કહો, કાગડા કેટલા ?
SadhanaWeekly.com       | ૦૭-એપ્રિલ-૨૦૧૭

 દલાભાઈના ગામના જુવાનિયાઓએ કરેલો નિર્ણય જ્યારે એમણે જાણ્યો ત્યારે તેઓ બોલ્યા, ‘એમને ખબર નથી કે ભૈ ઘરડાં જ ગાડાં વાળે.’

વાત આમ હતી.

ગામના પાદરે કેટલાક જુવાનો અને વૃદ્ધો વાતચીત કરી રહ્યા હતા. એમાંથી એક વૃદ્ધ બોલ્યા, ‘આજકાલના જુવાનિયાઓને કશી ગતાગમ પડતી નથી. જો અમે ના હોઈએ તો એમનાં કેટલાંક કામ બગડે.’

આ સાંભળી હરજીત નામનો જુવાન કહે, ‘દાદા, એવું ના બોલો, હો. અમારામાંય બુદ્ધિ છે.’

ને પછી વાત વટ પર ચડી ગઈ. જુવાનોને થઈ ગયું કે એક વાર ઘરડાંઓને બતાવી દેવું પડશે.

તે પછી દસેક દિવસ બાદ મનજી નામના જુવાનનાં લગ્ન હતાં. જાન પાંચેક કિલોમીટર દૂર આવેલ રામપુર નામના ગામમાં જવાની હતી. સામાન્ય રીતે જાનમાં બાળકો, સ્ત્રીઓ, જુવાનો ને વડીલો બધા જાય, પરંતુ મનજીની જાનમાં બધા જુવાનોએ નક્કી કર્યું કે કોઈ ઘરડાને જાનમાં લઈ જવા નથી.

એ સમયે જાન રાત રોકાતી. વળી સામેવાળા લોકો જાનમાં આવેલા જાનૈયાની બુદ્ધિ કસે તેવા સવાલો પૂછતા. જવાબ ન કહે તો મશ્કરી કરતા. શરત પણ રાખતા. એટલે જાનમાં વડીલોને લઈ જવા પડતા. આ વડીલો જુવાનોને કોયડાના ઉકેલ શોધી એમની ઇજ્જત સાચવી લેતા.

પરંતુ આ વખતે જુવાનો માટે વટનો સવાલ હતો. તેઓએ એવું માનતા હતા કે વડીલોની મદદ વગર અમે કોયડા ઉકેલી શકીશું. ને વડીલો એવું માનતા હતા કે આ જુવાનો સામેના ગામમાં નાક કપાવીને આવશે.

છેવટે મનજીની જાન નીકળી. જાનમાં બાળકો સ્ત્રીઓ અને જુવાનો જ ગયા. કોઈ વડીલને જુવાનોએ આવવા ન દીધા. દલાભાઈને થયું કે આ જુવાનો ભૂલ કરી રહ્યા છે, એટલે તેમણે એક ડાહ્યા જુવાનને ઘેર બોલાવ્યો. એનું નામ રમણ હતું.

દલાભાઈ કહે, ‘સાંભળ રમણ, તમે સૌ જાઓ એનો વાંધો નથી, પરંતુ તું બધામાં સમજુ છે. તને એક વાત કહું તે તારે ખાનગી રાખવાની છે. હું જાનમાં આવતો નથી, પરંતુ રામપુર તો આવું છું. જાન જે મહોલ્લામાં જવાની છે. તેની બાજુના ફળિયામાં હું પસાભાઈને ઘરે બેઠો હોઈશ. જો કંઈ મદદની જ‚ર જણાય તો તું એકલો ગમે તે કરીને છટકીને, ખાનગીમાં મને આવી મળી જજે. હું તમારી આબ‚ સાચવી લઈશ.’

રમણને પણ વાત સમજાઈ ગઈ.

જાન રામપુર ગામે પહોંચી. બીજે રસ્તે થઈ દલાભાઈ પણ રામપુર પસાભાઈને ઘેર પહોંચી ગયા.

જાનમાં કોઈ વડીલોને ન જોઈ રામપુર ગામના વડીલોનેય નવાઈ લાગી. પૂછપરછ કરતાં હકીકત જાણવા મળી. રામભાઈ નામના વડીલ બોલ્યા, તો તો આજ આ જુવાનિયાઓની કસોટી થઈ જશે.

