વિધાનસભા જનાદેશ - ૨૦૧૭
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭

 ચાર રાજ્યોમાં ભાજપના અને એકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી


પાંચ રાજ્ય-વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો અંગે ભારે ઉત્તેજના પ્રવર્તતી હતી. હોલિકા-દહનની પૂર્વસંધ્યાએ જાણે કે જન-આક્રોશનો નરસિંહ પ્રગટ્યો અને સંકીર્ણતા, ક્ષુદ્રતા, નકારાત્મકતા, વિચ્છિન્નતા અને વિભાજકતાનાં પરિબળોની હોલિકાનું દહન થઈ ઊઠ્યું ! આમ તો પાંચેય રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરની વિધાનસભાઓની ચૂંટણી હતી, પરંતુ મીડિયાએ જાણે કે આ ચૂંટણીઓ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ-કર્તૃત્વ અંગેનો મધ્યાવધિ લોકમત હોય એ રીતે ઉત્તેજના ખડી કરી હતી ! રાજકીય-પંડિતોએ તો આ પાંચ રાજ્ય-વિધાનસભાઓની ચૂંટણીઓને, ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પૂર્વેની સેમિ-ફાઈનલ પણ જાહેર કરી દીધી હતી !
હકીકતે ૨૦૧૭ની પ્રસ્તુત ચૂંટણીઓ તો, પાંચેય રાજ્યોની વિવિધ પક્ષોની સરકારો અને તેના મુખ્યમંત્રીઓ અંગેનો લોકમત-રેફરેન્ડમ હતો. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરની સરકારો - અનુક્રમે સમાજવાદી પાર્ટીની અખિલેશ સરકાર, ઉત્તરાખંડની કોંગ્રેસ પાર્ટીની હરીશ રાવતની સરકાર, પંજાબની અકાલીદળની પ્રકાશસિંહ બાદલ સરકાર, ગોવાની ભાજપાની લક્ષ્મીકાંત પર્સીકર સરકાર તેમજ મણિપુરની કોંગ્રેસની ઓકરામ ઇબોદિપસિંહ સરકાર અંગેનો આ લોકચુકાદો હતો અને પાંચેય રાજ્યોની એ તમામ સરકારો વિરુદ્ધનો આ લોકચુકાદો આવ્યો છે, એવી સાદી-સીધી વાતને રાજકીય-પંડિતોએ અને ઉત્તેજના ફેલાવવામાં રસ ધરાવતા મીડિયાએ આખીયે બાબતને અવળે પાટે ચઢાવવાના દુષ્પ્રયાસો કર્યા છે.
ભારત જેવા વિશાળ રાષ્ટ્ર-રાજ્યમાં- આપણા સમવાયી માળખામાં; વિવિધ ઘટક-રાજ્ય એકમોની વિધાનસભાઓ માટેની ચૂંટણીઓ સમય સમય પર યોજાતી જ રહે છે. ગયા વર્ષે પણ એમ થયેલું. આગામી સમયમાં પણ ગુજરાત, કર્ણાટક જેવાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ યોજાશે. તો પ્રત્યેક રાજ્ય-વિધાનસભાની ચૂંટણી, એ કાંઈ ભારતના પ્રધાનમંત્રી અંગેનો લોકમત કે લોકચુકાદો હોઈ શકે નહીં. શ્રી મોદીજીની સરકારને હજુ આશરે પોણા ત્રણ વર્ષ થયાં છે. સવા બે વર્ષની કામગીરી હજુ બાકી છે. ત્યાર બાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જ, મોદીજીની સરકાર અંગેનાં લેખાં-જોખાં‚પ લોકચુકાદો કે જનાદેશ હોઈ શકે. આમ છતાંય આ પાંચેય રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં; વિશેષ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પ્રધાનમંત્રી મોદીજીએ ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર અભિયાન ચલાવ્યું, છેલ્લે વારાણસીના તેમના મતક્ષેત્રમાં ત્રણ દિવસ સુધી સઘન ચૂંટણી ઝંઝાવાત સર્જ્યો, એ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને સંકુલ રાજ્યમાં મોદીજીની લોકપ્રિયતા, ચૂંટણી સંદર્ભમાં વિરોધીઓ માટે ત્સુનામી સર્જી શકે છે, એ ૨૦૧૪ પછી ફરી એક વખત સિદ્ધ થયું છે. કુલ બેઠકોમાં અપૂર્વ સરસાઈ અને મતસંખ્યામાં પણ ઉપર હાથ જોતાં, મીડિયાએ જેને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની ‘સેમી-ફાઈનલ’ ગણાવી છે; તેમાં ભાજપા અને મોદીજી અનુક્રમે મેન ઑફ સિરીઝ અને મેન ઑફ ધ મેચ પુરવાર થયાં જ છે !
