ગીતાના 18 અધ્યાયનો માત્ર ૧૧૦૦ શબ્દોમાં સંક્ષિપ્ત પરિચય

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૮   
 
 

ગીતાના 18 અધ્યાયનો સંક્ષિપ્ત પરિચય

અધ્યાય - ૧ : અર્જુન વિષાદયોગ

અધ્યાય-૧માં ગીતાની પ્રસ્તાવના છે. કૌરવોએ પાંડવોનો રાજ્યભાગનો અધિકાર નામંજૂર કર્યો, કૃષ્ણની સમજાવટ પણ નિષ્ફળ રહી અને યુદ્ધનાં મંડાણ થયાં. રણભૂમિની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગાં, મિત્રો અને ગુરુને જોઈ શોક-વિષાદમાં આવી જઈ, યુદ્ધ નહીં કરવાનો નિશ્ર્ચય કરે છે.

અધ્યાય - ૨ : સાંખ્યયોગ

અધ્યાય-૨માં ગીતાનું બીજ રોપાય છે. શરીરને આત્માનું "જ્ઞાન છે. "સ્વ-ધર્મ અને ક્ષત્રિય તરીકેની ફરજનું વર્ણન છે. "કર્મનું જ્ઞાન બતાવેલ છે. સમતા રાખી, કામનાનો ત્યાગ કરી ફળની આશા કે ફળ પર અધિકાર નહીં રાખવાનું શીખવે છે. સ્થિતપ્રજ્ઞાનાં લક્ષણો બતાવેલાં છે. ટૂંકમાં અહીં જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનું વર્ણન કર્યું છે.

અધ્યાય - ૩ : કર્મયોગ

અધ્યાય-૩માં માત્ર કર્મયોગ વિષે વર્ણન છે. કર્મો પ્રકૃતિના ગુણોને લીધે થાય છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કરવા પર નિષેધ નથી પણ કર્મ કરતાં કરતાં થતી આસક્તિ (રાગ) અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગનાં વિઘ્નો છે. ૨જોગુણથી ઉત્પન્ન થતો "કામ (પોતાની પાસે જે નથી તે પામવાની ઇચ્છા) વેરી છે. ટૂંકમાં અહીં કર્મયોગનું વર્ણન કરી પાછું જ્ઞાનયોગથી સમાપ્તિ કરી છે કે - શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી પર આત્મા છે.

અધ્યાય - ૪ : જ્ઞાન-કર્મ-સંન્યાસયોગ

અધ્યાય-૪માં જ્ઞાન અને કર્મ બંનેના સંન્યાસ (ત્યાગ) વિષે કહ્યું છે, ઈશ્ર્વર અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે (દેવરૂપે) અવતાર લે છે, જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી, જેથી તેનામાં અસંખ્ય સંશયો પેદા થાય છે, જે સંશયોને આત્મજ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગનું પાલન (યુદ્ધ) કરવાનું શીખવે છે. આત્મ-જ્ઞાનીને કર્મનું બંધન રહેતું નથી.

અધ્યાય - ૫ : કર્મ સંન્યાસયોગ

અધ્યાય-૫માં માત્ર કર્મના સંન્યાસ (ત્યાગ)ની રીત શીખવવા યોગતત્ત્વનો પ્રારંભ કરેલો છે. પ્રકૃતિ (માયા) કાર્ય કરે છે, આ સમજી લઈ, "હું કશું કરતો નથી પણ ઇન્દ્રિયો તેમના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. એમ વિચારવાનું કહે છે. ઇન્દ્રિયો ને તેમના વિષયમાંથી કેમ પાછી ખેંચી લેવી, તે માટેની વિધિનું વર્ણન કરેલ છે. આમ જ્ઞાનથી જ કર્મનો ત્યાગ કરી શકાય છે.


