વાંચો ગ્રાઉન્ડ રીપોર્ટ : ગીર જંગલમાં સિંહગર્જના ચેતવણી કે ચિત્કારનો સૂર ?

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮

 
 
ગીર એટલે સિંહ અને સિંહ એટલે ગીર તેવી ખોટી માન્યતાની અસરે આજે ગીર અને સિંહ બન્ને મુશ્કેલીમાં છે તે આખીયે વાત સમજવા ભલે પ્રકૃતિવિદ્ના બનીએ પણ કમ-સે-કમ પ્રકૃતિને સમજવા પ્રયાસ કરવો જ રહ્યો. ગીરને જંગલ બનાવવું છે કે પ્રવાસન સ્થળ તેની અવઢવમાં છેલ્લા ત્રણેક દશકમાં આપણે ગોળો ને ગોફણ બન્ને ગુમાવ્યાં છે. ગીર ફોરેસ્ટ ડેવલપ કરવું હોય તો ગાઈડ લાઈન સખત કડક અને માત્ર પર્યાવરણલક્ષી જ હોવી જોઈએ અને ગીર નેચરપાર્ક કે પ્રકૃતિ ઉદ્યાન બનાવવો હોય તો કે પછી ટૂરિઝમ બિઝનેસ બનાવવો હોય તો તેના માપદંડ જુદા ચાતરવા પડે..! ખીચડી ગુજરાતી ભાષામાં સ્વાદિષ્ટ ડીશ બની શકે પણ વ્યવહારમાં ખીચડીની જેમ બધું ભેગું કરીએ તો કંસાર કૂથલી બની જાય, તેનો ઉત્તમ દાખલો એટલે ગીરના સાવજોનાં સમૂહમૃત્યુ !

સિંહોના મૃત્યુ - કેટલાક સવાલો લટકતા રહ્યા છે

હા, ગયા પખવાડિયે ગીર ફોરેસ્ટના દલખાણિયા રેન્જ વિસ્તારમાં બે ડઝન જેટલા સિંહોનું અકુદરતી મૃત્યુ અને ત્રણેક ડઝન જેટલા સિંહોને ગંભીર બીમારીથી આખું ગુજરાત સ્તબ્ધ બની રહ્યું હતું. સંતોષ એજ કે તંત્ર દોડતું થયું અને તો વાયરલ ઇન્ફ્કેશન નબળું રહ્યું. જે હોય તે માત્ર પંદર દિવસમાં સ્થિતિ થાળે પડી. ને વળી પાછી બીજી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી પાછું ટાઢોડું છવાયું. છતાં કેટલાક સવાલો લટકતા જ રહ્યા. ગીરમાં સિંહોની સંખ્યા કેટલી ? સાચા મૃત્યુનો આંક કેટલો ? કેટલાં મૃત્યુનું કયું કારણ ? ગીર ફોરેસ્ટની બાકી રેન્જમાં સાચી સ્થિતિ શું ? જંગલ સ્વાયત્તતાના કાયદા કેટલા જૂના ? રેવન્યુ લેન્ડ અને ફોરેસ્ટ લેન્ડના ઝઘડાઓના નિરાકરણનું શું? માનવ અતિક્રમણ અને જંગલની ભારતીય ગાઈડલાઈનના નવા સુધારા કેટલા ? નેશનલ પાર્ક અને ફોરેસ્ટની લોકસમજ કેળવાય તેવાં નક્કર પગલાંના નવા સુધારા શું? હિંસક છતાં લુપ્ત થતી પ્રજાતિઓમાં ખાસ કરીને ગીરમાં સિંહ, દીપડા જેવાં પશુઓ કે શિકારી પંખીઓ માટેના કાયદાઓમાં છેલ્લા સુધારા પ્રજા સુધી પહોંચે છે કે કેમ ? આવા અનેક પ્રશ્ર્નો સમજવા રહ્યાં.
સિંહ જંગલમાં સચવાયો છે તેનું એક કારણ ભલે જંગલ ખાતું અને સરકારી રખેવાળો હોય, પણ સિંહને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા પણ સાચવે છે. બાકી તો બિચારા સિંહને તો ખબર પણ નથી કે આપણે તેને જંગલનો રાજા કહીએ છીએ... અરે એનું નામ સિંહ છે તેવીયે તેને ક્યાં ખબર છે ? હા, તે તેની મસ્તીમાં રાજા જેવું જીવન જીવે છે એટલે રાજા કહીએ છીએ. પણ શું વાસ્તવમાં સિંહને આપણે રાજા રહેવા દીધો છે ખરો ? ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં સિંહ અને માણસ વચ્ચેની દોસ્તીના અનેક દાખલા વાર્તા કવિતા ‚પે જીવંત રખાયા છે. સિંહ તો જ્યારે ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે છે. સામે માણસની ભૂખ પૂરી થતી જ નથી. આજે જંગલો અને જંગલી પશુઓ ઘટવા લાગ્યાં છે. જમીન, લાકડું, જડ્ડીબુટ્ટી, ઔષધ, મોજશોખ અને પર્યટન જેવી માનવીય ભૂખે સિંહને ગુલામ કે ગલીના કૂતરા જેવી બદતર હાલત સુધી લાવી મૂક્યો છે. તેનો ઇતિહાસ અને આંકડા શોધવા દૂર સુધી નથી જવું પડતું. જૂનાગઢ નવાબે તે સમયમાં અંગ્રેજો સામે બાથ ભીડીને સિંહ અને જંગલ બચાવ્યું, તેનું રખોપું લોકશાહીએ કેવી રીતે કર્યંુ ? જંગલવિસ્તાર ટૂંકો કર્યો, પ્રાણીઓને પાંજરે પૂર્યાં. કેટલીય પ્રજાતિ ઓછી કરી. જ્યાં સિંહોનો આંક આઠ દશકમાં સત્તરથી છસ્સો સત્તર સુધી પહોંચ્યો ત્યાં જંગલની જમીન તો અડધી જ રહેવા દીધી.
 

