સફળ થવા  અપનાવો શ્રી હનુમાનજીના આ ૧૧ ગુણો 
SadhanaWeekly.com       | ૧૦-એપ્રિલ-૨૦૧૭


ચૈત્ર - પૂર્ણિમા - ૧૧ એપ્રિલ, ૨૦૧૭ - હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ


ચૈત્ર મહિનાની પૂનમ એટલે શ્રી હનુમાનજીના જન્મનો પાવન અવસર. શ્રી હનુમાનજીનું જીવન સૌ માટે અનોખી પ્રેરણા પૂરી પાડે છે. બાળપણમાં સૂર્ય ગળી જનારા, શ્રીરામના સેવક, સીતાની શોધ કરનાર, પોતાની પૂંછ વડે સમગ્ર લંકાને આગ લગાડનાર, લક્ષ્મણ માટે આખેઆખો સંજીવની પહાડ ઉપાડી લાવનારા શ્રી હનુમાનજીની અનેક કથાઓ આપણે જાણીએ છીએ.
પરંતુ શ્રી હનુમાનજી વર્તમાન સમયમાં પણ એટલા જ પ્રેરક અને માર્ગદર્શક છે. સંકટ-મોચન હનુમાન ખરા અર્થમાં સંકટો દૂર કરે છે અને સફળતા અપાવે છે. આજના બાળક, કિશોર, પ્રૌઢ, વૃદ્ધ, યુવાનો, સંગઠનના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો સ્ત્રી-પુરુષ સૌ માટે શ્રી હનુમાનજીના દીર્ઘ જીવનકવનમાંથી માર્ગદર્શક, મૂલ્યવાન સિદ્ધાંતો અહીં પ્રસ્તુત કર્યા છે.

યુવાનો આત્મવિશ્ર્વાસની હનુમાન છલાંગ લગાવે


સફળતાનું પહેલું સૂત્ર આત્મવિશ્ર્વાસ જ છે. જો આપણે પોતાની ઉપર ભરોસો ન કરતા હોઈએ, પોતાની યોગ્યતાનું અનુમાન લગાવી શકતા ન હોઈએ તો પછી કોઈપણ કામમાં સફળતા મળવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. આત્મવિશ્ર્વાસની સાથે કરવામાં આવેલ મુશ્કેલ કામમાં પણ સફળતા મળવા લાગે છે.
રામાયણમાં સીતાહરણ પછી વાનરોની સામે સમુદ્ર ઓળંગવાનું કઠિન લક્ષ્ય હતું. સમુદ્ર પાર આવેલી લંકાથી સીતાની ખબર લાવવી જ‚રી હતી. જાંબુવાને પૂછ્યું, ‘કોણ છે જે સમુદ્રની પાર જઈ શકે છે ?’ સૌથી પહેલાં આગળ આવ્યો અંગદ. વાલીપુત્ર અંગદમાં અપાર બળ હતું, તેણે કહ્યું કે, ‘હું સમુદ્ર ઓળંગી શકું છું, પરંતુ પાછો આવી શકીશ કે નહીં તેની મને શંકા છે.’ જાંબુવાને તેને રોકી દીધો, કારણ કે અંગદમાં આત્મવિશ્ર્વાસની ખામી હતી.
જાંબુવાન નજર હનુમાન ઉપર પડી, જે શાંત ચિત્તથી સમુદ્રને જોઈ રહ્યા હતા, જાણે કે ધ્યાનમાં ડૂબ્યા હોય. જાંબુવાન સમજી લીધું કે હનુમાન જ છે કે જે સમુદ્ર પાર કરી શકે છે, કારણ કે આટલી વિષમ પરિસ્થિતિમાં પણ તે શાંતચિત્ત છે. જાંબુવાન હનુમાનને તેના બળની યાદ અપાવી અને બાળપણની ઘટનાઓ સંભળાવી.
હનુમાન વિશ્ર્વાસથી ભરાઈ ગયા. એક જ છલાંગમાં સમુદ્ર પાર કરવા તૈયાર થઈ ગયા. તેમનો આ વિશ્ર્વાસ કામ આવ્યો. સમુદ્ર ઓળંગ્યો. સીતાની શોધ કરી અને પછી સકુશળ પાછા પણ આવ્યા અને તે પણ અનેક સંકટો પાર કરીને.
અંગદ પણ આ કામ કરી શકતો હતો, પરંતુ તેની અંદર પોતાની યોગ્યતા ઉપર વિશ્ર્વાસ ન હતો. આ આત્મવિશ્ર્વાસની ખામીને કારણે જ તે એક મહત્ત્વનો મોકો ચૂકી ગયો. હનુમાનજીના જીવનનો આ પ્રસંગ યુવાનોને આત્મવિશ્ર્વાસની વિજયી છલાંગ લગાવવા પ્રેરણા આપે છે. કાર્યકર્તાઓને કર્મઠ બની ધ્યેય તરફ આગળ વધવાનું માર્ગદર્શન આપે છે.

