સાયબર સુરક્ષા કવચ
SadhanaWeekly.com       | ૨૦-મે-૨૦૧૭

 

સાયબર ક્રાઈમ સામે ગુજરાત સરકારની સજ્જતા

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમના સ્પષ્ટ વિધાનો માટે જાણીતા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમેરિકામાં સાયબર ચોરી સૌથી વધુ ઝડપે ફેલાઈ રહેલી ગુનાખોરી છે. આ ગુનાખોરી જે હદે પ્રસરી રહી છે તે જોતાં તેમની વાત સાચી લાગે છે. એક વર્ષ પહેલાં સાયબર ક્રાઈમથી થયેલું નુકસાન ૩ ટ્રિલિયન અમેરિકી ડૉલર હતું. તે વર્ષ ૨૦૨૧માં બમણું એટલે કે ૬ ટ્રિલિયન અમેરિકી ડૉલરે પહોંચશે. અમેરિકનો જ સાયબર ગુનાઓથી ત્રસ્ત છે એવું નથી. આખું વિશ્ર્વ આ ગુનાખોરીથી ત્રસ્ત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૧૪માં ૯૬૨૨ ગુનાઓ સાયબર ક્રાઈમના બનેલા છે, જે વર્ષ ૨૦૧૫માં વધીને ૧૧૫૯૨ સુધી પહોંચ્યા છે. એનો અર્થ એ થયો કે, ગુનાખોરીમાં ૨૦ ટકા જેટલો વધારો થયો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ માટે જે સપનું સેવ્યું છે તેને સાકાર કરવા આ સમસ્યા વિશે પણ વિચારવું પડશે. એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૨૦માં માત્ર ભારત દેશના ૧૭૫ મિલિયન ઈ-શોપર્સ હશે. જૂન ૨૦૧૬ સુધીમાં ભારતમાં ૪૬૨ મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ છે. ઇન્ટરનેટના આટલા વ્યાપ પછી સાયબર ક્રાઈમ વિશે વિચારવામાં નહીં આવે તો ભારત દેશ સાયબર ક્રાઈમનું હબ બની જશે, એવી ભીતિ રહે.

ગુજરાત આ વાત બરાબર જાણે છે, એટલે જ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાયબર ક્રાઈમ સામે ગુજરાતના વહીવટીતંત્રને સજ્જ કરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી જ સાયબર સુરક્ષાથી રાજ્યને સુરક્ષિત કરવાના વ્યવસ્થિત પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે સાયબર સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવ્યું છે. વિકસિત દેશોમાં જે રીતે સાયબર સુરક્ષાતંત્ર ગોઠવવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં સાયબર હુમલા સામે રક્ષણ આપી સાયબર ક્રાઈમના કેસોના ઉકેલ માટે રાજ્યમાં સાયબર સુરક્ષા કવચની સ્થાપના કરવામાં આવી છે.

આ કાર્યક્રમ હેઠળ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ તરીકે ૨૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ૨૨ પોલીસ અધિકારીશ્રીઓને સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તાલીમ આપવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર શ્રી જે. એમ. વ્યાસ જણાવે છે, ‘કોમ્પ્યુટર સજ્જતા અને સાવચેતી વિના આ સમસ્યાનો ઉકેલ શક્ય નથી.’ વાત પણ સાચી છે. કારણ કે, સાયબર ક્રાઈમમાં જાત જાતના ગુનાનો સમાવેશ થાય છે. આવા ગુનાની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે, ‘જેમાં કોમ્પ્યુટરનો સાધન અથવા લક્ષ્ય અથવા બંને તરીકે ઉપયોગ થયો હોય તેવા દરેક પ્રકારના ગેરકાયદેસરનાં કાર્યો.’ એનો અર્થ એ થયો કે, સાયબર ક્રાઈમમાં વ્યક્તિગત છેતરપિંડીથી માંડીને વૈશ્ર્વિક અસરો કરતાં સાયબર ટેરરીઝમ ગુનાઓ જોવા મળે છે. આ ગુનાઓમાં મુખ્યત્વે ક્રેડિટકાર્ડ, એટીએમ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઈ-વોલેટ વગેરેની છેતરપિંડી જેવા આર્થિક અપરાધો ઉપરાંત હેકીંગ, ઈ-મેલ, સ્પૂફ્રીંગ, ફીશીંગ વગેરે જેવા ધંધાકીય વ્યવહારોને લગતા મોટા પાયાના ગુનાઓ કે કોઈ સંખ્યા કે દેશની સુરક્ષાને લગતા ડેટાની કોમ્પ્યુટર હેકર્સ દ્વારા ચોરી થવી. આવા અનેક ગુનાઓ આ સાયબર ક્રાઈમ હેઠળ સમાવિષ્ટ થાય છે. એટલે જ એવું માનવામાં આવે છે કે, જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થાય તો બંદૂક, ટેન્ક કે મિસાઈલ નહીં, સાયબર સ્પેસમાં આ યુદ્ધ ખેલાશે એટલે કે, જમીન, હવા અને જળ કે અવકાશ ઉપરાંત સાયબર સ્પેસ એક નવું રણમેદાન વિશ્ર્વયુદ્ધ માટે બની શકે ! જો અગમચેતી રાખવામાં નહીં આવે તો, જેમ જેમ કોમ્પ્યુટરનો-ઇન્ટરનેટનો વપરાશ વધતો જશે તેમ તેમ સાયબર ગુનાખોરીનો વ્યાપ પણ વધતો જશે.

