તે પ્રેતયોનિ ભોગવતો ભોગવતો સર્પ બની ગયો અને પછી...
SadhanaWeekly.com       | ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૭

પિતૃઓનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ - તર્પણ તથા તેમના દોષનિવારણનું પર્વ - શ્રાદ્ધપર્વ 

શ્રાદ્ધ એટલે શ્રદ્ધા. યત્ ક્રિયતે તત્  અર્થાત્ પિતૃઓનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ-તર્પણ તથા તેમના દોષનિવારણનું શ્રદ્ધેય પર્વ. હિન્દુ સંસ્કૃતિ અજેય, અજોડ તથા શાશ્ર્વત હોવાના મૂળમાં તેની પ્રજા દ્વારા ઊજવાતા પરંપરાગત-વારસાગત ધાર્મિક તહેવારો, વ્રતો તથા ધર્મકથાઓ છે. શ્રાદ્ધપર્વ પણ પિતૃઓને અંજલિ આપવાનું, તેમના વારસાનું જતન કરવાનું તથા જીવન પર્યંત તેમનામાં રહેલા દોષોનું નિવારણ કરી ભૂતયોનિમાંથી તેમને મુક્ત કરવાનું ઋણ ચૂકવવાનું પર્વ છે.

આપણી સંસ્કૃતિમાં ‘માતૃદેવો ભવ પિતૃદેવો ભવ’ના સંસ્કારો છે. જીવતે-જીવ આપણે મા-બાપની સેવા કરીએ છીએ. જે મા-બાપે આપણું લાલન-પાલન કરી સદ્ગૃહસ્થ બનાવ્યા હોય તેમની વૃદ્ધાવસ્થામાં સેવા થાય તેવા આપણા સંસ્કારો છે. સાચું કહો તો જીવતેજીવ કૃતજ્ઞતાપૂર્વક મા-બાપ તથા પરિવારના વડીલોની સેવા થાય તે પરંપરાગત ઊજવાતા શ્રાદ્ધપર્વની પૂર્વભૂમિકા છે. તેમ છતાં જે પિતૃઓ આપણા માટે આપણા કુળમાં ભગીરથ કાર્યો કરી પોતાના સંતાનો માટે ભવ્ય સાંસ્કૃતિક વારસો મૂકતા ગયા તેઓ મોહવશ તથા લાગણીવશ સંસારમાં ભૂત-પ્રેત યોનિમાં ભટક્યા કરે છે તેવી પ્રબળ માન્યતા આપણાં પુરાણોમાં વર્ણવાઈ છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવાયું છે કે દેવતાઓને પ્રસન્ન કરતા પહેલાં મનુષ્યોએ પોતાના પિતૃઓ, પૂર્વજોને પ્રસન્ન કરવા જોઈએ. હિન્દુ જ્યોતિષમાં પણ પિતૃદોષને સર્વજટિલ કુંડલી દોષોમાંનો એક કુંડલીદોષ માનવામાં આવે છે. પિતૃઓની શાંતિ તથા તેમના મોક્ષ માટેના કર્મને શ્રાદ્ધકર્મ કહે છે. આ ધાર્મિક પર્વ પ્રતિવર્ષ ભાદરવા વદ પૂનમથી શરૂ‚ કરી ભાદરવા વદ અમાસ સુધીના દિવસોમાં મનાવાય છે. એવું માનવામાં આવે છે યમરાજ આ દિવસોમાં આપણા પિતૃઓને આઝાદી-મુક્તિ આપે છે, જેથી તે મૃત્યુલોકમાં તેમના વંશજો દ્વારા થતી શ્રાદ્ધકર્મ વિધિને પામે અને દોષોનું નિવારણ કરી મોક્ષને પામે છે. આ યમ એટલે કાળ પણ આ શ્રાદ્ધપર્વને મહત્ત્વનું સ્થાન આપે છે.

‘ઔરંગઝેબે તેના પિતાને કેદ કર્યા હતા. કેદમાં તે તેના પિતાને જેવું-તેવું પાણી માત્ર એક તૂટેલા ફૂટેલા માટલામાં આપતો અને અપાર કષ્ટ આપતો હતો. ત્યારે શાહજહાંએ ઔરંગઝેબને એક ચિઠ્ઠી મોકલી. ‘અરે ! ઔરંગઝેબ જેવા ઘાતકી પુત્રને શિખામણ તથા ઉપદેશ આપતા તેના પિતાના આ શબ્દો શ્રાદ્ધપર્વનો મહિમા દર્શાવે છે. ‘ધન્ય હૈ વે હિન્દુ જો અપને મૃતક માતા-પિતા કો ભી ખીર તથા હલવા-પુરી-દૂધપાકસે તૃપ્ત કરતે હૈં. ઔર તૂ જિન્દે બાપ કો એક પાની કી મટકી તક નહીં દે સકતા ?’

