ફ્રાંસમાં લોકોનો આક્રોસ કેમ આટલો વધી ગયો...?

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

 ફ્રાન્સમાં પ્રમુખ સામે લોકોમાં કેમ આક્રોશ છે ?

યુરોપના દેશો સુખી અને સમૃદ્ધ છે તેથી આ દેશોમાં માહોલ એકંદરે શાંતિપૂર્ણ રહે છે. જો કે આ શાંતિથી રહેતા લોકો ભડકે તો શું થાય તેનો પરચો હમણાં મળી ગયો. ફ્રાન્સની સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૧૯થી અમલી બને તે રીતે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાંખ્યો તેમાં શાંત ગણાતી ફ્રેન્ચ પ્રજા એવી ભડકી કે આખા ફ્રાન્સમાં તોફાનો થઈ ગયાં.
 
માત્ર એક અઠવાડિયામાં ૨૦૦૦થી વધારે વિરોધ પ્રદર્શન થયાં ને પછી હિંસા ભડકી તેમાં તોફાની ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં. તોફાનીઓમાં યુવાનો વધારે છે ને એ બધા પીળા કલરનાં ચમકે એવાં જેકેટ પહેરીને રસ્તા પર ઊતરી આવ્યા. દુનિયાભરમાં આ વિરોધ પ્રદર્શન યલો વેસ્ટ પ્રોટેસ્ટ તરીકે જાણીતાં થયાં. આ તોફાનોમાં સંખ્યાબંધ કાર સળગાવવામાં આવી ને ઠેર ઠેર ચક્કાજામ કરાયા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો છે.
 
આ તોફાનોમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં. આપણે ત્યાં લોકોના જીવની કિંમત નથી તેથી ત્રણ લોકો મર્યા તેના કારણે કોઈને આંચકો ના લાગે પણ ફ્રાન્સ જેવા દેશમાં આ આંકડો મોટો કહેવાય. ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા ને પોલીસે ૪૦૦થી વધારે લોકોની ધરપકડ કરી છે. પોલીસે તોફાનીઓને વિખેરવા ટિયરગેસ, વોટરકેનન અને હવામાં ફાયરિંગ સહિતના બધા રસ્તા અજમાવી જોયા પણ લોકો ડર્યા વિના રસ્તા ઉપર ઊતરીને ખુલ્લેઆમ તોફાન કરતા રહ્યા. શરૂઆતમાં બળપ્રયોગ કરીને આ વિરોધને દબાવી દેવા માટે મથતી ફ્રાન્સની સરકારે આ વિરોધ સામે ઘૂંટણ ટેકવવાં પડ્યાં. તેમની માગણીઓ સ્વીકારીને આ ટેક્સ પાછો ખેંચવો પડ્યો.
 

 
 

