બિન-પરંપરાગત ઊર્જાક્ષેત્રે ગુજરાતની છલાંગ
SadhanaWeekly.com       | ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


બિન-પરંપરાગત ઊર્જાક્ષેત્રે ગુજરાતની છલાંગ

ગુજરાતે બિન-પરંપરાગત ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. ગુજરાતમાં ૨૦૧૪-૧૫માં બિન-પરંપરાગત ઊર્જાનું ઉત્પાદન માત્ર ૭૨૨૨ મિલિયન યુનિટ્સ જેટલું હતું, જે ૨૦૧૫-૧૬માં ૮૦૦૩ મિલિયન યુનિટ્સ, ૨૦૧૬-૧૭માં ૯૪૯૮ મિ. યુનિટ્સ સુધી પહોંચ્યું હતું. ગુજરાતમાં બિન-પરંપરાગત વીજળીનું ઉત્પાદન તબક્કાવાર સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલ-મેના શરૂઆતના બે મહિનામાં ગુજરાતે કુલ ૨૫૭૩ મિલિયન યુનિટ્સ વીજળીનું ઉત્પાદન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વવિદિત છે કે કોલસા અને ગેસ આધારિત વીજળીનાં ઉત્પાદનમાં તો ગુજરાત દેશભરમાં સરપ્લસ વીજળી ધરાવે છે અને તેની મહત્તમ વીજમાંગ પૂરી કર્યા બાદની વીજળી અન્ય વીજ-અછત ધરાવતા રાજ્યોને વેચી દે છે.

વિશ્ર્વ ઉપર હકારાત્મક પ્રભાવ પાડનારા દેશોમાં ભારત સાતમા ક્રમે

વિશ્ર્વ ઉપર હકારાત્મક પ્રભાવ પાડનારા દેશોમાં ભારત સાતમા ક્રમે છે તેવું તાજેતરમાં થયેલા સર્વે દ્વારા જાણવા મળે છે. ૮૧ પોઈન્ટ સાથે દુનિયાના પ્રભાવશાળી દેશોમાં કેનેડા પ્રથમ ક્રમે છે, જ્યારે ઈઝરાયેલ ૩૨ તથા ઈરાન ૨૧ ટકા મતો સાથે છેલ્લા ક્રમે છે. ૨૫ રાષ્ટ્રોના ૧૬થી ૬૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ૧૮,૦૦૦ લોકોના મંતવ્ય અનુસાર દુનિયાના હકારાત્મક અભિગમ ધરાવતા પ્રભાવશાળી દેશોનો સર્વે ઈંઙજઘજ મોરી દ્વારા કરાયો હતો, જેમાં ૫૩ પોઈન્ટ સાથે ભારત દેશે સાતમો ક્રમે મેળવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ સર્વે મુજબ ભારત કરતાં પાછળ રહેતા દેશોમાં ૪૯ પોઈન્ટ સાથે ચાઈના તથા ૪૦ પોઈન્ટ સાથે અમેરિકા છે, જ્યારે રશિયાને ૩૫ ટકા મતો મળ્યા છે. ભારત કરતાં આગળ દેશોમાં ૫૭ ટકા સાથે યુ.કે. છે.

‘અલ્લાહુ અકબર’ લલકારનારને ગોળી મારી દેવામાં આવશે ! - મેયર લુગેઈ બ્રુગનારો

ઇટાલીના વેનિસ શહેરના મેયર લુગેઈ બ્રુગનારો એ કટ્ટર મુસ્લિમોને ધમકી આપી છે કે, મારા શહેરમાં જે કોઈ અલ્લાહુ અકબર લલકારશે તેને ગોળી મારી દેવામાં આવશે. લુગેઈ સ્પેનના બર્સિલોના આતંકવાદી હુમલા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લેઆમ તેમણે આ વાત કરી હતી. ધ ટાઈમ્સ ન્યૂઝ પેપર મુજબ બ્રુગનારોએ કહ્યું હતું કે જો કોઈ મુસ્લિમ શહેરના મુખ્ય એવા સંતમાર્ક ચોક પર દોડતાં અલ્લાહુ અકબરની રાડો પાડશે. તો તેને તત્કાલ ગોળી મારી દેવામાં આવશે.

