સ્વદેશી રમતો રમીએ વેકેશનને માણીએ...
SadhanaWeekly.com       | ૧૯-મે-૨૦૧૭

વેકેશનનો માહોલ જામ્યો છે. પણ શેરીઓમાં બાળકો ભાગ્યે જ નજરે પડે છે. પંદરેક વર્ષ પહેલાંના વેકેશનના દિવસો શેરી હોય કે સોસાયટી, ગામ હોય કે નગર બધાંને બાળકોની ધિંગામસ્તીથી ભરી દેતા. ખોખો, ગિલ્લીદંડા, ભમરડા, લખોટી, કબડ્ડી જેવી અનેક રમતો બાળકો રમતા, જેનાથી તેમના વ્યક્તિત્વ અને શરીરનો વિકાસ થતો. ભરબપોરે આંબલીના ઝાડ પર ચઢવું, ક્યાંક આંધળી ખિસકોલી તો ક્યાંક નદી પર્વત રમવું, બહેનપણીઓ સાથે દોરડાં કૂદવાં તો દોસ્તારો સાથે ભમરડા ફેરવવા, તો વળી આઈસપાઈસ, ગિલ્લીદંડા, થપ્પો ને સાતોલિયાના શોરથી આખી શેરી ગજવવી, લખોટી તાકીને શરતો લગાવવી, તો મોડી રાત સુધી દાદીમા પાસેથી રાજકુમાર અને રાજકુમારીઓની વાર્તા સાંભળવી અને છેક બારના ટકોરે ખુલ્લા આકાશ તળે પથારીમાં પડવું. ફરી એક રજાની મજા માણતાં, સવારની રાહ જોતાં... કેટલો આનંદ હતો એ વેકેશનમાં! મોસાળમાં જવાની પણ એક મજા હતી. વેકેશન ક્યાં પૂરું થતું તેની ખબર જ ન રહેતી. શું આજની પેઢીને મળે છે આવું બાળપણ ?

આજનાં બાળકો મોબાઈલ, વીડિયો ગેઈમ, સમરકેમ્પ અને ટીવીની કાર્ટૂન ચેનલો વગેરેમાં થોડા વધારે પડતાં જ મશગુલ થઈ ગયાં છે. જૂની પરંપરાગત રમતો પણ જાણે અદૃશ્ય થઈ ગઈ છે. એવું નથી કે એ બધું ખોટું છે. બદલાતા સમય સાથે મોબાઈલ ગેમ્સ, ટીવી, ફિલ્મ, ટેબલેટ બધું જ જરૂરી છે. પરંતુ તેની અતિશયોક્તિ થાય અને પરંપરાગત રમતો વિસરાઈ જાય એ અયોગ્ય છે. એવું થવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ‚રંધાઈ જાય છે. સવાલ એ પણ છે કે આજના બાળકોને આ રમતો વિશે ખબર જ નથી. ત્યારે ‘સાધના’ એ પરંપરાગત રમતો અહીં પ્રસ્તુત કરે છે. આશય છે કે બાળક પરંપરા અને ભાવિ ટેકનોલોજી સાથે સમાનપણે જોડાયેલો રહે અને વિકસે... તો બાલદોસ્તો, આ વેકેશનમાં આ રમતો રમવા તૈયાર થઈ જાવ.

 

ગિલ્લી-દંડા

ગિલ્લી-દંડાની રમત તો પહેલાંથી જ ખૂબ લોકપ્રિય હતી. પરંતુ હવે ભાગ્યે જ રમાતી જોવા મળે છે. આ રમતમાં એક દોઢ ફૂટનો લાકડાનો દંડો ને એક નાના લાકડાની ગિલ્લી કે જે ત્રણ કે ચાર ઇંચની હોય તેની બંને બાજુ અણી કાઢેલી હોય. પછી માટીમાં એક નાનકડો ખાડો ખોદવાનો જેમાં ગિલ્લી મૂકી શકાય. બાદમાં દંડાથી ગિલ્લીને ઉછાળીને મારવાનું. એક બાળક દાવ લે ને બીજાં બધાં બાળકો ફિલ્ડિંગ ભરે એટલે કે ગિલ્લીને કેચ કરવા ઊભા રહે. કેચ થાય તો આઉટ નહીં તો દાવ લેનાર બાળક ગિલ્લી જ્યાં પડી હોય તેટલા રન માગે. ફિલ્ડિંગ ભરનારને લાગે કે ગિલ્લીના માપથી ખાડા સુધી જેટલા રન માગ્યા છે તે થઈ જશે તો ગિલ્લી પરત આપી દાવ લેનાર ફરી વાર રમત ચાલુ રાખે. પરંતુ જો ફિલ્ડિંગ ભરનારને લાગે કે માગેલા રન ખાડા સુધી નહીં થાય તો તે ગિલ્લીથી ખાડા સુધી ગિલ્લીથી રન માપવાનું શરૂ કરે છે. જો માગેલા રન ખાડા સુધી ન થાય તો દાવ લેનાર આઉટ થાય છે. બાળકોને આ રમત રમવાની ખૂબ જ મજા આવશે.