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી - કોંગ્રેસના કજોડાને, જાગ્રત મતદારોએ કરારી શિકસ્ત આપી છે. આ અપૂર્વ પરિણામોથી સપા-બસપા-કોંગ્રેસને તમ્મર આવી ગયાં છે. જ્યારે મુલાયમસિંહના મુસ્લિમબહુલ ગઢમાં કુલ ૩૫ બેઠકોમાંથી ભાજપાએ ૧૭ બેઠકો છીનવી લીધી છે ! માયાવતી-બસપાની લોકસભા ચૂંટણી વખતથી શરૂ થયેલી ઊલટી ગિનતી આ ચૂંટણીમાં પણ બરકરાર રહી છે. માયાવતીની દલિત-મુસ્લિમ વોટબેન્ક લુંટાઈ ગઈ છે ! ઉત્તર પ્રદેશનો આ જન-આક્રોશ સમજવા લાયક છે. બસપા-સપાના એક દાયકાના કુશાસન દરમ્યાન ભ્રષ્ટાચાર, ગુંડાગર્દી, અરાજકતાનાં, રાષ્ટ્ર વિરોધીઓનાં, લઘુમતીવાદનાં, જ્ઞાતિવાદ-જાતિવાદનાં તમામ નકારાત્મક પરિબળોએ; ઉત્તર પ્રદેશની જનતા ઉપર અત્યાચારોની પરિસીમા સર્જી હતી ! ઉત્તર પ્રદેશની રાષ્ટ્રપ્રેમી-જનતાંત્રિક મૂલ્યોમાં આસ્થા રાખનારી જાગ્રત જનતાએ; ઉત્તર પ્રદેશમાં વ્યાપક બનેલા દાયકા જૂના રાજકીય કીચડને જાકારો આપીને, એ રાજનીતિના કીચડમય સરોવરમાં સવા ત્રણસો ‘કમળ’ ખીલવી જાણ્યાં છે ! આ જ્વલંત સફળતા માટે ઉત્તરપ્રદેશ ભાજપાના સહસ્રાવધિ સંનિષ્ઠ કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને રણનીતિના કુશળ ઘડવૈયા શ્રી અમિતભાઈ શાહ અને દેશજનતાના હૃદયકમળમાં બિરાજમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અભિનંદનીય છે ! ઉત્તરાખંડમાં પણ ઉત્તરપ્રદેશ જેવી જ અપૂર્વ સફળતા ભાજપાને પ્રાપ્ત થઈ છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેદારનાથ તીર્થસ્થાનમાં આવેલી પ્રાકૃતિક મહા આપદા વેળાએ, તત્કાલીન કોંગ્રેસ સરકારે જે ગુન્હાહિત નિષ્ક્રિયતા દાખવી હતી અને ત્યાર પછી પણ જે રીતે ત્યાંની કોંગ્રેસ સરકારે ગેરવહીવટ અને ભ્રષ્ટાચરણ કર્યું હતું તેને કારણે ઉત્તરાખંડની કોંગ્રેસ સરકારને કરારી હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષ બાદ સત્તાનું પરિવર્તન થતું રહે છે, પરંતુ ૨૦૦૭ પછી ૨૦૧૨માં પણ પંજાબમાં અકાલી-ભાજપાની સરકાર પુન: સત્તાસ્થાને આવી હતી. પરિણામે બાદલ-સરકારની અનેક સિદ્ધિઓ છતાંય સરહદી રાજ્ય પંજાબમાં આ ચૂંટણીમાં ડ્રગ્સ, ભ્રષ્ટાચરણ અને ગેરવહીટના મુદ્દાઓ સપાટી ઉપર રહ્યા. પરિણામે અકાલી-ભાજપા જોડાણને ગંભીર ફટકો પડ્યો. પંજાબમાં કેપ્ટન અમરીંદરસિંહના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે, કોંગ્રેસનું સત્તામાં પુનરાગમન થયું છે, જેનાથી મૃતપ્રાય: થઈ રહેલી કોંગ્રેસને ઓક્સિજન મળવા જેવું થયું છે ! અહીં દિલ્હીની નિષ્ફળતા પછી ‘થાઉં-થાઉં મુખ્યપ્રધાન’ - આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના હવાઈ તુક્કા; મુંગેરીલાલના સપના જેવા હાસ્યાસ્પદ બની રહ્યાં છે ! પંજાબમાં બીજા નંબરે આવીને આમ આદમી પાર્ટી માટે મુખ્ય વિપક્ષ જ બની રહેવાનું સર્જાયું છે. ગોવામાં તો ‘આમ’ પાર્ટીનું ખાતું પણ ખોલી શકાયું નથી. પરિણામે આ ચૂંટણીઓ પછી, ‘આમ’ પાર્ટી અખિલ ભારતીય સ્તરે છલાંગ લગાવશે એવી કેજરીવાલની મહત્ત્વાકાંક્ષા ચૂરચૂર થઈ ગઈ છે!
ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ નથી. શાસક ભાજપાના મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા છે. ગોવાથી મનોહર પર્રિકર દિલ્હી ગયા તેની નુકસાની ભાજપાને વેઠવી પડી છે. ગોવામાં કોંગ્રેસ પાર્ટી ભાજપાથી આગળ રહી હોવા છતાંય, ભાજપાએ અન્ય સ્થાનિક પાર્ટીઓનું સમર્થન મેળવવામાં જે સ્ફૂર્તિ અને ઝડપ દાખવી, તેના મુકાબલે કોંગ્રેસ પાર્ટી અનિર્ણિતતા અને પ્રમાદિતાનો શિકાર બની છે, એ પુન: સિદ્ધ થયું. જો કે ભાજપાને ગોવામાં જે આંચકો લાગ્યો છે, તેનાથી પરિસ્થિતિ સુધારી લેવા માટે, કેન્દ્રમાંથી સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પર્રિકરને ગોવાનો ગઢ સાચવી રાખવા તાબડતોબ મોકલવા પડ્યા છે. પર્રિકર ૨૨ મત સાથે વિશ્ર્વાસનો મત જીતી જતાં, હવે ગોવામાં પાંચ વર્ષ ભાજપા-ગઠબંધનનું શાસન રહેશે. ગોવામાં સુશાસન પ્રદાનનો મોટો પડકાર છે. ભાજપા માટે પડકારને તકમાં રૂપાંતરિત કરવાનું કૌવત દાખવવાનું અહીં નિમંત્રણ છે...
ઈશાન ભારત-ઉત્તરપૂર્વ એ ભારતનો એ પ્રદેશ-વિશેષ છે, જ્યાં આસામ અને સાત ભગિની-પ્રદેશમાં સ્વાતંત્ર્યનાં સિત્તેર વર્ષ પછી પણ અનેકવિધ સમસ્યાઓ છે. ચીન-બાંગ્લાદેશના સીમાવર્તી આ ક્ષેત્રમાં દેશની સલામતી, એકતા-અખંડતા અને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં આ ક્ષેત્ર-વિશેષને સમરસ કરવાની બાબતને લઈને; ઘણી જટીલ અને નાજુક પરિસ્થિતિયુક્ત સમસ્યાઓ છે. આસામમાં ભાજપાના જ્વલંત વિજય પછી, અરુણાચલમાં અને હવે મણિપુરમાં પણ ભાજપાની સ્થાનિક પાર્ટીઓ સાથેની ગઠબંધન સરકાર રચાઈ છે. અહીં કોંગ્રેસ પાર્ટીએ સત્તા ગુમાવી છે. સહુથી મોટી પાર્ટી બન્યા છતાંય, કોંગ્રેસ પાર્ટી ગોવાની જેમ મણિપુરમાં પણ સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરી શકી નથી. ભાજપાએ મણિપુરમાં પહેલવહેલું ખાતું ખોલાવ્યા સાથે જ સત્તા હસ્તગત કરી છે. મોદીજીની ‘લુક-ઈસ્ટ’ પોલિસી સંદર્ભમાં ઉત્તર-પૂર્વના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપાની આગેકૂચથી, આ સંવેદનશીલ સરહદી ક્ષેત્રમાં રાષ્ટ્રીય-એકતા અખંડતા-સમરસતાનાં પરિબળો વેગવાન બનશે તેમ અવશ્ય કહી શકાય....
એકંદરે આ પાંચેય રાજ્ય-વિધાનસભાની ચૂંટણીઓ દ્વારા ભાજપાના ચાર મુખ્યમંત્રીઓ બન્યા છે. જ્યારે પંજાબને કારણે કોંગ્રેસને એક મુખ્યમંત્રીપદ મળી શક્યું છે. પાંચેય રાજ્યોની કુલ ૬૯૦ વિધાનસભા બેઠકોમાંથી ભાજપ-ગઠબંધનને ૪૩૪ બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ-ગઠબંધનને માત્ર ૧૫૯ બેઠકો મળવાથી કોંગ્રેસ સંકોચાઈ ગઈ છે !
પાંચેય રાજ્યોની વિધાનસભાઓમાં એકંદરે ભાજપાનું પ્રભાવક્ષેત્ર વિસ્તર્યું છે. કેસરિયો લહેરાઈ ઊઠ્યો છે ! રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, માયાવતી, કેજરીવાલ જેવા નેતાઓનું ભવિષ્ય પણ સવાલિયા નિશાનનો ભોગ બની રહેલ છે ઍ ભાજપા માટે આ જ્વલંત વિજય અને પ્રચંડ જનાદેશ, મોટી જવાબદારી પણ બની ગયેલ છે. એના યથાયોગ્ય નિર્વહન દ્વારા જ, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અને તે અગાઉ જુલાઈ ૨૦૧૭ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં; ભાજપા અંગદ-કદમ પ્રસ્થાપિત કરી શકશે. ભાજપાની પક્ષ તરીકે, તે ઉપરાંત ભાજપાના કાર્યકર્તાઓ માટે અને તેના રાષ્ટ્રીય નેતૃત્વ માટે પણ આ પરિણામોથી મોટી કસોટી થવાની છે. પડકારને પ્રગતિની રૂપાંતરકારી પ્રક્રિયામાં ફેરવી દઈને ભાજપા, ભારતીય જનતંત્રનું ગૌરવ પ્રસ્થાપિત કરવા સાથે, ભારતીય રાષ્ટ્ર-રાજ્યની સુરક્ષા, સંવર્ધન અને સમૃદ્ધિની મજબૂત નીવ પણ પ્રસ્થાપિત કરી શકશે. પાંચેય રાજ્ય-વિધાનસભાઓનાં ચૂંટણી પરિણામોથી, રાષ્ટ્ર-જીવનમાં વાસંતી નવચેતના અને બસંતી-ચોલાના પરિધાનનો કોકિલ-સ્વર સંભળાઈ
રહ્યો છે...!

