રાત કટ ગઈ, અંધેરા છટ ગયા,સૂરજ નિકલ આયા, ‘કમલ’ ખિલ ઉઠા!
SadhanaWeekly.com       | ૦૫-એપ્રિલ-૨૦૧૭


૬ એપ્રિલ : ભાજપાના ૩૮મા સ્થાપના-દિન નિમિત્તે વિશેષ

ઓગણીસમી સદીમાં બે અખિલ ભારતીય સંગઠનો - ‘આર્યસમાજ’ અને ‘ભારતીય રાષ્ટ્રીય મહાસભા’ (કોંગ્રેસ)નો પ્રાદુર્ભાવ થયો. બંને સંગઠનો એક વિરાટ લોકઆંદોલનમાં રુ‚પાંતરિત થઈ રહ્યાં. ભારતવર્ષની રાષ્ટ્રિય અસ્મિતા અને ઓળખની પહેચાન‚રુપ એ બન્ને સંગઠનોની આગળની કડી‚રુપ સંગઠના એટલે : ૧૯૨૫માં વિજ્યાદશમીના પ્રેરક-દિને નાગપુરમાં ડૉ. હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરેલી. ડૉ. હેડગેવારજીના વિચાર-બીજને વિશાળ વટવૃક્ષમાં ‚પાંતરિત થયેલું આજે જોઈ-અનુભવી શકાય છે. રા.સ્વ.સંઘ પણ રાષ્ટ્રિય-અસ્મિતાના દ્યોતકરુ‚પે એક વિરાટ જન-આંદોલનમાં ‚પાંતરિત થઈ રહ્યું. રા.સ્વ.સંઘની વિશેષતા એ રહી કે, આ સંગઠન કેડર-બેઈઝ્ડ હોઈ, તેની વૃદ્ધિ અને વ્યાપ અકલ્પનીય બની રહ્યો. પૂર્ણ સમર્પિત - જીવનવ્રતી પ્રચારકોની તેજસ્વી નક્ષત્ર-માલિકાથી ભારતીય જાહેરજીવનનું આકાશ આલોકિત થઈ રહ્યું. આવા જ એક પરમ તપસ્વી - મૌલિક વિચારક, ચિંતક, દૃષ્ટા, સંગઠક હતા : સંઘના વરિષ્ઠ પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી.
ભારતવર્ષ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થયું. એ સાથે જ ઇસ્લામિસ્ટ જેહાદી તત્ત્વોએ મઝહબી રાષ્ટ્ર - રાજ્ય - પાકિસ્તાન, ભારતથી અલગ ખંડી લીધું - એ પણ કોઈપણ પ્રકારના લોકમત - રેફરેન્ડમ કે પ્લેબિસાઈટ વગર જ! શેષ-ભારતની નવી ભારત સરકાર પ્રારંભમાં, સર્વપક્ષીય - રાષ્ટ્રિય સરકાર હતી. પંડિત નહેરુજીના વડપણવાળી એ સરકારમાં,
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભાના પ્રતિનિધિ તરીકે વરિષ્ઠ મંત્રી હતા. પંડિત નહેરુજીની કાશ્મીર-નીતિ (કે અનીતિ?) અને તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં ત્યાંની હિન્દુ લઘુમતીઓની દારુણ બેહાલી અને કત્લેઆમના વિરોધમાં, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું.
એ સંક્રાંતિકાળમાં ડૉ. મુખર્જી કોઈક વૈકલ્પિક રાજકીય-મંચનો વિચાર કરી રહ્યા હતા. એ વખતે દિલ્હી સ્થિત સંઘના વરિષ્ઠ પ્રચારક અને ઇતિહાસના પ્રકાંડ પંડિત, પ્રો. બલરાજ મધોકજી ડૉ. મુખર્જીને મળ્યા. તેમની સાથે સંઘના અન્ય વરિષ્ઠ પ્રચારક શ્રી વસંતરાવજી ઓક પણ હતા. એ મુલાકાત ઐતિહાસિક બની રહી. ત્યાર પછી એ ત્રણેય મહાનુભાવો - ડૉ. મુખર્જી, પ્રો. મધોકજી અને શ્રી વસંતરાવજી ઓક રા.સ્વ.સંઘના દ્વિતીય સરસંઘચાલક -પૂજનીય શ્રી ગુરુજીને મળ્યા. ૧૯૪૮માં સંઘ ઉપર સરકારી પ્રતિબંધ આવેલો. એ કારણે પણ સંઘ-વિચારધારાનો પ્રભાવી અવાજ રાષ્ટ્રજીવનમાં આંદોલિત થાય એ જ‚રુરી હતું. પૂજનીય ગુરુજી સાથેની એ મુલાકાત ફળદાયી બની. શ્રી ગુરુજીએ ડૉ. મુખર્જી સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની મુલાકાત ગોઠવી આપી. એ મુલાકાતની ફળશ્રુતિરુપે ૨૧ ઑક્ટોબર, ૧૯૫૧ને દિવસે ભારતીય રાજકીય-ગગનમાં ભારતીય જનસંઘ નામે તેજસ્વી નક્ષત્રનો ઉદય થયો...! પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ભારતીય જનસંઘના રાષ્ટ્રિય મહામંત્રી બન્યા. ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના બહુઆયામી વ્યક્તિત્વ અને કર્તૃત્ત્વથી અત્યંત પ્રભાવીત થઈ, પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારેલું કે : "જો મારી પાસે બેથી ત્રણ દીનદયાળ આવી મળે તો, હું ભારતીય જાહેરજીવન અને રાજનીતિનો કાયાકલ્પ કરી આપું !