જાનનું સ્વાગત કરવામાં આવ્યું. જાનને મંડપે લઈ ગયા. ને પછી ભોજન પણ જમાડ્યું. તે પછી લગ્નવિધિ શરુ‚ કરવામાં આવ્યો. જુવાનિયાઓ મસ્તીમાં હસી મજાક કરી રહ્યા હતા.

ક્ધયા પધરાવવાનો સમય થવા આવ્યો ને ત્યાં રામભાઈ નામના વડીલ જુવાનિયાઓ પાસે ગયા ને હાથ જોડી બોલ્યા, ‘જુવાનિયાઓ, અમારા ગામનો રિવાજ છે કે અમે જાનૈયાઓને એક કોયડો પૂછીએ છીએ. તેનો ઉત્તર મળે તે પછી જ ક્ધયાને પરણાવવા મંડપમાં લાવીએ છીએ.’ જો સાચો ઉત્તરના મળે તો જાનને પાછી મોકલી દઈએ છીએ.’

‘હા, પૂછો તમતમારે. જવાબ આપીશું.’ એક જુવાને કહ્યું, રામભાઈ હસીને કહે, ‘તો કહો, અમારા ગામમાં કાગડા કેટલા હશે ? એ કહો પછી તમારા ભૈબંધને પૈણાવો.’

બધા જુવાનિયા વિચારમાં પડી ગયા. ગામમાં કાગડાની વસ્તીની ગણતરી કેવી રીતે થાય ? એક જણ કહે, ‘કાલ સવાર પડે પછી ગણીને કહીએ તો ?’

રામભાઈ કહે, ‘ન ચાલે, અહીં બેઠાં બેઠા જ ઉત્તર આપવાનો છે. ઊભા થવાનું નથી.’

બધા જુવાનિયા માથું ખંજવાળવા લાગ્યા. હવે શું કરવું ? અડધો કલાક ચર્ચામાં ગયો. ત્યાં રમણ નામનો જુવાન ઊભો થયો. રામભાઈ કહે, ‘બેસી જાવ, ક્યાં ઊપડ્યા ?’ રમણે ટચલી આંગળી ઊંચી કરી કહ્યું, ‘બહુ લાગી છે. જઈને હાલ જ પાછો આવું છું. ને રમણ મંડપ બહાર નીકળી ગયો. તે સીધો દલાભાઈને મળવા ઊપડી ગયો. દલાભાઈને બધી વાત કરી. દલાઈએ તરત જ રમણને જવાબ સમજાવી દીધો.’

રમણ પાંચ જ મિનિટમાં પાછો આવ્યો. રામભાઈ કહે, ‘જુવાનિયાઓ, તમારા ભૈબંધને પૈણાયા વગર જવાના લાગો છો. કોઈ ઘરડાને જાનમાં લાવ્યા હોત તો ?’

ને રમણ બોલ્યો, ‘વડીલ, મને જવાબ સૂઝ્યો, સાંભળો તમારા ગામમાં ૨૪૫ કાગડા છે.’

રામભાઈ કહે, ‘ને એનાથી વધારે નીકળે તો ?’

રમણ કહે, ‘તો એમ સમજવું કે બહારગામથી થોડા કાગડા મહેમાન ગતિ કરવા આવ્યા હશે.’

રામભાઈ ફરી બોલ્યા, ‘ને ૨૪૫ કરતાં ઓછા થાય તો ?’

રમણ કહે, ‘તો એમ સમજવું કે એટલા કાગડા બહારગામ ફરવા ગયા હશે.’

જવાબ સાચો હતો. રામભાઈને વહેમ પડ્યો એટલે પૂછ્યું, ‘જવાન, તું ઊઠીને બહાર જઈ કોઈને પૂછી આવ્યો છે. મારા ગામનો કોઈ માણસ તને મદદ ના કરે. નક્કી જાનમાં કોઈ વડીલ છાનામાના આવ્યા લાગે છે.’

ને પછી રમણે સાચી વાત કરી. રામભાઈએ એક છોકરાને મોકલી દલાભાઈને મંડપમાં બોલાવ્યા.

દલાભાઈ આવ્યા. સૌ જુવાનો નીચું જોઈ ગયા. ખરેખર ! આજે વડીલે જ જુવાનિયાઓની લાજ રાખી હતી.

- નટવર પટેલ