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સૂચક સંકેતો...

ઉત્તર પ્રદેશમાં મોટા ઉપાડે સમાજવાદી પાર્ટી - કોંગ્રેસનું છેલ્લી ઘડીએ, ઘડિયા લગ્ન જેવું ગઠબંધન ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પરિણામોમાં સપા-કોંગ્રેસને કરારી હાર મળતાં, યુપીની રાષ્ટ્રપ્રેમી અને જનતાંત્રિક મૂલ્યોમાં નિષ્ઠા રાખનાર જનતાએ સપા-કોંગ્રેસનું એ ‘ઠગ-બંધન’ હતું એ સ્પષ્ટ કરી બતાવ્યું છે ! ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ પ્રભાવવાળી ડઝનબંધ બેઠકોમાં પણ ભાજપાનો જ્વલંત વિજય થયો છે. તેને કારણે કથિત બૌદ્ધિક-લિબરલ-સેક્યુલર જમાતના હોશકોશ ઊડી ગયા છે. તો સપા-કોંગ્રેસના શાહજાદાઓ અખિલેશ-રાહુલ માટે તો યુપીનાં ચૂંટણી પરિણામોએ અસ્તિત્વનો પડકાર ઊભો કર્યો છે. ઉત્તર પ્રદેશના શિયા મુસ્લિમો, તીન તલાકના આતંકથી ત્રસ્ત મુસ્લિમ બાનુઓ અને સુશિક્ષિત મુસ્લિમ યુવક-યુવતીઓએ મોદીજીની વિકાસની-આધુનિકતાની, ડિજિટલ ઇન્ડિયાની અપીલને વ્યાપક સમર્થન આપ્યું હોવાના સંકેતો, મુસ્લિમ-બહુલ મતક્ષેત્રોમાં ભાજપાની વિજયી-લહેરમાં જોઈ શકાય છે.
ઉત્તરપ્રદેશનો ચૂંટણી-પ્રચાર જેમ જેમ ચરમસીમાએ પહોંચી રહ્યો ત્યારે, કથિત સેક્યુલર-બ્રિગેડને અખિલેશ રાહુલના બચકાનાં-છીછરાં ઉચ્ચારણો પણ પ્રસન્નકર લાગી રહ્યાં હતાં ! સપા-કોંગ્રેસ ગઠબંધનથી યુપીમાં પણ ‘બિહારવાળી’ થશે અને મોદી-ભાજપાને કરારી હાર મળશે તેવી આગાહી આ કથિત સેક્યુલર-લિબરલ જમાત તેમજ મીડિયાનો એક વર્ગ કરવા લાગેલો. પરંતુ ઉત્તર પ્રદેશનાં ચૂંટણી પરિણામોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, રામ-કૃષ્ણ અને ભોલેનાથ-કાશી વિશ્ર્વનાથની આ ગંગા-જમુના સંસ્કૃતિથી સંસ્કારિત થયેલી ઉત્તર પ્રદેશની રાષ્ટ્રપ્રેમી-જનતાંત્રિક મૂલ્યોમાં પૂર્ણનિષ્ઠા ધરાવતી જનતાએ - પ્રબુદ્ધ મતદારોએ; સપા-બસપા કોંગ્રેસના પરિવારવાદ, તકવાદ, ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર, કુશાસન, વિઘટનકારી, રાષ્ટ્રીય એકતા-અખંડતા માટે ગંભીર ખતરા‚પ જેહાદી તત્ત્વોના તુષ્ટીકરણની નીતિ-રીતિને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીના સાતેય તબક્કાઓમાં; પશ્ર્ચિમથી પૂર્વાંચલ સુધીના સંપૂર્ણ ઉત્તરપ્રદેશમાં ભાજપાના કેસરિયા રંગના ઉમંગપૂર્વક વધામણાં કરીને, હોળી-દિવાળીની એકી સંગાથે ઉજવણી કરીને, ભારત માતા કી જય અને વંદેમાતરમ્ના રાષ્ટ્રીય નારાને બુલંદ બનાવ્યો છે. નહીં કોઈનું તુષ્ટીકરણ, ‘નહીં કોઈનું અયોગ્ય પુષ્ટીકરણ’ના અભિગમ સાથે ભાજપનો વિકાસ-મંત્ર સર્વત્ર ગુંજી ઊઠ્યો છે. અયોધ્યા-મુથરા-કાશીનાં આપણાં પુણ્ય-પવિત્ર શ્રદ્ધા-કેન્દ્રો ઉપરથી હજાર વર્ષની વિદેશી ગુલામીનાં પ્રતીકો દૂર કરીને, પૂર્ણ સ્વરાજનો રાવી-કિનારે લેવાયેલો પ્રતિજ્ઞા-મંત્ર સાકાર-સફળ કરવાના ઐતિહાસિક અવસરના સ્વાગતમાં, માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં આસેતુ-હિમાચલ ભારતની ૧૨૫ કરોડ જનતા થનગની રહી છે !