ભારતીય જનસંઘની સ્થાપના અને વિકાસ...


૨૧ ઓક્ટોબર, ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થયા પછીના થોડા મહિનાઓમાં જ, ભારતીય ગણતાંત્રિક જનતંત્રની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ. ભારતીય સંસદની લોકસભા માટેની એ પ્રથમ ચૂંટણી - ૧૯૫૨માં, ૩ બેઠકો સાથે ભારતીય જનસંઘે સંસદપ્રવેશ કર્યો અને ૧૯૬૭ આવતાંમાં તો ભારતીય જનસંઘ એક મજબુત રાષ્ટ્રિય વિકલ્પ તરીકે જનમાનસમાં છવાઈ ગયો ! ૧૯૬૭માં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં જે સર્વપ્રથમ બિનકોંગ્રેસી સરકારો રચાઈ, એ સંયુક્ત વિધાયક દળની સરકારોમાં, ભારતીય જનસંઘની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. નિરંતર ૧૬ વર્ષ સુધી પંડિત દીનદયાળજીએ ભારતીય જનસંઘના મહામંત્રીપદે રહીને, જનસંઘના સંગઠનને અખિલ ભારતીય સ્તરે વિસ્તાર્યું. છેલ્લે ૧૯૬૭માં કેરળના કાલિકટ-અધિવેશનમાં ભારતીય જનસંઘના રાષ્ટ્રિય અધ્યક્ષપદે પંડિત દીનદયાળજીની વરણી થઈ. કાલીકટ - અધિવેશન ઐતિહાસિક બની રહ્યું. પરંતુ ત્યાર પછીના મહિનાઓમાં જ પંડિત દીનદયાળજીની રેલવે મુસાફરી દરમ્યાન મુગલસરાય રેલવે સ્ટેશન નજીક, નિર્ઘૃણ્ણ હત્યા થઈ ! એ પહેલા ડૉ. મુખર્જી ૧૯૫૩માં કાશ્મીરનું ભારતીય-સંઘમાં પૂર્ણ વિલીનીકરણ થાય એ માટે સત્યાગ્રહી બની - કારાવાસ વ્હોરીને, કાશ્મીરની જેલમાં તેઓશ્રીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું. આ રીતે ભારતીય જનસંઘે તેના બંને પ્રારંભીય અધ્યક્ષોને અકાળે કરુણ પરિસ્થિતિમાં ગુમાવ્યા !
ભારતીય જનસંઘના રાષ્ટ્રિય સ્તરે પ્રચાર-પ્રસાર, સંગઠનાત્મક વિકાસમાં ડૉ. મુખર્જી, પંડિત દીનદયાળજી ઉપરાંત સર્વ શ્રી પ્રો. બલરાજ મધોકજી, અટલજી, અડવાણીજી, પંડિત પ્રેમનાથ ડોગરાજી, નાનાજી દેશમુખ, સુંદરસિંહજી ભાંડારી, કુશાભાઈ ઠાકરેજી, જગન્નાથરાવજી જોષી વગેરે મહાનુભાવોના અપ્રતિમ પ્રદાન વિશે તો, દરેક માટે અલગ પુસ્તક થઈ શકે !
ગુજરાતમાં પણ ભારતીય જનસંઘના પ્રારંભકાળમાં સર્વશ્રી હરિહરસિંહજીભાઈ ગોહિલ, ડૉ. દીક્ષિતજી, સુમનભાઈ પારેખ, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ આચાર્ય, વસંતરાવજી ગજેન્દ્રગડકર, નાથાભાઈ ઝઘડા, દેવદત્ત પટેલ વગેરે મહાનુભાવોનું અપ્રતિમ પ્રદાન સદૈવ સ્મરણીય રહેશે...
૧૯૭૫માં લદાયેલી આંતરિક કટોકટી વિરુદ્ધના રાષ્ટ્રવ્યાપી જનસંઘર્ષમાં, લોકનાયક જયપ્રકાશજીના નેતૃત્ત્વમાં જે જનતંત્ર સુરક્ષાની લડત ચાલી, તેમાં ભારતીય જનસંઘની ભૂમિકા અપ્રતિમ રહી છે. ૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં, શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંત્રી પદે જનતા સરકાર રચાઈ, જેમાં જનસંઘ - ઘટકના શ્રી અટલજી અને શ્રી અડવાણીજી વરિષ્ઠ મંત્રી બન્યા.


