મજાકિયો સ્વયંસેવક અને બાળાસાહેબ
SadhanaWeekly.com       | ૧૯-એપ્રિલ-૨૦૧૭

કાર્યાલયમાં બાળાસાહેબ હોય એટલે તેમનું બધે જ ધ્યાન રહેતું. ભારતીય મજદૂર સંઘના આગેવાન કાર્યકર શ્રી ગો. કા. આઠવલે આવે એટલે કાર્યાલયમાં આવતા. બાળાસાહેબ નરકેસરી પ્રકાશન સંસ્થાના અધ્યક્ષ હતા ત્યારે શ્રી આઠવલે ત્યાંના કર્મચારી સંઘના અધ્યક્ષ હતા. ઉનાળામાં એક દિવસ જવાહરનગર ઓર્ડિનન્સ ફેક્ટરી સામે ઝાંપા આગળ સભા કરી અને કાર્યકરોની મુલાકાત વગેરે આટોપી રાતે દસ વાગ્યે તેઓ કાર્યાલયમાં આવ્યા. બાળાસાહેબ, પાંડુરંગ પંત ક્ષીરસાગર અને અન્ય કેટલાક જણ ખીજડાના ઝાડ નીચે ઓટલા પર બેઠા હતા. આઠવલે હાથપગ ધોઈ ભોજનગૃહમાં પહોંચ્યા ત્યાં તો તેમની પાછળ પાછળ પાંડુરંગ પંત ક્ષીરસાગર ટુવાલ લઈ અંદર ગયા. શ્રી મંગળપ્રસાદને તેમની જમવાની વ્યવસ્થા કરવા કહ્યું. આઠવલે કહે, ‘પંત, હું આવ્યો જ છું ને ! તમે શા માટે તકલીફ લીધી ?’ પાંડુરંગ પંત હસ્યા અને બોલ્યા, ‘અરે બાબા, સરસંઘચાલકને બધાની ચિંતા. તેઓ કહે, ‘આઠવલે મોટાભાગે બહારગામથી આવ્યો લાગે છે. થાકીને આવ્યો હશે. તેની પૂછપરછ કરો અને જમવાની વ્યવસ્થા ગોઠવો.’

આવી માતા જેવી અંત:કરણની આત્મીયતા કાર્યકરોને કેટલી પ્રેરણા અને વિશ્ર્વાસ આપે છે ! હા, બાળાસાહેબનો સ્વભાવ જ આવો હતો.

સ્વયંસેવકોની જિજ્ઞાસાપૂર્તિ

સંઘના સંદર્ભમાં કોઈપણ ગમે તે પ્રશ્ર્ન પૂછે કે બાળાસાહેબ શાંતપણે સમજાવીને જિજ્ઞાસા સંતોષતા. સંઘ શિક્ષણવર્ગમાં પણ પ્રશ્ર્નોત્તરીનો કાર્યક્રમ થતો. કાર્યક્રમની વ્યવસ્થા જળવાય, સમય ન બગડે માટે અગાઉથી સૂચના આપી પ્રશ્ર્નો મંગાવવામાં આવતા. તેને ક્રમ પ્રમાણે ગોઠવી એક જ વિષયના પ્રશ્ર્નો એકઠા કરવામાં આવતા. પ્રત્યક્ષ પ્રશ્ર્નોત્તરીના સમયે જેનો પ્રશ્ર્ન હોય તે સ્વયંસેવક ઊભો રહેતો અને શિક્ષક ધ્વનિવર્ધક પરથી તેનો પ્રશ્ર્ન વાંચી સંભળાવતા. કોઈક વખત પ્રશ્ર્નોત્તરી પૂરી થાય પછી પણ પાંચ-દસ મિનિટ વધતી એવા સમયે બાળાસાહેબ કહેતા, ‘હજુ કોઈને કશું પૂછવું છે ?’ કેટલાક સ્વયંસેવક તે જ સમયે સ્વાભાવિક પ્રશ્ર્ન પૂછતા.