 
 

સિંહોના મૃત્યુનાં મુખ્ય કારણો

- પ્રોટોઝોઆ ઇન્ફેક્શન. જે સડેલો ખોરાક, અન્ય પ્રાણીઓની લાળ, ઇતેડી, જૂવા વગેરેથી પ્રસરે છે.
- આંતરિક લડાઈ પોતીકા વિસ્તારના વર્ચસ્વ માટે સિંહો વચ્ચે આંતરિક લડાઈ સાહજિક ઘટના છે, જેમાં તાકાતવર સિંહ નબળાને ભગાડી દે કે મારી નાખે, ક્યારેક સિંહણને મેળવવા સિંહ બચ્ચાંને પણ મારી નાખે છે.
- સિંહસંરક્ષણ માટે મેડિકલ સગવડોનો અભાવ, રેસ્ક્યુ સેન્ટરોમાં સુવિધાઓ ઓછી હોય તેવું કેમ લાગે છે ?
- ગીર જંગલ તથા રેવન્યુ વિભાગ કે જ્યાં સિંહો છે તેવા ત્રણેક હજાર ચોરસ કિલોમીટરનાં સૌથી વધારે ગામોનાં પશુ (પાલતુ)ને રસી આપવાની જાહેરાત કરી તે તો વન વિભાગ છેલ્લા એક દશકથી કરે જ છે.
- સિંહ, દીપડા કે અન્ય હિંસક પશુ-પંખીઓ માટે નવા કાયદાઓ તથા વિશેષ ગાઈડલાઈનની જાણકારી પ્રજા સુધી નથી. ૫ જિલ્લાનાં સોએક ગામોમાં જાગૃતિ અંગે સરકાર અને પ્રજા વચ્ચે કાર્યરત સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક પ્રજા વચ્ચે તાલમેલ ઓછો.
- ગીર જંગલ છે, ફરવાનું સ્થાન નહીં તે વાત પ્રજા સુધી પહોંચી નથી. પર્યટન સ્થળ અને જંગલ વચ્ચેનો તફાવત મોટો છે.
- ગીરમાં પણ સફારી પાર્ક, નેશનલ પાર્ક અને ફોરેસ્ટ એવા ત્રણ તબક્કા ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિભાગની સહિયારી હદ અનેક ગૂંચવાડા ઊભા કરે છે.
- જંગલ વચ્ચે બાદશાહ વખતથી વસાવેલા લોકો સિંહરક્ષણ વ્યવસ્થાનો ભાગ છે, નેસમાં રહેલા ચારણો, માલધારીઓ, સિદ્ધિ તથા અન્ય ગામો કે જે જંગલમાં છે ત્યાં રાત્રે પ્રવેશ નિષેધ છે અને વાહનોની અવર-જવર પણ બંધ થઈ જાય છે તથા રેલવેટ્રેક પર સિંહો કપાઈ મરે છે, તે વાત અર્ધ સત્ય છે.
 