અધ્યાય - ૬ : અધ્યાત્મયોગ

અધ્યાય-૬માં યોગ તત્ત્વ પ્રાપ્ત કરવા આસનો, અષ્ટાંગ યોગ, ચંચળ મનને અભ્યાસથી વશ કરવું, આત્મા વડે આત્માનો ઉદ્વાર કરવો, વગેરેનું વર્ણન કરેલ છે. ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે. સંકલ્પનો સંન્યાસ (ત્યાગ) કર્યા વિના યોગી થઈ શકાતું નથી. યોગપ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે. તે જ યોગી યોગ પ્રાપ્ત કરે પછી કર્મત્યાગ એ ‘સાધન’ છે. કૃષ્ણ અર્જુનને યોગી થવાનું કહે છે.

અધ્યાય - ૭ : જ્ઞાન-વિજ્ઞાનયોગ

અધ્યાય-૭માં જે જાણીને બીજું કંઈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન, વિજ્ઞાન સહિત કહેલું છે. પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન છે. દોરીમાં જેમ મણકા પરોવાયેલ છે તેમ સર્વ જગત પરમાત્મામાં ગુંથાયેલું છે. ત્રિગુણાત્મક માયાને પાર કરવા ઈશ્ર્વરનું શરણ તે એકમાત્ર ઉપાય છે. ચાર પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન છે. યોગમાયાથી આવૃત્ત થયેલા પરમાત્મા સર્વને દેખાતા નથી અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાનીઓ પરમાત્માને દેહધારી માને છે.

અધ્યાય - ૮ : અક્ષર બ્રહ્મયોગ

અધ્યાય-૮માં બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિ યજ્ઞની વ્યાખ્યા આપી સમજાવ્યું છે. વળી મરણ સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડવું તે બતાવેલ છે.

અધ્યાય - ૯ : જ્ઞાન વિદ્યા-રાજ ગુહ્યયોગ

અધ્યાય-૯માં અત્યંત ગૂઢમાં ગૂઢ જ્ઞાનનું વર્ણન છે. પરમાત્માનું અવ્યક્ત સ્વ‚પ છે, અને સકળ વિશ્ર્વ તેનાથી પ્રાપ્ત છે. એનામાં સર્વ જીવો રહેલા છે, પણ તેમનામાં એ સ્થિત નથી. જે રીતે સર્વગામી વાયુ આકાશમાં રહેલો છે, તેવી રીતે સર્વ જીવો તેનામાં રહેલા છે. પ્રકૃતિનો આશ્રય લઈ કલ્પના અંતે તે જીવોને ફરી પેદા કરે છે. દૈવી અને આસુરી પ્રકૃતિના મનુષ્યોનું વર્ણન છે.


અધ્યાય - ૧૦ : વિભૂતિયોગ

અધ્યાય-૧૦-‘જ્ઞાન’ તથા ‘શક્તિ’ આદિનું મૂળ કારણ ઈશ્ર્વર છે. સુખ-દુ:ખ જેવા અનેક વિવિધ ભાવો એનાથી જ ઉત્પન્ન થાય છે. જે જે વસ્તુ વિભૂતિયુક્ત, ઐશ્ર્વર્યયુક્ત અને ક્રાંતિયુક્ત છે. તે સર્વ તેના તેજના ‘અંશ’થી ઊપજેલી છે. તેના અંશ માત્રથી સમગ્ર જગત ધારણ થયેલું છે.

અધ્યાય - ૧૧ : વિશ્ર્વરૂપ દર્શનયોગ

અધ્યાય-૧૧માં કૃષ્ણે અર્જુનને વિશ્ર્વરૂપ-વિરાટ સ્વરૂપનું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે. જે જોઈ અર્જુન હર્ષ અને ભય પામે છે અને તેની વિનંતીથી કૃષ્ણ પાછા મૂળ સ્વરૂપને ધારણ કરે છે.

અધ્યાય - ૧૨ : ભક્તિયોગ

અધ્યાય-૧૨માં બ્રહ્મના નિરાકાર કે સાકાર એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે ? અર્જુનના પ્રશ્ર્નનો કૃષ્ણ જવાબ આપે છે. ‘મારામાં મન રાખીને, જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધાથી મને ભજે છે, તે શ્રેષ્ઠ યોગી છે.’ ભક્તિને જ્ઞાન અને કર્મની પૂરક બતાવી છે. અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું વર્ણન છે.