પવનપુત્ર કહે છે - પવનવેગે આગળ વધો


હનુમાનજી સીતાજીની ભાળ મેળવવાનું બીડું ઉપાડી જેવા આસમાનમાં ઊડવાનું શ‚ કરે છે, તરત સફળતાનો પ્રાકૃતિક નિયમ પોતાનું કામ શ‚ કરી દે છે. સફળતાનો પ્રાકૃતિક નિયમ એ છે કે જેટલી કઠિન બાધાઓ હશે, તેટલી સફળતા પણ મોટી હશે. એટલે હનુમાનજીનું કામ મોટું હતું, એટલે તેમના માર્ગમાં કઠણાઈઓ બૂરી શક્તિઓના માધ્યમથી આવવા લાગી. પ્રપંચ થવા લાગ્યાં. માયાઓ રચાવા લાગી. આપણે જ્યારે કોઈ મોટા કામમાં જોડાઈએ છીએ, તરત મોટી મોટી તકલીફો આવવી શ‚ થાય છે. એવું જ થાય. થવું જ જોઈએ. તમે ઇચ્છો તો તેને પ્રકૃતિની પરીક્ષા કહી શકો છો. પ્રકૃતિ પહેલાં એ પરખવા માગે છે કે તમે આવા મોટા કામ માટે કાબેલ છો કે નહીં. જો નહીં હો, તો તમે તે છોડી દેશો. અને જો હશો, તો તેનાથી ઝઝૂમીને આગળ વધશો. એક વાર જ્યારે પ્રકૃતિને તમારા પર ભરોસો આવી જાય છે, તો તે પરીક્ષા લેવી છોડી તમને સહકાર આપવાનું શ‚ કરી દે છે.
જ્યારે કોઈ ઉત્તમ કાર્યના શ્રી ગણેશ કરો ત્યારે સરળ લાગતું કાર્ય આગળ જતાં કઠિન પણ બને. માર્ગમાં મુશ્કેલીઓ પણ આવે. પણ તેનાથી ન હારીને અવિરત પવનવેગે આગળ વધવાની પ્રેરણા પવનપુત્ર આપે છે.

‘વિદ્યાવાન ગુની અતિચાતુર’