સરકારનું પગલું લોકોને ગ્રીન ટેક્નોલોજી તરફ વાળવાનું હતું

ફ્રાન્સમાં હાલ પૂરતો વિરોધ શમી ગયો છે પણ રાજકીય નિષ્ણાતોના મતે આ વિરોધ ગમે ત્યારે ભડકી શકે છે. તેનું કારણ એ છે કે, આ વિરોધ વાસ્તવમાં તો ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સામે લોકોમાં જે આક્રોશ છે તેના કારણે ભડકી ગયો. બાકી ફ્રાન્સની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાંખવાનો જે નિર્ણય લીધો તેની પાછળનો ઉદ્દેશ તો શુભ જ હતો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ૨૦૧૫માં ક્લાઇમેટ ચેઈન્જ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું તેમાં દુનિયામાં ઝડપથી વધી રહેલા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ જ રીતે દુનિયામાં કાર્બનનું પ્રમાણ વધતું જાય તો પૃથ્વી અને તેના પર રહેનારા જીવોનું અસ્તિત્વ ખતરામાં મુકાશે એવી ચેતવણી અપાઈ હતી. આ સંમેલનમાં હાજર રહેનારા બધા દેશોએ કાર્બન ઉત્પાદનમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું હતું. પેટ્રોલ-ડીઝલને કારણે સૌથી વધારે કાર્બનનો ફેલાવો થાય છે એટલે ફ્રાન્સે ફ્યૂઅલ ટેક્સ લગાડવાનું નક્કી કર્યું કે જેથી લોકો પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ પેટ્રોલ-ડીઝલ પર હાઇડ્રોકાર્બન ટેક્સ લગાડયો એ માટે એવું કારણ આપેલું કે, ભાવ વધશે તો લોકો પેટ્રોલ-ડીઝલની કારને બદલે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા તરફ વળશે. સરકારે જે ટેક્સ લાદેલો એ પણ બહુ વધારે નહોતો. ફ્રાન્સમાં લોકો ડીઝલની ગાડીઓ વધારે વાપરે છે તેથી સરકારે એક લિટર ડીઝલ પર ૭.૬ સેન્ટનો ટેક્સ નાખ્યો હતો જ્યારે પેટ્રોલ પર ૩.૯ સેન્ટનો ટેક્સ નાખ્યો. ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ડીઝલ પર લાગતા હાઇડ્રોકાર્બન ટેક્સમાં પ્રતિલિટર ૬.૫ સેન્ટ અને પેટ્રોલ પર ૨.૯ સેન્ટ વધારવામાં આવશે તેવી જાહેરાત પણ પછીથી કરાયેલી. આ ટેક્સ બહુ મોટો નથી ને તેના કારણે લોકો પર બહુ બોજ પણ નહોતો આવવાનો કેમ કે ફ્રાન્સમાં માથાદીઠ આવક ઊંચી છે. ફ્રાન્સમાં ઈલેક્ટ્રિક કાર સહિતની ગ્રીન ટેકનોલોજીના વપરાશ પર સરકાર જંગી રાહત આપે છે. એ રીતે જોઈએ તો ફ્રાન્સ સરકારનું પગલું લોકોને ગ્રીન ટેક્નોલોજી તરફ વાળવા માટે હતું પણ લોકો ભડકી પડ્યા કેમ કે લોકોમાં મેક્રો સામે આક્રોશ હતો. આ આક્રોશ બહાર કાઢવા લોકોને મોકો જોઈતો હતો ને આ જાહેરાતે એ મોકો આપી દીધો. મેક્રોએ આ તોફાન રાજકીય હોવાનો દાવો પણ કર્યો છે. ફ્રાન્સના કટ્ટરવાદી જમણેરી નેતા મેરિનલ પેનનો આ તોફાનો પાછળ દોરીસંચાર હોવાનો આક્ષેપ ફ્રાન્સ સરકારે કર્યો છે પણ આ વાતમાં દમ નથી.
 

 

મેક્રોશાસન સામે લોકોમાં આટલો આક્રોશ કેમ ?

મેક્રો સામે લોકોમાં કેમ આક્રોશ છે તે પણ સમજવા જેવું છે. ૨૦૧૭ના જુલાઈમાં ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ તરીકે યુવાન મેક્રા ચૂંટાયા ત્યારે તેમની ઈમેજ ઉત્સાહથી છલકાતા રાજકારણી તરીકેની હતી. ફ્રાન્સના લોકોએ તેમને એટલા માટે જ જીતાડેલા. સત્તા સંભાળતાં જ પ્રેસિડેન્ટ મેક્રોએ રાજકારણમાં મોટા ફેરફારનું વચન આપ્યું હતું. તેમણે ગરીબ અને વંચિત લોકોને ન્યાય અપાવવાની વાત કરી હતી. ૧૬ મહિનાના શાસનમાં મેક્રો આ વાત સાબિત કરવામાં નિષ્ફળ ગયા. ઊલટાનું તેમણે ગરીબો પર ટેક્સ વધાર્યા કર્યો ને ધનિકોને ખેરાત કરી છે તેવી છાપ છે. બાકી હતું તે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છતાં ભાવ ના ઘટાડ્યા ને લટકામાં નવો ટેક્સ લાદી દીધો. તેના કારણે લોકોમાં જે આક્રોશ હતો એ આ બહાને બહાર આવી ગયો.
 
ફ્રાન્સની સરકારે લોકોના આક્રોશને ઠંડો કરવા હવે પગલાં લેવા માંડ્યાં છે. ફ્રાન્સ સરકારે ૪૦ અબજ રૂપિયાનું એક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ દ્વારા ગરીબ પરિવારોને મદદ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મેક્રોએ પોતાના પર લાગેલું ધનિકોના શાસક તરીકેનું લેબલ ભૂંસવા કમર કસી તેની કેટલી અસર પડશે એ નક્કી નથી કેમ કે ફ્રાન્સમાં લોકો ઝડપથી કશું ભૂલતા નથી. ફ્રાન્સનો ઇતિહાસ રાજકીય ક્રાન્તિઓનો ઇતિહાસ છે તે જોતાં મેક્રો માટે હવે પછીના દિવસો કપરા તો છે જ.