 
 

સિંહોના મૃત્યુ કુદરતી કરતાં કૃત્રિમ રીતે વધુ થાય છે

સિંહણનાં બધાં બચ્ચાં જીવતાં રહે તો પૃથ્વી પર બકરા ઓછા અને સિંહ વધી જાય પણ પ્રકૃતિમાં બેલેન્સ એક્ટ છે. સિંહ ટોળામાં રહે છે. તેમને ચોક્કસ વિસ્તાર જોઈએ છે. હદ માટે અને કુટુંબના વડીલપણા માટે અંદરોઅંદરની લડાઈ થાય છે. સિંહણને પામવા માટે સિંહ જ ક્યારેક બચ્ચાંઓને મારી નાખે છે. શિકાર કરતાં તકલીફો અને ઈજાઓ તથા વૃદ્ધત્વ એ સિંહમૃત્યુના જંગલ નિયમ પ્રમાણેનાં કારણો છે. તેમાં કુદરતી આપત્તિ સિવાય માનવજન્ય આપત્તિ કૂવા, શિકાર, ખોરાકમાં ભેળસેળ, ઇલેક્ટ્રીક તાર, રેલવે લાઈન સાથેની છેડછાડથી ઉદ્ભવતાં અદૃશ્ય કારણોને લીધે પણ સિંહ મૃત્યુ પામે છે તે જુદું. છેલ્લા બે દશકમાં મેડિકલ ક્ષેત્રે થયેલાં સંશોધનો પછી જટીલ બીમારીઓના કારણો ઝડપથી હાથ લાગવા લાગ્યાં તે પ્રમાણે વાયરલ અતિક્રમણથી ફેલાતી બીમારીઓ વધારે ધ્યાનમાં આવવા લાગી.
આવી અતિક્રમણયુક્ત બીમારીથી છેલ્લા દશકમાં બે વખત સાઈઠ અને એકસો સિંહોનાં મોત નોંધાયાં છે. મૂળ વાત એ છે કે પંદર દિવસમાં ચોવીસેક સિંહ અકુદરતી મૃત્યુને ભેટ્યા અને તે પણ માત્ર એક જ રેન્જમાં... કેટલાક મૃતદેહો કોહવાઈ ગયા. કેટલાક સાવ બીમાર સિંહો રેસ્ક્યુ સેન્ટરમાં મૃત્યુ પામ્યા, જેમાં બાળસિંહો અને સિંહણોની સંખ્યાનું પ્રમાણ વધારે છે.
 

 
 

જંગલરક્ષકોની ભરતીમાં આ ધ્યાને રાખવા જેવું છે

રાત્રે લાઈટ કે બંદૂક વગર રખોપું ન કરી શકે તેવા જંગલરક્ષકોની ભરતી થાય ત્યારે જંગલ કે પ્રકૃતિધન કેટલું સચવાય તે યક્ષ સવાલ છે. ટૂરિસ્ટો માટે જંગલ ગાઈડ ફાંકડું અંગ્રેજી બોલે તેવી લાયકાત ફરજિયાત કરો. તો જંગલ નહીં નેચરપાર્ક જ માણવા મળે..! ગીર જંગલને બે ભાગમાં સમજવું પડે. એક રીયલ ફોરેસ્ટ કે જે ચાર મહિના સદંતર બંધ રહે છે, જ્યાં અધિકારી પણ ભાગ્યે જ જઈ શકે. બીજું રેવન્યુ એ જંગલવિસ્તારનું મિશ્રણ કે જ્યાં ગ્રામ્યજીવન છે. અન્ય પશુપંખીઓ, વનવગડો છે. ત્યાં કુદરતી કોઈ બાઉન્ડ્રી નથી. વન્ય પશુઓ કે ગ્રામ્ય પશુઓ એકબીજાની સરહદો ઓળંગે છે. ચેપી રોગોનું પ્રસારણ મુખ્યત્વે આ વિસ્તારોમાંથી એકબીજા વિસ્તારમાં આક્રમિત થાય છે. સિંહ એક મારણ પર દશથી પંદર દિવસ ખોરાક માટે પ્રયાસ કરે છે. ત્યારે સિંહ સિવાયનાં અન્ય હિંસક પશુપંખીઓ પણ સમૂહભોજનની તક મેળવી લે છે. પાણીના સોર્સ સહિયારા હોય છે અને પગની ખરી વાટે પ્રસરતા જીવાણુઓ જંગલરસ્તે એક જ પગલા પર ચાલવાથી વિસ્તરે છે. રોગના પ્રથમ દર્શીય લક્ષણો અંતરિયાળ જંગલોમાં વન્યસુરક્ષાકર્મીઓને નજરે ન પડે તે સ્વાભાવિક છે, જેથી મૃત શરીરના સગડ મળે ત્યારે જ મૃત્યુની સીધી જાણ થાય છે. પણ આ વખતે જે રેન્જમાં મૃત્યુ થયાં છે ત્યાં સુરક્ષા ગાર્ડની નજરે આવા માંદા જાનવરોની હલચલ નજરે પડી. પણ ક્યાંક ચૂકના કારણે રેસ્ક્યુ સેન્ટર સુધી આવેલા સિંહોમાંથી પણ વધારે મૃત્યુ થયાં.