યુવાનો આ વાતને જાણે છે કે હવે નોકરી મેળવવા અને નોકરીમાં ટકી રહેવાના માપદંડ બદલાઈ ગયા છે. પર્યાપ્ત જાણકારી, બુદ્ધિમાની, જનસંપર્ક, લગનશીલતા, પરિશ્રમ તથા નેતૃત્વના ગુણ આ બધા તો જ‚રી છે, પરંતુ આ સમયમાં આ બધામાં સૌથી વધુ એક ગુણ પ્રબંધનમાં જોવામાં આવે છે, અને તે છે "કોમન સેન્સ. આનાં કેટલાંક ઉદાહરણ હનુમાનજીએ રજૂ કર્યાં છે. લંકા જતી વખતે સિંહિકા નામની રાક્ષસી મળી હતી, જેને હનુમાને મારી નાખી હતી. તે ઈર્ષાનું પ્રતીક હતી. તે ઊડતા લોકોની છાયાને પકડીને તેને ખાઈ જતી હતી. હનુમાનજીનો મત છે કે ઈર્ષાને મારી નાખવી જોઈએ. ઈર્ષાળુ લોકો પોતાની બધી ઊર્જા બીજાના ભાગ્યની સામે લડવામાં લગાવી દે છે. જ્યારે મનુષ્યે તો પોતાના કિસ્મત સાથે લડવું જોઈએ, જેથી તેને બહેતર બનાવી શકે. ભાગ્ય ભલે ન બદલી શકાય પરંતુ આ અપરિવર્તિત ભાગ્યનો સામનો કરવા માટે હાલાત તો બદલી જ શકાય છે.
આગળ વધતાં હનુમાનજીને લંકાના દરવાજા ઉપર લંકાની રક્ષા કરનાર લંકિની નામની રાક્ષસી મળી, તેણે હનુમાનજીને ઓળખ્યા અને બળપૂર્વક રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે લંકિનીને મુક્કો માર્યો અને તેને ઘાયલ કરી દીધી. લંકિની તો રાક્ષસી હતી, પરંતુ તે રાવણ જેવા ચોરની સેવામાં હતી. જે રક્ષક એક ખોટી વ્યવસ્થાની રક્ષા કરે તેની ઉપર પ્રહાર કરવો જોઈએ. હનુમાનજીની ચતુરાઈ આપણા માટે પ્રેરણાદાયી છે. એટલા માટે કહેવામાં આવે છે કે "વિદ્યાવાન ગુની અતિચાતુર પછી પંક્તિ આવે છે, "રામકાજ કરિબે કો આતુર - તેઓ આતુર છે, આળસુ નથી. જેને રામભક્ત બનવું હશે. હનુમાનભક્ત બનવું હશે, તેમણે આળસ છોડવી પડશે. અધ્યાત્મમાં આળસનું કોઈ કામ નથી અને અધ્યાત્મ જ શા માટે, સાંસારિક જીવનમાં પણ આળસ અપરાધ છે. ઉત્તમ કાર્યકર્તા ‘વિદ્યાવાન ગુની અતિ ચાતુર’ હોવો ઘટે.

ભાવનાત્મક બનો - સાથે સંતુલિત રહો


હનુમાનજી સામે અત્યંત ભાવુક થવાનો સૌથી પ્રથમ અને સંવેદનશીલ પ્રસંગ ત્યારે આવ્યો હતો, જ્યારે તેઓ અશોક વાટિકામાં સીતાજીને પહેલી વાર જુએ છે. સીતાજી, જે ભગવાન શ્રીરામજીનાં પત્ની છે, એ ભગવાન શ્રીરામજીનાં જે અયોધ્યાના રાજા છે, તેમને પહેલી વાર આ ‚પમાં હનુમાનજી જુએ છે - ‘કૃસ તનુ સીસ જટા એક બેની ’ શરીર બિલકુલ દૂબળું થઈ ગયું છે. માથાના વાળ એવા થઈ ગયા છે જાણે જટા હોય અને તે બધા વાળ આપસમાં ગૂંચવાઈને એક ચોટલા જેમ બંધાઈ ગયા છે. આપણે માની શકીએ કે સીતાજીનું આ કરુણ દૃશ્ય હનુમાનજીની છાતીમાં તીર જેમ ભોંકાયું હશે. હનુમાનજી વીર છે. બુદ્ધિવાદી છે. એક મોટા ઉદ્દેશ્ય સાથે લંકા ગયા છે. એટલે તેમના માટે જ‚રી છે કે પોતાનું ધૈર્ય જાળવે. ન તો દુ:ખી થાય કે ન તો ભયભીત. જો તેમનામાં સંતુલિત અને સમયાનુસાર વ્યવહાર કરવાની યોગ્યતા ન હોત, તો તે મહાન ન બનત. હનુમાનજી સીતાજીનું આ ‚પ જોઈ ‘પરમ દુ:ખી’ થાય છે. તે દુ:ખી એટલા માટે છે, કારણ કે સીતાજી દુ:ખી છે.
માનવીમાં ભાવના અને લાગણી અત્યંત જ‚રી છે. પરંતુ લાગણીના ખોટા પ્રવાહોમાં તણાઈ જઈ, ભાવનાના સાગરમાં ભટકાઈને સંતુલન ગુમાવવું ના જોઈએ તેવી શીખ ઉપરોક્ત પ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. બજરંગ બલી કહે છે કે, લાગણી ગમે તેટલી હોય, હૃદયથી કાર્ય કરો, પ્રેક્ટિકલ બનો તો જ લાગણી અને કાર્ય બંનેનો વિજય થશે.

