સંઘવિચારક શ્રી રમેશ મહેતાના પુસ્તકનું મુંબઈમાં લોકાર્પણ
SadhanaWeekly.com       | ૧૨-મે-૨૦૧૭

પુસ્તક એક સાથે ચાર ભાષા ગુજરાતી, હિન્દી, મરાઠી તથા અંગ્રેજીમાં લોકાર્પિત


દેશની સર્વ સમસ્યાઓનું સમાધાન રા. સ્વ. સંઘની વિચારધારામાંથી મળી રહે છે : શ્રી નીતિન ગડકરી

ગત ૨૯મી એપ્રિલની સમી સાંજે, મુંબઈના વિલે પારલેમાં આવેલા પં. દીનાનાથ મંગેશકર નાટ્યગૃહનો વિશાળ સભાગાર મુંબઈના વિદ્વતજનોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. પ્રસંગ હતો વિચારક શ્રી રમેશ મહેતાના ‘વિશ્ર્વ કા અદ્વિતીય સંગઠન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ એ પુસ્તકના લોકાર્પણનો. પ્રસ્તુત છે આ અનોખા અવસરે મહાનુભાવોએ વ્યક્ત કરેલું વિચાર નવનીત.
અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક તથા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાની વિશેષ ઉપસ્થિતિ હતી. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રા. સ્વ. સંઘ તેના આરંભકાળથી છેવાડાના માનવીને કેન્દ્રસ્થાને રાખીને તેના જ ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્રોત્થાનનું કાર્ય કરી રહ્યો છે. આથી જ દેશની બધી જ સમસ્યાઓનું સમાધાન સંઘની વિચારધારામાંથી જ મળી રહે છે. આ કારણે જ સંઘકાર્ય માત્ર ભારત દેશ માટે જ નહીં, સમગ્ર વિશ્ર્વ માટે દિશાદર્શક બની રહેવાનું છે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની એક હજાર વર્ષની પરાધીનતાનું મુખ્ય કારણ સમાજમાં વ્યાપેલો કુસંપ હતો. તત્કાલીન રાજાઓ માંહોમાંહે સંઘર્ષ કરવાને બદલે એકજૂટ થઈને વિદેશી આક્રાંતાઓ સામે લડ્યા હોત તો દેશમાં ક્યારેય મોગલો કે અંગ્રેજોનું શાસન આવ્યું ન હોત. આપણા કુસંપને કારણે જ વિદેશીઓ ભારત ઉપર રાજ્ય સ્થાપી શક્યા હતા. આપણે આપણા ઇતિહાસનું ચિંતન કર્યા વિના કોઈ સમસ્યાઓનું સમાધાન કરી શકીશું નહીં. દેશના લોકોને સંગઠિત કરવાનું કાર્ય સંઘ કરી રહ્યો છે કે જેથી ભવિષ્યમાં કોઈ આપણી સામે જોઈ ન શકે તેમ તેમણે જણાવ્યું હતું.
આજે દેશમાં સમાજવાદ કે માર્ક્સવાદ ધરાશાયી થઈ ગયા છે ત્યારે સંઘની વિચારધારા જ આપણા માટે પ્રેરણારૂપ છે તેમ જણાવીને શ્રી ગડકરીએ ઉમેર્યું હતું કે સંઘની વિચારધારાને અનુસરવાથી જ સમૃદ્ધ અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ થઈ શકશે. સંઘ સમગ્ર સમાજને લઈને ચાલતો હોવા છતાં સંઘવિરોધીઓ સંઘ ઉપર જાતિયતાના વાહિયાત આક્ષેપો કરતા રહે છે તે અંગે તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી નવા-સવા સ્વયંસેવક બનેલા લોકો પણ ‘અમે તો પહેલેથી જ શાખામાં જતા હતા.’ તેવું કહેતા હોય છે તે અંગે કટાક્ષ કરતાં શ્રી ગડકરીએ કહ્યું હતું કે આવા લોકો સંઘના માધ્યમથી સત્તા પ્રાપ્ત કરવાનાં દિવાસ્વપ્ન જોતા હોય છે.
સંઘ વિચારધારા અંગે હેતુપૂર્વક પ્રસારવામાં આવતી ભ્રાંતિઓ વિશે બોલતાં શ્રી ગડકરીએ કહ્યું હતું કે સંઘના હિન્દુત્વના વિચારને વિરોધીઓ સાંપ્રદાયિક ગણાવે છે, પરંતુ વાસ્તવમાં હિન્દુત્વ એ તો સર્વસમાવેશક વિચાર છે. આ વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે આવશ્યક છે. સંઘના સંપર્કથી તો સામાન્ય માણસ પણ અસામાન્ય બની જાય છે તેવી સંઘની શક્તિ છે, કેમ કે સંઘ નિ:સ્વાર્થ બુદ્ધિથી સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાના સંસ્કાર આપે છે. સંઘ અને અ.ભા. વિદ્યાર્થી પરિષદના સંસ્કારોને કારણે જ હું આજના સ્થાને પહોંચ્યો છું તેમ તેમણે જણાવ્યું હતું.