હું હિન્દુ રાષ્ટ્રની તરફેણમાં છુ : રોડ્રિગ્ઝ

‘ગોવા ક્રોનિકલ’ના સંપાદક સાવિયો રોડ્રિગ્ઝ એ ગોવાના રામનાથ દેવસ્થાનમાં ચાલી રહેલા છઠ્ઠા અખિલ ભારતીય હિન્દુ અધિવેશનમાં હિન્દુ રાષ્ટ્રની સખત તરફેણ કરતાં કહ્યું હતું કે, હું હિન્દુસ્તાની છું અને મને તેનું અભિમાન છે. હું ઈસાઈ થઈને પણ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા આ અધિવેશનમાં ભાગ લેવા આવ્યો છું. કારણ કે હિન્દુ ધર્મ તમામ પંથોમાં સર્વશ્રેષ્ઠ છે, હિન્દુ રાષ્ટ્ર ભારતની સંસ્કૃતિ, મૂલ્ય શ્રદ્ધાનાં આંતરભાવથી યુક્ત ઉચ્ચ અવધારણા છે અને હાલ સમગ્ર સંસાર માટે હિન્દુ રાષ્ટ્ર જ એક માત્ર આશાનું કિરણ છે.
(શાશ્ર્વત હિન્દુ ગર્જના)

ચાર્લીએબ્દોના નિશાન પર ફરી એક વખત ઇસ્લામી આતંકવાદ

ફ્રાંસીસી સામયિક ચાર્લીએબ્દો દ્વારા બર્સિલોના આતંકી હુમલા બાદ ફરી એક વખત ઇસ્લામિક આતંકવાદ પર જોરદાર કટાક્ષ કરાયો છે. સામયિકે પોતાના મુખપૃષ્ઠ પર તાજેતરમાં સ્પેનમાં થયેલ આતંકવાદી હુમલા સંબંધિત એક કાર્ટૂન છાપ્યું છે. કાર્ટૂનમાં વાનની ટક્કરને કારણે લોહીમાં લથપથ બે લોકોને જમીન પર પડેલા બતાવવામાં આવ્યા છે. તેની સાથે લખ્યું છે કે ઇસ્લામ શાંતિનો સનાતન ધર્મ છે. ઉલ્લેખનીય છે કે સ્પેનના બર્સિલોમાં આતંકવાદીઓ દ્વારા એક વાનને ભીડમાં ઘુસાડી દઈ ૧૪ લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ ચોરાઈ જતાં મુસ્લિમોએ ભેટમાં સાઉન્ડ સિસ્ટમ આપી

કોમી એકતાનું વહન કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક મુસ્લિમ તહેવાર કમિટી તરફથી ઇન્દોર રોડ પર આવેલા અભયદાતા હનુમાન મંદિરમાં સાઉન્ડ સિસ્ટમ ભેટમાં આપી છે. અમુક દિવસો અગાઉ આ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ ચોરાઈ ગઈ હતી. કમિટીના પ્રેસિડેન્ટ શાહીદ ખાને નોંધ લીધી હતી કે મંદિરમાંથી સાઉન્ડનો અવાજ અમુક દિવસોથી આવતો ન હતો એટલે તે મંદિરની મુલાકાતે આવ્યા તો જાણ્યું કે સિસ્ટમ ચોરાઈ ગઈ છે. શાહીદ ખાને કહ્યું કે મેં ઘણા દિવસોથી મંદિરના સાઉન્ડનો અવાજ સાંભળ્યો જ નહીં. હું અહીં આવ્યો તો જાણ થઈ કે સાઉન્ડ સિસ્ટમ ચોરાઈ ગઈ છે અને પછી વિચાર્યું કે કેમ ન નવી લાવી દેવાય ? મેં કમિટી સાથે જઈને નવી સાઉન્ડ સિસ્ટમ ખરીદી અને મંદિરને ભેટમાં આપી. લઘુમતી સમુદાય તરફથી આવો પ્રેમ પ્રતિસાદ મળતાં હિન્દુ લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટમાં દિવ્યાંગ બાળકોનો ટેલેન્ટ શોનું આયોજન

તાજેતરમાં રાજકોટ શહેરનાં હેમુ ગઢવી હોલ ખાતે દિવ્યાંગ બાળકોના એક વિશેષ ટેલેન્ટ શોનું આયોજન થયું હતું. દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કામ કરતી શહેરની એક સંસ્થાના ૨૨૮ જેટલાં બાળકોએ પોતાની પ્રતિભાથી પ્રેક્ષકોને ચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંઘ સ્વયંસેવક સંઘના આજીવન ભેખધારી એવા ગુજરાત પ્રાંત સંઘચાલક સ્વ. શ્રી ડૉ. પી. વી. દોશી (પૂ. પપ્પાજી)ની જન્મજયંતી સંદર્ભમાં શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સતત ૧૩ વર્ષથી ‘સ્નેહ સ્પર્શ’ના નામથી દિવ્યાંગ બાળકોના ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા આર્ષ વિદ્યામંદિર - મંજુકાના સ્વામી પરમાત્માનંદજી, ડે. મેયર અને પુ. પપ્પાજીનાં પૌત્રી ડૉ. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.