મુશ્કેલીઓના પહાડો ભયમુક્ત થઈને ચડો


હનુમાનજી સમુદ્ર પાર કરી લંકાના ઉપવનમાં પહોંચે છે. રાતનો સમય છે. ભયાવહ અને અજાણી જગ્યા છે. નગરી પણ એવા રાક્ષસોની છે જેનો શાસક રાવણ જેવો યોદ્ધો છે. લાંબી મુસાફરી કરી આવ્યા છે હનુમાનજી. અને તેમના પર મુસીબત એ છે કે સામે એક વિશાળ પર્વત દેખાયો હતો. અગાઉ પણ ન જાણે કેટલાય રાક્ષસ-રાક્ષસીઓ અને પર્વતો પાર કરી તે અહીં સુધી પહોંચ્યા હતા. હવે આ નવી મુસીબત આવી કે સામે એક વિશાળ પર્વત દેખાયો. પણ કંઈ વાંધો નહીં. - ‘તા પર ધાઈ ચઢેઉ ભય ત્યાગે.’ હનુમાનજી તે પર્વત પર માત્ર ચડ્યા જ નહીં, પણ ભયરહિત થઈ ચડ્યા. જો આપણી સાથે એમ થાય તો કદાચ ચડી તો આપણે પણ જઈએ, કારણ કે જ્યારે કોઈ ઉપાય જ ન હોય તો ચડવું તો પડે જ. પણ આપણે કદાચ ભયભીત થઈને ચડીએ. મૂંઝાઈને ચડીએ. ભગવાન અને પોતાના ભાગ્યને કોસતાં ચડીએ. પણ હનુમાનજી એમ નથી કરતા. તે મુશ્કેલીઓના પહાડ ચડે પણ છે અને ભયમુક્ત થઈને ચડે છે, કારણ કે તે જાણે છે કે ભયની સ્થિતિ ઊર્જાને નિમ્ન દિશામાં ધકેલી દે છે. તેનાથી તો બેવડું નુકસાન થાય છે. એક તો પોતાની શક્તિ ઘટવા લાગે છે, બીજું કે જો સામેવાળાને ખબર પડી ગઈ કે આપણે ભયભીત છીએ, તો તેની શક્તિ પ્રબળ બને છે. રાજા રાવણના પુત્રને યમલોક પહોંચાડવા અને અશોક વાટિકાને ઉજાડ્યા પછી હનુમાનજીને બંધક ‚પે દરબારમાં રાવણ સામે લાવવામાં આવે છે. હનુમાનજીની આ સ્થિતિ દેવતાઓને ખૂબ જ ચિંતિત કરી દે છે. દેવતાઓ અને દસે દિશાઓના દિક્પાલ જે રાવણના દરબારમાં રહેતા હતા, પૂરી વિનમ્રતાથી તેમની સામે હાથ જોડીને ઊભા રહે છે. તેઓ અંદરથી ભયાનક રીતે ભયભીત થઈ રાવણની ભ્રૂકૂટીને જોઈ મનમાં તેને સમજવાનો પ્રયત્ન કરે છે. દેવતા ભયભીત છે. દિક્પાલ ડરેલા છે. પણ હનુમાનજી એ દરબારમાં આશંકાના વાતાવરણથી ઉપર ઊઠી એવી રીતે ઊભા છે જાણે સર્પોના ઝુંડમાં ગરુડ ઊભું હોય :
‘દેખિ પ્રતાપ ન કપિ મન સંકા જિમિ અહિગન મહું ગરુડ અસંકા ॥
હનુમાનજીનું આ નિર્ભિક મનોવિજ્ઞાન અને પ્રબળ આત્માનો ઉલ્લેખ તુલસીદાસજી જો કે અનેક જગ્યાએ કરે છે, એટલે લાગે છે કે તે કોઈ વિશેષ ગુણ જ છે, જેને તે વાચકોની ચેતનામાં રેખાંકિત કરી દેવા માંગે છે. આપણને બાળપણમાં બીક લાગતી ત્યારે અંધારામાં પીપળાના ઝાડ પાસેથી પસાર થતા કે બંધ લાઇટના અંધારામાં આપણે મનોમન ‘હનુમાન ચાલીસા’ કે ‘જય બજરંગ બલી’નું સ્મરણ કરતા. જેનું સ્મરણ કરવા માત્રથી ભય ભાગી જતો હોય એવા બજરંગ બલી સાક્ષાત્ માર્ગદર્શન કરે પછી કોઈ કાર્યમાં પીછેહઠ થાય જ શાની ?