 

કબડ્ડી

કબડ્ડીની રમતમાં ૭-૭ ખેલાડીઓવાળી બે ટૂકડીઓ હોય છે અને ૩ વધારાના ખેલાડીઓ હોય છે. ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતીને જીતવાવાળી દાવ લઈને પોતાની ટીમને એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે. આ ખેલાડી કબડ્ડી-કબડ્ડી બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનો શ્ર્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી સતત કબડ્ડી બોલતો રહે છે. શ્ર્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાના મેદાનમાં પરત આવી જવાનું રહે છે. જ્યાં સુધી શ્ર્વાસ ટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષના ખેલાડી/ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. તે સામેના પક્ષના જે ખેલાડીને અડકી લે તે આઉટ જાહેર કરાય છે, પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓના કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તે આઉટ થઈ જાય છે. આ પ્રક્રિયા બન્ને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે. આ રીતે થતાં અંતે જે પક્ષમાં વધુ ખેલાડીઓ બચી રહે છે તે પક્ષને વિજેતા જાહેર કરાય છે.

 

આંબલી-પીપળી

આ રમત ઝાડની આસપાસ રમાય છે. પહેલાં તો જમીન પર એક મોટું સર્કલ બનાવવામાં આવે છે. પછી એક ખેલાડી ઝાડની ડાળીનું લાકડું પકડીને પોતાનો એક પગ ઊંચો કરી તેની નીચેથી એક લાકડું દૂર ફેંકે છે. દાવ આપનાર ખેલાડી તે લાકડું લેવા દોડે છે. આ ખેલાડી લાકડું લઈને પરત ફરે ત્યાં સુધીમાં દાવ લેનાર ખેલાડીએ કોઈ પણ ઝાડ પર ચઢવાનું, ઊતરવાનું અને ફરી પાછું દોરેલા સર્કલમાં આવીને ઊભા રહેવાનું. દાવ આપનાર ખેલાડી ત્યાં સુધીમાં લાકડું લઈને પરત ફરે અને દાવ લેનાર ખેલાડીને પકડી પાડે તો તે આઉટ ગણાય છે. આ રમત આઠથી દસ બાળકો રમી શકે છે.

પગથિયાં

ખાસ કરીને આ રમત છોકરીઓ રમતી હોય છે. જોકે તેનો મતલબ એ નથી કે છોકરાઓ ન રમી શકે. આ રમત રમવાની પણ મજા આવે છે અને સાથે કસરત પણ થાય છે. ચોકથી દસ કે બાર પગથિયાં દોરવાનાં હોય છે. એક નાનો પથ્થર લઈને તેની કૂકરી બનાવવાની હોય છે. વારાફરતી દરેક પગથિયામાં આ કૂકરી નાખવાની. જે પગથિયામાં કૂકરી હોય તેને કૂદીને બીજાં પગથિયાં પાર કરવાનાં. જો દાવ લેતી વખતે પગ દોરેલા પગથિયાની લીટીને અડી જાય તો ખેલાડી આઉટ ગણાય છે. આ રમત બીજી રીતે પણ રમાય છે. જેમાં એક મોટું રાઉન્ડ કરવાનું હોય છે અને રાઉન્ડમાં ઊભા રહીને કૂકરી નાખવાની હોય છે. કૂકરી જ્યાં પડે ત્યાં જઈ લંગડી લેતાં લેતાં કૂકરીને પગ મારીને રાઉન્ડમાં પરત લાવવાની હોય છે, જેને ગોકુળિયું કહેવાય છે.