એક અંદાજ મુજબ સાયબર ક્રાઈમથી થતી ચોરીથી દુનિયાને વર્ષે પાંચ અબજ ડૉલરનું નુકસાન થતું હોય છે, એટલું પૂરતું નથી, આના કારણે લોકોને થયેલા નુકસાનની ભરપાઈ પાછળ બીજા ૫ અબજ ડૉલરનો અંદાજિત ખર્ચ થતો હોય છે. આ તો માત્ર ચોરીની વાત થઈ. આ સિવાયના સાયબર ગુનાઓથી વિશ્ર્વને દર વર્ષે અબજો ‚પિયાનું નુકસાન થાય વિશ્ર્વના દેશોમાં થતા તમામ પ્રકારના ગુનાઓમાં સાયબર ક્રાઈમની ટકાવારી અમેરિકામાં ૨૩ ટકા, ચીનમાં ૯ ટકા અને ભારતમાં ૩ ટકા જેટલી છે. પણ ભારત જેવા દેશમાં આ ગુનાખોરી કૂદકે ને ભૂસકે વધી રહી છે. સૌથી વધુ કોમ્પ્યુટર હેકીંગનો સામનો કરી રહેલો વિશ્ર્વનો બીજા નંબરનો દેશ ભારત દેશ છે. નોર્ટને બહુ જ રસપ્રદ તારણ શોધ્યું છે. તે મુજબ ભારતમાં સાયબર ક્રાઈમનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભોગ બનનારા ભારતીયો પ્રત્યેક ગુના માટે સરેરાશ રૂા. ૧૬ હજારનું નુકસાન ભોગવે છે !

આ પ્રકારના ગુનાઓ સામે લડવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૦માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સાયબર સજ્જતા માટે લોકજાગૃતિ કેળવાય તે માટે યુરોપિયન દેશોમાં સાયબર ગુનાઓ પ્રત્યે જાગૃતિ આવે તે ઉદ્દેશથી યુ.કે. સેફર ઇન્ટરનેટ દ્વારા ૭મી ફેબ્રુઆરીને ‘સેફર ઇન્ટનેટ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતે પણ આ દિવસોને સાયબર સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. આ માટે ગુજરાત સરકારે ગૃહ વિભાગ, સાયબર સુરક્ષા કવચ વિભાગ, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સુરક્ષા સેતુ સોસાયટી અને ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી - તમામ વિભાગોએ સાથે મળી લોકોને સાયબર સજ્જતા માટે અને સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે વધુ ક્ષમતા કેળવવા શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધર્યા અને ‘બી ધ ચેન્જ, યુનાઈટેડ ફોર એ બેટર ઇન્ટરનેટ’ના મંત્ર સાથે સાયબર સજ્જતા માટે અભિયાન શરૂ‚ કર્યંુ.

સાયબર ક્રાઈમના ગુનાઓની ગંભીરતા અને વધતા વ્યાપની સાથે ગૃહ વિભાગ દ્વારા રાજ્યની જનતાને વ્યવસ્થિત માળખાગત અવેરનેસ આપવા માટે આયોજન કર્યુ અને સાયબર સુરક્ષા કવચના એક અવેરનેસ માટેના નવા જ અભિગમના ભાગ‚પે સાયબર સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી, જેનો શુભારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના કારણે ગુનાની પરિભાષા બદલાઈ છે, જેનો સામનો કરવા રાજ્ય સરકારે અને પ્રજાએ સજ્જ થવું પડશે. આ ઉજવણીમાં રાજ્યના પોલીસ વડા શ્રી પૃથ્વીપાલ પાન્ડેએ જણાવ્યું હતું કે, સાયબર સિક્યોરિટી વિના ડિજિટલ ઇન્ડિયા સલામત નથી. તેમણે જણાવ્યું હતું કે, આ એવા ગુના છે જેમાં હથિયાર તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ થાય ત્યારે આવી ગુનાખોરીને નાથવા ટેક્નોલોજીકલી સાઉન્ડનેસ જરૂરી છે.

