એ વિશેષ દિવસના સૂર્યના અંતિમ કિરણની સાખે ઇસ્લામ ધર્મ અંગિકાર કરવાનો નિર્ણય કર્યો.’ પ્રેમકમળ ખીલવવા માટે ધર્મ પરિવર્તનની શરત તેમના પ્રેમીએ મૂકી હતી અને ઘરે પહોંચીને બીજે દિવસે એટલે કે ૧૧ ડિસેમ્બર, ૧૯૯૯ની સવારે એક નાનકડા ધર્મ પરિવર્તન સમારંભમાં તેઓ કમલા દાસમાંથી કમલા સુરૈયા બની ગયાં. તેમણે બુરખો પહેરી લીધો.

આ ઘટનાએ સમગ્ર કેરળમાં ચકચાર મચાવી દીધી. એક લબ્ધપ્રતિષ્ઠિત હિન્દુ કવયિત્રીનું ધર્મપરિવર્તન તેના કુટુંબ, સાહિત્યકારો તથા સમાજ માટે ચિંતાનો વિષય હતાં. તેમના જીવનને હવે ખતરો હતો અને તેથી તેમના આંગણે પોલીસકર્મીઓ ખડકાઈ ગયા, પરંતુ આ બધા વચ્ચે કમલા સુરૈયા પોતાના નવા જીવનમાં વ્યસ્ત હતાં. તેઓ ઇસ્લામ ધર્મના પ્રતિનિધિ તરીકે મુસ્લિમ દેશોમાં ભાષણ આપવામાં વ્યસ્ત બની ગયાં ! આવું જ એક ભાષણ આપીને કતારથી કેરળ પાછાં ફરી રહેલાં કમલા સુરૈયાએ જાણે વિમાનની પાંખેથી પોતાના પ્રેમી પતિને ઉમળકાથી ફોન કર્યો, પરંતુ સામે પક્ષેથી કોઈપણ પ્રકારની પૂર્વભૂમિકા વગર ત્રણ શબ્દો જ સંભળાયા. ‘તલાક, તલાક, તલાક !’ આ શબ્દો સાંભળતાંની સાથે જાણે કમલા સુરૈયા ઊંચા આકાશેથી ધરતી પર પછડાયાં. આ કારમો દિવસ તેમના જીવનને એક વ્યથા-કથામાં બદલી ગયો. પોતાની બહેનપણી તેમજ ચરિત્રલેખક મેરીલી વેઈસબોર્ડને સંબોધીને લખેલ આ દિવસો દરમિયાનના પત્રમાં કમલા સુરૈયા લખે છે, ‘પ્રેમ ખાતર આ ઉંમરે મારા દીકરાની ઉંમરના પુરુષથી હું છેતરાઈ ગઈ તેનો મને ખેદ છે. આખા જીવનભરનો યશ માટીમાં મળી ગયો ! પ્રેમ નામની મૃગતૃષ્ણા સ્ત્રીને કેવા વધસ્તંભ પર ચઢાવી દેતી હોય છે !’

* **

તા.ક. એ નિરક્ષર હોય કે સાક્ષર, ગૃહિણી હોય કે નોકરિયાત, વિદુષી હોય કે કવયિત્રી, પ્રત્યેક મુસ્લિમ સ્ત્રીના જીવનનું એકમાત્ર દુ:સ્વપ્ન એટલે ત્રિપલ તલાક ! હવે એ પ્રથાનો અંત લાવવો જરૂરી નહીં, અનિવાર્ય છે અને એ અંતનો આરંભ થઈ ચૂક્યો છે.