વાયુ પુરાણ (૧૩.૫૮)માં પણ શ્રાદ્ધકર્મમાં સૌથી શ્રેષ્ઠ ગીતાના સાતમા અધ્યાયના પાઠનું મહત્ત્વ સમજાવ્યું છે. ભગવાન શિવ અને પાર્વતીના સંવાદમાં એક ધર્મકથાનો ઉલ્લેખ છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી ! તમે શ્રાદ્ધકર્મમાં ગીતાના સાતમા અધ્યાયના મહત્ત્વની કથા સાંભળો ! પાટલીપુત્ર નામના દુર્ગમ શહેરમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે વૈશ્ય-વૃત્તિથી પુષ્કળ ધન એકઠું કર્યંુ હતું. તેણે ન તો પિતૃઓનું તર્પણ કર્યંુ, ન દેવતાઓની પૂજા કરી. આ કામી બ્રાહ્મણ તેના ચોથા લગ્ન માટે પુત્રો અને સગાસંબંધીઓની જાન-જોડી લગ્ન કરવા નીકળ્યો હતો. રસ્તામાં ઘોર અધારી રાત્રે તેને એક સર્પ કરડે છે. ઘણી દવાઓ કરવા છતાં તે બેઠો થતો નથી. અકાળે મૃત્યુ પામે છે. તેનો જીવ તેણે એકઠા કરેલા ધનમાં રહી જાય છે. તે પ્રેતયોનિ ભોગવતો-ભોગવતો સર્પ બની તેણે દાટેલા ધનમાં પડી રહે છે. કાળક્રમે આ સર્પ તેના પુત્રોને સ્વપ્નમાં આવે છે. તેનો જ્યેષ્ઠ પુત્ર તે જગ્યાએ ખોદકામ કરી ધન એકઠું કરવા પ્રયત્ન કરે છે. છતાં ધન પ્રાપ્ત થતું નથી. તે સર્પ આડો આવે છે. આ સર્પ તેના પુત્રને જણાવે છે કે હે પુત્ર ! મારી મરણતિથિએ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરજે. સુપાત્ર બ્રાહ્મણો તથા સ્વજનોને આમંત્રણ આપી ખીર તથા દૂધથી બનેલ મિષ્ટાનોનું ભોજન કરાવજે. આપણા પૂર્વજોના સ્વ‚પમાં માનેલ કાગડાઓને ‘કાગો વાસ’ ઉચ્ચારણથી પ્રેમથી બોલાવી ખીર પૂરીનું ભોજન કરાવજે, જેથી મારો મોક્ષ થશે અને આ સર્પયોનિમાંથી મુક્તિ મેળવી દોષમુક્ત સુપાત્ર બ્રાહ્મણ યોનિમાં મારો જન્મ થશે. મારી મુક્તિ-મોક્ષ માટે કૃતજ્ઞતાપૂર્વક ઊજવાતું આ પર્વ-શ્રાદ્ધપર્વ તરીકે ઊજવાશે. હે પાર્વતીજી! પાટલીપુત્રના બ્રાહ્મણ શંકુકર્ણનું તેના પુત્રો શ્રાદ્ધકર્મ કરે છે. તેનો મોક્ષ થાય છે અને શ્રેષ્ઠ બ્રાહ્મણ કૂળામાં જન્મ થાય છે. તે તેના પુત્રોને આશીર્વાદ આપે છે કે હે પુત્રો ! તમારી સુખ શાંતિ માટે વારસામાં મૂકેલી મારી સંપત્તિ પિતૃઓના તર્પણમાં, દેવી-દેવતાઓની પૂજામાં તથા સમાજસેવાનાં સત્કર્મોમાં વાપરજો.

હારિત સ્મૃતિમાં લખ્યું છે કે...

ન તત્ર વીરા જાયન્તે નારોગ્યં ન શતાયુ:

ન ચ શ્રેયોધિગચ્છન્તિ

યત્ર શ્રાદ્ધં વિવર્જિતમ્ ॥

અર્થાત્ જેના ઘરમાં શ્રાદ્ધ થતું નથી તેમના કુળમાં વીર પુત્ર ઉત્પન્ન થતા નથી, કોઈ નીરોગી રહેતું નથી. વંશજો દીર્ઘાયુ થતા નથી, તેમના જીવનમાં કોઈ ને કોઈક દુ:ખો આવ્યાં કરે છે. મહર્ષિ સુમંતે પણ કહ્યું છે કે શ્રાદ્ધપર્વની ઉજવણી જેવો કલ્યાણકારી માર્ગ ગૃહસ્થી માટે બીજો કયો હોઈ શકે ?