રેસક્યુ સેન્ટરોની સ્થિતિ હજી સુધારી શકાય

જામવાલા રેસ્ક્યુ સેન્ટરનું ખખડધજ બિલ્ડિંગ અને અંદરની અસગવડતા સીધી ઊંડીને આંખે ખટકે તેવી છે. સો વર્ષ પૂર્વે બનાવેલું અંગ્રેજી સ્ટ્રક્ચર હજુ એમનું એમ જ છે. સેમરડી અને દલખાણિયા વિસ્તારમાં રોગથી અસરગ્રસ્ત સિંહોને રેસ્ક્યુ કરી જામવાલા લાવ્યા પછી કોઈ ચેનલ કે પત્રકાર તસવીરકારને રેસ્ક્યુ સેન્ટરમાં જવા ન દેવા તે કેટલું વ્યાજબી !! ખુલ્લા સેન્ટરમાં દયનીય હાલતમાં પિંજરે લથડતા ડગુમગુ ચાલતા પુખ્ત સિંહ, સિંહણો અને બાર પંદર ‘પાટડા’ (સિંહનાં બચ્ચાં)ની વાણીના શબ્દો ભલે ન સમજાય પણ આંખોમાં માત્ર લાચારી ટપકતી હતી ! ત્રાડ તો જવા દો હુંકારો પણ ન કરી શકે તેવી સ્થિતિ.. ! લીલા સરકારી પાંજરામાં વનનો ગરીબ રાજા રંકથીયે ગરીબ લાગતો હતો. લોહીલુહાણ હાલત તેની આંતરિક ફાઈટનો પુરાવો હશે ? પણ ખુલ્લા ઝખમનું શું ? સિંહને તાવ આવે ત્યારે તે કોને ફરિયાદ કરે? અને જ્યારે વાયરલ ઇન્ફેક્શન લાગે ત્યારે તો બે-ત્રણ દિવસમાં જ મૃત્યુ આંબી જાય. આંખોમાં સતત પાણી, વહેતું નાક, લબડતી જીભ, હાંફ, થાક, ચાલે ત્યારે ગરદન નીચી જ રહે. આવાં દેખીતાં લક્ષણો જ વનસંરક્ષકોને કહી શકે કે ‘જાનવર’ માંદું છે. તે સામેથી તો દવાખાને ના આવે. તેમને રેસ્ક્યુ કરવા જુનવાણી રીંગકેજ સિસ્ટમ જેમાં એક સાથે બે પાંચ કે આખો સાત-આઠનો પરિવાર આવી જાય, તેમને વેક્સીન માટે પાંચ દિવસ રાહ જોવી પડી. બ્લડ સેમ્પલ પૂના મોકલવા પડ્યાં. શું એ ચકાસણી સાસણના સેન્ટરમાં ના ઊભી કરી શકાય ? પાંજરાને આડશ કે છાંયડા માટે મકાન સમારકામ વખતે વપરાતા લીલા મોટા કપડાની આડશ કેટલી વ્યાજબી ?
 

 

હોટલ, હોલિડે હોમ,રીસોર્ટ જેવા શબોથી ગીરને દૂર રાખી શકાય !

