લાડુ કે પેંડા નહીં પણ બર્ગર બ્રાઉનીનો પ્રસાદ
SadhanaWeekly.com       | ૦૫-મે-૨૦૧૭


પ્રસાદનું નામ પડે એટલે આપણા મનમાં પેંડા, લાડુ, ફળો કે પછી સત્યનારાયણની કથા હોય તો રવાનો શીરો યાદ આવે, પરંતુ ચેન્નઈના પડપ્પાઈમાં આવેલા જય દુર્ગા પીઠમ નામના મંદિરમાં બર્ગર અને બ્રાઉની જેવો અમેરિકન સ્ટાઈલનો પ્રસાદ પણ મળી શકે છે. આ ઉપરાંત ક્રેકર સેન્ડવીચ અને ચેરી ટમેટો સેલડ પણ પ્રસાદમાં મળી શકે છે. આ માટે મંદિરમાં એક ખાસ વેન્ડીંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો અમુક રકમ નાખીને પોતાની પસંદગીનો પ્રસાદ મેળવી શકે છે. આવા અનોખા પ્રસાદ પાછળ મંદિરનું કહેવું છે કે પ્રમાણમાં પોષક હોય અને શુદ્ધ હોય તો કોઈ પણ વસ્તુ ઈશ્ર્વરને ચડાવી શકાય છે. આ તમામ વસ્તુઓ ભારતના ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને એને મંદિરના રસોડામાં તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત અહીં બર્થ ડે કેક પ્રસાદમ્ નામની પણ એક સુવિધા છે, જેમાં તમામ વિગતો અને કિંમત આપવાથી વ્યક્તિના જન્મદિવસે મંદિર તરફથી એક કેક વ્યક્તિના ઘરે પહોંચી જાય છે. એમાં મીણબત્તીને સ્થાને કેક પર પરંપરાગત નારિયેળનો દીવડો મૂકવામાં આવે છે. આ અનોખા પ્રસાદને કારણે આ મંદિર પ્રવાસીઓમાં લોકપ્રિય બની ગયું છે. આને શું કહેવું ?

આ હોસ્પિટલમાં ડૉક્ટર નહીં પણ ભૂત કરે છે દર્દીઓનો ઇલાજ

બીમાર વ્યક્તિઓનો ઇલાજ ડૉક્ટર કરે એ સામાન્ય વાત છે. પરંતુ જો કોઈ બીમાર વ્યક્તિનો ઇલાજ ભૂત-પ્રેત કરે એમ કોઈ કહેતો નવાઈ લાગે જ. પરંતુ એક સ્થળ એવું છે જ્યાં બીમાર લોકોનો ઇલાજ ભૂતપ્રેત કરે છે. યુ.પી.ના ગોરખપુરમાં રાયગંજમાં એક હૉસ્પિટલમાં દર્દીઓ જ્યારે ઇલાજ માટે આવે છે. ત્યારે હૉસ્પિટલ બહાર કીચડનાં ભરેલા ખાડામાં નાખવામાં આવે છે. માન્યતા છે કે ખાડામાં ભૂતપ્રેત રહે છે. જે દર્દીઓને દવા વગર સાજા કરી દે. એટલું જ નહીં અહીં ડૉક્ટરોને બદલે ઓઝા, ભૂવા હોય છે. ક્યારેક ક્યારેક બીમાર વ્યક્તિને સોટીથી ફટકારવામાં પણ આવે છે. હવે આને અંધ વિશ્ર્વાસ કહો કે શ્રદ્ધા પણ દૂર દૂરથી અહીં ઇલાજ માટે બીમાર લોકો આવે છે.


અહીં દર ચોથો દર્શનાર્થી મુસ્લિમ હોય છે

આંધ્ર પ્રદેશના કડપ્પા શહેરમાં એક એવું મંદિર છે જ્યાં માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમો પણ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. કડપ્પા શહેરમાં આવેલ વિષ્ણુ મંદિરના ભગવાન વિષ્ણુ અને બાલાજીના ભક્તોમાં મુસ્લિમો પણ મોટી સંખ્યામાં છે. ખાસ કરીને તેલુગુ નવવર્ષ ‘ઉગાદા’ના દિવસે મુસ્લિમો મોટા પ્રમાણમાં લક્ષ્મી વેંકટેશ્ર્વર મંદિરમાં દર્શનાર્થે આવે છે. એ દિવસે અહીં આવતા દર્શનાર્થીઓેમાં દર ચોથો દર્શનાર્થી મુસ્લિમ હોય છે.

