વિરાટની વિદાય અને વિક્રાંતનું આગમન
SadhanaWeekly.com       | ૨૧-માર્ચ-૨૦૧૭

આઈએનએસ વિરાટ

આઈએનએસ વિરાટ મૂળ તો ૧૯૫૯માં બ્રિટનના રોયલ નેવીમાં એચએમએસ હર્મીસ તરીકે સમાવાયેલું અને તેના ૧૫ વર્ષ પહેલાં એટલે કે ૧૯૪૪માં તેને બનાવવાની તૈયારી શરૂ કરાઈ હતી. બીજા વિશ્ર્વયુધ્ધ પછી હર્મીસને બનાવવાની શરૂઆત થઈ ને ૧૯૫૯માં તે રોયલ નેવીનું ફ્લેગશિપ બન્યું. રોયલ નેવીમાં ૨૭ વર્ષ સુધી સેવા આપ્યા પછી ૧૯૮૪માં રોયલ નેવીએ તેને સર્વિસમાંથી દૂર કર્યું અને ૧૯૮૭માં ભારતને વેચી દીધું. ૧૨ મે, ૧૯૮૭ના રોજ વિરાટનો ભારતીય નેવીમાં સમાવેશ કરાયો. જલમેવ યસ્ય, બલમેવ તસ્ય (જે પાણી પર રાજ કરે એ બધાંથી બળવાન છે) એ સૂત્ર હતું ને આ સૂત્ર સાથે વિરાટ લગભગ ૩૦ વર્ષ સુધી ભારતીય નેવીની સેવામાં રહ્યું. વિરાટ ઈન્ડિયન નેવીનું ધ્વજવાહક હતું. નેવીની મુખ્ય તાકાત એવા વિરાટ પર ૨૨ કેપ્ટન કમાન્ડ તરીકે સેવા આપતા હતા.

નેવલ એર આર્મની ચાર સ્ક્વોડ્રન વિરાટ સાથે જોડાયેલી હતી. એક સ્ક્વોડ્રનમાં ૧૨થી ૨૪ ફાઈટર એરક્રાફ્ટ હોય છે. એ રીતે મહત્તમ ૯૬ એરક્રાફ્ટ વિરાટ સાથે જોડાયેલાં હતાં. શાંતિના સમયમાં આ ફાઈટર એરક્રાફ્ટ અલગ અલગ એર-નેવલ બેઝ પર હોય છે પણ યુદ્ધના સમયમાં દરેક નેવલ-એર બેઝ પરથી કેટલાંક ફાઈટર એરક્રાફ્ટ વિરાટ પર મોકલી દેવાતાં. વિરાટ એક સાથે ૨૬ ફાઈટર એરક્રાફ્ટ લઈને સમુદ્રમાં જવા માટે સક્ષમ હતું. આ એરક્રાફ્ટ સમુદ્રમાંથી જ ઉડાન ભરે ને દુશ્મન પર હુમલો કરીને પાછાં આ એરક્રાફ્ટ કરીયર પર આવી જતાં.

વિરાટ પર જે જેટ ફાઈટર હતાં તે સી-હેરીયર હતાં ને દરેક એરક્રાફ્ટ એક ઉડાનમાં ઓછામાં ઓછા ૮૦ ટોર્પીડો ફાયર કરવાની ક્ષમતા ધરાવતા. વિરાટ પર એક સાથે ૭૫૦ જવાનો તૈનાત રહેતા. આ સી-હેરીયર જેટ ફાઈટરને પણ મે ૨૦૧૬માં નિવૃત્ત કરી દેવાયાં. તેમના બદલે મિગ-૨૯કેયુબી જેટ ફાઈટરને ભારતીય નેવીમાં સ્થાન અપાયેલું. વિરાટ પર અલગ અલગ પ્રકારનાં હેલિકોપ્ટર્સ પણ હતાં. ચેતક હેલિકોપ્ટર્સ ઉપરાંત હાર્પૂન્સ તરીકે ઓળખાતાં સી કિંગ એમકે ૪૨ બી અને સી કિંગ એમકે ૪૨ સી હેલિકોપ્ટર્સ હતાં. આ હેલિકોપ્ટર્સ શાંતિના સમયમાં સમુદ્રમાં પેટ્રોલિંગ માટે અને યુદ્ધના સમયમાં મલ્ટિપલ રોલમાં કામ કરે છે. એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ અને રશિયન બનાવટનાં ટ્વિન રોટર કેમોવ-૩૧ હેલિકોપ્ટર્સ પણ વિરાટ પર તૈનાત હતાં.