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ

દેવભૂમિ ઉત્તરાખંડમાં ૫ જૂન, ૧૯૭૨ના રોજ જન્મેલા, યોગી આદિત્યનાથનો બાવીસ વર્ષની યુવાન વયે જ, ઉત્તરપ્રદેશના સુપ્રસિદ્ધ શ્રી ગોરક્ષનાથ મંદિરના પીઠાધીશ તરીકે તત્કાલીન મહંત શ્રી અવૈદ્યનાથજીના વરદ હસ્તે દીક્ષાભિષેક કરવામાં આવ્યો.. મહાસુદ પંચમી - વસંત પંચમી સંવત ૨૦૫૦- ૧૫ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ નાથ - સંપ્રદાયની વિશ્ર્વ પ્રસિદ્ધ ગોરખનાથ પીઠના સૂત્રધાર બન્યા પછી, યોગી આદિત્યનાથે પરંપરાગત સંન્યાસીના ઔપચારિક ક્રિયાકલાપથી ખૂબ આગળ વધી, સનાતન હિન્દુ ધર્મના શાશ્ર્વત સિદ્ધાંતોના અભ્યાસ, પ્રચાર-પ્રસારમાં સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું.
યોગી શ્રી આદિત્યનાથે હિન્દુ ધર્મસંસ્કૃતિના અધ્યયન અને સંશોધન સાથે લેખન પ્રવૃત્તિનો પણ આરંભ કર્યો. ‘યૌગિક ષટકર્મ’, ‘હઠયોગ : સ્વ‚પ એવં સાધના’, ‘રાજયોગ : સ્વરૂપ એવં સાધના’ તથા ‘હિન્દુ રાષ્ટ્ર નેપાલ’ જેવાં પુસ્તકોનું લેખનકાર્ય પણ યોગીજીએ કર્યું છે. શ્રી ગોરખનાથ મંદિર દ્વારા પ્રકાશિત વાર્ષિક પ્રકાશન ‘યોગવાણી’ના મુખ્ય સંપાદક ઉપરાંત, ‘હિન્દવી’ સાપ્તાહિક સમાચાર પત્રના પણ તેઓ મુખ્ય સંપાદક તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.
લોકસભા ચૂંટણી ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં પણ યોગી શ્રી આદિત્યનાથ ગોરખપુર લોકસભા બેઠક પરથી, ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. સંસદની અનેકવિધ સમિતિઓમાં પણ યોગીજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
હિન્દુ ધર્મમાં રહેલી કેટલીક વિકૃતિઓ સામેની લડાઈમાં હિન્દુ ધર્મના પુન:જાગરણ, સામાજિક સમરસતા, અસ્પૃશ્યતા-નિવારણ, મહિલા ઉત્કર્ષ, દીન-દુખીની સેવા, આરોગ્ય સેવાઓ, જનસુવિધા, સમાજમાં ઉપદ્રવકારી બાહુબલી અપરાધીઓથી આમજનતાની સુરક્ષા, બહેન-બેટીઓનું સન્માન ગોરખપુર સહિતના ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રમાં વિકાસનાં કાર્યો, યુવકોમાં ધર્મજાગરણ, નૈતિક મૂલ્યોના પ્રચાર-પ્રસાર જેવાં કાર્યો પણ શ્રી યોગી આદિત્યનાથની મહત્ત્વની કામગીરીમાં ગણાવી શકાય. યોગી આદિત્યનાથની બહુઆયામી પ્રતિભાથી આકર્ષિત-પ્રભાવિત યુવા-પેઢી; યોગીજીની યુવા-વાહિનીમાં સક્રિય બની રહેલ છે. સમાજવિરોધી, રાષ્ટ્રવિરોધી, જેહાદી-આતંકી પરિબળો, યોગી આદિત્યાનાથનું નામ પડતાં જ થથરી ઊઠે, એવી સંકલ્પબદ્ધ પ્રતિભા એટલે યોગી આદિત્યનાથ !
સ્વરાજનાં સિત્તેર વર્ષ પછી, દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કથિત ધર્મનિરપેક્ષતાના નામે ફેલાયેલી વિકૃત વોટ બેન્ક પોલિટિક્સની વિભાજનકારી વૃત્તિ-પ્રવૃત્તિ સામે યોગી આદિત્યનાથની રાષ્ટ્રવાદી, ધર્મનિષ્ઠ-યોગીની પ્રતિભાને કારણે; આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશની રાજનીતિ અને જાહેરજીવનમાં ‚પાંતરકારી પરિવર્તન જોવા મળે તેવા તમામ સંકેતો મળી રહ્યા છે. યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી પદે વરણી કરીને, ભાજપાએ વિકૃત સેક્યુલરવાદ સામે ‘રૂક જાવ’ની લાલબત્તી ધરી છે, તેમ કહી શકાય ! ઉત્તરપ્રદેશ - ભારતના હાર્દ-પ્રદેશ એવા ઉત્તરપ્રદેશને દેશના ઉત્તમ પ્રદેશમાં ‚પાંતરિત કરવાની જન-આકાંક્ષા સાકાર થઈ રહે તે માટે આજની પ્રસન્નકર ક્ષણોમાં યોગીજી શ્રી આદિત્યનાથને અભિનંદન સહ - શુભકામનાઓ !


ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પર્રિકર

૧૩ ડિસેમ્બર ૧૯૫૫માં જન્મેલા શ્રી મનોહર પર્રિકર, ગોવાના ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક શ્રી મનોહર પર્રિકરે, જાહેરજીવનમાં ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકરમાંથી પ્રદેશ કક્ષાએ અને આગળ જતાં રાષ્ટ્રીય સ્તરે પણ તેજસ્વી નેતૃત્વ-કર્તૃત્વનો પરિચય આપ્યો છે.
આઈ.આઈ.ટી. ગ્રેજ્યુએટ શ્રી મનોહર પર્રિકર ગોવાના ચૌથી વખત મુખ્યમંત્રી બન્યા છે. ૨૪ ઑક્ટોબર ૨૦૦૦ના રોજ શ્રી પર્રિકર સર્વ પ્રથમવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા. કેન્સરગ્રસ્ત પત્નીના સ્વર્ગવાસ પછી, બે પુત્રોના ઉછેરની જવાબદારી વચ્ચે પણ, શ્રી પર્રિકરે દૃઢ સંકલ્પ અને ધ્યેયનિષ્ઠાપૂર્વક મુખ્યમંત્રીપદની જવાબદારીનું યશસ્વી નિર્વહન કર્યું છે. શ્રી પર્રિકર અત્યંત કુશળ વહીવટકર્તા, સાદું જીવન અને ઉચ્ચ વિચારોના પ્રતીક બની રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી પણ શ્રી પર્રિકર મોંઘી ગાડીને બદલે સ્કૂટર ઉપર વિધાનસભામાં અને કાર્યાલયમાં પહોંચતા હતા.
૧૯૯૪માં શ્રી પર્રિકર ગોવા વિધાનસભામાં ચૂંટાયા, ૧૯૯૯માં તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા પછી બે વર્ષમાં જ તેમને પદત્યાગ કરવો પડેલો. (પક્ષના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપતાં તેઓની સરકાર લઘુમતીમાં આવી ગયેલી) ત્યાર પછી ગોવામાં કોંગ્રેસના પ્રતાપસિંહ રાણા અને દિગંબર કામતની સરકારો રચાઈ.
ત્યાર પછી ૨૦૧૨ની ચૂંટણીમાં શ્રી પર્રિકર ફરીથી મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગોવાની બન્ને બેઠકો ભાજપાને મળી. કેન્દ્રમાં શ્રી મોદીજીની સરકારની રચના થયા પછી શ્રી પર્રિકર સંરક્ષણમંત્રી બન્યા.
૨૦૧૭ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નહીં. આ સંદર્ભમાં અન્ય સ્થાનિક પક્ષોનો એવો આગ્રહ હતો કે શ્રી પર્રિકર મુખ્યમંત્રી બનવા તૈયાર થાય તો જ એ સહુ ભાજપાની સરકારને બહુમતી મેળવવામાં સહકાર આપશે. પરિણામે એક રાતમાં જ ઝડપી નિર્ણય કરીને શ્રી પર્રિકરને દિલ્હીથી ગોવા મોકલવામાં આવ્યા.
ભાજપના સંરક્ષણમંત્રી તરીકે શ્રી મનોહર પર્રિકરે, ભારતીય સૈન્ય માટેની અનેક મહત્ત્વની કામગીરી, બેદાગ છબી ઉજ્જ્વળ રાખવા સાથે કરી બતાવી. પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈકના નિર્ણયને અમલી કરવાનું કાર્ય પણ શ્રી પર્રિકરે દૃઢ સંકલ્પ અને સૂઝબૂઝથી કરી બતાવ્યું છે. આવા યશસ્વી સંરક્ષણમંત્રી શ્રી મનોહર પર્રિકરને ગોવાના મુખ્યમંત્રી તરીકેની તેમની ચોથી ટર્મ પ્રસંગે અભિનંદન અને શુભકામનાઓ !


મણિપુરની ભાજપા સરકારના નવા મુખ્યમંત્રી શ્રી બીરેનસિંહ

ફૂટબોલ ખેલાડી શ્રી બીરેન સિંહ, ખેલની દુનિયામાંથી રાજનીતિમાં આવ્યા છે. રાજનીતિમાં પ્રવેશ પૂર્વે તેમણે પત્રકારિતા ક્ષેત્રે પણ કલમ અજમાવી છે. ૨૦૦૨માં મણિપુર વિધાનસભા ચૂંટણીમાં બીરેનસિંહ, ડેમોક્રેટિક રિવોલ્યૂશનરી પીપલ્સ પાર્ટીની ટિકિટ ઉપરથી સર્વપ્રથમ વખત, હીનગેંગ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા. ત્યાર પછી ૨૦૦૩માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તે વખતની મણિપુરની કોંગ્રેસ સરકારમાં બીરેનસિંહ મંત્રી બન્યા.