અધ્યાય - ૧૩ : ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ યોગ

અધ્યાય-૧૩માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિષે સમજાવતાં કહે છે કે શરીરને ક્ષેત્ર કહેવાય છે અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’, બન્ને અનાદિ અને નિત્ય છે, શરીરના રાગ-દ્વેષાદિ, સત્ત્વ આદિ વિકારો ‘પ્રકૃતિ’થી ઉત્પન્ન થયેલા છે, એવું વર્ણન છે. અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ‘ક્ષેત્રજ્ઞ’ (આત્મા-પરમાત્મા), સર્વ ‘ક્ષેત્ર’ને (શરીરને) પ્રકાશિત કરે છે.

અધ્યાય - ૧૪ : ગુણત્રયવિભાગ યોગ

અધ્યાય-૧૪માં પ્રકૃતિ, ગુણો અને ગુણાતીત વિષે સમજાવ્યું છે અને કહે છે કે ‘મારી’ મૂળ પ્રકૃતિ (મહદ્ બ્રહ્મ પ્રકૃતિ) એ સર્વ ભૂતોની યોનિસ્થાન (ગર્ભસ્થાન) છે. તેમાં હું જ પિતા તરીકે ચેતનના અંશ‚પ બીજ મૂકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું. જેનાથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્માને બાંધે છે. ભક્તિયોગથી આ ત્રણ ગુણોથી પર જઈ ગુણાતીલ (બ્રહ્મ ભાવ) પામવા યોગ્ય બનાય છે.

અધ્યાય - ૧૫ : પુરુષોત્તમ યોગ

અધ્યાય-૧૫માં સંસાર ‚પી પીપળાના વૃક્ષના ‘મૂળ’ ઉપર છે અને શાખાઓ નીચે છે, તથા તેનો કદી નાશ થતો નથી, એમ કહ્યું છે. વેદના છંદો તેનાં પાંદડાં છે, આ રહસ્યને જાણનાર વેદવેત્તા છે અને ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ પુરુષોને સમજાવી ગુહ્યતમ-અધ્યાત્મ શાસ્ત્રમાં સમજાવ્યું છે.

અધ્યાય - ૧૬ : દૈવાસુર સંપદ્વિભાગ યોગ

અધ્યાય-૧૬માં દૈવી અને આસુરી સંપદનું અને તેવા મનુષ્યોનું વર્ણન છે. પુરુષનો નાશ કરનાર કામ-ક્રોધ અને મોહ આ ત્રણ છે, એમ બતાવી કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મોનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવાં તે જ યોગ્ય છે એમ કહ્યું છે.

અધ્યાય - ૧૭ : મોક્ષસંન્યાસ યોગ

અધ્યાય-૧૭માં સાત્ત્વિક, રાજસિક, તામસિક- ત્રણ પ્રકારની શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ અને દાનનું વર્ણન કરેલું છે.ગીતાના 18 અધ્યાયનો માત્ર ૧૧૦૦ શબ્દોમાં સંક્ષિપ્ત પરિચય,
 

અધ્યાય - ૧૮ : શ્રદ્ધાત્રય વિભાગ યોગ

અધ્યાય-૧૮માં સંન્યાસ અને ત્યાગ વિષે સમજાવતાં કહે છે કે - કામ્ય કર્મો (ફળની ઇચ્છાથી કરાતાં કર્મો)ના ત્યાગને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગને ‘ત્યાગ’ કહે છે.
ત્યાગ ત્રણ પ્રકારનો છે, કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાનવશ ત્યાગ તે તામસિક ત્યાગ. કર્મો દુ:ખરૂપ છે, એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મોનો ત્યાગ તે રાજસિક ત્યાગ, કર્તવ્ય કર્મને ધર્મ સમજી, આસક્તિ તથા ફળની ઇચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્ત્વિક ત્યાગ.
 
‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી, તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે, તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધનમાં પડતો નથી.
 
અંતે અર્જુન કહે છે "આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો થઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ. જ્યાં યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્ર્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે.