તૈયાર થતી વાદળીઓ
SadhanaWeekly.com       | ૦૭-જુલાઇ-૨૦૧૭

પવનદેવ અકળાયા વાદલડી ઉપર. વાદલડીની રાહ જોતાં-જોતાં એ થાકી ગયા. આઘા-પાછા થતા કેટલીક વાર ફરીને આવ્યા. છતાં વાદલડી બહાર આવે જ નહીં.
‘ઓ... વાદલડી, શું કરે છે?’ પવનદેવે પૂછ્યું.
‘તૈયાર થાઉં છું.’ વાદલડી બોલી.
‘અરે ! પણ, તૈયાર થતાં આટલી બધી વાર, ઉતાવળે તૈયાર થા.’
‘ના. હો, ઉતાવળે તૈયાર ન થાઉં હું તો. ગગનમાં મ્હાલવા નીકળવાનું છે. સરસ તૈયાર થાઉં તો વટ પડેને !’
‘વાદલડી, તું સમજ, તારું કામ વટ પાડવાનું નથી, વટ તો ત્યારે પડે જ્યારે તું વરસી પડે. જો... જો... બધાં તારી રાહ જોઈ રહ્યાં છે.’
‘ના હોય !’
‘હાસ્તો...’ પવનદેવે કહ્યું.
પવનદેવે વાદલડીને ઘણું સમજાવ્યું. પણ કોઈ વાતે સમજે જ નહીં. જે વાદલડીને કહે તે એક જ જવાબ આપે, ‘હજી હું તૈયાર નથી.’ અને પવનદેવ અકળાઈ ઊઠે. આપણું કામ તૈયાર થવાનું નથી. બીજાને તૈયાર કરવાનું છે. આમ ક્યાં સુધી કોઈ વાટ જોઈ રહે ? પણ, કેટલી વખત સમજાવે, કેટલી વાર કહે ? હવે... હવે... કોઈ યુક્તિ કરવી પડશે. આ વાદલડીઓ જાણે લટાર મારવા નહીં, કોઈ પ્રસંગમાં કે મેળાવડામાં જવાની હોય એમ સજવા-ધજવામાં જ પૂરો સમય બગાડી નાખે છે, પણ એમને સમજાવવી શી રીતે ?
પવનદેવની મૂંઝવણ સૂરજદાદાએ જાણી. પવન પાસે જઈ ખાનગીમાં કંઈક વાત કરી. પછી પવનદેવે બૂમ પાડી. ‘વાદળી રાણીઓ... વાદળી રાણી, જરીક બહાર આવ તો...’
‘શું કામ છે પવનદેવ, હજી હું તૈયાર નથી થઈ.’
‘તૈયાર પછી થજે. જો... જો... તો તને કોણ મળવા આવ્યું છે તે...’
‘હેં મને... મને મળવા કોણ આવ્યું છે કહો તો ખરા.’ વાદલડી અધીરી બની.’
‘તું બહાર આવીને જો.’
વાદલડી તો આવી બહાર. ચારેકોર જબ્બર અજવાળું હતું તો ગરમી પણ હતી ભયંકર. વાદલડી ઓળખી ગઈ. ‘ઓ હો... સૂરજદાદા આવ્યા છે દૂર દૂરથી અને તે પણ મને મળવા? વાદલડી તો દોડી ગઈ સૂરજદાદાને પગે લાગવા.
‘હા, દીકરી, તને મળવા આવવું પડ્યું.’ એમ સૂરજદાદા બોલ્યા. ત્યાં તો વાદલડી સૂરજદાદાના પગમાં પડી ગઈ. સૂરજદાદાના પગ જોઈ વાદલડી રડી પડી. ‘સૂરજદાદા, અરેરે... તમારા પગ સાવ ફાટી ગયા છે, તિરાડો જ તિરાડો. વળી, સાવ સૂકાભઠ્ઠ. હું તમારી શી સેવા કરું ? કહો... હાલ ને હાલ કહો, હમણાં ને હમણાં કહો, તમારા બોલ ને અમારી સેવા... બોલો દાદા, બોલો.’