૨૦૦૭માં યોજાયેલી મણિપુર વિધાનસભા ચૂંટણીમાં બીરેનસિંહ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવેલા. ૨૦૦૭માં બનેલી કોંગ્રેસની સરકારમાં બીરેનસિંહ પ્રારંભમાં સિંચાઈ પ્રધાન બન્યા. ત્યાર પછી તેઓ પૂર નિયંત્રણ, યુવા બાબતો અને ખેલકૂદ વિભાગના મંત્રી બન્યા.
૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં બીરેનસિંહ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા. આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. બીરેનસિંહ એ વખતે મણિપુર કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ હતા. ઑક્ટોબર ૨૦૧૬માં મણિપુર સરકારના તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રી શ્રી બોબીસિંહ સામે બીરેનસિંહે બળવો કર્યો. તેઓ ભાજપામાં જોડાયા. ભાજપામાં પ્રવેશ મેળવનાર બીરેનસિંહને મણિપુર પ્રદેશના ભાજપાની ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના કો-ક્ધવીનર બનાવવામાં આવ્યા.
હાલમાં યોજાયેલી ૨૦૧૭ની મણિપુર રાજ્ય-વિધાનસભાની ચૂંટણીમાં બીરેનસિંહ ભાજપાના ઉમેદવાર તરીકે ફરી એક વખત ચૂંટાઈ આવ્યા. પોતાની પરંપરાગત વિધાનસભા બેઠક હીનગેંગ પરથી ભાજપાની ટિકિટ ઉપર ચૂંટાયેલા બીરેનસિંહને, ભાજપાએ વિધાનસભા પાંખના નેતા તરીકે ચૂંટી કાઢ્યા. તેને કારણે શ્રી બીરેનસિંહ મણિપુરની નવી સરકારના મુખ્યમંત્રી બન્યા. શ્રી બીરેનસિંહને ભાજપાની કુલ સીટો પર ચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત અન્ય સ્થાનિક પક્ષોનો પણ ટેકો મળ્યો છે. પરિણામે ભાજપા અને તેના સ્થાનિક સાથી પક્ષોના સમર્થનથી, મણિપુરમાં ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં આવી છે. બીરેનસિંહ ભાજપાની મણિપુર સરકારમાં મુખ્યમંત્રી બનતાં, મણિપુર સાથે સમગ્ર ઈશાન ભારતમાં પોતાનું રાજકીય પ્રભાવક્ષેત્ર વિકસાવવામાં, ભાજપાની તકો ઊજળી બની છે. મણિપુરની ગત વિધાનસભામાં ભાજપાની એક પણ બેઠક નહોતી. છેલ્લે ૨૦૧૬માં યોજાયેલી બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાને વિજય મળેલો. ૨૦૧૬માં ઇમ્ફાલ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપાને ૨૭માંથી ૧૦ બેઠકો મળેલી છે. એ અગાઉ ભાજપા ૨૦૧૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર ૧ બેઠક જીતી શકેલો. આ વખતની વિધાનસભા ચૂંટણી પછી, ભાજપા સ્થાનિક પક્ષોના ટેકાથી, મણિપુરમાં સરકાર બનાવીને પૂર્વોત્તર ભારતના આ મહત્ત્વના ચાવી‚પ રાજ્યમાં તેનો પ્રભાવ વિસ્તારવામાં સફળ થયો છે, જેનાથી આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં ઈશાન ભારતનાં અન્ય નાનાં-રાજ્યોમાં પણ પ્રભાવ વિસ્તારવામાં, ભાજપાનો વિજય-પથ કંડારવામાં, મણિપુર રાજ્ય લોંચિંગ પેડ બની રહેલ છે !


ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી રહેલા શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, ભાજપાના સર્વસંમત ઉમેદવારરૂપે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદે આરૂઢ થયા છે. દહેરાદૂનમાં યોજાયેલ ભવ્ય શપથ-ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યાં.
૨૦ ડિસેમ્બર, ૧૯૬૦માં ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં જન્મેલા, શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનાં માતાનું નામ બૌદ્ધાદેવી અને પિતાનું નામ પ્રતાપસિંહ છે. તેમનાં ધર્મપત્ની સુનીતા રાવ સરકારી શાળામાં શિક્ષિકા છે. પરિવારમાં તેમને બે પુત્રીઓ છે.
૧૯૭૯માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક થયા પછી, ૧૯૮૧માં શ્રી ત્રિવેન્દ્રસિંહ સંઘ-પ્રચારક બન્યા. ૧૯૮૫માં તેઓ દહેરાદૂન મહાનગરના પ્રચારક પણ રહ્યા. ૨૦૦૨માં ઉત્તરાખંડની ડોઈવાલા વિધાનસભા બેઠક પરથી વિજયી થયેલ શ્રી ત્રિવેન્દ્રસિંહ, ભાજપાના મુખ્યમંત્રીશ્રી ખંડુરીની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. ત્યાર પછી ભાજપાની પોખરીયાલ સરકારમાં પણ તેઓ બે વખત મંત્રીપદે રહ્યા.