તૃતીય વર્ષના વર્ગમાં એકવાર આવી પ્રશ્ર્નોત્તરીનો કાર્યક્રમ હતો. પંજાબ પ્રાંતના એક સ્વયંસેવકે પૂછ્યું કે, ‘નાગપુરના સંઘ શિક્ષણ વર્ગમાં જે દાળ હોય છે તેમાં ગોળ નાખો છો ? અમને તો ગોળ ખાવાની બિલકુલ ટેવ નથી.’ આજુબાજુના સ્વયંસેવક ગણગણવા લાગ્યા, ‘અરે આ શું પ્રશ્ર્ન છે ? ગમે તેવો પ્રશ્ર્ન પૂછે છે.’

પણ આશ્ર્ચર્ય થાય એવી રીતે બાળાસાહેબે પાંચ મિનિટ લઈ તેનો વિગતવાર જવાબ આપ્યો. તેમણે નાગપુરનું હવામાન, પાણી, વાતાવરણ, તેની શરીર પર થનારી અસરોનું વર્ણન કર્યું અને તે સંદર્ભમાં ગોળના ગુણધર્મ જણાવી કહ્યું, ‘ગોળ આંતરડાના બિનઉપયોગી પદાર્થનું મળમાં રૂપાંતર કરે છે અને નવી શક્તિ આપે છે. સંઘ શિક્ષણ વર્ગના આપણા બૌદ્ધિક, શારીરિક કાર્યક્રમોને કારણે શરીરને લાગતો ઘસારો ભરી દે છે.’ બાળાસાહેબના આ વિસ્તૃત જવાબને કારણે પ્રશ્ર્નકર્તાની જિજ્ઞાસા તો સંતોષાઈ જ, પણ અન્ય સ્વયંસેવકોમાં પ્રશ્ર્નકર્તાનું મહત્ત્વ પણ વધ્યું. સ્વયંસેવકો માટેનો બાળાસાહેબનો પ્રેમ અને તેના સન્માનનું દર્શન આવા પ્રસંગોમાંથી થતું. એકાદ મજાકિયો સ્વયંસેવક અચાનક વિસંગત પ્રશ્ર્ન કરતો. કાર્યકરોના એક અભ્યાસ વર્ગમાં સાયં શાખાના સ્વયંસેવકે પ્રશ્ર્ન પૂછ્યો, ‘રાજીવ ગાંધી માટે અને તેમની સરકાર અંગે આપનું શું મંતવ્ય છે ?’ આ પ્રશ્ર્નથી હાસ્યનું મોજું ફરી વળ્યું કારણ કે રાજીવ ગાંધીની સરકાર સત્તારૂઢ થઈને તે સમયે એક દિવસ પણ પૂરો થયો ન હતો.

બાળાસાહેબના ચહેરા પર હાસ્યની રેખા આવીને અદૃશ્ય થઈ ગઈ. શરીર પરની શાલ સરખી કરતાં તેમણે કહ્યું, ‘થોભો, થોભો, હસશો નહીં. તેણે પૂછેલો પ્રશ્ર્ન અર્થપૂર્ણ છે.’ તરત જ શાંતિ ફેલાઈ ગઈ.

સ્વયંસેવક ઉત્સુકતાથી સાંભળવા લાગ્યા. બાળાસાહેબે આગળ કહ્યું, ‘રાજીવ ગાંધીની સરકાર સત્તારૂઢ થઈને એક દિવસ પણ વીત્યો નથી તેથી રાજીવ ગાંધી માટે મંતવ્ય વ્યક્ત કરીએ તો તેમને અન્યાય કરવા જેવું થશે. આ સરકાર માટે મત વ્યક્ત કરવા વર્ષ-છ મહિના જવા દેવા પડશે. દેશનાં સૂત્રો જેમના હાથમાં છે તે બેફામ રીતે વર્તતા નથી ને તે માટે કાયમ જાગૃતિ રાખવી જોઈએ. પ્રશ્ર્નકર્તાનું આ જાગૃતપણું છે.’

બાળાસાહેબના આ જવાબના છેલ્લા વાક્યે એ મજાકિયા સ્વયંસેવકનું સારા કાર્યકરમાં રૂપાંતર કર્યું.

(ક્રમશ:)