આ ગામમાં રાત્રીલગ્નો પર પ્રતિબંધ છે

લગ્નોમાં લાખોના ધુમાડાની ઘટનાઓ વચ્ચે ગાજિયાબાદ જિલ્લાનું અટૌર નામનું નાનકડું ગામ એક પ્રેરણા બન્યું છે. અહીં રાત્રે લગ્નમાં થતી વીજળીના વ્યયને બચાવવા દિવસે જ લગ્ન કરવાની પરંપરા છે. આ પરંપરા છેલ્લા બે દાયકાથી ચાલી રહી છે. ગામના લોકો રાત્રીના લગ્નમાં થતા લાઈટીંગ અને સજાવટને નકામો ખર્ચ માને છે. ગામના લોકોએ સર્વસંમતિથી લગ્નો સવારે ૧૦ વાગ્યાથી સાંજ ઢળતાં સુધી જ કરવાનું ફરજિયાત કર્યું. ગામના તેજપાલ નામના વડીલ કહે છે કે ૨૦ વર્ષ અગાઉ અહીં લગ્નો રાત્રે થતાં હતાં, પરંતુ વીજળી ન હોવાને કારણે જનરેટર પાછળ મોટો ખર્ચ થતો, ઉપરથી બહારથી આવેલી જાનને રાત્રે સાચવવી, દારૂ પીને ધમાલ કરતા જાનૈયાઓ જેવી મુસીબતોથી છુટકારો મેળવવા અમે લગ્ન માત્ર દિવસમાં જ કરવાનો નિયમ બનાવ્યો છે.

દરિયાછોરુ પ્રજાતિ બાડજો

બાડજો નામની માણસની એક પ્રજાતિ એક માત્ર એવી પ્રજાતિ છે જે મોટાભાગનો સમય સમુદ્રની અંદર જ વિતાવે છે. જમીન પર ભાગ્યે જ પગ મૂકે છે. આ પ્રજાતિ જિપ્સી નામથી પણ ઓળખાય છે. આ લોકો પોતાનો મોટાભાગનો સમય નાવોમાં જ પસાર કરે છે. આ લોકો બર્નિઓ, ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સમાં સંપૂર્ણ આઝાદી સાથે સમુદ્રમાં જીવન ગુજારે છે. જો કે હાલ આ પ્રજાતિના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે.

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, તો બીજી બાજુ બેટરીથી ચાલતા સ્કૂટરને ચાર્જ કરવા માટે વીજળીનો ઉપયોગ થાય છે અને વીજ બીલના ભાવ પણ વધી રહ્યા છે. તેવા સમયે ભાવનગરના એક શિક્ષિત યુવકે સોલર સ્કૂટરની શોધ કરી છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ વીજળીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના ગિરિરાજસિંહે સોલર પેનલથી ચાલતા સ્કૂટરની શોધ કરી છે. જો કે ગિરિરાજસિંહે અગાઉ સોલર પેનલથી ચાલતી રિક્ષા બનાવી હતી. તેમાં તેને સફળતા મળતાં તેને હવે સોલર બાઈકનું સંશોધન કર્યું. તેને બેટરી બાઈક પર ઉપરના ભાગે ૩૦ વોલ્ટની સોલર પેનલ મૂકીને તેમાંથી ૧.૮૦ એમ્પીયર વીજ ઉત્પાદન કરીને તેનાથી સ્કૂટર ચલાવવાનું નક્કી કર્યું છે. આ સોલર પેનલથી ૩ કલાકમાં બેટરી ફુલચાર્જ થઈ જાય છે, જેથી આ સ્કૂટર ૧૬ કિલોમીટર સુધી ચાલી શકે છે. આમ તો હાલ ગરમીની ચાલી રહી છે. તેવા સમયે સ્કૂટર ઉપર આ સોલર પેનલ લગાવવાથી ગરમીમાં પણ રાહત મળે છે આ સોલર પેનલના કારણે માથાના ભાગે તડકો પણ નથી લાગતો, જેથી હીટવેવથી બચી શકાય છે. આમ તો સોલાર સ્કૂટરથી પેટ્રોલ-ડીઝલનો પણ બચાવ થાય છે, અને લોકોને પણ આ સોલાર સ્કૂટર પરવડે છે. આમ એક તરફ વીજ ઉપકરણો મોંઘા થઈ રહ્યાં છે અને સરકાર પણ સોલર સીસ્ટમને મહત્ત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક છે.

