યોગી રાજમાં ઉત્તર પ્રદેશ ‘ઉત્તમ’ પ્રદેશ બનવા તરફ
SadhanaWeekly.com       | ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૭

 
 
મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના મહત્ત્વપૂર્ણ પગલાં અને તેમની સામેના પડકારો
ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીનું પદ સંભાળતાંની સાથે જ યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવી ગયા છે. સત્તા સંભાળતાં જ તેઓએ મંત્રીઓને અલ્ટીમેટમ આપી દીધું છે કે, ૧૮થી ૨૦ કલાક કામ કરવું હોય તે જ મારી સાથે રહે. યોગી સરકારે લીધેલાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં અને તેમના પડકારો પર...
ગેરકાયદેસરનાં કતલખાનાં પર પ્રતિબંધ
યોગી સરકારે સત્તા સંભાળ્યાના માત્ર ૭૨ કલાકમાં જ ગેરકાયદેસરનાં કતલખાનાંઓ પર પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. ચૂંટણીપ્રચાર દરમિયાનની કતલખાનાંઓ પર કાર્યવાહીને તે વખતે કસાઈઓ અને માંસના વેપારીઓએ માત્ર ચૂંટણીહુમલો ગણાવી હળવાશથી લીધી હતી તે તેમને ભારે પડી અને યુપીમાં સૌપ્રથમ વખત માથાફરેલ કસાઈઓનાં કતલખાનાં પર તાળાં લાગ્યાં. આ મુદ્દાને લઈને કસાઈઓ અને વિરોધપક્ષો ભારે હોબાળો પણ મચાવી રહ્યા છે, પરંતુ યોગી સરકારે સ્પષ્ટ સુણાવી દીધું છે કે, જે કતલખાનાં ગેરકાયદેસર છે તેને કોઈપણ સંજોગોમાં રાહત તો નહીં જ મળે.
વાઈફાઈ લેસ બસસ્ટેન્ડ
ડિજિટલ યુપી તરફ પગલાં ભરતાં યુપી સરકારે રાજ્યનાં તમામ બસસ્ટેન્ડોને વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવાનો આદેશ આપ્યો છે. પરિવહન વિભાગના પ્રેઝન્ટેશન દરમિયાન સીએમ યોગીએ રાજ્યની જનતા માટે અનેક નવી સુવિધાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. બસનો સમય જાણવા માટે ખૂબ જ જલદી ટ્રેક માઈ બસ એપ શરૂ કરવાની પણ યોજના છે.
બે કરોડથી વધુ ખેડૂતોનું દેવું માફ
સત્તામાં આવતાંની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણીપ્રચાર દરમિયાન આપેલું પોતાનું સૌથી મોટું વચન પાળી બતાવી રાજ્યનાં બે કરોડથી પણ વધુ ખેડૂતોનાં દેવાં માફ કરી દીધાં હતાં. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ બેઠકમાં જ આ નિર્ણય બાદ અહીંના ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. આ નિર્ણયથી યુપી સરકારને ૩૬૩૫૯ કરોડનો બોજ પડશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોનાં દેવા માફીની વાત ભાજપના સંકલ્પ પત્રમાં પણ કરવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ચૂંટણીપ્રચારમાં આ વાત કરી હતી.
એન્ટી રોમિયો સ્કોડ
ઉત્તર પ્રદેશમાં મુલાયમવાદી સરકારના સમયમાં રાજ્યના વિશેષ જાતિ અને ધર્મનાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં હતાં. કૉલેજ, શાળા, બજારમાં જતી કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓ છેડતીથી ત્રાહિમામ્ પોકારી ગઈ હતી. આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બેટી બચાવોનો પણ હતો. યોગી સરકારે સત્તામાં આવતાંની સાથે જ એન્ટી રોમિયો સ્કવોડનું ગઠન કરી મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરી દીધી. ઉત્તર પ્રદેશના લગભગ દરેક જિલ્લામાં એન્ટી રોમિયો સ્કવોડ બનાવવામાં આવ્યાં અને અનેક સ્થળોએ કાર્યવાહી થઈ રહ્યા હોવાના અહેવાલો પણ માધ્યમોમાં પ્રસારિત થઈ રહી છે. સીએમ યોગીની આ કાર્યવાહીથી મહિલાજગત ખુશ છે, તો તેમના પરિજનો પણ ચિંતામુક્ત બન્યા છે. જો કે મહિલા-સુરક્ષાને પણ રાજનીતિમાં ઢસડી જઈ તેના પર રાજનીતિ કરાઈ રહી છે. છતાં સીએમ મહિલા-સુરક્ષાને લઈને સરકાર ગમે તે હદે જઈ શકે છે તેવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.