ભીષણ રાત્રિ પછી ભાજપનું કમળ ખીલી ઊઠ્યું..!


૧૯૭૭ની જનતા સરકાર અઢી વર્ષ ચાલી. ત્યારબાદ માર્ચ ૧૯૮૦માં લોકસભા ચૂંટણીમાં જનતા પક્ષનો પરાજય થયો. જનતા પક્ષના કથિત સેક્યુલર-ઘટકોએ, ભારતીય જનસંઘ-ઘટકના સદસ્યોના રા.સ્વ.સંઘ સાથેના સંબંધો અંગે, સવાલીયા નિશાન ઊભાં કર્યાં. પરિણામે ૪ એપ્રિલ, ૧૯૮૦ - શુક્રવાર - ગુડફ્રાઈડેના દિવસે, જનતા પક્ષમાંથી ભારતીય જનસંઘ-ઘટકને અલગ પડવાની ફરજ થઈ પડી. ત્યાર પછી ઈસ્ટર સન્ડેના દિને - ૬ એપ્રિલ ૧૯૮૦ને દિવસે ભાજપાની સ્થાપના થઈ. ભારતીય જનસંઘના ‘દીપક’‚રુપે ૨૬ વર્ષ સુધી ભારતીય રાજનીતિના આકાશમાં, રાત્રિના અંધકારમાં ‘દીપક’ને સહારે પંથ પ્રશસ્ત કર્યાં બાદ... ૬ એપ્રિલ, ૧૯૮૦ના એ સ્વર્ણિમ પ્રભાતે ‘કમળ’ ખીલી ઊઠ્યું. આ કમળ - ૧૮૫૭ના સ્વાંતત્ર્ય-સંગ્રામમાં રોટી સાથે ‘કમળ’ પણ ક્રાંતિ-પ્રતિક બની રહેલું. મહાયોગી શ્રી અરવિંદનું આધ્યાત્મિક પ્રતિક પણ ‘કમળ’ જ છે ! કહો કે : રાજનીતિના કીચડમય સરોવરમાં, ભારતીય સંસ્કૃતિની સુવાસરુ‚પ ‘કમળ’ ‚રુપે, ભારતીય જનતા પાર્ટીએ ‘વંદેમાતરમ્’ રાષ્ટ્રગીતમાં વર્ણિત કમલા... કમલદલ વિહારિણીમ્!ની ભાવના પુન:મૂર્તિમંત કરીને; સ્વરાજને સુરાજ્યમાં ‚પાંતરિત કરવા, કમળદળ-વિહારિણી લક્ષ્મી: સુખ - સૌભાગ્ય - સૌંદર્યની ઉપાસના માટે જ; ભારતીય જનતા પાર્ટીનો પ્રાદુર્ભાવ ભારતવર્ષની રાજનીતિ અને જાહેરજીવનમાં થયો છે એમ સહજપણે કહી શકાય...!
૬ એપ્રિલ, ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સંસ્થાપના પછી; ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીની તેમના શીખ રક્ષક - સૈનિક દ્વારા નિર્ઘૃણ્ણ હત્યા કરવામાં આવી. ત્યારપછી માત્ર એક મહિનામાં જ લોકસભાની વહેલી ચૂંટણીઓ જાહેર કરવામાં આવી. હત્યા કરાયેલા સદ્ગત ઇન્દિરાજીને સ્થાને આવેલ રાજીવ ગાંધી માટેની સહાનુભૂતિના મોજા ઉપર સવાર થઈ, કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ૪૦૦થી પણ વધુ બેઠકો મેળવી. સહાનુભૂતિની એ આંધીમાં વિરોધ પક્ષો બેહાલ થઈ ગયા. આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને, સમગ્ર દેશમાંથી માત્ર બે બેઠકો જ પ્રાપ્ત થઈ. આંધ્રની વારંગલ લોકસભા બેઠક અને ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક ! સ્વયં અટલજી પણ ગ્વાલિયર સીટ પરથી શ્રી માધવરાવ સિંધીયા સામે પરાજિત થયા ! ૧૯૮૪ની લોકસભા ચૂંટણીના આવા કાતિલાના ઝટકાથી, ભાજપના નેતૃત્વમાં અને કાર્યકર્તાઓમાં વ્યાપક વૈચારિક-મંથન શ‚ થયું...