દુશ્મનોનું મૂલ્યાંકન શીખવે છે હનુમાન


સુંદર કાંડની એક સુંદર પંક્તિ છે. ‘પ્રભુ કારન લગિ કપિહિ બંધાવા’ આ પંક્તિમાં હનુમાનજી મેઘનાદના પાશમાં બંધાયા તેનું વર્ણન છે. અહીં હનુમાનજીને નાગપાશ તો શું, કોઈ પણ પાશથી બાંધવાનું આસાન ન હતું. તે છતાં મેઘનાદ દ્વારા ફેંકવામાં આવેલ પાશમાં હનુમાનજી જાતે બંધાયા હતાં. તેના કારણો અનેક છે. શ્રી હનુમાનજી રાવણને પ્રત્યક્ષ મળવા માગે છે. કારણ કે તેઓ રાવણના દરબારમાં જઈ તેની તાકાતનો પ્રત્યક્ષ અનુભવ કરવા માંગે છે. તેના રાજકાજની ખાસિયતો અને ત્રુટીઓ જાણવા માંગે છે. હનુમાન માટે એ ધરતી દુશ્મનોની ધરતી છે. તેઓ ત્યાં જઈને એક એવા વ્યક્તિને શોધવા માંગે છે જે ‘મિત્ર’ હોય, રામકાજ કરવા આતુર હોય (અને તે મિત્ર તેમને વિભીષણનાં ‚પે મળે છે.) આમ આવા અનેક કારણોસર શ્રી હનુમાનજી સ્વૈચ્છાએ પાશમાં બંધાય છે. આ ઘટનાં શીખ આપે છે કે માત્ર દુશ્મન સાથે લડવું જ‚રી નથી પરંતુ તેની શક્તિનો અંદાજ મેળવવો અને આપણી શક્તિનો અંદાજ પણ આપવો પણ જ‚રી છે. જે હનુમાનજીએ અશોક વાટીકા વેરણ-છેરણ કરી આપી દીધો હતો. આ રીતે દુશ્મનનું મૂલ્યાંકન કરવા ક્યારેક સ્વૈચ્છાએ બંધાઈને તેની માહિતી મેળવવાની હિંમત અને બુદ્ધિ કાર્યકર્તામાં હોવી જ‚રુરી છે.