 

ભમરડો

આજે પણ શહેરની શેરીઓમાં કોઈક જગ્યાએ ભમરડા રમતા બાળકો જોવા મળે છે. જમીન પર બાળકો પોતાના સાથી મિત્રો સાથે ભમરડા રમતા જોવા મળતા હતા. જેનો ભમરડો વધારે ફરે તે જીતી જતો હતો. ભમરડા ખરીદવા માટે અનેક ભમરડા જોયા બાદ ખાસ ભમરડો ખરીદવામાં આવતો. બાળકો ભમરડાને ફરતી ગોળ દોરી વીંટે તેને જાળ કહેવામાં આવે છે. બાળકો જમીન પર એક કૂંડાળું દોરે ત્યારબાદ બધા ભમરડા રમનાર બાળકો સર્કલમાં ભમરડો નાખે છે. જેનો ભમરડો સર્કલની બહાર પડે તે રમતમાંથી બાકાત ગણાય છે. આ રમતથી બાળકો ખૂબ ખુશ જોવા મળતા. બાળકો ફરતા ભમરડાને પોતાના હાથમાં લઈને બીજા સાથી-મિત્રોના હાથમાં ફરતો ભમરડો આપે તેની ખુશી જ આહ્લાદક હતી. ઉપરાંત જે બાળકો ભમરડા ફેરવવામાં માહેર હોય તે ભમરડાને જાળના એક છેડાથી બીજા છેડે લઈ જાય છે, જે જોવા બીજા બાળકો ભેગા થઈ જતા હોય છે.

દેડકાદોડ

દોડનારા પ્રસ્થાનરેખા પર દેડકાની જેમ ઊભડક બેસી, પાછળ એડી ઊંચી કરી, હાથ આગળ જમીન પર બે ઢીંચણ વચ્ચે ટેકવીને, એ જ સ્થિતિમાં દેડકાની પેઠે સરકતા દોડશે. દોડનું અંતર લગભગ ૨૦ મીટર રાખી શકાશે. દોડ દરમ્યાન જો કોઈ ખેલાડી ઊભો થઈ જશે તો તે બાતલ ગણાશે. અંતિમ રેખા પર જે પ્રથમ પહોંચશે તે વિજેતા બનશે.

 

લખોટી

પહેલાંના સમયમાં તો દરેક રંગની લખોટી મળતી હતી. જ્યારે આજે તો માત્ર કાચની લીલા રંગની જ લખોટી મળે છે. આ લખોટીમાં સૌથી નાની લખોટી હોય તેને ટેન્ચી કહેવાય છે. ઈંટના નાના ટુકડા કે કોલસાથી ગોળ રાઉન્ડ દોરવામાં આવે છે. આ રાઉન્ડમાં લખોટી ગોઠવી દેવાની. ત્યારબાદ સામસામે ઊભા રહીને લખોટી તાકવાની અથવા વેંત ભરીને સામે ટીમવાળા કહે એ રીતે લખોટીને તાકવાની. જો લખોટી તકાઈ જાય તો રાઉન્ડમાં મૂકેલી બધી લખોટી તાકનારની. આ સિવાય ગબ્બા દાવ, શિવા જેવી પણ લખોટીની રમતો છે. આ રમત માત્ર આપણે ત્યાં જ નહીં પણ વિદેશમાં પણ રમાય છે. જોકે ત્યાં લખોટી રમવાની રીત અલગ હોય છે.

હાથ ઊંચે

આ રમતમાં ૪થી ૪૦ રમનારા હોય છે. બધા રમનારા સંખ્યા પ્રમાણે એક અથવા વધારે હારમાં ચાર ચાર ફૂટના અંતરે ઊભા રહેશે. એક જણ બધા પોતાને જોઈ શકે તેવી જગાએ સામે ઊભા રહેશે. રમત શરૂ થતાં જુદી જુદી ક્રિયાઓ કરવા માટે હુકમ આપશે, પરંતુ પોતે હુકમથી બીજી જાતની ક્રિયા કરશે. રમનારાઓએ બોલનાર કરે તેમ નહીં કરતાં તેમના હુકમ પ્રમાણે ક્રિયા કરવાની રહેશે. આમાં જે ભૂલ કરશે તે બાદ થશે, એટલે કે પોતાની જગાએ નીચે બેસી જશે. જે છેલ્લી સુધી ટકી રહેશે. તે વિજયી ગણાશે.

 ડોલ દોડ

આ રમત માટે દરેક હરીફ દીઠ બે ડોલ જોઈશે જેમાં પોતાનો એકેક પગ રાખી દરેક હરીફ ઊભો રહેશે અને બંને ડોલનાં હેન્ડલ એકેક હાથ વડે ઉપરથી પકડશે. પ્રસ્થાન મળતાં આ સ્થિતિમાં ડોલ સાથે દરેક હરીફ દોડશે. જે પડી જશે તેને બાતલ ગણવામાં આવશે. દોડનું અંતર લગભગ ૧૫ મીટર રાખી શકાશે.