શ્રીરામ જન્મભૂમિ આંદોલન : અંગદ-કદમ !


ભારતીય જનતા પાર્ટીએ પ્રારંભમાં તેના સૈદ્ધાંતિક દસ્તાવેજમાં ‘ગાંધીવાદી સમાજવાદ’નું લક્ષ્ય દર્શાવેલું. પરંતુ બદલાયેલા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ તેની વ્યૂહરચના બદલાવી. ભારતીય જનસંઘ વખતથી જે આદર્શો અને પરંપરામાં કાર્યકર્તાઓનો ઉછેર થયેલો; એ તો ભારતવર્ષની સનાતન સાંસ્કૃતિક-ધારા, ભારતીય જીવનદર્શન અને તેના શાશ્ર્વત મૂલ્યો... આસેતુ - હિમાચલ ભારતવર્ષ એક-રાષ્ટ્ર, એક-જનતા, એક- સંસ્કૃતિ વગેરે બાબતો જનસંઘ વખતથી પ્રેરણા-પિયૂષ બની રહેલ. એને જ ભારતીય જનતા પાર્ટી‚પે નવા અવતારમાં પણ આગળ ધપાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ સમુદ્રમંથનમાંથી જ,
‘શ્રી રામ-જન્મભૂમિ મુક્તિ આંદોલન’નો પ્રારંભ થયો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાષ્ટ્રીય આગેવાન, શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિના સ્થાને જ, ભવ્ય મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ સાકાર કરવા માટે, શ્રી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો સંકલ્પ પ્રગટ કર્યો.
જ્યારે શ્રીરામ-રથયાત્રાએ બિહારમાં પ્રવેશ કર્યો ત્યારે, બિહારના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી લાલુપ્રસાદ યાદવે, રથયાત્રા અટકાવીને, અડવાણીજીની ધરપકડ કરી.
શ્રી અડવાણીજીના રામ-રથને રોકવામાં આવતાં જ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી વી.પી. સિંહની સરકારને બહારથી અપાતું સમર્થન ભાજપાએ પાછું ખેંચી લીધું. પરિણામે શ્રી વી.પી. સિંહ સરકારનું પતન થયું. ત્યાર પછી રચાયેલી શ્રી ચંદ્રશેખર સરકાર પણ થોડા મહિનાઓની જ મહેમાન બની રહી ! કોંગ્રેસે તેની કુટિલ પરંપરા અનુસાર ચરણસિંહ પછી ચંદ્રશેખર સરકારને પણ ગબડાવી પાડી ! પરિણામે મે, ૧૯૯૧માં લોકસભાની મધ્યસત્ર ચૂંટણીઓ આવી પડી.

 


અને ભાજપનાં પ્રથમ વડાપ્રધાને શપથ લીધા...


શ્રીરામજન્મભૂમિ આંદોલનથી શ‚ થયેલ રાષ્ટ્રીય સ્વાભિમાનની લહેરને કારણે, ૧૯૮૪માં માત્ર બે બેઠકોમાં સંકોચાઈ ગયેલ ભાજપાને, ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ૮૫ બેઠકો અને ૩.૬૨ ટકા મતવૃદ્ધિ સાથે ૧૧.૩૬ ટકા મતદાનીય સમર્થન હાંસલ થઈ શક્યું. ૧૯૯૧માં ૧૨૦ બેઠકો સાથે ભાજપા ૮.૭૫ ટકા મતદાનીય વૃદ્ધિથી ૨૦.૧૧ ટકા મતદારોનું જનસમર્થન હાંસલ કરવામાં સફળ રહ્યો. ત્યાર પછી ૧૯૯૬માં યોજાએલી ૧૧મી લોકસભા ચૂંટણીમાં ૧૬૩ બેઠકો સાથે ૦.૧૮ ટકા મતવૃદ્ધિ સથે ૨૦.૧૯ ટકા જનસમર્થન પ્રાપ્ત કરી, ભારતીય જનતા પાર્ટી સહુથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી.
જનતાંત્રિક પરંપરા પ્રમાણે, તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ શ્રી શંકરદયાળ શર્માએ, સહુથી મોટી પાર્ટીના નેતા તરીકે શ્રી અટલબિહારી વાજપેયીજીને પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા. જોકે કથિત સેક્યુલર લોબીએ વ્યાપક જનાદેશને બાજુએ મૂકીને, લઘુમતીવાદની સાંપ્રદાયિક રાજનીતિથી પ્રેરિત થઈ, અટલજીને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો. પરિણામે માત્ર ૧૩ દિવસ પછી, અટલજીની સરકારને પદત્યાગ કરવો પડ્યો. ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીએ કથિત સેક્યુલર પોલિટીક્સને આગળ કરીને, શ્રી દેવેગૌડાજીને પ્રધાનમંત્રી બનવા બાહ્ય સમર્થન જાહેર કર્યું. અને માત્ર એક જ વર્ષમાં એ સરકારનું પણ પતન નિશ્ર્ચિત કરી આપ્યું ! ત્યાર પછી શ્રી ઇન્દ્રકુમાર ગુજરાલજીની સરકાર રચાય એ માટે, કોંગ્રેસે બાહ્ય સમર્થન જાહેર કર્યું અને અગાઉની કુટિલ પરંપરા મુજબ કોંગ્રેસ પાર્ટીએ શ્રી ગુજરાલ સરકારને પણ ધ્વસ્ત કરી દીધી !!