ઉચ્ચ ચારિત્ર્ય અને લક્ષ્ય પર નજર


શ્રી હનુમાનજી રાવણને પ્રત્યક્ષ મળવા માંગતા હતા. લંકામાં ફરતી વખતે રાવણને જોવા એક વખત તેઓ તેના અંત:પુરમાં પ્રવેશી ગયા. જ્યાં રાવણની રાણીઓ અને મહિલાઓ અનુચિત હાલતમાં હતી, પરંતુ બાલ બ્રહ્મચારી બજરંગ બલિની નજર એમાંની એક પણ મહિલા પર ન પડી. તેમની નજર માત્ર રાવણને જ શોધી રહી હતી. કાર્યકર્તા આવા ઉચ્ચ ચારિત્ર્યવાળો હોય અને તેની નજર માત્ર તેના લક્ષ્ય પર હોય ત્યારે જ તેનું કાર્ય સફળ થાય છે.

કોઈપણ ક્ષેત્રનો સ્વયંસેવક હનુમાન જેવો સેવક બને


હનુમાનજી ઉત્તમ સેવક છે. ભગવાન રામના સેવક તરીકે તેઓએ જે કાર્ય કયર્ર્ંુ છે, તે ઉત્તમોત્તમ ઉદાહરણ છે. તેઓ હંમેશાં રામના ચરણોમાં પોતાનું સ્થાન ધારણ કરે છે. સીતામાતાની શોધ કરે છે. કિષ્ક્ધિધાનાં જંગલોમાં હૃષીકેશ પર્વત પર રામ અને લક્ષ્મણ બંનેને પોતાના ખભા પર બેસાડીને લાવે છે. એના માટે કિષ્ક્ધિધા કાંડમાં એક સુંદર વાત લખી છે કે ‘કઠિન ભૂમિ કોમલ પદ ગામી’ અર્થાત્ કિષ્ક્ધિધાની ભૂમિ અતિ પથરાળ છે. પ્રભુ રામને તેમનો સેવક હનુમાન ઉઘાડા પગે ચાલતા જોઈ શકતો નથી. આથી રામને અને તેમના ભાઈ લક્ષ્મણને પણ ખભે બેસાડીને સફર કરાવે છે. રામાયણમાં આવા તો અનેક પ્રસંગો છે, જેમાં હનુમાનજી ઉત્તમ સેવક બનીને આપણને માર્ગદર્શન આપે છે. તેઓનું જીવન આપણને દર્શન કરાવે છે કે સાચો સેવક કેવો હોય ? સાચો સેવક એ છે જે સ્વામીના દુ:ખમાં હમેશા તેની પડખે હોય. સ્વામીનું બૂરું સાખી ન લે. સ્વામીનાં સુખનો સદા વિચાર કરે.
વર્તમાન સમયમાં આપણે જે કોઈ ક્ષેત્રમાં હોઈએ તે ક્ષેત્રને આપણી ઉત્તમ સેવાઓ આપી આપણા સ્વામી, ગુરુ, બોસ, અધિકારીના સાચા સેવક બનીએ. કોઈપણ ક્ષેત્રનો સ્વયંસેવક હનુમાન જેવો સેવક બને. આપણો દેશ પણ આપણો સ્વામી છે. સ્વયંસેવક તરીકે દેશની સેવાથી ઉત્તમ બીજું કંઈ નથી. હનુમાન બની રામ સમાન દેશને આપણે ઉન્નત કરીએ.