સમુદ્રમાં જંગ

વિરાટ પર ચાર એલસીવીપી લેન્ડિંગ ક્રાફ્ટ હતાં. આ લેન્ડિંગ ક્રાફ્ટનો ઉપયોગ દુશ્મન દેશના સમુદ્રકિનારા પર હુમલા માટે કરી શકાતો. એક એલસીવીપી લેન્ડિંગ ક્રાફ્ટ એક પ્રકારની બોટ હોય છે ને એક સાથે ૩૬ જવાનોને લઈ જઈ શકે. કલાકના લગભગ ૧૭ કિલોમીટરની ઝડપે આ ક્રાફ્ટ સમુદ્રમાં ભાગતાં હોય છે. વિરાટ એમ્ફીબિયસ અને એએસડબલ્યુ એમ બંને પ્રકારનાં મિલિટરી ઓપરેશન્સ માટે સક્ષમ હતું. એમ્ફીબિયસ ઓપરેશન એટલે દુશ્મન દેશના સમુદ્રકિનારા પર કબજા માટે કરાતું ઓપરેશન જ્યારે સમુદ્રમાં અંદર દુશ્મનની સબમરીનનો ખાતમો કરવા કે બીજાં જે ઓપરેશન હાથ ધરાય છે તેને એએસડબલ્યુ ઓપરેશન કહે છે. આ ઓપરેશન માટે એન્ટિ-સબમરીન એરક્રાફ્ટ પણ હતાં.

વિરાટમાં સમુદ્રમાં જંગ માટે જુદા જુદા પ્રકારનાં મિસાઈલ્સ પણ હતાં. બ્રિટિશ બનાવટનાં એન્ટિ-શીપ સી ઈગલ મિસાઈલ દુશ્મનના ગમે તે જહાજનો સમુદ્રમાં ખાતમો કરી શકે છે. દુશ્મનનાં ફાઈટર જેટ કે હેલિકોપ્ટર આપણી દરિયાઈ સીમામાં ઘૂસી આવે તો તેમને ઉડાવી દેવા માટે મત્રા મેજિક નામે અત્યાધુનિક એર-ટુ-એર મિસાઈલ પણ વિરાટ પર હતાં. ફ્રાન્સની કંપની રાફેલે બનાવેલાં મીડિયમ રેન્જનાં ડર્બી તરીકે ઓળખાતાં એર-ટુ-એર મિસાઈલ બીવીઆર પણ વિરાટ પર હતાં.   ભારતે ચીન અને પાકિસ્તાનની આપણી દરિયાઈ સીમમાં ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ૨૦૦૬માં ઈઝરાયલ બનાવટનાં એલ્ટા ઈએલ-એમ-૨૦૩૨ રડાર લગાવેલાં કે જેથી દરિયાઈ સીમામાં થતી નાનામાં નાની હિલચાલની ખબર પડી જાય. આપણાં જેટ ફાઈટરમાં આ રડાર સિસ્ટમ લગાવાઈ છે કે જેથી આક્રમણ વખતે પણ સતર્ક રહી શકાય. આ સિવાય જાત જાતનાં રોકેટ્સ, રન-વે ડીનાયલ બોમ્બ, ક્લસ્ટર બોમ્બ, પોડેડ કેનન્સ સહિતનાં શસ્ત્રોનો મોટો જથ્થો પણ વિરાટ પર તૈયાર રખાતો હતો કે જેથી ગમે તે પરિસ્થિતિને પહોંચી વળે.

વિરાટ મ્યુઝિયમમાં ફેરવાશે ?

આ તો વિરાટની સજ્જતાનું ટ્રેલર જ છે અને ખાલી મહત્વની બાબતો તરફ જ ધ્યાન દોર્યું. બાકી વિરાટનો દબદબો કેવો હતો તેનો અંદાજ તો તેને જોયા પછી જ આવે. આ દબદબો હવે ભૂતકાળની વાત બની ગઈ છે ને વિરાટ ઈતિહાસનું એક પ્રકરણ બનીને રહી ગયું છે. આ ઈતિહાસને લોકો યાદ રાખે એટલા માટે વિરાટને મ્યુઝિયમમાં ફેરવવાની દરખાસ્ત છે. તેલંગણા સરકારે આઈએનએસ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી બતાવી છે પણ આપણો આઈએનએસ વિક્રાન્તનો અનુભવ જોતાં આ વાત વાસ્તવિકતામાં ફેરવાવા અંગે શંકા જ છે. આઈએનએસ વિક્રાન્ત ૧૯૯૭માં નિવૃત્ત થયું પછી મુંબઈમાં તેને મ્યુઝિયમમાં ફેરવવાની દરખાસ્ત મુકાયેલી પણ પૈસા જ નહોતા તેથી એ દરખાસ્ત અભરાઈ પર ચડી ગઈ. પછી એવી વાત આવી કે વિક્રાન્તને ટ્રેઈનિંગ શિપમાં ફેરવી દેવાશે પણ એ પણ ના થયું.

