માલદીવ્સની કટોકટી ભારત માટે કેમ ખતરાની ઘંટી ?

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૮

ભારતમાં હમણાં રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી ભારતને બહુ અસર કરતી પણ ભારત બહાર બનેલી એક ઘટના તરફ લોકોનું બહુ ધ્યાન નથી ગયું. આ ઘટના માલદીવ્સમાં જાહેર કરાયેલી રાજકીય કટોકટી અને તેના પગલે સર્જાયેલી અરાજકતા છે. માદીલવની સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે રાજકીય કેદીઓ અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા તેના કારણે માલદીવ્સમાં મોંકાણ મંડાઈ. આ આદેશ પછી ગયા સોમવારે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં કટોકટી લાદી દીધી અને પોતાના વિરોધીઓને પકડી પકડીને અંદર પૂરી દીધા. ત્યાર બાદ યામીનના ઇશારે લશ્કરે સુપ્રીમ કોર્ટ તથા બીજી અદાલતો પર કબજો કરી લીધો હતો. હદ તો એ થઈ ગઈ કે લશ્કરે દેશના ચીફ જસ્ટિસ સહિત બે જજોની ધરપકડ કરી તેમને અંદર કરી દીધા. માલદીવ્સ પર ૩૦ વરસ લગી એકચક્રી શાસન કરનારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગયૂમની પણ ધરપકડ કરીને અંદર કરી દેવાયા.
રાષ્ટ્રપતિ યામીને બોલાવેલા આ સપાટાને કારણે સુપ્રીમ કોર્ટ દબાણમાં આવી ગઈ. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પરત ખેંચી લીધા અને રાજકીય કેદીઓને છોડવાનો આદેશ પાછો ખેંચ્યો. આ આખું નાટક એક અઠવાડિયું જ ચાલ્યું પણ તેના કારણે માલદીવ્સમાં ભયંકર અરાજકતા વ્યાપી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેલમાં છે ને યામીનની આ હરકતથી ભડકેલા લોકો રસ્તા પર આવી ગયાં છે. લશ્કર લોકોને દબાવી દેવા માટે અત્યાચારો ગુજારી રહ્યું છે ને યામીનના વિરોધીઓને પકડી પકડીને અંદર કરી રહ્યું છે.
ભારત માટે ચિંતાનું કારણ
આ આખો ઘટનાક્રમ માલદીવ્સની આંતરિક બાબત છે ને તેના કારણે ભારતને બહુ ફરક ના પડે પણ ભારત માટે ચિંતા કરવા જેવી વાત ચીનની દખલગીરી છે. ચીન લાંબા સમયથી માલદીવ્સ પર મીટ માંડીને બેઠું છે ને તેણે અબ્દુલ યામીનને હાથ પર લીધા છે. માલદીવ્સ વરસોથી ભારતનું સાથી રહ્યું છે ને સાઉથ એશિયન રીજિયોનલ કો-ઓપરેશન (સાર્ક)નો સ્થાપક સભ્ય દેશ છે. માલદીવ્સમાં પહેલાં પણ કટોકટી આવી છે ત્યારે તેણે ભારતની મદદ માગી છે ને ભારતે તેને મદદ કરી છે. હવે અચાનક જ ચીન માલદીવ્સમાં રસ લેવા માંડ્યું છે ને તેણે ભારતને આડકતરી રીતે માલદીવ્સથી દૂર રહેવાની ધમકી જ આપી છે. ભારતે પોતાનું લશ્કર માલદીવ્સ જવા સજ્જ છે તેવું કહ્યું પછી ચીને આડકતરી ધમકી આપતાં એવી પ્રતિક્રિયા આપી હતી કે માલદીવના લોકો સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે, બીજા કોઈએ તેમાં દખલ દેવાની જરૂર નથી. માલદીવના સંકટનો ઉકેલ લાવવા માટે ભારતની સ્પેશિયલ ફોર્સ તૈયાર હોવાના અહેવાલો બાદ ચીને આ ધમકી આપી દીધી.
