ભારતને બદનામ કરવાની નાપાક ચાલ
SadhanaWeekly.com       | ૨૦-એપ્રિલ-૨૦૧૭

કુલભૂષણને ફાંસીની સજા

બલૂચિસ્તાનની પ્રજાએ પાકિસ્તાન સામે કરેલા બળવાને ત્યાંની સરકાર ઠારી શકતી ન હોવાથી તેણે દુનિયાનું ધ્યાન બીજે દોરવા બલૂચિસ્તાનમાંથી પકડાયેલા ભારતના તથા કથિત જાસૂસ કુલભૂષણ યાદવને ફાંસીના માંચડે ચડાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની લશ્કરી અદાલતે એક વર્ષ પહેલાં પકડાયેલા કુલભૂષણને ફાંસીના માંચડે ચડાવવાનો નિર્ણય કર્યો તે અગાઉ ભારતીય એલચી કચેરીના અધિકારીઓને તેમને મળવાની રજા પણ ન આપી તેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાન કુલભૂષણ બાબતમાં કોઈ ગંદી રમત રમી રહ્યું છે. કુલભૂષણ યાદવ હકીકતમાં ભારતીય નૌકાદળમાંથી રિટાયર થઈને બિઝનેસના કામ માટે ઈરાન ગયા હતા, પણ પાકિસ્તાન તેમને જાસૂસ તરીકે ખપાવવાના કઢંગા પ્રયાસો કરી રહ્યું છે. પોતાના દાવાના સમર્થનમાં પાકિસ્તાને કુલભૂષણનો છ મિનિટનો વીડિયો રજૂ કર્યો હતો, જેમાં કુલભૂષણે જાસૂસ હોવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. તેને જોતાં ખ્યાલ આવે છે કે તે નકલી વીડિયો ભારતને બદનામ કરવા માટે જ બનાવાયો હતો.
મળતી માહિતી મુજબ કુલભૂષણ યાદવનો જન્મ ઈ.સ. ૧૯૬૮માં થયો હતો. તેઓ ઈ.સ. ૧૯૯૦માં ભારતીય નૌકાદળમા એન્જિનિયર તરીકે જોડાયા હતા. નૌકાદળમાં ૧૪ વર્ષ નોકરી કર્યા પછી તેમને કમાન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૨૦૦૩માં કુલભૂષણે પુણેના સરનામા પરથી હુસૈન મુબારક પટેલના નામે પાસપોર્ટ મેળવ્યો હતો અને તેઓ ધંધો કરવા ઈરાનના ચાબાહર ફ્રી ટ્રેડ ઝોનમાં ચાલ્યા ગયા હતા. તેમણે પોતાના પરિવારને કહ્યું હતું કે ચાબાહરમાં તેમણે બંદરમાં આવતી હોડીઓને સર્વિસ કરવાનો બિઝનેસ ચાલુ કર્યો છે. હુસૈન મુબારક પટેલના પાસપોર્ટમાં પુણેનું જે સરનામું આપવામાં આવ્યું હતું તે અધૂરું હતું. ત્યાં તપાસ કરતાં તે સોસાયટીમાં હુસૈન મુબારક નામનો કોઈ ઈસમ રહેતો હતો તેવું કોઈને યાદ નહોતું.
ભારતની જાસૂસી સંસ્થા રોના એક ભૂતપૂર્વ અધિકારી કહે છે કે જે વ્યક્તિ રો માટે કામ કરતી હોય તેણે આ રીતે જૂઠું સરનામું આપીને પાસપોર્ટ બનાવવાની જ‚ર પડતી નથી. તેના બીજા રસ્તાઓ ભારત સરકારના વિદેશ ખાતા પાસે છે. વળી રોનો કોઈ એજન્ટ કોઈ પણ દુશ્મનદેશમાં જાસૂસી માટે પ્રવેશ કરતો હોય ત્યારે પોતાના વતન દેશની પિછાણ થઈ જાય તેવો પાસપોર્ટ પોતાની સાથે રાખતો જ નથી. કુલભૂષણ યાદવ પાકિસ્તાની સુરક્ષા દળોના હાથે પકડાઈ ગયો ત્યારે તેની પાસેથી હુસૈન મુબારક પટેલના નામનો ભારતીય પાસપોર્ટ જ મળી આવ્યો હતો. કુલભૂષણ યાદવ ઈરાનમાં જઈને કઈ પ્રવૃત્તિ કરતા હતા તે બાબતમાં ભારતની સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. કુલભૂષણનાં સગાંવહાલાં પણ આ બાબતમાં વધુ વાત કરવા તૈયાર નથી. તેમને એટલી ખબર છે કે તેઓ કાર્ગો શિપિંગનો અને ભંગારનો ધંધો કરતા હતા. જાણકારો કહે છે કે યુરોપના દેશોમાં જે ભારતીયો અને પાકિસ્તાનીઓ નોકરી કરવા માટે જવા માગતા હોય તેમના માટે ઘૂસવાનો રસ્તો ચાબાહર ફ્રી ટ્રેડ ઝોનમાંથી પસાર થાય છે. ભારતની તેમજ દુનિયાભરની જાસૂસી સંસ્થાના એજન્ટો માહિતી મેળવવા ચાબાહર બંદરે રહેતા હોય છે. જાસૂસો અહીંના મજૂરો તેમજ ખલાસીઓ પાસેથી જ‚રી માહિતી ‚પિયા આપીને ખરીદતા પણ હોય છે.