૨૦૦૧માં ઈંડિયન નેવીએ લોકોને વિક્રાન્તમાં આવવાની મંજૂરી આપી પણ કાયમી ધોરણે મ્યુઝિયમ ચલાવવા માટે પાર્ટનર ના મળ્યા તેમાં પછી બંધ કરી દેવું પડ્યું. બહુ મથામણ પછી છેવટે વિક્રાન્તને તોડીને તેનો ભંગાર વેચી દેવાનું નક્કી કરાયું ને ૬૦ કરોડમાં તેને વેચી દેવાયું. વિક્રાન્તના ભંગારમાંથી મોટરબાઈક બનાવી હોવાનો દાવો કરીને એક મોટી કંપની તેનાં બાઈક વેચે છે. મુંબઈમાં વિક્રાન્ત મેમોરિયલ બનાવાયું છે. એ સિવાય વિક્રાન્ત નામશેષ થઈ ગયું છે. વિરાટના કિસ્સામાં એવું ના થાય તેવી આશા રાખીએ.

આઈએનએસ વિક્રમાદિત્ય વિરાટ પછી તેનો જવાબ ?

જો કે આપણા માટે વિરાટનું મ્યુઝિયમ બને તેના કરતાં વધારે મહત્વનો સવાલ વિરાટ પછી શું એ છે. પહેલાં વિક્રાન્ત ને પછી વિરાટ ઈન્ડિયન નેવીનાં ફ્લેગશિપ હતાં ને તેમણે ભારતીય સમુદ્રની દુશ્મનોથી રક્ષા કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું. હવે વિરાટની વિદાય થઈ છે ત્યારે એ જવાબદારી આઈએનએસ વિક્રમાદિત્યના માથે આવી છે. વિરાટની વિદાયનો તખ્તો ૨૦૧૩માં જ ઘડાઈ ગયો હતો ને એ વખતે જ ઈન્ડિયન નેવીએ વિરાટના સ્થાને આઈએનએસ વિક્રમાદિત્યને ઈન્ડિયન નેવીનું ફ્લેગશિપ જાહેર કરી દીધું હતું. આઈએનએસ વિક્રમાદિત્ય એ રીતે વિરાટ પછી શું તેનો જવાબ છે.

આઈએનએસ વિક્રમાદિત્ય રશિયાનું એરક્રાફ્ટ કરીયર છે ને પહેલાં સોવિયેત રશિયા તથા પછી રશિયાના નેવીમાં સેવા આપી હતી. મૂળ બાકુ તરીકે બનાવાયેલું આ જહાજ સોવિયેત નેવીમાં ૧૯૮૭માં સમાવાયેલું. ૧૯૮૭માં જ સોવિયેત યુનિયનનાં ઊભાં ફાડિયાં થયાં પછી આ જહાજ રશિયન નેવીમાં ગયું અને તેનું નામ બદલીને એડમિરલ ગોર્શકોવ કરી દેવાયું. ૧૯૯૬માં રશિયન નેવીએ આ જહાજને નિવૃત્તિ આપી પછી ભારતે તે ખરીદવામા રસ બતાવ્યો. વરસોની વાટાઘાટો પછી છેવટે ૨૦૦૪માં ભારતે ૨૩૫ કરોડ ડોલરમાં આ જહાજ ખરીદ્યું. ઈંડિયન નેવીના અધિકારીઓએ એ પછી રશિયા સાથે મળીને આ જહાજને ભારતની જ‚રીયાતો પ્રમાણે ઢાળવાનું શરૂ કર્યું. રશિયાની જ‚રીયાતો અલગ હતી તેથી તેની ડિઝાઈનમાં મોટા પાયે ફેરફાર કરાયા. રશિયા ભારત કરતાં લશ્કરી ટેકનોલોજીમાં ઘણું આગળ છે તેના કારણે પણ ડીઝાઈનમાં ફેરફાર જરૂરી હતી.

રશિયા ગયેલા ભારતીય અધિકારીઓ સેક્સ કાંડમાં સંડોવાયા તેના કારણે વિવાદ પણ થયેલો પણ તેના કારણે આ સોદાને અસર ના થઈ. જુલાઈ ૨૦૧૩માં આ શિપના સી ટ્રાયલ ને સપ્ટેમ્બર ૨૦૧૩માં એવિએશન ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડ્યા પછી નવેમ્બર, ૨૦૧૩માં આ જહાજને ભારતને સોંપી દેવાયું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જૂન ૨૦૧૪માં તેમણે આ જહાજનો ઔપચારિક રીતે ઈન્ડિયન નેવીમાં સમાવેશ કરીને તેને દેશને સમર્પિત કર્યું.