 

લીંબુ-ચમચી

આ રમત માટે દરેક હરીફ માટે એકે લીંબુ તથા એકેક ચમચી જોઈશે, રમત શરૂ‚ થતાં દરેક હરીફ ચમચીને મોમાં આગળનાં દાંત વડે પકડી તેમાં લીંબુ રાખશે અને તે સ્થિતિમાં દોડશે. લીંબુને હાથ વડે અથવા ગાલ વડે આધાર આપી શકાશે નહીં. લીંબુ જો ચમચીમાંથી પડી જશે તો તે હરીફને બાતલ કરવામાં આવશે. દોડનું અંતર ૨૦ મીટર રહેશે.

દાના દુશ્મન

આંખે બાંધવાના બે પાટા તથા એક કોરડો આ રમતમાં જોઈશે. બંને હરીફોની આંખોએ તેઓ જોઈ ન શકે તેમ પાટા બાંધવામાં આવશે. બંનેમાંથી એક જણના જમણા હાથમાં કોરડો રહેશે. હવે બંને એકબીજાના ડાબો હાથ પકડી, તેમ ઊભા રહેશે. રમત શ‚ થતાં કોરડાવાળો હરીફ સામા હરીફને તેનું નામ લઈ પૂછશે કે, ‘(નામ)..... ક્યાં છો ?’ સામો હરીફ હાથ છોડ્યા વિના કાંતો પાછળ નમીને અથવા ગમે તે એક બાજુ નમીને જવાબ આપશે કે, ‘અહીં છું.’ અવાજ પરથી પારખીને કોરડાવાળો હરીફ કોરડાથી સામા હરીફને ફટકો મારશે. જો આ ફટકો સામા હરીફને ખભાથી ઉપરના ભાગ પર વાગશે તો મારનારને એક ગુણ મળશે, નહીં વાગે તો સામા હરીફને એક ગુણ મળશે. તે પછી સામો હરીફ કોરડો લેશે અને આગળ પ્રમાણે કરશે. એમ વારાફરતી રમતાં નિયમ વખતને અંતે વધારે ગુણ મેળવનાર વિજયી ગણાશે.

બાઈ બાઈ ચાળણી

આ રમતમાં પથી ૧૫ રમનારા હોય છે. દાવ આપનાર એક જણ સિવાયના બાકીના બધા રમનારાઓ મેદાનમાં ગમે ત્યાં થોડા થોડા અંતરે ઊભા રહેશે, અને પોતાની જગાએ નાનું કૂંડાળું દોરી દેશે, અથવા તો એકેક થાંભલા કે ઝાડ પાસે દરેક રમનાર ઊભો રહેશે.

હવે દાવ આપનાર દરેક જણ પાસે વારાફરતી જશે અને એક હાથ લંબાઈ, ‘બાઈ બાઈ ચાળણી’ એમ બોલશે. આના જવાબમાં, જેની પાસે તે ગયો હશે તે તેને બીજા કોઈ તરફ હાથ લંબાવી ‘ઈસકે ઘેર’ એમ બોલશે. એટલે દાવ આપનાર તે બાજુ જઈ, ‘બાઈ બાઈ ચાળણી’ એમ બોલશે. આ દરમ્યાન બાકીના ઊભેલા પોતપોતાની જગાઓ મરજી મુજબ અદલબદલ કરી લેશે. જો આ વખતે દાવ આપનાર કોઈ ખાલી પડેલી જગાએ પેસી જશે તો જગા વગરનો જે રહેશે તેને માથે દાવ આવશે. દાવ આપનાર જ્યારે થાકી જાય ત્યારે તે મેદાનની વચ્ચે આવી, ‘સબ દુસરે ઘેર’ એમ બોલશે ત્યારે બધાએ ફરજિયાતપણે દોડી પોતાની જગાની અદલાબદલી કરવી પડશે. આ દરમ્યાન દાવ આપનાર ગમે તે જગાએ પેસી જઈ શકશે, અને જગા વિનાના છોકરાને માથે દાવ આવશે.

કોથળાદોડ

આ રમત માટે દરેક હરીફ માટે એકેક કોથળો જોઈશે. હરીફે બંને પગ કોથળામાં નાખી કોથળાના ઉપરના છેડા પકડીને દોડવાનું રહેશે. દોડ દરમ્યાન કોથળામાંથી પગ નીકળી જશે અથવા હરીફ ગબડી પડશે તો તેને રમતમાંથી બાતલ ગણવામાં આવશે. દોડનું અંતર ૨૦ મીટર રાખી શકાશે.