હનુમાન ઉત્તમ ‘સખા’ હતા


હનુમાનજી ભલે ગૃહસ્થ ન હતા, પણ દુનિયાદારીની સમજ તેમની પાસે સુગ્રીવ અને રાવણ જેવા રાજનીતિજ્ઞો કરતાં ઘણી વધારે હતી. તે જાણતા હતા કે ક્યારે કોને શું કહેવાનું છે અને ક્યારે કોની સાથે કેવો સંબંધ બાંધવાનો છે. જ્યારે તેઓ પહેલી વાર વિભીષણને મળે છે, ત્યારે તે તેને ‘સખા’ કહે છે. બન્ને દોસ્ત બની ગયા, એટલે કે બરાબરીવાળા થઈ ગયા. પણ તેનાથી પણ ઉપર એક સંબંધ હોય છે, જે બે લોકોને વધારે નજીક લાવી દે છે, તે સંબંધ ભાઈનો છે. એટલે જ હનુમાનજીને ‘સખા’ સંબોધનને ‘ભ્રાતા’માં બદલાવવામાં વધારે સમય ન લાગ્યો - ‘તબ હનુમંત કહા સુનુ ભ્રાતા’. આમ કહીને તેમણે વ્યક્તિગત લાગણીથી સંબંધને સગાઈમાં બદલી નાખ્યો. આપણે ત્યાં આનું બહુ જ મહત્ત્વ છે. ખૂબ જ. ત્યાર પછી અંત સુધી આ સંબંધે જ હનુમાનને કેટલી મદદ કરી, તે આપણે જાણીએ છીએ.
‘મિત્રધર્મ’ શું છે અને મિત્ર માટે કેવાં બલિદાનો આપવાં પડે છે તે શ્રી હનુમાનજી શીખવે છે. માત્ર બલિદાન જ નહીં, મિત્રને માર્ગદર્શન અને જ‚ર પડે લાલ આંખ કરી અમુક કૃત્ય કરતાં અટકાવો એ પણ ઉત્તમ મિત્રની ફરજ છે. એ બધું કરવાથી જ હનુમાન ઉત્તમ ‘સખા’ કહેવાયા છે.

માલિક ભલે હો - ભાવ સેવકનો જ રાખો


તમે એક મોટા ઉદ્યોગના માલિક છો, કે કોઈ કંપનીના સી.ઈ.ઓ. છો, અથવા કોઈ ઑફિસના મોટા અધિકારી છો. એટલે કે તમે જ્યાં પણ છો, ત્યાં સર્વેસર્વા છો. જો તમે પોતાના આ સંસ્થાનને આગળ લઈ જવા માગતા હો, તો તે માત્ર ત્યારે જ સંભવ થશે, જ્યારે તમે પોતાને પણ આ સંસ્થાના કર્મચારી માનો. ફર્ક એટલો જ છે કે તમે આ કર્મચારીઓની લાઇનમાં ઊભા રહેલ પહેલા કર્મચારી છો. હનુમાનજીએ આ જ કર્યું. હંમેશ આમ જ કર્યું અને આ કરવાથી જ તે સફળ થઈ શક્યા. તમે પણ થઈ શકો છો. શરત એટલી કે તમે પણ એમ જ કરો. તમે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર બેઠા હો, ગમે તેટલા ધનવાન, જ્ઞાનવાન કે સામર્થ્યવાન હો પણ તેનું અભિમાન છોડી એક સામાન્ય કાર્યકર્તા, સ્વયંસેવક, માનવ તરીકે વર્તશો તો તમારી ઊંચાઈ ઓર વધશે એમ હનુમાનજીનાં કાર્યો દ્વારા પ્રતીત થાય છે.

સદા રહો રઘુપતિ કે દાસા


જીવનના જુદા જુદા પડાવો પર મા‚તિનંદન આપણા જીવનમાં કઈ રીતે માર્ગદર્શક બની શકે છે તેનાં ઉદાહરણો આપણે જોયાં. ભગવાન હનુમાન તો વિરાટ અને વિશાળ છે. અહીં આપેલાં ઉદાહરણો તેમાંનો લાખમો ભાગ પણ નથી. સ્થિર મન, શાંતિ અને ધ્યાનમુદ્રાથી હનુમાનજીના જીવન-કવનને આત્મસાત્ કરીશું તો સફળતાનો પહાડ ઊંચકતાં આપણને કોઈ નહીં રોકી શકે. હનુમાન જયંતીએ મા‚તિનંદનને એ જ પ્રાર્થના કે સૌને સર્વક્ષેત્રે એમના જેવા સામર્થ્યવાન બનાવે અને સૌ રામમાં રમમાણ રહીએ : સદા રહો રઘુપતિ કે દાસા !

- રાજ ભાસ્કર