માલદીવ્સ આમ તો બહુ નાનકડો દેશ છે. માલદીવ ભારતીય ઉપ-મહાદ્વીપની નજીક હિંદ મહાસાગરમાં આવેલો દેશ છે. વિશ્ર્વના નકશામાં જોશો તો ભારતની દક્ષિણમાં શ્રીલંકાની ડાબી તરફ માલદીવ્સના ટાપુ દેખાશે. દુનિયાના નકશા પર ટચૂકડા ટપકા જેવા આ દેશની વસતી માંડ સાડા ચાર લાખ લોકોની છે અને તેનો કુલ વિસ્તાર ૨૯૮ ચોરસ કિલોમીટર છે. આપણા અમદાવાદ કરતાં અડધો વિસ્તાર ધરાવતા માલદીવ્સની ગણતરી દુનિયાના સૌથી ગરીબ દેશોમાં થાય છે. માલદીવ્સની બહુમતી વસતી મુસ્લિમોની છે અને ૨૬ નાના નાના ટાપુઓમાં આ વસતી રહે છે. માલદીવ્સની રાજધાની માલે છે અને એ ટાપુની વચ્ચોવચ્ચ હોવાથી કિંગ્સ આઈલેન્ડ તરીકે ઓળખાય છે. માલદીવનું અર્થતંત્ર મુખ્યત્વે પર્યટન અને માછલી પકડ઼વા પર આધારિત છે, માલદીવ્સ પાસે ખૂબસૂરત દરિયો છે પણ ધર્માંધતા અને કટ્ટરવાદના પ્રભાવના કારણે પર્યટકો અહીં આવતા નથી તેથી માલદીવ્સની ગણતરી સૌથી ગ઼રીબ દેશોમાં થાય છે. માલદીવ્સની માથાદીઠ આવક ૪૦૦૦ ડોલરની આસપાસ છે તેથી લોકો ગરીબ નથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તેથી દેશ ગરીબ છે. લોકો પર્યટન અને માછલીઓમાંથી સારી કમાણી કરી લે છે. માલદીવ્સ પર ૧૯૭૮થી અબ્દુલ ગયુમનું શાસન હતું. અહીં સંસદને મજલિસ કહેવાય છે ને મજલિસ પસંદ કરે તે રાષ્ટ્રપતિ બને તેથી ગયુમ રાષ્ટ્રપતિપદે ત્રણ દાયકા રહ્યા. ગયુમે પોતે જ લોકો સીધી ચૂંટણી કરે તેવી પદ્ધતિ દાખલ કરી તેથી ૨૦૦૮માં રાષ્ટ્રપતિપદ માટે પહેલી વાર થયેલી બહુપક્ષીય લોકતાંત્રિક ચૂંટણીમાં ગયુમ હાર્યા ને મોહમેદ નાસિરે વિજય હાંસલ કર્યો. નશીદે મોમૂન અબ્દુલ ગય્યૂમના ત્રીસ વર્ષોના વર્ચસ્વને તોડ્યું ને એ પછી થયેલી ચૂંટણીમાં યામીન જીત્યા.
કટ્ટરવાદી યામીન ચીનના સમર્થક
ભારત માટે ચિંતાનો વિષય યામીનની નીતિઓ છે. માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ યામીનને ચીનના સમર્થક માનવામાં આવી રહ્યા છે. પશ્ર્ચિમના દબાણને ઘટાડવા અને ભારત પરની પોતાની નિર્ભરતાનો અંત આણવા માટે તેમણે ચીનના પડખામાં ભરાવા માંડેલું. ૨૦૧૩થી સત્તા સંભાળનારા યામીને ચીન અને સાઉદી રોકાણકારોને ઉમળકાભેર આમંત્રિત કર્યાં છે. આ ઉપરાંત રાજકીય વિરોધીઓ અને માનવાધિકાર કાર્યકરોને જેલમાં ધકેલવામાં પણ યામીન ભારે ઉત્સાહી છે. ટૂંકમાં યામીન ચીનના શાસકો જેવી જ નીતિઓ અપનાવી રહ્યા છે.