પક્ષી ઊડે

આ રમતમાં ૪થી ૪૦ રમનારા હોય છે.  બધા રમનાર કૂંડાળાકારે અથવા તો હારમાં ઢીંચણ પર હાથ ટેકવીને ઊભા રહેશે. એક જણ બધા રમનાર પોતાને જોઈ શકે તેવી જગાએ તેમની સામે ઊભા રહેશે. રમત શરૂ‚ થતાં એક જણ જુદી જુદી વસ્તુ અથવા પ્રાણીનાં નામ બોલી, ‘ઊડે’ એમ બોલશે, જેમ કે ‘પોપટ ઊડે’, ‘ચકલી ઊડે’, ‘ઘર ઊડે’, ‘ગાય ઊડે’ વગેરે. એમાંથી જે સ્વયં ઊડી શકે તેનું નામ બોલાય ત્યારે રમનારાઓએ પોતાના સાથળ પર હાથ પછાડવા અને ન ઊડી શકે તેનું નામ બોલાય ત્યારે ન પછાડવા. જે રમનાર ન ઊડી શકે તેનું નામ બોલાય ત્યારે પણ સાથળ પર હાથ પછાડશે, અથવા ઊડી શકે તેના નામ વખતે સાથળ નહીં પછાડે તે બાદ થયો ગણાશે, એટલે કે તે નીચે બેસી જશે. આ પ્રમાણે જે છેલ્લે સુધી રહેશે. તે વિજયી ગણાશે.

શરૂઆતમાં બોલનારે ધીમે ધીમે છૂટકછૂટક નામ બોલવા અને પછી જ્યારે છોકરાઓ રમતથી બરાબર માહિતગાર થઈ જાય ત્યારે નામ બોલવાની ગતિ વધારવી અને જલદી જલદી નામ બોલવાં, તથા છોકરાઓ ભૂલાવવામાં પડી જાય તે રીતે પોતે પણ ખરાખોટા વખતે પોતાના સાથળ પછાડવા.

અંતકડી

આ રમતમાં ૮થી ૨૦ રમનારા હોય છે. બધા રમનારને બે સરખી ટુકડીમાં વહેંચવામાં આવશે. હવે રમત શ‚ થતાં કોઈ એક ટુકડીમાંથી એક છોકરો કોઈ કવિતાની એક ટૂંક (કડી) બોલશે. હવે આ બોલાયેલી કડીમાં જે છેલ્લો અક્ષર હશે તેનાથી શરૂ‚ થતી બીજી કોઈ કવિતાની ટૂંક (કડી) સામી ટુકડીમાંથી કોઈ એક છોકરો બોલશે. આમ દરેક ટુકડીમાંથી કોઈ એક છોકરો પોતાની સામેની ટુકડીમાંથી બોલાયેલી કડીના છેલ્લા અક્ષરથી શરૂ થતી એવી કવિતાની ટૂંક બોલશે. કડીને છેડે જો ‘ણ’ આવે તો ‘ન’ અક્ષરથી શરૂ થતી તથા ‘ળ’ આવે તો ‘લ’ અક્ષરથી શરૂ થતી કડી બોલવી. એકવાર બોલાઈ ગયેલી કડી ફરી બોલી શકાશે નહીં. આ પ્રમાણે રમતાં જે ટુકડી નિયમ પ્રમાણે પોતાને બોલવાની કડી બે મિનિટ જેટલા સમય દરમ્યાન બોલી શકશે નહીં તે હારી ગણાશે.

હનુમાનજીનું પૂછડું

આ રમતમાં ૧૨થી ૩૦ રમનારા હોય છે. એક કોરડો તથા દસ થી બાર ફૂટ લાંબુ દોરડું આ રમત માટે જોઈશે.

એક જણને માથે દાવ રહેશે જે દોરડાનો એક છેડો ઝાલી મેદાનમાં વચ્ચે બેસશે. બાકીનાઓમાંથી એક હોશિયાર છોકરો તેનો બીજો છેડો એક હાથે પકડી, તથા બીજા હાથમાં કોરડો પકડી ફરશે. બાકીના રમનારા છોકરાઓ વચ્ચે બેઠેલા છોકરાની આસપાસ ફરતા રહી તેને ટપલી મારવાનો પ્રયત્ન કરશે એટલે પેલો ફરનાર છોકરો તેમને ટપલી ન મારવા દેતાં તેમને કોરડો મારવા અથવા અડકવા પ્રયત્ન કરશે. જેને કોરડો વાગશે અથવા અડકાશે તેને માથે દાવ આવશે. એટલે કે, તે વચ્ચે બેસશે. પ્રથમનો બેઠેલો છોકરો કોરડો મારનાર બનશે તથા પ્રથમનો કોરડો મારનાર બાકીના સાથે ભળી જશે.

