ગુજરાતની આગામી ચૂંટણીમાં તમે બટાન દબાવો અને સ્લીપ નીકળે…એવું પણ બને!


 

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાવાની છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે વધુમાં વધુ પસંદગીના મત-વિસ્તારોમાં ઈવીએમ (ઈલેકટ્રિક વોટિંગ મશીન)ના સ્થાને VVPAT (વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ) યુનિટનો ઉપયોગ કરાય તેવી સંપૂર્ણ શકયતા છે. ગુજરાતમાં કુલ ૪૯,૦૦૦ જેટલા બૂથો માટે અંદાજે ૬૦,૦૦૦ જેટલા ઈવીએમની જરૂર પડવાની છે એટલે આટલી મોટી સંખ્યામાં ઈવીએમના સ્થાને વીવીપીએટી યુનિટ્સ મેળવવા શકય નથી. હાલને તબક્કે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માંડ ૩૩,૫૦૦ જેટલા VVPAT છે. આગામી ૨૫થી ૨૮મી દરમિયાન નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચે એક બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં હાજર રહેનારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવા માટે માર્ગદર્શન મેળવશે.

   ઉત્ત્રપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી, આપના સુપ્રીમો કેજરીવાલ, સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ સહિતના અનેક નાના-મોટા રાજકીય પક્ષોએ ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ હવે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઈવીએમના બદલે વીવીપીએટી યુનિટ દ્વારા યોજવા અંગે માંગણી કરી ચૂકયાં છે.

   નોંધનીય બાબત એ છે કે, ૨૦૧૩ના વર્ષમાં ભાજપના અગ્રણી નેતા સુબ્રમણ્ય સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી ચૂંટણી માટે ઈવીએમ ભરોસાપાત્ર નથી એમ જણાવીને દેશના તમામ બૂથોમાં ઈવીએમના બદલે વીવીપીએટી યુનિટ દ્વારા ચૂંટણી થાય તેવી માંગણી કરી હતી. જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે ઓકટોબર-૨૦૧૩માં તેમના હુકમમાં એવો નિર્દેશ આપ્યો હતો કે, તબક્કાવાર વીવીપીએટી યુનિટને અમલમાં મૂકવા માટે સરકારે નાણાકીય સહાય આપવી જોઈએ. યોગાનુયોગ બુધવારે ભારત સરકારે દેશભરના તમામ રાજયો માટે ૧૬.૧૫ લાખ વીવીપીએટી યુનિટ્સ ખરીદવા માટે રુપિયા ૩૧૭૩.૪૭ કરોડની સહાય આપવાની મંજૂરી આપી દીધી છે.

   હવે, ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૭ દરમ્યાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એમાં ઈવીએમનો ઉપયોગ ન થવો જોઈએ એવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ ખરેખર શું કરવા માંગે છે ? તે પ્રશ્ન સ્વભાવિક રીતે જ ઉપસ્થિત થયો છે અને એના જવાબમાં એવો સંકેત મળી રહ્યો છે કે, ગુજરાતમાં અંદાજે ૪૯,૦૦૦ જેટલા બૂથ છે અને એમાં મતદાન માટે આશરે ૬૦,૦૦૦ જેટલા ઈવીએમની જરૂર પડવાની છે. હાલની સ્થિતિએ કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે લગભગ ૩૩,૫૦૦ જેટલા વીવીપીએટી યુનિટ્સ છે એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમના સ્થાને વીવીપીએટીનો ઉપયોગ શકય નથી. પરિણા સ્વરૂપ એમ મનાય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે વધુમાં વધુ મત-વિસ્તારોમાં ઈવીએમના બદલે વીવીએમપીટી યુનિટનો ઉપયોગ કરશે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધારવા માટે સરદાર પટેલ યુનિવર્સિટીને સરવેની કામગીરી સોંપવામાં આવી છે.

   VVPAT યુનિટ્સ શું છે?

   વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) યુનિટમાં જયારે મતદાર, મતદાન માટે બટન દબાવે છે ત્યારે VVPATમાં એક 'બેલેટ સ્લીપ' તૈયાર થાય છે. જે મતદારને સ્ક્રીન ઉપરની વિન્ડોમાં માત્ર ૭ સેકન્ડ માટે દેખાય છે ત્યારબાદ તે સ્લીપ સીલબંધ ડ્રોપ બોકસમાં પડી જાય છે. તેનાથી જયારે જરૂર પડે ત્યારે તે જાણી શકાય છે કે કોને, કેટલા વોટ અપાયા છે.