વિચારોનું અનુસરણ એ જ આશીર્વાદ :ડૉ. શ્રી અનિરુદ્ધ બાપુ

શ્રી રમેશ મહેતાના આ હિન્દી પુસ્તકની પ્રસ્તાવનાના લેખક ડૉ. શ્રી અનિરુદ્ધ બાપુએ જણાવ્યું હતું કે, ડૉ. હેડગેવાર તથા શ્રી ગુરુજીના વિચારો જ આપણા માટે સંવિધાન છે. તેમના વિચારોનું અનુસરણ એ જ તેમના આપણને આશીર્વાદ છે. તેથી સંઘને કે સ્વયંસેવકોને કોઈના ય આશીર્વાદની આવશ્યકતા રહેતી નથી. સંઘ હંમેશા રાજસત્તાથી પર રહીને કાર્ય કરે છે તેમ જણાવીને શ્રી અનિરુદ્ધ બાપુએ ઉમેર્યું હતું કે આપણી નવી પેઢી ઉપર ગમે તેવાં સાંસ્કૃતિક આક્રમણો થતાં રહે તો પણ ભારતીય સંસ્કૃતિ એટલી બધી શક્તિશાળી છે કે આવાં વિદેશી આક્રમણો વચ્ચે પણ આપણી સંસ્કૃતિ અડગપણે ટકી રહી છે. સર્વ દેવતાઓ એક જ છે એવો વિશ્ર્વાસ ધરાવતી આપણી સંસ્કૃતિએ અમારા જ દેવતાનું પૂજન કરો એવું આદેશ ક્યારેય કર્યો નથી.
આ પ્રસંગે લેખક શ્રી રમેશ મહેતાએ તેમના મનોગતમાં જણાવ્યું હતું કે આ પુસ્તક લખવાની પ્રેરણા શ્રી અનિરુદ્ધ બાપુએ આપી હતી.


સંઘ વિશ્ર્વનું સૌથી મોટું સંગઠન : રામ નાઈક

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ઉત્તર પ્રદેશના મા. રાજ્યપાલ શ્રી રામ નાઈકે તેમના વક્તવ્યમાં સંઘ એ વિશ્ર્વનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન છે એ વાત નિર્વિવાદ છે તેમ જણાવીને શ્રી રમેશ મહેતાના પુસ્તકમાં સંઘની ૧૯૨૫થી ૧૯૯૬ સુધીની વિજયગાથાનું જ વર્ણન છે. તેથી તે પછીનાં વર્ષોની ગાથા દર્શાવતું પુસ્તક પણ શીઘ્ર પ્રકાશિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.


મારા જીવન પર સંઘ વિચારધારાનો શુભ પ્રવાહ છે : ડૉ. સુભાષ ચંદ્રા

પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં પોતાના ટૂંકા વક્તવ્યમાં ‘ઝી’ મીડિયા-એસેલ ગ્રુપના અધ્યક્ષ તથા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ તેમના જીવનમાં સંઘની વિચારધારાના શુભ પ્રભાવની વાત કરીને જણાવ્યું હતું કે આ વિચારધારાને અનુસરીને જ મેં મારી અટકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. સંઘનું કામ સર્વ ક્ષેત્રોમાં પ્રસરી ચૂક્યું હોવાનો આનંદ વ્યક્ત કરીને તેમણે ઉમેર્યું હતું કે દેશની ૧૦૦૦ વર્ષની પરાધીનતાના ઇતિહાસને ગૌરવાન્વિત કરીને પશ્ર્ચિમી તથા સામ્યવાદી લેખકોએ આપણા ગૌરવશાળી રાષ્ટ્રીય ઇતિહાસનું વિકૃતીકરણ કર્યંુ છે. તે અત્યંત દુ:ખદ છે. આ દેશમાં પ્રાચીનકાળમાં પણ ભગવો ધ્વજ ફરકતો હતો તેમ ભવિષ્યમાં પણ પુન: ભગવો જ ફરકશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
* * *
ઉલ્લેખનીય છે કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આ પુસ્તકનું વિમોચન રા. સ્વ. સંઘના મા. સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીના વરદ્ હસ્તે થવાનું હતું, પરંતુ સ્વાસ્થ્યના કારણોથી તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા. કોંકણ પ્રાંત સંઘચાલક મા. ડૉ. શ્રી સતીષ મોઢ દ્વારા તેમના શુભેચ્છા સંદેશનું વાંચન થયું હતું.
કાર્યક્રમનો આરંભ ‘વંદે માતરમ્’ ગાનથી અને અંત રાષ્ટ્રગીત ‘જનગણમન’ના ગાનથી થયો હતો. આ અવસરે સંઘ તેમજ વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, ફિલ્મક્ષેત્રના કલાકાર, કસબીઓ, સર્જકો ઉપસ્થિત રહ્યાં હતા.