મત્સ્ય પુરાણમાં શ્રાદ્ધના ત્રણ પ્રકાર કહ્યા છે. જ્યારે યમસ્મૃતિમાં તેના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. આપણને પિતૃઓની મૃત્યુતિથિનું સ્મરણ ન હોય તો પિતાનું શ્રાદ્ધ આઠમના દિવસે તથા માતાનું શ્રાદ્ધ નોમના દિવસે થાય છે. જે ‘ડોશીઓની નોમ’ તરીકે ઊજવાય છે. જ્યારે અમાવાસ્યનું શ્રાદ્ધ સર્વપિતૃ શ્રાદ્ધ તરીકે મનાવાય છે.

આપણા આ શ્રાદ્ધપર્વને કેટલાક વિવેચકો એક કર્મકાંડ તથા ધાર્મિક વિધિના સ્વ‚પમાં સમજે છે. આપણી સંસ્કૃતિના વિરોધીઓ પણ આ શ્રાદ્ધકર્મને અંધશ્રદ્ધા તથા હસી મજાકમાં ખપાવે છે. અરે ! કાગડા સ્વ‚પમાં પૂર્વજો હોય ખરા ? મૃતાત્માઓ ભોજન કરે ખરા? આ દલીલોમાં હિન્દુઓની ધર્મ આસ્થાની માત્ર મજાક જ છે. જો ભારતમાંથી મોકલેલ ‚પિયા અમેરિકા ડૉલર સ્વરૂપે તથા ઇંગ્લૅન્ડમાં પાઉન્ડ સ્વરૂપે આપણા સ્વજનોને મળતા હોય તો શું કુદરતમાં પણ પિતૃતર્પણનું શ્રાદ્ધકર્મ પિતૃઓને નહિ પહોંચતું હોય ! કદાચ આપણે આ દલીલને શરણે થઈએ તો પણ શું ? આ શ્રાદ્ધ પર્વ પરિવારજનો સાથે શુભ કર્મમાં નાંદિશ્રાદ્ધ માટે એકઠા મળી એકબીજાના વેરભાવ ભૂલી ઊજવાતા આનંદ ઉલ્લાસનું પર્વ નથી? સમૂહભોજન તથા દાનવૃત્તિ - અર્થાત્ પ્રકૃતિમાં ઈશ્ર્વરદત્ત બધી વસ્તુઓ માત્ર સ્વ માટે નથી પણ બીજા માટે પણ છે તેવી ભાવના વિકસાવવાનું આ પર્વ નથી ? કાગડા જેવાં પક્ષીઓ તથા ગાય-કૂતરા જેવાં પ્રાણીઓને ભોજનથી તૃપ્ત કરવાનો મહિમા છે. પ્રકૃતિપ્રેમનું આ પર્વ આપણા માટે આસ્થાનું પર્વ છે.

વાસ્તવમાં આ પર્વની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. ભાદરવા માસમાં પિત્તનો પ્રકોપ થાય છે. શરીરમાં પિત્ત તથા વાયુની વૃદ્ધિથી ચોમાસામાં અનેક પ્રકારના તાવ તથા રોગો ઉદ્ભવે છે. હવે આપણા આયુર્વેદમાં દૂધ-પાક-ખીર એ પિત્ત તથા વાયુના દોષોના નિવારણ માટે ઉત્તમ ઔષધ હોવાનું સિદ્ધ થયું છે. દુ:ખ વેઠીને પણ આપણે આ શ્રાદ્ધકાર્યનું ભોજન પ્રસાદમાં મેળવીએ તે સ્વાભાવિક છે. આપણે પિતૃદોષની મુક્તિ સાથે ચોમાસાની ઋતુઓમાં થતા રોગોથી પણ રોગમુક્ત થઈએ. ધાર્મિક પ્રસંગોની ઉજવણી પાછળ આપણા વડીલો-ઋષિમુનિઓએ વંશજોનું કલ્યાણ જ ઇચ્છયુ છે. જેવી ભાવના તેવું ફળ મળે છે. તેથી ભગવાને કહ્યું છે કે,

યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૃન્યાન્તિ પિતૃવતા:

ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોપિ મામ્ ॥

દેવતાઓનું પૂજન કરનારાઓને દૈવત્વ પ્રાપ્ત થાય છે. પિતૃઓનું પૂજન કરનારને પિતૃઓનો વારસો મળે છે, જ્યારે ભૂતોનું પૂજન કરનાર ભૂતને પામે છે, જ્યારે ઈશ્ર્વરનું ભજન કરનાર ઈશ્ર્વરને પામે છે.