ફૂંદરડી

ફૂંદરડી જોડમાં લેવાશે અને દરેક જોડ સામસામા બંને હાથ પકડી ફૂંદરડી ફરશે. દરેક જોડને એક મિનિટ આપવામાં આવશે અને એક મિનિટમાં જે જોડ સૌથી વધારે ફૂંદડી ફરશે તે વિજેતા ગણાશે. એક વાર અટક્યા પછી ફરી ફૂંદડી ચાલુ કરી શકાશે પણ સમય મજરે મળશે નહીં.

બાવાજીની બિલાડી

આ રમતમાં ૮થી ૩૦ રમનારા હોય છે. બધા રમનાર કૂંડાળાકારે બેસી જશે. હવે વારાફરતી દરેક જણ ‘બાવાજીની બિલાડી’ માટે નક્કી કરેલા અક્ષરથી શ‚ થતાં વિશેષણ બોલશે, પ્રથમ ‘ક..કા...કિ...કી...’ વગેરેથી શ‚ થતાં વિશેષણ બોલવાનાં રહેશે, જેમ કે, પહેલો છોકરો બોલશે કે, ‘બાવાજીની બિલાડી કાળી છે.’ પછી બીજો છોકરો બોલશે કે, ‘બાવાજીની બિલાડી કુશળ છે.’ વગેરે આમ જે છોકરો ‘ક...કા...કિ..કી..’ વગેરે શરૂ થતું વિશેષણ બોલી નહીં શકે તેને માટે એક ચાઠી ચઢશે અને તેની પછીના છોકરાથી ‘ખ...ખા... ખિ... ખી’ વગેરેથી શ‚ થતાં વિશેષણ બોલવાનું આગળ મુજબ શ‚ થશે.

સંગીતખુરશી

આ રમતમાં ૮થી ૪૦ રમનારા હોય છે. રમનારની સંખ્યા કરતાં એક ઓછી ખુરશીઓ, તથા સંગત વાગે તેવું સાધન અથવા મોઢે વગાડવાનું વાજિંત્ર આ રમતમાં જોઈશે. બધી ખુરશીઓને દરેક બેઠકક્રમ પ્રમાણે આવળી તથા સવળી બાજુ રહે તેમ એક હારમાં ગોઠવી.

રમનાર છોકરાઓ ગોઠવેલી ખુરશીઓની હારની આજુબાજુ ઊભા રહેશે. રમત શરૂ‚ થતાં ત્યારબાદ એક જણ સંગીત ચાલુ કરશે અને રમનારાઓ ખુરશીની હારની આજુબાજુ ફર્યા કરશે. સંગીત બંધ થતાં રમનારાઓએ તરત જ દરેક ખુરશી પર એક એમ બેસી જવું જોઈએ. કોઈ પાછા ફરી શકશે નહીં, અથવા ખુરશી પરથી કૂદીને બીજી બાજુ જઈ શકશે નહીં. જે રમનાર ખુરશી વિના બાકી રહી જશે તે રમતમાંથી નીકળી જશે અને એક ખુરશી પણ હારમાંથી બહાર કાઢી રમત ફરી શરૂ‚ કરાશે. આ પ્રમાણે જે રમનાર છેલ્લે સુધી રહેશે તે વિજયી ગણાશે.

ખુરશીની સંખ્યા જોઈએ તે કરતાં ઓછી હોય તો તે સંખ્યા કરતાં એક વધારે જેટલી સંખ્યા એક ટુકડીમાં રહે તેમ રમનારાઓની ટુકડીઓ પાડવી અને પછી દરેક ટુકડીને અલગ અલગ આ રમત રમાડવી.

વર્તુળનો રાજા

આ રમતમાં ૪થી ૪૦ રમનારા હોય છે. રમનારાઓ અંદર છૂટથી ઊભા રહી શકે તેટલું મોટું કૂંડાળું દોરવું. બધા રમનાર પોતાના હાથથી પીઠ પાછળ અદબવાળી કૂંડાળાની અંદર ઊભા રહેશે. રમત શરૂ‚ થતાં દરેક એકબીજાને હાથ છોડ્યા વિના ફક્ત ખભા વડે ધક્કા મારી કૂંડાળાની બહાર કાઢવા, અથવા પાડી નાખવા પ્રયત્ન કરશે. પડી જનાર, અથવા કૂંડાળાની બહાર જનાર અથવા હાથની અદબ છોડી દેનાર બાદ થયેલા ગણાશે, એટલે કે બહાર આવીને બેસી જશે. આ પ્રમાણે જે છેલ્લે સુધી ટકી રહેશે તે વિજયી ગણાશે.