આરોગ્ય ખાતું અને રા. સ્વ. સંઘ, સેવા વિભાગ દ્વારા પાટડીમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

રા. સ્વ. સંઘ સેવા વિભાગ દ્વારા દેશભરમાં હજારો એવા પ્રકલ્પો અને સેવા કાર્યો ચાલતાં હોય છે. રા. સ્વ. સંઘના વિરમગામ જિલ્લાના પાટડી-દસાડા તાલુકામાં પણ સેવા વિભાગ દ્વારા અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે. ચોમાસામાં રોગો સામે રક્ષણ મળે તે હેતુથી રા. સ્વ. સંઘ, સેવા વિભાગ, પાટડી દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી દિ. ૨૯ ઑગસ્ટ, ૨૦૧૭ના દિવસે એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટડી-દસાડા વિસ્તારનાં દૂરદૂરનાં ગામોમાંથી ૬૦૦થી પણ વધુ રુગ્ણોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. નોંધપાત્ર વાત એ હતી કે સ્વાઈન ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી સૌને ઔષધીય ઉકાળો પણ આપવામાં આવ્યો હતો. આ નિદાન કેમ્પના ભાગરૂપે પાટડીની શાળાઓના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સમાજસેવાના આ ઉપક્રમમાં પાટડી RSS સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. બી. કે. વાઘેલા,
ડૉ. સોનાલીબહેન ચાવડા, ડૉ. વિરલબહેન જોશી તથા ડૉ. યેશાબહેન ઠક્કર તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે દસાડા-પાટડી સ્થિત અગરિયા પરિવારોના સ્વાસ્થ્ય માટે રા. સ્વ. સંઘના સેવા વિભાગ દ્વારા ૩૧ ગામોમાં ‘આરોગ્ય પેટી પ્રકલ્પ’ છેલ્લાં પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.


રાણીપમાં પુસ્તકાલય દ્વારા યોજાઈ સાંસ્કૃતિક સ્પર્ધાઓ, પુસ્તક-વિમોચન અને સન્માન

અમદાવાદના રાણીપમાં આવેલા સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આ વિસ્તારની ૨૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે વક્તૃત્વ, સંગીત, ચિત્ર, વેશભૂષા, મહેંદી તથા પ્રશ્ર્નમંચની સ્પર્ધાઓ યોજાઈ હતી. ઉપરાંત શ્રાવણી ઝરમર વચ્ચે ૨૫ જેટલી ભજનમંડળી વચ્ચે ભજનસ્પર્ધા પણ યોજાઈ ગઈ, જેના વિજેતાઓ તથા ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીને ઇનામ વિતરણ તથા સન્માન કાર્યક્રમ રાણીપ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં ગૌભક્ત પ. પૂ. શ્રી કાલિદાસજી મહારાજ, સાબરમતીના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, સમારંભના અધ્યક્ષ શ્રી ઈશ્ર્વરભાઈ પટેલ, પ્રસિદ્ધ રોકસ્ટાર શ્રી અરવિંદ વેગડા, સંસ્થાના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, ઉપપ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ, મંત્રી શ્રી મધુકાન્તભાઈના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેખક શ્રી મધુકાન્ત પ્રજાપતિ લિખિત બે પુસ્તકો ઉપનિષદની શ્રેષ્ઠ વાર્તાઓ તથા ઈસપની શ્રેષ્ઠ વાર્તાઓ પુસ્તકોનું મહાનુભાવોને હસ્તે વિમોચન થયું હતું. સમારંભમાં વિશિષ્ટ પ્રતિભાસન્માન અંતર્ગત શ્રી ડૉ. અમૃતભાઈ કડીવાળા, શ્રી અરવિંદ વેગડા તથા શ્રી કિરણેન્દુ આર્યનું સન્માન કરવામાં આવ્યું હતું.
મલ્લપુરમમાં દર મહિને એક હજાર લોકો ધર્માંતર કરે છે
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહિરે આરોપ લગાવ્યો છે કે કેરલના મલ્લપુરમ્ જિલ્લામાં મિનામાં એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેરલ સરકારે હજુ સુધી આ અંગેનો એક પણ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે મલ્લપુરમમાં ધર્માંતરનું એક મોટું કેન્દ્ર છે. ત્યાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવામાં આવે છે. આહિર તેલંગાણાના ભાજપ એકમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા. તેમણે કેરલ પોલીસના ડિરેક્ટર જનરલ અને મુખ્ય સચિવ સાથે બેઠક યોજી હતી અને તેમને જણાવ્યું કે અહીં દર મહિને એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. તેમને તેની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે કે કયા આધાર પર આમ કરવામાં આવે છે. આહિરે કહ્યું કે રાજ્યની સત્તારૂઢ એલડીએફ સરકારે આ અંગેનો રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. હવે આ અંગેની તપાસનું કામ એનઆઈએને સોંપવામાં આવ્યું છે. આહિરે તેવા સંકેત પણ આપ્યા કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આવો જ એક મુદ્દો ‘લવ જિહાદ’ની તપાસ કરી રહ્યું છે.