અકળ કલ્પનાશક્તિ ધરાવતી... આધુનિક સીતાની આધુનિક વાર્તા
SadhanaWeekly.com       | ૦૨-જૂન-૨૦૧૭

 

હજી તો સીતા માંડ પા-પા પગલી કરતાં શીખી હતી ને તેનાં માતા-પિતા તેને બેંગલુરુની નામાંકિત શાળામાં પ્રવેશ અપાવવા લઈ ગયાં. અંગ્રેજી માધ્યમની શાળામાં જૂનિયર કેજીમાં પ્રવેશ લેવાનો હતો ! નિર્દોષ સીતાને તેનાં માતાપિતા અહીં કેમ લાવ્યાં તે કંઈ સમજાયું નહીં. શાળાના આચાર્યે ‘નિયમ પ્રમાણે’ સીતાનો ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરી. અંગ્રેજી મીડિયમની શાળા એટલે ઇન્ટરવ્યુ પણ કડક. માતા-પિતાને બોલવા ઉપર પ્રતિબંધ હતો.

આચાર્યે કહ્યું : ‘તો, બેટા તારું નામ કહે તો..?’
‘સીતા.’
‘સરસ, હવે તું જે પણ કંઈ જાણે છે તેના વિશે અમને કશુંક કહે.’
‘જુઓ, હું તો ઘણું બધું જાણું છું, તમારે શું જાણવું છે તે મને કહો તો હું તે તમને કહીશ.’
આચાર્ય તો અવાક બની ગયા, તેમના હાવભાવ એવા થઈ ગયા કે સીતાનાં માતા-પિતાને ખ્યાલ આવી ગયો કે વાત અહીં પૂરી થઈ ગઈ છે. તેથી માતાએ સીતાને છાવરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આચાર્યે તેને વચમાં જ રોકી દઈને સીતાને કહ્યું :
‘ભલે, તો તું અમને એક સુંદર કવિતા સંભળાવ અથવા તો મજાની વાર્તા કહે.’
‘તમે સ્પષ્ટ કહો, કવિતા સાંભળવી છે કે વાર્તા ?’
‘સારું, તો તું અમને વાર્તા જ સંભળાવ.’
‘પણ હવે તમે મને કહો કે તમારે કઈ વાર્તા સાંભળવી છે ? મેં વાંચેલી વાર્તા કે મેં લખેલી વાર્તા ?’
ફરીવાર આચાર્ય આશ્ર્ચર્યમાં પડી ગયા અને સીતાને પૂછ્યું :
‘તો તું વાર્તા પણ લખે છે ?’
‘કેમ ના લખું ?’
આવા ઉત્તરોથી કક્ષમાં બેઠેલા સૌ કોઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. આચાર્યે તો સ્વપ્નમાં પણ આવા જવાબોની અપેક્ષા રાખી ન હતી. હવે તેમણે સીતામાં હીર પારખ્યું.
‘તો તું અમને તેં લખેલી જ વાર્તા સંભળાવ.’
‘સારું, તો સાંભળો મેં લખેલી વાર્તા... એકવાર રાવણ સીતાનું અપહરણ કરીને શ્રીલંકામાં લઈ ગયો.’
વાર્તાના આરંભના વાક્યથી જ આચાર્યનું મોઢું પડી ગયું, પરંતુ તેમણે સીતાને રોકી નહીં.
સીતાએ વાર્તા આગળ ચલાવી, ‘પછી રામે હનુમાનજીને સીતાને પાછાં લાવવાનું કામ સોંપ્યું. હનુમાનજીએ રામની આજ્ઞા શિરોમાન્ય ગણીને સ્વીકારી લીધી.’
‘પછી શું થયું ?’
‘પછી હનુમાનજીએ સ્પાઈડરમેનને બોલાવ્યો.’
‘સ્પાઈડરમેનને ?’ સૌ એકી સાથે બોલી ઊઠ્યાં. આચાર્યને તો વાર્તામાં આવો ‘ટ્વીસ્ટ’ આવશે, તેની કલ્પના જ ન હતી. સીતાએ કહ્યું : ‘હાસ્તો, શ્રીલંકા અને ભારતની વચ્ચે ઊંચા ઊંચા પર્વતોની હારમાળા આવેલી છે. તેથી સ્પાઈડરમેન જાળું ગૂંથે તો શ્રીલંકા પહોંચવામાં કેટલી બધી અનુકૂળતા
રહે ?’
‘પણ હનુમાનજી તો છલાંગ મારીને જઈ શકે ને ?’
‘અરે તેમના હાથમાં તો સંજીવની પર્વત છે તેથી તે ઝડપથી કેવી રીતે ઊડી શકે ?’
ફરી નીરવ શાંતિ પથરાઈ ગઈ. બધાં જ સ્તબ્ધ બનીને સીતાની સામે જોઈ રહ્યાં હતાં. સીતાએ જરાય ગભરાયા વિના પ્રશ્ર્ન કર્યો.
‘તો કહો, તમારે મારી વાર્તા સાંભળવી છે કે નહીં ?’
‘હા, હા, અમારે સાંભળવી છે તારી વાર્તા.’
‘પછી હનુમાનજી અને સ્પાઈડરમેન શ્રીલંકા પહોંચ્યા. તેમણે સીતાને કારાવાસમાંથી મુક્ત કર્યાં. એટલે સીતાજીએ કહ્યું, ‘થેન્કસ ટુ બોથ ઑફ યુ !’
‘અરે, સીતાએ થેન્કસ કહ્યું હોય એવું તો કેવી રીતે શક્ય છે ?’
‘કહેવું જ પડે ને... તેમણે સીતાને રાવણના કારાવાસમાંથી મુક્ત કરી એટલે આભાર તો માને જ ને ?’ પછી સીતાએ ‘હલ્ક’ પહેલવાનને બોલાવ્યો.
આચાર્ય મૂંઝાયા, ‘હવે અહીં કોમિક કથાનો હલ્ક ક્યાં આવ્યો ?’
‘કેમ ના આવે ? સીતાજી ભારત પાછાં કેવી રીતે જાય ?’
‘અરે પણ હનુમાનજી છે તો ખરા, પછી હલ્કનું ત્યાં શું કામ છે ?’
‘તમે કંઈ સમજતા કેમ નથી ? હનુમાનજીના એક હાથમાં સંજીવની પર્વત છે, બીજા હાથથી તેમણે સ્પાઈડરમેનને પકડ્યો છે તો હવે તે સીતાને કેવી રીતે પકડી શકે ?’
નાનકડી બાળકીના તર્કની સામે બધા જ ખડખડાટ હસી પડ્યા. સીતાએ સીતાહરણ પછીની વાર્તા આગળ ધપાવી.
‘આમ તેઓ ભારત આવવા નીકળી પડ્યાં. માર્ગમાં તેમને મારો મિત્ર અક્ષય મળી ગયો...’
‘હવે તો હદ થાય છે ? તારો મિત્ર અક્ષય ત્યાં કેવી રીતે ટપકી પડે ?’
‘કેમ ના ટપકી પડે ? આ મેં લખેલી વાર્તા છે. મારી ઇચ્છા પ્રમાણે કોઈ પણ પાત્ર ગમે ત્યારે ટપકી પડે...’
આચાર્યને તો વાર્તામાં ઉપરાઉપરી આવતા ‘ટ્વીસ્ટ’થી એવી મજા પડી ગઈ કે હવે આ સીતાહરણની કથામાં શું થશે તે જાણવાની તેમને તાલાવેલી જાગી.
સીતાએ વાર્તા આગળ ચલાવી : ‘પછી તો આ મંડળી બેંગલુરુના મેજેસ્ટિક બસ-સ્ટેશને પહોંચી !!’
‘અત્યાર સુધી આ વાર્તાને શાંતિથી સહન કરી રહેલા શાળાના ટ્રસ્ટીથી હવે રહેવાયું નહીં. તે તાડૂક્યા, ‘આ સીતાહરણમાં બેંગલુરુનું મેજેસ્ટિક બસસ્ટેશન ક્યાંથી આવે ?
‘અરે તે લોકો રસ્તો ભૂલી ગયાં હતાં તેથી તે લોકો ત્યાં પહોંચ્યાં તેમાં તમે કેમ અકળાયા ? હવે સાંભળો, આ સંકટમાંથી માર્ગ કાઢવા હલ્ક પહેલવાનને એક યુક્તિ સૂઝી. તેણે પેલી આઠ વર્ષની સાહસિક બાળા ડોરાને બોલાવી.’
ટ્રસ્ટીએ તો ‘ડોરા’નું નામ જ પ્રથમ વાર સાંભળ્યું, પરંતુ હવે પ્રશ્ર્ન કરવાની તેમની ક્ષમતા ન હતી ! તેમને તો આ વાર્તાનો શું અંત આવે છે તેમાં જ રસ હતો.
‘તો હલ્ક પહેલવાને સ્મરણ કરતાંવેંત ડોરા આવી ગઈ અને તે સીતાને બેંગલુરુના મલ્લેશ્ર્વરમ્ ટાવર્સમાં મૂકી આવી. બસ આમ સીતા તેના ઘરે પહોંચી ને મારી વાર્તા થઈ પૂરી.’
‘અરે પણ સીતાહરણની વાર્તાના અંતે સીતા બેંગલુરુના મલ્લેશ્ર્વર ટાવર્સમાં કેમ પહોંચે ?’ આચાર્યથી રહેવાયું નહીં.
‘સીતા ત્યાં જ પહોંચે ને... કેમ કે આ વાર્તાની સીતા હું જ છું, અને મારું ઘર એ ટાવર્સમાં છે...!!’
અત્યાર સુધી વર્ષના અંતે વિદ્યાર્થીઓને ઉપહાર આપીને સન્માનિત કરતા આચાર્યે પ્રથમ વાર જ વર્ષના આરંભે વિદ્યાર્થીને પ્રવેશ આપવાની સાથે ઉપહાર અને સન્માન પણ આપીને આ નવોદિત વાલ્મીકિને આવકાર આપ્યો.