ગુજરાત સાયબર ગુનાઓને પડકારને પહોંચી વળવા સાયબર કોપ્સથી સજ્જ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ જ રીતે રક્ષા શક્તિ યુનિવર્સિટીના નિયામક શ્રી વિકાસ સહાયે પણ સાયબર સિક્યુરિટીને આજના સમયની મહત્ત્વની જ‚રિયાત ગણાવી હતી. આ પ્રસંગે દક્ષિણ ભારતના પ્રખ્યાત સાયબર એક્સપર્ટ શ્રી ચંદ્રશેખર રેડ્ડી, દિલ્હીના નિષ્ણાત શ્રી રક્ષિત ટંડન ઉપરાંત ઉત્તરપ્રદેશના નિષ્ણાત પોલીસ અધિકારી શ્રી ત્રિવેણીસિંહ અને ચિંતન પાઠકે સાયબર સિક્યુરિટી અને સાયબર સજ્જતા વિશે સમજ આપી હતી. આ સાયબર સુરક્ષા દિવસની ઉજવણી પ્રસંગે લોકો અને મેસ્કોટનું પણ અનાવરણ કરાયું હતું.

ગુજરાતે સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવાની સજ્જતા માટે નક્કર પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે સાયબર સુરક્ષા કવચના સી.ઈ.ઓ. શ્રી સંજય શ્રીવાસ્તવ જણાવે છે તેમ ગુજરાત સાઈબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા સામૂહિક પ્રયાસો દ્વારા સજ્જ બનશે.

શું છે આ સાયબર સુરક્ષા કવચ ?

સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા ગુજરાતે સાયબર સુરક્ષા કવચની રચના કરી છે, જેમાં ચાર ટીમ કાર્યરત થશે. સાયબર ઇન્ટેલીજન્સ વીંગ, સાયબર ક્રાઈમ વીંગ, એડ્મિનિસ્ટ્રેશન વીંગ અને ટેક્નિકલ વીંગ. આ ચારેય ટીમ પૈકી સાયબર ઇન્ટેલીજન્સ વીંગ મહાનિરીક્ષકની દેખરેખ હેઠળ ડિજિટલ ઇન્ટેલીજન્સના એકત્રીકરણ, પૃથક્કરણ તથા શેરીંગની કામગીરી કરશે. સાયબર ક્રાઈમ વીંગ સાયબર ગુનાની તપાસ માટેની કામગીરી કરશે. એડમિનિસ્ટ્રેટીવ વીંગ વહીવટી, તાલીમ અને કાયદાકીય બાબતોની કામગીરી કરશે. જ્યારે ટેક્નિકલ ટીમ ટેક્નોલોજીની સજ્જતા માટે કામ કરશે. સાયબર સુરક્ષા કવચ અંતર્ગત ગુજરાતે ડિજિટલ સ્કીલ એકેડેમીની પણ સ્થાપના કરી છે, જે સાયબર ક્રાઈમને ઓળખવામાં વધુ મદદ‚રૂપ બનશે.

‘સાયબર ક્રાઈમ’થી બચવા આટલું કરો

  • ડેબિટ, ક્રેડિટ કે એટીએમ કાર્ડના પીન નંબરને ક્યાંય લખશો નહીં કે કોઈને બતાવશો નહીં અને નંબર ડાયલ કરો ત્યારે ગુપ્તતા જાળવો.
  • કોઈ વિચિત્ર અજાણ્યા વ્યક્તિને એટીએમ કે ક્રેડિટ - ડેબિટ કાર્ડ વાપરવા આપવા નહીં.
  • એટીએમ મશીન આસપાસ અજાણ્યા ઉપકરણો ધ્યાનમાં આવે તો ટ્રાન્ઝેક્શન ટાળો.
  • એટીએમના ઉપયોગ બાદ કેન્સલ બટનનો ઉપયોગ કરી થોડી રાહ જુઓ જેથી એટીએમના સ્ક્રીન પર વેલકમ મેસેજ આવે.
  • એટીએમ કાર્ડ કે ક્રેડિટ - ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો જે - તે બેન્ક અને પોલીસને જાણ કરો.
  • બેન્કમાં મોબાઈલ નંબરની નોંધણી કરવા જેથી બેન્કના કોઈપણ ટ્રાન્ઝેક્શનની આપને મોબાઈલ દ્વારા જાણ થાય.
  • ઇન્ટરનેટ બેન્કિંગ માટે કોઈને આપનો પાસવર્ડ આપો નહીં, પાસવર્ડ વિવિધ કોડ સાથે વધુ ને વધુ સ્ટ્રોન્ગ રાખો. સમયાંતરે પીન નંબર કે પાસવર્ડ બદલતા રહો.