ઝિમ્બાબ્વેની સ્કૂલોમાં હવે ફી તરીકે બકરીઓ ભરી શકાશે

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેના શિક્ષણ પ્રધાન લાઝા‚સ ડોકોરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેમના દેશની સ્કૂલોએ વિદ્યાર્થીઓનાં માતાપિતા પાસેથી સ્કૂલ ફી વસૂલતી વખતે ફલેક્સિબિલિટી બતાવવી પડશે. જો કોઈ માતા-પિતા પાસે સંતાનની ફી ભરવા માટે ચલણી નાણું ન હોય તો તેઓ ઘેટાં-બકરાં જેવા પાળતું પ્રાણીઓને પણ ફી તરીકે ભરી શકશે. થોડા સમય પહેલાં આવા જ અન્ય એક નિર્ણય તરીકે એવી જાહેરાત થયેલી કોઈ વ્યક્તિ પોતાની બેન્ક લોન ચલણી નાણાંમાં ભરપાઈ ન કરી શકે તો તેઓ લોનના હપ્તા તરીકે ઘેટાં, બકરાં, ગાય, ભેંસ જેવાં પ્રામીઓ અને ઈવન પોતાનાં વાહનો કે મશીનોના સ્વ‚પમાં ફી ભરવાની છૂટ અપાઈ છે. જ્યારે શહેરી વિસ્તારોનાં માતા-પિતા પાસે કેશ કે ચેક ન હોય તો તેઓ સંતાનની સ્કૂલ-ફીના બદલામાં સ્કૂલનું કોઈ કામ કરી આપશે કે સર્વિસ આપશે તો ય ચાલશે.

પાંદડાં ખાવાનું વ્યસન

પાકિસ્તાનના ગુજરાનવાલામાં રહેતો પચાસ વર્ષનો મહેમૂદ ભટ્ટ છેલ્લા પચીસ વર્ષથી ગાય, ભેંસ, બકરાની જેમ વૃક્ષોનાં પાંદડાં ખાય છે. જો કે એની પાછળની સ્ટોરી અત્યંત કરુણ છે. દરઅસલ મહેમૂદ ભટ્ટનો પરિવાર કારમી ગરીબીમાં જીવી રહ્યો હતો. ગરીબી એવી દારુણ કે પરિવારના લોકો માટે બે ટંકનું ખાવાનો વેંત પણ ન થાય. સ્વમાની મહેમૂદને થયું કે રસ્તે રઝળીને ભીખ માંગવા કરતાં તો વનસ્પતિનાં પાંદડાં અને કુમળી ડાળીઓ ખાવાં સારાં. ત્યારથી તેણે પાંદડાં ખાવાનું શ‚ કરી દીધું. ત્યારથી લઈને આજે એ તેનું વ્યસન બની ગયું છે. હવે તે પોતાનું ગાડું લઈને નીકળે છે અને ભૂખ લાગે ત્યારે ગાડું ઊભું રાખીને રસ્તાની બાજુએ ઊગેલી વનસ્પતિમાંથી પાંદડાં તોડીને ખાઈ લે છે. સામાન્ય રીતે વનસ્પતિનાં પાંદડાંમાં રહેલું સેલ્યુલોઝ આપણે પચાવી શકતા નથી, પરંતુ આશ્ર્ચર્યજનક રીતે મહેમૂદને પાંદડાં ખાવાથી ક્યારેય કોઈ બીમારી નથી થઈ કે દવાખાને જવાની પણ જ‚ર નથી પડી. મહેમૂદ ભટ્ટને વડલો, રોઝવુડ અને કરંજનાં પાન ખૂબ જ ભાવે છે. મહેમુદે ખચ્ચર ગાડી રાખી છે. જેમાંથી તે ઠીક ઠીક કમાવવા પણ લાગ્યો છે. તે હવે દાલ-રોટી ખાઈ શકે તેમ છે, છતાં તેણે પાંદડાં ખાવાનું જ ચાલુ રાખ્યું છે.

ચીનમાં શિશુનાં નામ હવે સદ્દામ, જિહાદ, ઇસમ, કુરાન, ઈમામ, હજ, મક્કા કે મદીના રાખી નહીં શકાય

ચીને તેના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંત ઝિયાંગઝિંગમાં બાળકોના ઇસ્લામિક નામો જેવાં કે સદ્દામ અને જિહાદ જેવા લગભગ ડઝનો નામો રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાથી પ્રતિબંધિત નામો ધરાવતાં બાળકોને સરકારી ફાયદાઓ નહીં મળે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ ઇસ્લામ, મક્કા, જિહાદ, ઇમામ, સદમ, હાજી અને મદીના જેવા લગભગ ડઝનો બાળકોનાં નામો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધિત નામો ધરાવતાં બાળકો તેમના નામનું રજિસ્ટ્રેશન નહીં મેળવી શકે. ચીનની પબ્લિક સ્કૂલોમાં એડ્મિશન માટે અન્ય સામાજિક સર્વિસ મેળવવા માટે આ રજિસ્ટ્રેશન આવશ્યક છે.