યામીન કટ્ટરવાદી છે તેથી એક તરફ તેમણે ધર્માંધ પરિબળોને પોષવા માંડ્યા. તેના કારણે આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકો માટે માલદીવ્સ સ્વર્ગ બની ગયું છે. બીજું એ કે તેમણે ચીન સાથે દોસ્તી વધારવા માંડી. ચીન લાંબા સમયથી માલદીવ્સમાં પગપેસારો કરી રહ્યું છે. માલદીવ્સના ૨૬માંથી ૧૬ ટાપુ પર ચીને પોતાનાં થાણાં સ્થાપ્યાં છે. ચીને આ દરેક ટાપુ પર ૪૦ લાખ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગયા વર્ષે જ માલદીવ સાથે ચીને ફ્રી ટેડ એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. માલદીવની વસતી માંડ સાડા ચાર લાખ લોકોની છે ને તેની સાથે વેપાર કરીને ચીને કશું કમાવાનું નથી છતાં તેણે માલદીવ્સ સાથે કરાર કર્યા એ ભારત માટે મોટો ખતરો છે. ભારતે એક વાત સમજવાની જરૂર છે કે, ચીન સામ્રાજ્યવાદી દેશ છે. ચીન દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. આ માટેના પ્રયત્નો તેણાં લાંબા સમયથી શરૂ કર્યા છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ બનાવવાથી લઈને આફ્રિકાના દેશ જિબૂતીમાં મિલિટરી બેઝ સ્થાપવા જેવાં પગલાં ચીન ભરી ચૂક્યું છે. હવે માલદીવ્સ તેનું નવું ડેસ્ટિનેશન છે.
ચીનનો પગપેસારો ભારત માટે ખતરો
વેપારના બહાને ચીન માલદીવ્સમાં પગપેસારો કરે ને તેના કારણે ભારત માટે ખતરો ઊભો થાય. માલદીવ્સ પર કબજો કરવો ચીન માટે રમત વાત છે ને એવું થાય એ સાથે જ ભારત ઘેરાઈ જાય. ચીન ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના કારણે પોતાના પ્રદેશથી શ‚ કરીને પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી જ ગયું છે. માલદીવ્સ સાથેના વેપારના કારણે ગ્વાદરથી માલદીવ્સ સુધીના દરિયામાં તેનાં જહાજો ફરતાં થાય તેના કારણે ભારતની સલામતી જોખમાય. ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય માર્ગે આક્રમણ કરી શકે તેવો તખ્તો માલદીવ્સ પર તેના કબજાથી ગોઠવાઈ જાય. ભારત માટે આ મોટો ખતરો છે ને એટલે જ ભારતે માલદીવ્સ મામલે હસ્તક્ષેપ કરીને ચીનને ત્યાં ઘૂસતું રોકવું જોઈએ.
ભારત માટે બીજો ખતરો પાકિસ્તાન છે. અત્યારે પાકિસ્તાન કાશ્મીર ને પંજાબ સરહદેથી આતંકીઓ ઘુસાડે છે. ચીન અને પાકિસ્તાન એક જ છે. આ સંજોગોમાં માલદીવ્સ પર ચીનનો કબજો થાય તો પાકિસ્તાન ત્યાંથી આતંકીઓ ઘુસાડી શકે. ભારતનો પશ્ર્ચિમ ને દક્ષિણ કાંઠો બંને અસુરક્ષિત થઈ જાય. ભારતમાં સરળતાથી અરાજકતા ફેલાવી શકાય ને એ ભારતને પરવડે તેમ નથી.