અસ્ત અને ઉદય


આવી રાજકીય અનિશ્ર્ચિતતાને કારણે ૧૯૯૬ પછી માત્ર બે જ વર્ષમાં ફરીથી લોકસભાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવાની ફરજ પડી. ૧૯૯૮ની એ લોકસભા ચૂંટણીમાં - ૧૨મી લોકસભામાં ૧૮૧ બેઠકો સાથે ભારતીય જનતાપાર્ટી ૫.૩૦ ટકા મતવૃદ્ધિપૂર્વક ૨૫.૫૯ ટકા જનસમર્થન હાંસલ કરી શક્યો. આ પ્રકારના વ્યાપક જનસમર્થનને કારણે શ્રી અટલજીના નેતૃત્વમાં ૨૨ અન્ય પક્ષો સાથે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ - એન.ડી.એ. સરકાર અસ્તિત્વમાં આવી. ૧૯૯૮થી ૧૯૯૯ દરમ્યાન એક વર્ષમાં જ અનેક મહત્ત્વની ઘટનાઓ બની. ફેબ્રુઆરી ૧૯૯૯માં પ્રધાનમંત્રી શ્રી અટલજીએ અમૃતસરથી લાહોર બસ-સેવા યાત્રાનો ઐતિહાસિક આરંભ કર્યો. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૯ને દિવસે લાહોરમાં અટલજીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે ઐતિહાસિક સંધી કરીને, ભારત-પાકિસ્તાન વચ્ચેના મૈત્રીસંબંધો માટે ‘સેતુ’ રચવાનો મહાપ્રયાસ કર્યો. પરંતુ તત્કાલિન પાકિસ્તાની સૈન્યના વડા મુશર્રફે ભારતના કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી, પુન: ભારત-પાકિસ્તાન યુદ્ધનાં બીજ વાવ્યાં. પરિણામે લાહોર - ઘોષણા - લાહોર સ્પિરિટનું, પાકિસ્તાની લશ્કરશાહે બાષ્પીભવન કરી નાંખ્યું ! આ તરફ અટલજીની એન.ડી.એ. સરકારને બાહ્ય સમર્થન આપી રહેલા એ.આઈ.એ.ડી.એમ.કે.નાં સુશ્રી જયલલિતાએ, અટલજીની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચતાં, માત્ર ૧ મતથી અટલજી સરકારનું પતન થયું. ત્યાર પછી થોડા મહિના પછી ઓક્ટોબર, ૧૯૯૯માં યોજાયેલી લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં - ૧૩મી લોકસભામાં, પુન: અટલજીના નેતૃત્વમાં ભાજપાને ૧૮૨ બેઠકો પ્રાપ્ત થઈ. પરંતુ બદલાયેલા સંજોગોમાં રાજકીય અસ્થિરતા દૂર કરવા, ૨૪ પક્ષોએ આ વખતે અટલજીની સરકારને મજબૂત સમર્થન પૂરું પાડ્યું અને માર્ચ - ૨૦૦૪ સુધી અટલજીની સરકાર યશસ્વી કામગીરી કરી શકી...
પરંતુ ૨૦૦૪માં ૬ મહિના વહેલી કરાયેલી ૧૪મી લોકસભા-ચૂંટણીમાં, અનપેક્ષિત - અણધાર્યાં પરિણામો આવતાં, અટલજીના નેતૃત્વમાં એન.ડી.એ.નો પરાજય થયો. લોકસભામાં ૧૩૮ બેઠકો સાથે - ૪૪ બેઠકોના ઘટાડા સાથે, ૨૨.૧૬ ટકા જનસમર્થનમાં (૧.૬૯ ટકા ઘટાડા સાથે) ભાજપાનો પરાજય થતાં, કોંગ્રેસ પાર્ટીના ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુ.પી.એ. સરકાર સત્તા ઉપર આવી. ત્યાર પછી ૨૦૦૯માં યોજાયેલી ૧૫મી લોકસભા ચૂંટણીમાં શ્રી અડવાણીજીના નેતૃત્ત્વમાં ભાજપાને ૧૧૮ બેઠકો મળી. ૨૨ બેઠકોના ઘટાડા સાથે ૩.૩૬ ટકા મતદાનીય ઘટાડા સાથે ભાજપાને ૧૮.૮૦ ટકા મતો પ્રાપ્ત થયા. પુન: યુપીએની ડૉ. મનમોહનસિંહ સરકાર આવી.