૧૯૯૭થી ૨૦૦૨ સુધી ભાજપાના સંગઠનમંત્રી તરીકે યશસ્વી કામગીરી કરનાર શ્રી રાવત, વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરાખંડની ડોઈવાલા બેઠક ઉપરથી, શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ત્રીજી વખત ૨૪૮૬૯ વધુ મતોથી જ્વલંત વિજયી થયા છે. ઑક્ટોબર ૨૦૧૪માં યોજાયેલી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના સંગઠનમંત્રી તરીકે, શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. બે દાયકાઓ સુધી સંઘ પ્રચારક રહેલા શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ભાજપાના, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના વિશ્ર્વાસુ-નિકટના સાથી ગણાય છે. ઉત્તરાખંડના ભાજપાના પૂર્વ મુખ્યમંત્રીશ્રી ભગતસિંહ કોશ્યારીના પણ અત્યંત નિકટના ગણાતા, શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના મુખ્યમંત્રી પદના નામનો પ્રસ્તાવ પણ, શ્રી કોશ્યારીએ જ મૂક્યો હતો. શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદે નિયુક્ત થવા માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ !


પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કેપ્ટન તરીકે ઉત્તરદાયિત્વ નિભાવેલ અમરિંદરસિંહ, બીજી વખત પંજાબના મુખ્યપ્રધાન બન્યા છે. એ સાથે જ પંજાબમાં કોંગ્રેસના દસ વર્ષના રાજકીય વનવાસનો પણ અંત આવ્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલ નવજોત સિદ્ધુ પણ નવી કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા છે.
કેપ્ટન અમરિંદરસિંહનો રાજકીય ઇતિહાસ પણ ભાતીગળ રહ્યો છે. ૧૯૮૦માં શાળા સમયના મિત્ર રાજીવ ગાંધી, તેમને કોંગ્રેસ પક્ષમાં લઈ આવેલા. ૧૯૮૦ની ચૂંટણીમાં તેઓ લોકસભામાં કોંગ્રેસના સાંસદ બન્યા, પરંતુ ૧૯૮૪ના ઓપરેશન બ્લુ-સ્ટારને કારણે, તેમણે કોંગ્રેસ પાર્ટીનો ત્યાગ કર્યો. ૧૯૮૪માં જ અમરિંદરસિંહ અકાલી દળમાં જોડાયા. તેઓ પ્રકાશસિંહ બાદલની અકાલીદળની સરકારમાં કૃષિમંત્રી તરીકે પણ જોડાયા.
ત્યાર પછી ૧૯૯૨માં કેપ્ટન અમરિંદરસિંહે અકાલીદળથી જુદા પડી, અકાલી દળ (પૈથિક)ની રચના કરી. છ વર્ષ બાદ આ નવા રાજકીય જૂથનો ૧૯૯૮માં કોંગ્રેસમાં વિલય થયો. ત્યારથી કેપ્ટન અમરિંદરસિંહ ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય બની રહ્યા. ૨૦૦૨માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય થતાં, કેપ્ટન અમરિંદરસિંહ પહેલી વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા, પરંતુ ૨૦૦૭ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પરાજિત થતાં, તેમને મુખ્યમંત્રીપદ ગુમાવવું પડ્યું.
કેપ્ટન અમરિંદરસિંહ પંજાબ કોંગ્રેસ પાર્ટીના ત્રણ વખત અધ્યક્ષ પણ બન્યા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દેશવ્યાપી મોદી-લહેર વચ્ચે પણ, અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને, તેમણે ભાજપાના દિગ્ગજ નેતા શ્રી અરુણ જેટલીજીને ૧ લાખ કરતાંય વધુ મતોથી કરારી શિકસ્ત આપી. આવા મોટા ગજાના પંજાબના લોકપ્રિય રાજકીય આગેવાન, કેપ્ટન અમરિંદરસિંહની મુખ્યમંત્રી પદની બીજી ઈનીંગ વેળાએ શુભકામનાઓ ! સરહદી-રાજ્ય પંજાબની નાજુક હાલતમાં કેપ્ટન અમરિંદરસિંહનું નેતૃત્વ પંજાબને સુરક્ષા, સ્થિરતા અને પ્રગતિના પંથે લઈ જવામાં સફળ બનશે અને પંજાબના યુવાનોમાં પ્રવર્તતી નશાખોરી, બેરોજગારી અને અલગાવવાદી પ્રવૃત્તિઓમાંથી છુટકારો પ્રાપ્ત કરીને, પંજાબને ભારતની મજબૂત સુરક્ષા-ભુજામાં પુન: પ્રસ્થાપિત કરવાની કેપ્ટનને સફળતા મળે તેવી અભ્યર્થના !