વિશ્ર્વસંઘ શિક્ષાવર્ગ ‘સમર્થ, શક્તિશાળી ભારત જ સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરી શકશે’ : પ. પૂ. ડૉ. મોહનજી ભાગવત
SadhanaWeekly.com       | ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭

‘આજે વિશ્ર્વભરમાં આતંકવાદ સહિતની અનેક સામાજિક, આર્થિક સમસ્યાઓએ એવો તો ભરડો લીધો છે કે તેમાં માનવકલ્યાણની ભાવના જ નષ્ટપ્રાય થવા માંડી છે. વિશ્ર્વને ધર્મના માર્ગે ચાલીને વિશ્ર્વકલ્યાણની વાત કરનારો આપણો દેશ ભારત જ વિશ્ર્વમાં શાંતિ અને કલ્યાણના માર્ગે લઈ જઈ શકશે. સમર્થ અને શક્તિશાળી ભારત જ સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરી શકશે.’ આ શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. ડૉ. મોહનજી ભાગવતના. નાગપુરમાં યોજાયેલા વિશ્ર્વસંઘના શિક્ષાવર્ગના સમાપન કાર્યક્રમમાં તેઓ વિશ્ર્વના ૧૩ દેશોના સ્વયંસેવકોને સંબોધિત કરી રહ્યા હતા.

હિન્દુ સ્વયંસેવક સંઘ તથા હિન્દુ સેવિકા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૨૦ વિશ્ર્વ સંઘ શિક્ષાવર્ગ તથા ૧૫ દિવસીય સમિતિ વર્ગના સંયુક્ત સમારોપ સત્રમાં  નીતિ આયોગના સભ્ય તથા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી શ્રી વિવેક દેવરોય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બંને વર્ગોનું આયોજન શ્રી વિશ્ર્વ નિકેતન, નવી દિલ્હી તથા દેવી અહિલ્યાબાઈ સ્મારક સમિતિ, નાગપુર દ્વારા થયું હતું. વિશ્ર્વના ૧૩ દેશોના કુલ ૭૮ સ્વયંસેવકો અને સેવિકાઓએ આ વર્ગોમાં ભાગ લીધો હતો.

સમારોપ કાર્યક્રમને સંબોધતાં પ.પૂ. સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે આજે ધર્મના માર્ગે ચાલનારાં સંગઠનોની વિશ્ર્વના બધા જ દેશોને આવશ્યકતા છે. આ માટે આજે રા.સ્વ.સંઘ જેવાં સંગઠનો પ્રત્યેક દેશમાં હોય તો જ વિશ્ર્વ ધર્મના માર્ગે ચાલી શકશે. સંઘ સંસ્થાપક ડૉ. હેડગેવારજીનું સ્મરણ કરીને ડૉ. મોહનજીએ જણાવ્યું હતું કે, ડૉ. હેડગેવારજીએ ધર્મના માર્ગે ચાલીને જ સમર્થ અને વૈભવસંપન્ન ભારતનિર્માણ કરવાનું ધ્યેય આપણી સમક્ષ મૂક્યું હતું. આવું સમર્થ, શક્તિશાળી અને વૈભવશાળી ભારત જ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરી શકશે તેવો દૃઢ વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિશ્ર્વ સંઘ શિક્ષા વર્ગમાં પ્રશિક્ષિત સ્વયંસેવકોને પોતાની ક્ષમતા પ્રમાણે તેમના દેશોમાં કામ કરીને વિશ્ર્વકલ્યાણનું કામ કરવાનું આહ્વાન કરીને ડૉ. મોહનજીએ ઉમેર્યંુ હતું કે હિન્દુ માટે તો સમગ્ર વિશ્ર્વ એ એક પરિવાર જ છે. તેથી સમગ્ર માનવજાતને પરિવાર ગણીને સ્વયંસેવકોએ માનવકલ્યાણનું કાર્ય કરવું જોઈએ. પોતાના સમાજ, દેશના અધ:પતન માટે માત્ર મોગલો કે અંગ્રેજોને જ દોષ આપવાને બદલે હિન્દુઓએ આત્મદર્શન કરીને પોતાનામાં રહેલા દોષોને દૂર કરવા પડશે, સાથોસાથ સનાતન ધર્મનાં મૂલ્યો અને સંસ્કારોનું પણ જતન કરવું પડશે, તો જ આપણે સમર્થ અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરી શકીશું. આવું સમર્થ અને શક્તિશાળી ભારત જ વિશ્ર્વગુરુ બની શકશે. તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિશ્ર્વ સંઘ શિક્ષા વર્ગના સમારોપ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી વિવેક દેવરોયે જણાવ્યું હતું કે હવે ભારત ‘તમસ’માંથી બહાર આવી રહ્યો છે અને ભારત સાચા અર્થમાં વિકાસક્ષેત્રે વિશ્ર્વમાં અગ્રેસર બની રહ્યું છે. તેમણે વિશ્ર્વના ૧૩ દેશોમાંથી આવેલ સ્વયંસેવકોને ભારતના વિકાસમાં સહભાગી બનવાનું આમંત્રણ આપ્યું હતું.

૪ ઑગસ્ટે યોજાયેલા આ પ્રસંગે સંઘ શિક્ષાવર્ગના સર્વાધિકારી શ્રી આલોકકુમાર તથા સમિતિ વર્ગના સર્વાધિકારી સુશ્રી કીર્તિદા ભટ્ટે બંને વર્ગોની વિગતો આપી હતી. રા.સે.સમિતિના પ્રમુખ સંચાલિકા વં. શાંતાક્કાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના આરંભમાં મહાનુભાવોએ પ.પૂ. ડૉ. હેડગેવારજીની તસવીરને માળા અર્પણ કરીને ભારતમાતાનું પૂજન કર્યું હતું.