જંગલ વિભાગમાં કર્મચારીઓની અછત છે. એ અછત દૂર કરી શકાય પણ ચિંતા એ છે કે સિંહની ગણતરીમાં છેલ્લા દશકમાં મૃત્યુઆંક વધારે દેખાતો હોવા છતાં વૃદ્ધિદર પચ્સીસ ટકા જેટલો છે. ત્યારે તેની સામે જંગલની વિસ્તરણ પદ્ધતિ વિરુદ્ધ દિશામાં છે. ગીર વિસ્તારમાં હોટલો, હોલીડે, હોમ, પિકનિક જેવા શબ્દો મોટા થઈ રહ્યા છે અને જંગલવિસ્તાર ટૂંકો થઈ રહ્યો છે. જે જગ્યામાં ત્રણસો સિંહો વસવાટ કરી શકે ત્યાં આજે છસ્સો સિંહો છે અને તે કોઈ એક ‚મમાં બે ભેગા સૂઈ જાય તેટલા તો સમજદાર નથી. રાજા કહ્યા છે તો બાદશાહી તેમના સ્વભાવમાં હોય એટલે વિસ્તરીને બહારના પ્રદેશો સુધી લટાર તો મારશે જ.
માણસની જંગલિયત વિસ્તરીને જંગલ સુધી પહોંચી છે અને જંગલનાં જાનવરો માનવ વસાહત સુધી પહોંચે ત્યારે ટકરાવ સહજ છે. આ તો હજુ પ્રજા સિંહોની સાથે છે તેથી સિંહો અને જંગલ સલામત છે. બાકી જે જંગલનો નથી તે સરકારી અધિકારી જંગલ ભોગવટો કરે છે અને જંગલમાં રહે છે તેને જંગલથી દૂર કરવા પ્રયાસ કરાય છે. ત્યારે પ્રકૃતિ અને જંગલ બંને મુશ્કેલીમાં આવી શકે છે.
કુદરતનો જંગલ નિયમ છે કે પ્રકૃતિ કે જંગલી હિંસક પ્રાણી હુમલો કરતા પહેલાં ચેતવણી આપે છે. ત્રણેક દશકનાં સિંહમૃત્યુ પણ આવા જ ચેતવણી સુર સમજવાની શરૂઆત છે.

પ્રકૃતિ રક્ષણને પ્રાધાન્ય આપવાનો સમય

ભેદભાવ, અહમ્, નોકરશાહી, રાજાશાહી, સાહેબગીરી વગેરે શબ્દો સાથે રાજકારણ કે લોકશાહી અથવા અમલદારશાહી આ સૌ લેબલો હટાવીને પ્રકૃતિરક્ષણને પ્રાધાન્ય આપવાનો આ સમય છે. ગીરમાં એક માત્ર સિંહ નથી, પોણા બસ્સો પશુઓ, સાડા ત્રણસો પંખીઓ, ત્રણ હજાર પતંગિયાં, હજારો વનસ્પતિ, સેંકડો વૃક્ષો, પાણી-પથ્થરો, કીટકો, સરિસૃપો ને આ સૌનો સરવાળો કરો ત્યારે ગીર બને છે. તેમાં વહેતી નદીઓ, નાળાં, તળાવો, ધોધ એ પણ ગીર છે. બધા એકમેક સાથે જોડાયેલાં છે. એક વગર જંગલ ટૂંકું ને નાનું બની જાય. એક માત્ર બુદ્ધિશાળી માનવી જ જંગલને વધારે નુકસાન પહોંચાડે છે.
ગીરનો સાવજ તો ડણક દીધા કરશે પણ તેને સાંભળી શકે તેવા કાન માનવી પાસે રહ્યા છે ખરા ? પ્રશ્ર્નો અનેક છે, તેનો જવાબ સિંહ નહીં આપે. તે તો માત્ર ચેતવણી આપશે કાં તો આજીજી કરશે. હજુ તેની સહનશક્તિ છે કે તે પાલતુ નથી બન્યો અને તેથી જ તેની પૂજા કરાય છે. તેની સહનશક્તિને નબળી પડતી રોકવા, પ્રકૃતિનું જતન કરવા સૌથી પહેલાં તો પ્રકૃતિનો સુર સાંભળવાની ટેક્નિક વિકસાવવી પડશે.
યંત્ર યુગમાં ચીપ લગાડીને તેનું લોકેશન મેળવી શકાશે પણ હૃદયનો અવાજ સાંભળવાની મથામણ કોણ કરશે ?
 
- શૈલેશ રાવલ
(ઇમેજમેકર, લેખક)