આઈએનએસ વિરાટની સરખામણીમાં આઈએનએસ વિક્રમાદિત્ય વધારે સોફિસ્ટિકેટેડ છે ને તેની ટેકનોલોજી વધારે એડવાન્સ્ડ છે. વિક્રમાદિત્યમાં લેસોરબ-ઈ નામે કોમ્પ્યુટર એઈડેડ એક્શન ઈન્ફોર્મેશન સિસ્ટમ છે અને જહાજની આખી કોમ્બેટ (આક્રમણ) સિસ્ટમ તેનાથી ચાલે છે. શિપ પર અત્યાધુનિક સેન્સર લગાવેલાં છે ને તેના ડેટાના આધારે કઈ રીતે વર્તવું તે આ સિસ્ટમ નક્કી કરે છે. આ જહાજની કોમ્યુનિકેશન સિસ્ટમ સીસીએસ-એમકે ટુ આધારિત છે ને ઈન્ડિયન નેવીના આકા નેટવર્ક સાથે જોડાયેલી છે. તેના કારણે ક્યાંય પણ ઈમર્જન્સી ઉભી થાય તો સેકંડોમાં તેની જાણ વિક્રમાદિત્યને થઈ જાય છે ને તરત એક્શન શરૂ થઈ જાય છે. એ જ રીતે અલગ અલગ જેટ ફાઈટર માટે અલગ અલગ લોંચ અને રીકવરી સિસ્ટમ છે. તેના કારણે એક જ સમયે અલગ અલગ પ્રકારનાં જેટ ફાઈટરનો ઉપયોગ એક જ મોરચે થઈ શકે છે. 

વિક્રમાદિત્ય ભારતને અપાયું ત્યારે તેમાં ઓન-બોર્ડ આર્મામેન્ટ નહોતાં. મતલબ કે જહાજને શસ્ત્રસરંજામથી સજ્જ કરાયું નહોતું. તેની પાછળ ભારત પોતાની જ‚રીયાત પ્રમાણે એ વ્યવસ્થા કરી શકે તે ઉદ્દેશ હતો. ભારતે વિક્રમાદિત્ય પોતાને મળ્યું પછી તેમાં બરાક લોંગ-રેન્જ એર-ડિફેન્સ સિસ્ટમ તથા એકે-૬૩૦ સીઆઈડબલ્યુએસ ફિટ કરાઈ. તેના કારણે હવે આ જહાજ પર એક સાથે ૪૮ મિસાઈલો હોય છે અને આ મિસાઈલો ૧૦૦ કિલોમીટર સુધીની રેન્જમાં પ્રહાર કરી શકે છે. વિક્રમાદિત્ય એક સાથે ૩૪ જેટ ફાઈટર લઈ જઈ શકે છે ને એ રીતે પણ વિરાટથી આગળ છે.

વિક્રમાદિત્ય પર મિકોયાન મિગ-૨૯કે જેટ ફાઈટર છે. આ ફાઈટર એકદમ એડવાન્સ્ડ અને મલ્ટિ રોલ નિભાવી શકે તેવાં છે. ગમે તેવા વાતાવરણમાં પણ આ ફાઈટર આક્રમણ કરી શકે છે. એર ડિફેન્સ, લો લેવલ સ્ટ્રાઈક અને એન્ટિ શિપિંગ એટેક એમ ત્રણેય પ્રકારના આક્રમણ માટે આ ફાઈટર શ્રેષ્ઠ મનાય છે. વિક્રામદિત્યમાં વેસ્ટલેન્ડ સી કિંગ અને કેમોવ કા-૩૧ છે. વિક્રમાદિત્યમાં બીજી તમામ સિસ્ટમ અને શસ્ત્રસરંજામ વિરાટ જેવાં જ છે. ઈન્ડિયન નેવી પાસે અત્યારે ફ્રીગેટ્સથી માંડીને સબમરીનોનો મોટો કાફલો છે. એ સિવાય બીજાં પણ શિપ છે ને વિક્રમાદિત્ય એ બધાં સાથે એકસાથે જોડાયેલું રહે છે.

ભારતનો દરિયાકાંઠો વિશાળ છે અને ભારતના પાડોશીઓ પણ વિચિત્ર છે. તેના કારણે ભારતે સાબદા રહેવું પડે ને દરિયાકાંઠો રેઢો મૂકાય એમ નથી. પહેલાં વિક્રાન્ત અને પછી વિરાટે દરિયાની રક્ષા કરી ને હવે વિક્રમાદિત્ય કરશે. જો કે વિક્રમાદિત્યના કારણે ભારતને વિરાટની ખોટ નહીં પડે પણ એ પછીય ભારતીય નેવીના ઈતિહાસમાં વિરાટનું અનોખું સ્થાન રહેશે જ.