શક્તિ-ચરિત્ર : ૨૦૧૭ની પ્રેરણાદાયી ભારતીય મહિલાઓ
SadhanaWeekly.com       | ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

૨૦૧૭ના વર્ષમાં ભારતીય મહિલાઓએ પણ કેટલીક આગવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. પોતાની આવડતથી સિદ્ધિ મેળવનારી નારીઓમાંથી કેટલીક અત્યંત કપરા સંજોગોમાંથી પસાર થઈ છે. સંજોગો કે પરિસ્થિતિ સામે ઘૂંટણિયાં ટેકવી દેવાને બદલે ઝઝૂમીને તેમણે પોતાનું કૌવત દેખાડ્યું છે. આથી દેશ અને દુનિયામાં તે પ્રેરણાસ્રોત બની છે.

નિર્મલા સીતારામન

ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન તરીકે નિર્મલા સીતારામને શપથ લીધા ત્યારે માત્ર ભારતીયો નહીં પરંતુ સમગ્ર દુનિયાની આંખો ચાર થઈ ગઈ હતી. વિશ્ર્વના ત્રીજા ક્રમાંકના સૌથી મોટા સૈન્યનું નેતૃત્વ એક મહિલાના હાથમાં સોંપાયું તે વાત અનેકોને રુચિ નહોતી, પરંતુ નિર્મલાએ પાડોશી દેશો સાથેના સંઘર્ષપૂર્ણ સમયમાં જવાબદારી સ્વીકારી ત્યારે તેમનું વદન આત્મવિશ્ર્વાસથી છલકાતું હતું. છેલ્લા ચાર મહિનાથી તેઓ કામગીરી સુપેરે નિભાવી રહ્યાં છે.

ચંદા કોચર

ચંદા કોચર ૧૯૮૪માં ICICIમાં તાલીમાર્થી તરીકે જોડાયેલાં ચંદા હાલમાં તેના સીઈઓ છે. તેમના નેતૃત્વમાં ICICIએ જે પ્રગતિ કરી છે તેની નોંધ માત્ર ભારત નહીં પણ વૈશ્ર્વિક સ્તરે લેવાઈ છે. ફોર્બ્સ બિઝનેસ મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી વિશ્ર્વની ૧૦૦ પાવરફૂલ વિમેન પર્સનાલિટીઝમાં ચંદાને ૩૨મું સ્થાન મળ્યું છે. જો કે, ભારતીય મહિલાઓમાં તેઓ પ્રથમ છે. ઉપરાંત વર્ષના મધ્યમાં તેમને ગ્લોબલ કોર્પોરેટ સિટિઝનશિપ માટે વૂડરો વિલ્સન ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. ઍવોર્ડ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.

પ્રિયંકા ચોપરા

અભિનેત્રી, ગાયિકા ફિલ્મ નિર્માત્રી અને સખાવત કરનારી પ્રિયંકા ચોપરા વખતે ફોર્બ્સ પાવરફૂલ વિમેન પર્સનાલિટીઝની યાદીમાં પ્રવેશી છે અને ૯૭મો ક્રમાંક મેળવ્યો છે. ૨૦૦૦માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ કારકિર્દી શરુ કરનારી પ્રિયંકાએ ૨૦૧૫માં અમેરિકન ટીવી સિરીઝ ક્વાન્ટિકોમાં અભિનય કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી છબી ઉભારી છે. તે છેલ્લાં દસ વર્ષથી યુનિસેફ સાથે પણ કામ કરી રહી છે.

મેરી કોમ

મણિપુરની ઓલિમ્પિક મહિલા બોક્સર મેરી પાંચ વખત વર્લ્ડ એમેચ્યોર બોક્સિગં ચેમ્પિયન બની છે તથા વાર વર્લ્ડ ચેમ્પિયન બનનારી એકમાત્ર મહિલા બોક્સર છે. નવેમ્બર મહિનામાં મેરીએ એએસબીસી એશિયન કન્ફેડરેશન વિમેન્સ બોક્સિગં ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસનું સર્જન કર્યું છે. ત્રણ સંતાનોના ઉછેર સાથે પોતાની કારકિર્દીને ઉજ્જ્વળ બનાવનારી મેરી ભારતીય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત છે.

ઇન્દિરા બેનરજી

દેશની સૌથી જૂની હાઈકોર્ટ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં મહિલા ન્યાયાધીશ છે. ઇન્દિરા બેનરજીની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે માર્ચ મહિનામાં નિમણૂક કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં મુખ્ય જસ્ટિસ ઉપરાંત મહિલા જજ અને ૫૩ પુરુષ જજ છે.

પૂર્વી ગુપ્તા

૨૦૧૮ના ફેબ્રુઆરી મહિનામાં એન્ટાર્કટિકામાં જનારી ટુકડીમાં એકમાત્ર ભારતીય મહિલા તરીકે પૂર્વી ગુપ્તા જઈ રહી છે. ૮૦ મહિલાઓની ટુકડીમાં સ્થાન પામનારી પૂર્વીએ આઈઆઈટી મદ્રાસમાંથી બાયોટેક્નોલોજી એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તમામ મહિલાઓને એન્ટાર્કટિકાના પ્રવાસ માટે સઘન તાલીમ આપવામાં આવી છે. તેઓ નેતૃત્વમાં મહિલાઓની ઊણપ બાબતે વૈશ્ર્વિક સ્તરે જાગૃતિ લાવવાનો હેતુ પણ ધરાવે છે.