સૂરજદાદા બોલ્યા, ‘દીકરી, તને તો તૈયાર થતાં વાર લાગે છે, તને કેવી રીતે કહું ?’ આમ કહેતાં સૂરજદાદા પગ પંપાળી રહ્યા.
‘મારે તૈયાર થવું નથી. બોલો, ઝટ બોલો.’ વાદલડી હઠે ચડી.
‘બસ, દીકરી, ઝટ વરસી પડો તો પીડા ટળે.’
સૂરજદાદાના બોલ વાદલડીએ માથે ચડાવ્યા. એ તો વરસી પડી ઝરમર... ઝરમર.. વાદલડીએ આ વાત ફેલાવી આખા ગગનમાં. વળી પવનદેવે આપ્યો સાથ. પછી તો પૂછવું જ શું? એક પછી એક વાદલડીઓ વરસવા માંડી. કોઈ વરસી ડુંગરે તો કોઈ વરસી વનમાં, કોઈ વરસી રણમાં તો કોઈ વરસી ગૌચરમાં, કોઈ વરસી ગામમાં તો કોઈક વરસી ગામ બહાર. ઠેકઠેકાણે વરસી. આખી ધરતીની તરસ છીપાવી. પવનદેવે સૂરજદાદાનો આભાર માન્યો.
બધી વાદલડીઓ પવનદેવને ઘેરી વળી. સૂરજદાદાને બોલાવો, કાં તો અમને સૂરજદાદાની પાસે લઈ જાવ. એમના પગે રાહત થઈ કે નહીં એ જોવા જવાનું મન થયું છે. એ અત્યારે હેમખેમ છે કે નહીં એ જાણવા આતુર છીએ. પવનદેવે દોડીને વાત કહી સૂરજદાદાને. સૂરજદાદા તો આવી પહોંચ્યા વાદલડીઓ પાસે, બધી વાદલડીઓ એમને વળગી પડી અને એમના પગે પડી. સૂરજદાદાના પગે ચીરા પુરાઈ ગયા હતા. લીલાછમ અને તરોતાજા પગ જોઈ વાદલડીઓ પૂછી બેઠી, ‘હેં દાદા... અમે વરસીએ તો જ તમારા પગને રાહત મળે?’ પવનદેવ એવું કહેતા હતા, ને તમે પણ તે દિવસે એવું બોલતા હતા, વાત સાચી?
‘હા... હા... દીકરીઓ, હું સવારનો નીકળું તે સાંજ સુધી રખડું. વળી રખડવામાં મને ભાન નથી રહેતું એટલે કેટલું તપ્યો ને કેટલું નહીં એ સમજાય જ કોને? વળી, ગરમી અસહ્ય. એમાં ખુલ્લા પગ બળે, તિરાડો પડે, તમારી વાટ જોતો રહું ને તમે તૈયાર થવામાં વાર કરો. હું શું કરું ?’
‘ના... ના... સૂરજદાદા, અમે તમારી વાત જાણી, હવે તૈયાર થવામાં જરાય સમય નહીં બગાડીએ બસ? પ્રોમિસ.’
સૂરજદાદા વાદલડીઓના પ્રોમિસથી હસ્યા ખડખડાટ. પછી બોલ્યા, ‘દીકરીઓ, તમારા વિના ખુદ મારા જ પગ બળે, સુકાય, તિરાડો પડે. વળી, ધરતી પર તો બધાં પશુ-પંખીઓ તરસે-મરે, નદી-નાળાં ને તલાવડીઓ સુકાઈ જાય, ઝરણાં ઝૂરે ને તરફડે હરણાં, પંખીઓ નાસ-ભાગ કરતાં જીવવા વલખાં મારે, ને ઝાડ-પાન, બધાં નિર્જીવ જવા થઈ બેસે. ત્યાં આપણે તૈયાર થવામાં વાર કરીએ તો... તો...?’
‘નહીં... નહીં... સૂરજદાદા, હવે તમારે આગળ કશું જ કહેવાની જરૂર નથી. અમે પરોપકાર માટે સર્જાયા છીએ, નહીં કે સાજશણગાર સજી હરવા-ફરવા. અમારો ધર્મ યાદ દેવડાવ્યો. તમારો આભાર.’ વાદલડીઓ બોલી ઉઠી.