એસિડ વેચનારાઓએ ડીએમને રિપોર્ટ આપવો પડશે
રાયબરેલીથી લખનઉ આવી રહેલી ગેંગરેપ પીડિતા પર એસિડ એટેક બાદ યોગી આદિત્યનાથ ખુદ કેજીએમયુ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પીડિતા સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેઓના કડક નિર્દેશથી બન્ને આરોપીની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી અને એસિડ એટેક પીડિતાનો તમામ ખર્ચ માફ કરી, તેને એક લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. આ ઘટના બાદ યોગી સરકારે રાજ્યમાં એસિડ વેચનારાઓ પર પણ આકરાં પગલાં લઈ રહી છે.
...તો ઘરનો નકશો પાસ નહીં થાય
યોગી સરકારે જળ-સંરક્ષણની દિશામાં મોટું પગલું ભર્યંુ છે. હવે જળ-સંરક્ષણની વ્યવસ્થા વગર ઉત્તર પ્રદેશમાં કોઈ જ ઘર નહીં બને. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક આદેશ આપ્યા છે કે, જળ-સંરક્ષણની વ્યવસ્થા વગરના કોઈપણ ઘરના નકશાને મંજૂરી આપવામાં ન આવે. એટલે કે હવે ઉત્તર પ્રદેશમાં ઘર બનાવવું હશે તો ફરજિયાતપણે જળ-સંરક્ષણની વ્યવસ્થા કરવી જ પડશે.
સરકારી ડૉક્ટરોને ચેતવણી
યુ.પી.માં ગરીબોનું સ્વાસ્થ્ય અને સરકારી ડૉક્ટરોની લાલિયાવાડી એક મોટો પ્રશ્ર્ન હતો. યોગી સરકારે આ સમસ્યાના મૂળમાં જ ઘા કર્યો છે. સરકારે ડૉક્ટરો માટે ફરમાન જાહેર કર્યું છે જે મુજબ સરકારી ડૉક્ટર ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં. સરકારે આવું કરી રહેલા ૨૦૦થી વધુ ડૉક્ટરોની એક યાદી પણ બનાવી છે અને સરકારી ડૉક્ટરોને ખાનગી પ્રેક્ટિસ છોડવાનું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. આ સિવાય સરકારી દવાખાનાંઓમાં સુવિધા વધારવા પણ સરકાર પગલાં લઈ રહી છે.
ઠેકામાં ભ્રષ્ટાચાર કરનારાની ખેર નથી
મુખ્યમંત્રી યોગીએ સરકારી ઠેકા લેનારાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ ઠેકેદારીમાં ગપ-ગોટાળા કે ભ્રષ્ટાચાર કરશે તો તેના પર કેસ ચાલશે. યોગી આદિત્યનાથ તમામ સરકારી વિભાગોની કામગીરી અંગે જાણકારી પણ મેળવશે.
ખાનગી શાળાઓની ફી પર નજર અને શિક્ષણમાં સુધાર
સરકારે ખાનગી શાળાઓ સામે મનફાવે તે રીતે ફી વસૂલવા મુદ્દે પણ ડંડો પછાડ્યો છે. સરકાર આ મુદ્દે એક કાયદો બનાવવા જઈ રહી છે. સરકારે મનમરજી મુજબ ફી વસૂલતી ખાનગી શાળાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે લૂંટ બંધ નહીં કરનાર શાળાઓની માન્યતા પણ રદ થઈ શકે છે. સરકારે વાલીઓને પણ આવી શાળા સામે ફરિયાદ કરવાની છૂટ આપી છે. સાથે સાથે શાળાઓમાં શિક્ષકોની ૧૦૦ ટકા હાજરી ફરજિયાત કરી દીધી છે અને તમામ શાળાઓમાં બાયોમેટ્રિક એટેંડન્સ સિસ્ટમ લગાવવાની પણ તૈયારી કરી લીધી છે.
ખાડામુક્ત સડકોનું નિર્માણ
સત્તા સંભાળતાંની સાથે જ યોગી આદિત્યાનાથે સૌપ્રથમ સરકારી અધિકારીઓનો ઊધડો લીધો અને તમામને વહેલામાં વહેલી તકે ઉ.પ્ર.ની તમામ સડકો ખાડામુક્ત બનાવવાનું ટાર્ગેટ આપ્યું છે અને કોઈપણ સંજોગોમાં આ ટાર્ગેટ પૂરું કરવાની વાત કરી છે.
૩ રૂપિયામાં નાસ્તો, ૫ રૂપિયામાં ભોજન
તમિલનાડુમાં અમ્માની કેન્ટીનની રાહે ઉત્તરપ્રદેશ સરકારે પણ અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભોજનાલયમાં માત્ર ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે.
શેરડીના ખેડૂતો પર મહેરબાન
નવી સરકાર અહીં શેરડીની ખેતી કરતા ખેડૂતોના બાકી નીકળતા પૈસા પણ વહેલામાં વહેલી તકે ચૂકવવા સક્રિય બની. ગત સરકારે જ ખાંડ મિલોને ગેરકાયદેસર રીતે વેચી છે. તેની સીબીઆઈ તપાસ કરાવવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત યુપીનાં તમામ પશુઓનો મફતમાં ઇલાજ થશે અને જેટલી પણ મોંઘી દવાઓ છે તે મફત આપવામાં આવશે. એટલું જ નહીં ભૂમિહીન ખેડૂતોનાં ૨ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે ઉચ્ચ શિષ્યવૃત્તિની જાહેરાત પણ કરી છે.
ના ઊંઘીશ, ના ઊંઘવા દઈશ
યોગીએ સરકારી અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તમામ લોકોએ જનતાની વચ્ચે જઈને કામ કરવું પડશે જ. પગપાળા તો પગપાળા જઈ ૧૮ કલાક સુધી કામ કરવાનું ફરમાન અધિકારીઓને સંભળાવ્યું છે.
ઘરે ઘરે વીજળી
યોગી સરકાર રાજ્યના પ્રત્યેક ઘરે વીજળી પહોંચે તે માટે પણ સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. સરકારે કોઈપણ રીતે રાજ્યમાં ૨૪ કલાક વીજળી આપવા કટિબદ્ધતા દર્શાવી છે. ૧૪ એપ્રિલથી તમામ જિલ્લા મુખ્યાલયોમાં ૨૪ કલાક વીજળી મળી રહે છે. ૨૦૧૮ સુધી સમગ્ર રાજ્યમાં અને તીર્થસ્થાનો પર ૨૪ કલાક વીજળી મળવાનું શ‚ થઈ જશે અને આગામી ૧૦૦ દિવસોમાં પાંચ લાખ જેટલાં નવાં કનેક્શનો આદેશ પણ આપવામાં આવ્યા છે.
૩૫ વર્ષ બાદ સંભલમાં મંદિર ખોલાવ્યું
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના ગઢ ગણાતા સંભલમાં પણ યોગી આદિત્યનાથે આવતા જ સપાટો બોલાવ્યો હતો. અહીં સુદર્શન ન્યુઝ ચેનલ્સ મુજબ યોગી આદિત્યનાથે રાતના લગભગ ૩ વાગ્યે ૨૦ જિલ્લાની પોલિસ સંભલ મોકલી અને ૧૮ જેટલા કટ્ટરવાદીઓની ધરપકડ કરી. એટલુ જ નહીં, કટ્ટરવાદીઓ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી જે મંદિરને તાળું મારી દીધું હતું. તેને ખોલી પોલિસ દ્વારા પૂજા કરાઈ હતી.
કબજાવેલી દુકાનો ખાલી કરાવડાવી
ઉત્તર પ્રદેશનાં એટા કોતવાલી નગરમાં, મહેતાપાર્ક વિસ્તારમાં ગત ૨૦ વર્ષથી અમિત ચૌધરી નામના વ્યક્તિની સાત દુકાનો પર, કેટલાક મુસ્લિમ ગુંડાઓએ કબજો જમાવી દીધો હતો. અનેક પગલા છતાં માથા ભારે મુસ્લિમો તેને ખાલી કરતા ન હતા. ગત ૨૦ માર્ચના રોજ અચાનક પોલીસ કાફલો મહેતાપાર્ક પહોંચી પોલીસ દ્વારા દુકાનો ખાલી કરાવડાવી હતી. જાણકારો અહીંના વિશેષ સમુદાય સામે આટલી ઝડપી અને કડક કાર્યવાહી થવાને પણ, યોગી આદિત્યનાથની અસર ગણાવી રહ્યાં છે...