દીપ્તિ શર્મા અને પૂનમ રાઉત

મહિલા ક્રિકેટર જોડી દીપ્તિ શર્મા અને પૂનમ રાઉતે ૩૨૦ રનની ભાગીદારી કરીને મહિલા ક્રિકેટવિશ્ર્વમાં વિક્રમ બનાવ્યો છે. મહિલા વન ડે ક્રિકેટમાં ૩૦૦થી વધુ રન બનાવનારી તેઓ પ્રથમ ક્રિકેટર જોડી બની છે. મેચ દરમિયાન દીપ્તિએ આયર્લેન્ડ વિરુદ્ધ ૧૮૮ રન કર્યા હતા, જે મહિલા વન ડે ક્રિકેટમાં બીજા ક્રમાંકનો વ્યક્તિગત ધોરણે કરેલો સૌથી વધુ સ્કોર હતો.

અંશુ જામસેન્પા

૩૨ વર્ષની ભારતીય પર્વતારોહક અંશુ જામસેન્પા અરુણાચલ પ્રદેશના બોમડિલાની વતની અને બે સંતાનોની માતા છે. તેણે વર્ષના મે મહિનામાં બે વખત એવરેસ્ટ સર કરીને અને તે પણ માત્ર પાંચ દિવસમાં ચડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ડૉ. નીરુ ચઢ્ઢા

ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર લૉ ઑફ સી (આઈટીએલઓએસ)ના જજ તરીકે ડૉ. નીરુ ચઢ્ઢાની નિમણૂક કરવામાં આવી છે. સન્માન મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. ઉપરાંત ડૉ. વિજયાલક્ષ્મી પંડિત બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ટોચનું પદ મેળવનારા પણ તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હ્યુમન રાઈટ કમિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

માનુષી છિલ્લર

હરિયાણાની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ ૨૦૧૭નો ખિતાબ જીત્યો છે. ૧૧૮ દેશોની સ્પર્ધકોને માત આપનારી માનુષીએ સંતાનોને પ્રેમ આપનારી અને તેમના માટે સર્વસ્વ સમર્પણ કરનારી માતાને સૌથી વધુ પગાર આપવો જોઈએ એવો જવાબ આપીને નિર્ણાયકોનાં હૃદય જીતી લીધાં હતાં.

સ્મિતા સભરવાલ

૪૦ વર્ષની સ્મિતા સભરવાલ મુખ્ય પ્રધાનની કચેરીમાં નીમવામાં આવેલી સૌથી નાની વયની આઈએએસ અધિકારી બની છે. સ્મિતાએ માત્ર ૨૨ વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષામાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો અને વિક્રમ સર્જ્યો હતો. ત્યારબાદ વિવિધ ક્ષેત્રમાં કામ કરીને આજે તે મુખ્ય પ્રધાનની કચેરીમાં સ્થાન મેળવનાર સૌથી નાની વયની આઈએએસ અધિકારી બની છે.

ભવાનીદેવી

ઇન્ટરનેશનલ ફેન્સીંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ ભવાનીદેવીએ અપાવ્યો હતો. તે અગાઉ આઈસલેન્ડમાં યોજાયેલી વિમેન્સ સેટેલાઈટ ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં સાબ્રે ઇવેન્ટમાં તે વિજેતા બની હતી. આમ એકસાથે તેમણે બે સિદ્ધિ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું.

સાહિતિ પિંગાલે

બારમા ધોરણની વિદ્યાર્થિની સાહિતી પિંગાલે ઇન્ટેલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં વિજેતા બનતા મેશેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની લિંકન લેબોરેટરીએ એક નાના ગ્રહને તેનું નામ આપ્યું હતું. સાહિતિએ જળપ્રદૂષણ પર સંશોધન કર્યું હતું.

બાઉઆ દેવી

વિશ્ર્વના કેટલાય દેશોમાં પોતાના ચિત્રકામનું પ્રદર્શન કરવા માટે જાણીતાં બાઉવા દેવીને વર્ષે પદ્મશ્રી ઍવોર્ડ આપવામાં આવ્યો છે. મધુબની ચિત્રો દોરવાનો આગવો કસબ ધરાવનારાં બાઉઆ દેવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સ્ટિફનના હેનોવરના મેયર સુધીના મહાનુભાવોને પોતાનાં ચિત્રો ભેટમાં આપ્યાં છે.

ઝિન્નત મુસારત જાફરી

રિયાધમાં પ્રથમ ભારતીય સ્કૂલ સ્થાપનારાં અને સાઉદી આરબમાં રહેનારાં મૂળ ભોપાળના ઝિન્નત પ્રવાસી ભારતીય સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે. સાઉદી આરબમાં રહેતા ભારતીયોનાં સંતાનોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે ઝિન્નત જીવનભર કાર્ય કરતાં રહ્યાં છે.

રિધિમા પાંડે

નવ વર્ષની ઉત્તરાખંડની રિધિમા પાંડેએ ગ્રીન લોને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યાં બદલ સરકાર પર કેસ કર્યો હતો. તેણે નેશનલ ગ્રીન પરિવર્તનની આડઅસરને દૂર કે ઓછી કરે એવા વૈજ્ઞાનિક પગલાં લેવાનો કેન્દ્ર સરકારને આદેશ આપવાની અપીલ કરી હતી.