કેટલી રમતો યાદ કરીએ ?

ઉપર દર્શાવી છે તે તો માત્ર એક નાનકડી યાદી છે. બાકી આપણી પરંપરાગત રમતોનો એક ખજાનો ભરેલો પડ્યો છે. ખોખો, થપ્પો, લોખંડ લાકડુ, સાતતાળી, ચોર-પોલિસ જેવી કેટલી રમતો યાદ કરીએ ?

બાળકો વેકેશનમાં આ રમતો રમે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. આ રમતો રમવા માટે બાળકો તેમના માતા-પિતાની મદદ લઈ શકે છે. મમ્મી-પપ્પા આવી અનેક રમતો કે જે તેઓ રમ્યા હશે. તે તમને યાદ કરાવશે અને રમાડશે. તો ચાલો આ વખતનું વેકેશન આપણી પરંપરાગત રમતોને રમીને ઉજવીએ.

 

કૌન બનેગા જ્ઞાનપતિ ?

આ વેકેશનમાં રામાયણ અને મહાભારતની ક્વીઝ રમી જ્ઞાનવર્ધન કરીએ

રામાયણ પ્રશ્ર્નોત્તરી

૧.    રામાયણ અનુસાર અંગદના પિતાનું નામ     

૨.    લક્ષ્મણની પત્નીનું નામ

૩.    શ્રીરામને કેટલા વર્ષનો વનવાસ અપાયો હતો ?     

૪.    જટાયુના ભાઈનું નામ શું હતું ?

૫.    રાવણ અને કુબેર વચ્ચે શો સંબંધ હતો ?    

૬.    રામના ચરણસ્પર્શથી જે શીલા સ્ત્રી બની ગઈ તેનું નામ શું હતું ?    

૭.    પરશુરામ કોના પુત્ર હતા ?   

૮.    રામાયણમાં બ્રહ્મહત્યાનું પાપ કોને લાગ્યું હતું ?

૯.    સંજીવની બુટ્ટીનું રહસ્ય કયા વૈદ્યે બતાવ્યું હતું ?

૧૦.   હનુમાનના પુત્રનું નામ શું હતું ?     

૧૧.   લક્ષ્મણને નાગપાશમાંથી મુક્ત કોણે કર્યા હતા ?

૧૨.   ઇન્દ્રના વિમાનનું નામ શું હતું ?     

૧૩.   રામાયણ મુજબ હનુમાન કેટલી વખત લંકા ગયા હતા ?

૧૪.   રામે લંકામાં પોતાનો દૂત બનાવી કોને મોકલ્યા હતા ?

૧૫.   રામાયણમાં કુલ કેટલા અધ્યાય છે ?

 

 

મહાભારત પ્રશ્ર્નોત્તરી

૧.    મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ સુધી ચાલ્યું હતું ?     

૨.    દાનવીર કર્ણનું છેલ્લું દાન શું હતું ?  

૩.    ભીષ્મનું મૂળ નામ શું હતું ?

૪.    દુર્યોધનની બહેનનું નામ શું હતું ?   

૫.    મહાભારતના યુદ્ધમાં  જે મહારથી જીવિત બચ્યા તેમની સંખ્યા ?

૬.    ગીતામાં ‘હું’ શબ્દ કેટલી વાર પ્રયોજાયો છે ?

૭.    કૌરવોના મામા શકુનિના રાજ્યનું નામ શું હતું ?     

૮.    પાંડવ નકુલ શેના વિશેષજ્ઞ હતા ?   

૯.    અર્જુનના શંખનું નામ શું હતું ?

૧૦.   કર્ણને અમોઘ શક્તિ કયા દેવે આપી હતી ?

૧૧.   શ્રીકૃષ્ણે પાંડવો માટે દુર્યોધન પાસેથી શું માંગ્યું હતું ? 

૧૨.   મહાભારતમાં કૃષ્ણની સેના કોના તરફથી લડી હતી ? 

૧૩.   લાક્ષાગૃહ કોણે બનાવ્યું હતું ?  

૧૪.   મહાભારતના યુદ્ધમાં કેટલી અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો ?

૧૫.   મહાભારતમાં કિચક વધ કયા પર્વમાં આવે છે ?