* * *
પડકારો
આમ છતાં પણ એક વાત કરવી રહી કે દાયકાઓથી જાતિ અને મતબેન્કની રાજનીતિના ભોગ બનેલ આ રાજ્યને બેઠું કરવું એટલું સહેલું નહીં હોય. આજે પણ દેશના આ સૌથી મોટા રાજ્ય સામે અનેક પડકારો છે તેની વાત કરીએ તો -
જનસંખ્યા અને શિક્ષણ
જનસંખ્યાની દૃષ્ટિએ દેશમાં ઉત્તર પ્રદેશનો ભાગ ૧૬૫ ટકા છે, પરંતુ જીડીપીમાં તેનું યોગદાન માત્ર ૮૫ ટકા છે. સાફ છે કે, ઉત્તર પ્રદેશ સંસાધનોમાં યોગદાન આપવાને બદલે તેને ખાઈ રહ્યું છે. શિક્ષણક્ષેત્રે પણ પરિસ્થિતિ દારુણ છે. દેશમાં સૌથી વધુ પ્રાથમિક શાળા ૩,૬૮,૪૦૦૦ આ રાજ્યમાં છે, જે દેશની કુલ પ્રાથમિક શાળાના ૧૮ ટકા છે. તેમ છતાં અહીં ૭ લાખ વિદ્યાર્થી ઓછા છે. પાંચમા ધો. સુધીના ૫૦ ટકા વિદ્યાર્થીઓ હિન્દી પણ વાંચી શકતા નથી. ક્યાંક-ક્યાંક તો આખી શાળામાં એક જ શિક્ષક હોય છે. ૪૦ ટકા બાળકો વચમાં જ અભ્યાસ છોડી દે છે. રાજ્યમાં એન્જિનિયરીંગ જેવા ઉચ્ચ શિક્ષણની ૫૦ ટકા બેઠકો ખાલી જ રહી જાય છે.
વીજળીની દયનીય હાલત
રાજ્યને ૨૫,૦૦૦ મેગાવોટ વીજળીની જ‚ર છે. જ્યારે અહીં ઉત્પાદન થાય છે માત્ર ૨૫૦૦ મેગાવોટ, બાકીની બહારથી ખરીદવી પડે છે. આમ છતાં પણ દર વર્ષે ૫૦૦૦થી ૯૦૦૦ મેગાવોટ વીજળીની અછત રહે છે અને આ સ્થિતિ ત્યારે છે જ્યારે ૨૦૧૪ સુધી રાજ્યના ૧૦,૮૫૬ ગામડાંમાં વીજળી પહોંચી જ ન હતી. ગત સરકાર ૨૦૧૬ સુધી વીજળીનું ૫૩,૦૦૦ કરોડનું કર્જ છોડી ગઈ છે.
સુસ્ત વિકાસદર
રાજ્યના સુસ્ત વિકાસદરમાં પ્રાણ ફૂંકવો એ યોગી સરકાર માટે સૌથી મોટો પડકાર છે. પ્રદેશ સરકારના અહેવાલ મુજબ ૨૦૧૨-૧૩થી ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્યનો વિકાસદર ૩.૯થી ૬.૬ની વચ્ચે રહ્યો હતો. રાજ્યમાં માથાદીઠ આવક પણ દેશની સરખામણીએ અડધી છે. પ્રતિ વ્યક્તિ ઘરેલું ઉત્પાદનમાં તો તેની ગણના દેશના સૌથી પાંચ પછાત રાજ્યોમાં થાય છે. આ સિવાય પણ કૃષિ, સ્વાસ્થ્ય સેવાઓ, અપરાધ, માફિયાઓ, રોજગારી અને પાછલી સરકારના ભ્રષ્ટાચારની લાંબીલચક યાદીવાળા ઉત્તર પ્રદેશ રાજ્યને ઉત્તમ પ્રદેશ બનાવવાનો યોગી સરકાર સામે મોટો પડકાર છે. તેમ છતાં રાજ્ય સરકાર જે રીતે વાતો નહીં સીધું જ કામ પ્રત્યે પગલાં લઈ રહી છે તે જોતાં ના માત્ર ઉત્તર પ્રદેશની જનતા જ, ભારતની જનતા પણ આશા સેવી રહી છે કે ઉત્તર પ્રદેશ હવે ઉત્તમ પ્રદેશ બનવાની દિશામાં આગળ વધશે અને સાચેસાચ જો યોગી સરકારની મહેનત રંગ લાવી તો વિશ્ર્વસ્તરે ઉત્તર પ્રદેશ ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે સંબોધાવા લાગશે...