કુલભૂષણ યાદવ ક્યાંથી પકડાયા હતા તે બાબતમાં પણ પાકિસ્તાનના વિવિધ અધિકારીઓ વિરોધાભાસી નિવેદનો કરી રહ્યા છે. બલૂચિસ્તાનના ગૃહપ્રધાન સરફરાઝ બુગૈટીએ કહ્યું હતું કે કુલભૂષણ ચમાનમાંથી પકડાયા હતા. ચમાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલું છે. બીજી બાજુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ જાહેર કર્યંુ હતું કે કુલભૂષણ સરાવાનમાંથી પકાડાયા છે. સરાવાન પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની સરહદે આવેલું છે. ચમાન સરાવાન વચ્ચે કુલ ૮૩૭ કિલોમીટરનું અંતર છે. બે નિવેદનો વચ્ચેના વિરોધાભાસ પરથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાની સરકાર સત્ય પર ઢાંકપિછોડો કરી રહી છે. હકીકતમાં ઈરાનનું જે ચાબાહર બંદર છે તેના વિકાસ માટે ઈરાને ભારત સરકારની મદ માગી છે અને ભારતની સરકારે મદદ કરવાની તૈયારી પણ બતાવી છે. ભારતની અનેક ખાનગી કંપનીઓ ચાબાહરના વિકાસ માટે કામગીરી બજાવી પણ રહી છે. ચાબાહર બંદર બલૂચિસ્તાનના ગ્વાદર બંદરની નજીક આવેલું છે. જેનો કબજો પાકિસ્તાને ચીનને સોંપેલો છે. પાકિસ્તાનને ચાબાહર બંદરમાં ભારતની હાજરીનો ડર લાગે છે, માટે તે જાસૂસીની જૂઠી વાતો ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને કુલભૂષણ યાદવનો જે વીડિયો રિલીઝ કર્યો હતો તેમાં ૬ મિનિટમાં કુલ ૧૦૦ કરતાં પણ વધુ ક્લિપો જોડીને વીડિયો બનાવવામાં આવ્યો હતો. વીડિયો જોઈને કુલભૂષણની આંખની હિલચાલ પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેમની સામે ટેલિપ્રોમ્પટર રાખવામાં આવ્યું હતું અને તેમાં લખેલું કબૂલાતનામું વાંચવાની તેમને ફરજ પાડવામાં આવી રહી હતી. વળી આ વીડિયો બે અલગ જગ્યાએ, અલગ સમયે શૂટ કરીને જોઇન્ટ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગતું હતું. ઘણી જગ્યાએ કુલભૂષણના હોઠોનું હલનચલન અને શબ્દો વચ્ચે પણ મેળ ખાતો નહોતો. વીડિયોમાં વચ્ચે અલગ જ બયાન કરતી ઓડિયો ક્લિપો પણ ચિપકાવી હોવાનું જણાઈ આવતું હતું.
ભારતની જાસૂસી સંસ્થાને મળેલી માહિતી મુજબ ઈરાનમાં કામ કરતા જૈશુલ અદિલ નામના આતંકવાદી જૂથ દ્વારા કુલભૂષણનું ઈરાન પાકિસ્તાન સરહદ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને પાકિસ્તાની લશ્કરને સોંપવામાં આવ્યા હતા. જૈશુલ અદિલ સુન્ની આતંકવાદીઓનું જૂથ છે, જે ઈરાનથી પાકિસ્તાનમાં આવતા શિયા યાત્રિકોને મારવાનું કામ કરે છે. જૈશુલ અદિલ પાસે આશરે ૫૦૦ લડવૈયાઓ છે, જેઓ અલ કાયદા સાથે જોડાણ ધરાવે છે. ઈરાન દ્વારા આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. જૈશુલ અદિલને પાકિસ્તાની જાસૂસો મદદ કરે છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ કુલભૂષણને તા. ૩ માર્ચના રોજ પકડવામાં આવ્યા હતા, પણ તેમની ધરપકડ થવાની જાહેરાત છેક તા. ૨૪ માર્ચે કરવામાં આવી હતી. દરમિયાન તેમના પર ટોર્ચર કરીને તેમનું કબૂલાતનામું મેળવી લેવામાં આવ્યું હતું, પણ તે અત્યંત તૂટકતૂટક હોવાથી તેનું એડિટિંગ કરીને ૬ મિનિટનો વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આ વીડિયોનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પરીક્ષણ કરાવવામાં આવતાં જ પાકિસ્તાનનું જૂઠાણું પકડાઈ ગયું હતું.
ભારતમાં પાકિસ્તાનના અને પાકિસ્તાનમાં ભારતના અનેક જાસૂસો કામ કરતા જ હોય છે, પણ તેમની એક ચોક્કસ કાર્યપદ્ધતિ હોય છે. કુલભૂષણ યાદવ કોઈ રીતે આ પદ્ધતિમાં ફિટ બેસતા નથી. પાકિસ્તાન વર્ષોથી આક્ષેપો કરતું આવ્યું છે કે બલૂચિસ્તાનમાં જે પાકિસ્તાન વિરોધી ચળવળ ચાલી રહી છે, તેમાં પેટ્રોલ છાંટવાનું કામ ભારતની જાસૂસી સંસ્થાઓ કરે છે. હકીકત એ છે કે બલોચ પ્રજા પર પાકિસ્તાને એટલા બધા અત્યાચારો ગુજાર્યા છે કે હવે તેઓ કોઈ પણ ભોગે પાકિસ્તાનથી અલગ થવા માગે છે. બાંગ્લાદેશની જેમ જો સિંધ અને બલૂચિસ્તાન પણ પાકિસ્તાનથી અલગ થઈ જાય તો પાકિસ્તાનનું અસ્તિત્વ ખતમ
થઈ જાય, માટે પાકિસ્તાન જૂઠાણાં ચલાવી રહ્યું છે.