વેકેશન ટાણે બાળકનાં માતા-પિતાએ સમજવા જેવી કેટલીક વાતો... !

પ્રખ્યાત આઈફોન મોબાઈલ બનાવતી એપલ કંપનીના માલિક સ્ટીવ જોબને પણ જ્યારે ઈન્ટરવ્યુમાં આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું, ‘મારા બંને બાળકો મોબાઈલનો ઉપયોગ નથી કરતા, કારણ કે મને ખબર છે કે તેની બાળકોના દિમાગ પર કેટલી ખરાબ અસર થાય છે.’

આજનાં ભૂલકાંઓને બૂટની દોરી બાંધતાં નથી આવડતી પણ મોબાઈલનું પાસવર્ડ પેટર્નવાળું લોક ખોલતાં આવડે છે. અત્યારના દરેક માતા-પિતાએ આ વાત ગૌરવ લેવા કરતાં સમજવાની જ‚ર છે. મોબાઈલના આ અતિશય વપરાશના પરિણામ ખબર છે ?

નાની ઉંમરમાં જ કમર અને ગળાની તકલીફ થઈ શકે છે.

ચીડિયાપણું વધે છે.

હિમ્મત ખૂટે છે, એકાગ્રતા ઘટે છે, આંખે ચશ્મા આવે છે.

ધીરજ ઓછી થાય છે, ડિપ્રેશન પણ વધે છે.

સોશિયલ મીડિયાના સતત સંપર્કમાં રહેવાથી કાયમ બીજા સાથે પોતાની સરખામણી કરવા લાગે છે ને તેમ કરતાં દુ:ખી થઈ ખોટાં પગલાં પણ લઈ શકે છે.

આવાં બાળકોને એકલવાયું જ રહેવું ગમે છે. કોઈને સાથે હળવું મળવું તે નાપસંદ કરે છે.

આટઆટલા નુકસાનની ખબર હોવા છતાં આપણે તેમને મોબાઈલ આપતાં જરાય વિચાર નથી કરતાં ? તો પછી શું કરવું કે આ બધું અટકાવી શકાય ? એના અનેક રસ્તા છે, જેમ કે...

(૧)   કોઈ ચોક્કસ ટાઇમ લિમિટ નક્કી કરી લ્યો કે બસ દસ જ મિનિટ કે પંદર મિનિટ જ મોબાઈલ વાપરવાનો. અને હા એ પછી પણ બાળક તો સામેથી નહીં જ આપે પણ મા-બાપે જ સામેથી તેને સમજાવી પટાવીને પ્રેમથી કહેવું પડશે. છતાંય ના માને તો...

(૨)   એને ગમતાં પાત્રોની વાતો કરી તેને મનાવવાનો પ્રયાસ કરો. ‘જો બેટા, તું મોબાઈલમાં દસ મિનિટ કરતાં વધુ ગેમ રમીશ ને તો છોટા ભીમને નહીં ગમે. પછી છોટા ભીમ નારાજ થઈ જશે. આવું કરાય ?’ અને છતાંય ના માને તો ?

(૩)   તમે તેનાં પપ્પા-મમ્મી છો. તમે જ બોસ છો એટલે તમારે તેના સારા માટે, તેના ભવિષ્ય માટે તેને કડકાઈથી જ કહેવું જ રહ્યું. બાળકોની લાગણીમાં તણાયા વગર તેના ઘડતરનો વિચાર કરીને તમારે ‘ના’ કહેવી જ રહી.

(૪)   બાળકોને કાલ્પનિક કે પૌરાણિક વાર્તાઓ ખૂબ ગમતી હતી અને હજી પણ ગમે છે, તો તમે તેમને પાસે બેસાડીને અલગ અલગ પાત્રોની રામાયણની મહાન ચરિત્રોની, અકબર-બિરબલની, પંચતંત્રની વાર્તા કહો. તેને વાર્તાની દુનિયા મોબાઈલની દુનિયા કરતાં જ‚ર પ્રિય લાગશે.

વેકેશન પડે એટલે બાળકોને શું કરાવવું તે ચિંતા આજકાલ દરેક માતા-પિતાને થાય છે. માટે જ કોઈક બાળકને ફરવા લઈ જાય છે તો વળી કોઈક સમરકેમ્પના હવાલે કરે છે. હવે વિચારવું તમારે રહ્યું કે તમારાં બાળકોને આ વેેકેશનમાં શું કરાવવું છે. દર વર્ષની જેમ જ કરવું છે કે પછી રમવી છે વિસરાયેલી રમતો ?