શ્રી નરેન્દ્રભાઈનાં નેતૃત્વમાં અભૂતપૂર્વ સફળતા


ત્યાર પછી ૨૦૧૪માં યોજાયેલી ૧૬મી લોકસભા ચૂંટણીઓમાં, ભાજપાના પ્રધાનમંત્રી-પદના ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન યશસ્વી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં યોજાયેલી એ ચૂંટણીમાં, ભાજપાને અપૂર્વ સફળતા મળી. શ્રી મોદીજીના કરિશ્માઈ નેતૃત્વમાં, ભાજપાના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સહિત તમામ આગેવાનો અને રાષ્ટ્રવ્યાપી લક્ષાવધિ કાર્યકર્તાઓએ, ભાજપના ઐતિહાસિક વિજયનો માર્ગ પ્રશસ્ત કર્યો. યુપીએ સરકારના સુદીર્ઘ દાયકાના કુશાસન, અનેકવિધ મહાકૌભાંડો અને ભ્રષ્ટાચારને લપડાક આપતા આ ઐતિહાસિક જનાદેશને પરિણામે, કોંગ્રેસ પાર્ટી કેવળ ૪૪ બેઠકો સાથે સંકોચાઈ ગઈ. એટલું જ નહીં તો, વિપક્ષ બનવા માટે જરુ‚રી ૫૪ બેઠકો પણ નહીં મળતાં, કોંગ્રેસ પાર્ટી અધિકૃત વિપક્ષ પણ બની શકી નહીં ! ક્યાં રાજીવ ગાંધી વખતની ૪૦૦થી પણ વધુ બેઠકો ? અને ક્યાં ૫૦થી પણ નીચે માત્ર ૪૪ બેઠકો ?! ભારતના જાગ્રત અને રાષ્ટ્રીયતાને વરેલા સુજ્ઞ મતદારોએ કોંગ્રેસ-યુપીએના કૌભાંડી કુશાસન સામે, પ્રચલિત લોકકથાના ઋષિએ જે રીતે, ઉંદર પ્રત્યે દયા ખાઈને, ઉંદરને જે રીતે પહેલા બિલાડો, પછી કૂતરો અને છેવટે સિંહ બનાવેલો, પરંતુ એ જ ઉંદરમાંથી ‘સિંહ’ બનેલી કોંગ્રેસ પાર્ટી અને તેમના ‘મનમોહનસિંહ’ને, અટલજીના ઐતિહાસિક ઉદ્ગારો પ્રમાણે : દેશજનતાએ ‘પુન: મુષકો ભવ:!’ કહીને ફરીથી ઉંદર બનાવી મૂક્યાં ! પ્રબુદ્ધ મતદારો અને જાગ્રત જનતાની આંખ જ્યારે લાલ થાય છે ત્યારે, ભલભલા ચમરબંધીઓ પણ ધ્વસ્ત થઈ જાય છે !

 ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૫૪૩ બેઠકોમાંથી ૨૮૨ બેઠકો સાથે (૩૧ ટકા મતદાનીય સમર્થનપૂર્વક) પૂર્ણ બહુમતી મેળવી. શ્રી મોદીજીનો પ્રધાનમંત્રી -પદનો શપથવિધિ ૨૬ મે, ૨૦૧૪ના ઐતિહાસિક દિને યોજાયો. પછીના વર્ષનો ઇતિહાસ મોદીજીના કરિશ્માઈ નેતૃત્વનો યશસ્વી ઇતિહાસ છે... જે સ્વરાજને સુશાસનમાં ‚રુપાંતરિત કરવાના રાષ્ટ્રિય મહા-યજ્ઞ સમાન છે !
૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પછી કુલ ૧૧ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ. તેમાં ૧૧માંથી ૭ રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રી બન્યા. તેમાંયે ઉત્તરાખંડ - ઉત્તરપ્રદેશના પ્રચંડ વિજયથી તો વ્યાપકપણે કમળ ખીલી ઉઠ્યાં.
૧૯૫૨ની પહેલી લોકસભામાં માત્ર ૩ બેઠકોથી શ્રીગણેશ કરનાર ભારતીય જનસંઘ, આજે ભાજપાના નવા સ્વરુ‚પે ૧૪મી લોકસભામાં ૨૮૨ બેઠકો - સ્પષ્ટ બહુમતી સાથે સત્તા‚રુઢ થયો છે અને ભારતની હાલની ૧૨૧ કરોડ જનસંખ્યામાંથી ૭૦.૪ કરોડ વસ્તી ઉપર ભાજપા શાસન કરી રહ્યો છે. જ્યારે બીજા ક્રમે ૩૦.૨૩ કરોડ સાથે પ્રાદેશિક પક્ષો અને ત્રીજા-છેલ્લા ક્રમે ૨૦.૩૭ કરોડ સાથે કોંગ્રેસ પાર્ટી રહી ગઈ છે. તે વખતે પં. નહેરુજીના શબ્દો યાદ આવે છે. ‘હું જનસંઘને કચડી નાખીશ !’ પરંતુ જાગ્રત જનતાએ કોંગ્રેસને જ કચડી નાખી છે ! ત્યારે શ્રી અટલજીના ઐતિહાસિક ઉદ્ગારોનું પ્રેરક સ્મરણ પ્રાસંગિક બની રહેશે. ‘રાત કટ જાયેગી - અંધેરા છટ જાયેગા... સૂરજ નિકલ આયેગા... કમળ ખિલ જાયેગા...!’ હાલના સંદર્ભમાં શાબ્દિક ફેરફાર સાથે, "રાત કટ ગઈ, અંધેરા છટ ગયા, સૂરજ નિકલ આયા કમલ ખિલ ઉઠા !

 

- પ્રા. હર્ષદ યાજ્ઞિક