ભારત અમેરિકા જેવા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અને જાપાન સાથે મળીને ચીન સામે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયત્નો કરી રહ્યું છે પણ હવે ભારતે ઝડપ કરવી પડે. માલદીવ મુદ્દે ચીને એવું કહ્યું છે કે તે ભારત સાથે વધુ એક ટકરાવ નથી ઇચ્છતું તેથી માલદીવમાં રાજનૈતિક સંકટ ઉકેલવા માટે તે ભારતના સંપર્કમાં છે પણ અમે અગાઉ જ કહી ચૂક્યા છીએ કે માલદીવ તેના આંતરિક સંકટને ઉકેલવામાં સક્ષમ છે, તેને કોઈ બહારના હસ્તક્ષેપની જ‚ર નથી. ટૂંકમાં ચીન માલદીવ્સથી ભારતને સાવ દૂર કરવા માગે છે ને તેના કારણે ભારતનાં હિતોને મોટો ખતરો પેદા થશે. ભારતે કોઈ પણ સંજોગોમાં એ ના થવા દેવું જોઈએ. ચીનનો માલદીવ્સમાં પગપેસારો રોકવો જ જોઈએ. ચીનની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાઈ હોવાથી ભારતને માલદીવ મામલે અવગણના કરવાનું પાલવે તેમ નથી. એક સમયે યુરોપિયન દેશો બીજા દેશોનો કોલોની તરીકે ઉપયોગ કરી તેમની સમૃદ્ધિને વધારતા હતા તે ભૂમિકા હવે ચીન ભજવવા માંડયું છે. ભારતના પાડોશી દેશો નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકાનો ઉપયોગ ચીન એ માટે જ કરે છે. ચીન આ રીતે તાકતવર બની રહ્યું છે ને ભારતે ગમે તે ભોગે ચીનની વધતી તાકાતને રોકવી પડે, બાકી સામ્રાજ્યવાદી ચીન આપણે જ ખાઈ જશે.
માલદીવ્સમાં સૌથી પહેલાં ગુજરાતીઓ પહોંચેલા
કટોકટીના કારણે ચર્ચામાં આવેલા દેશ માલદીવ્સમાં ભારતથી સૌપ્રથમ ગુજરાતીઓ ગયા હતા. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ માલદીવમાં પહોંચી સ્થાયી થયા હતા. આજે પણ માલદીવ્સમાં ગુજરાતીભાષી ૧૦૦૦ મુસ્લિમોની વસતિ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ઑફ એશિયન સ્ટડીઝે પ્રસિદ્ધ કરેલા કેટલાંક સંશોધન લેખોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાં રહી ત્યાંના નાગરિકોના ઉદ્ભવસ્થાનનો અભ્યાસ કરનારા ડૉ. ક્લેરન્સ મેલોનીએ લખેલા પુસ્તક પીપલ ઓફ ધ માલદીવ આઇલેન્ડમાં ગુજરાતીઓ ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષે અહીં આવી સ્થાયી થયા હોવાની વાત કરવામાં આવી છે. તેના કેટલાંક સાંયોગિક પુરાવાઓ આજે પણ મળે છે. માનવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને ભાષાકીય સંશોધનો પુરાવાઓ આપે છે કે, માલદીવના નાગરિકોના પૂર્વજો અને ભારતના ગુજરાતીઓ, મરાઠીઓ અને કોંકણ પ્રદેશના લોકોના જનીનોમાં ઘણી સામ્યતા છે. ભાષાકીય ભંડોળમાં પણ આ વાતના પુરાવા મળ્યા છે. ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં એટલે કે ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ માલદીવ્સ ઉપરાંત શ્રીલંકામાં સ્થાયી થયા હતા. હિન્દુ ધર્મના પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે, આજના ગુજરાત વિસ્તારની પ્રજા સમુદ્રમાર્ગે વેપાર માટે હિંદ મહાસાગર અને અરબ સાગરમાં આવેલા વિવિધ દેશો અને દ્વીપમાં પહોંચતી હતી. આજે પણ માલદીવના લોકોની બોટ અને હોડીઓ બાંધવાની પદ્ધતિ અને ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનતી બોટ અને હોડીઓની બનાવટની પદ્ધતિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. બન્ને જગ્યાએ હોડીમાં ચાંદી જેવો રંગ ધરાવતા સિક્કા ચોંટાડવાની પ્રથા છે. ગુજરાતીઓ સૌથી પહેલાં ત્યાં સ્થાયી થયા હતા પરંતુ આજના તામિલનાડુ અને કેરળના વસાહતીઓનું ત્યાં પ્રભુત્વ વધતાં તેમની વસાહતો બની અને ગુજરાતીઓની વસાહતો નહોતી બની. માલદીવ નામ પણ મલયાલમ ભાષાના માલૂ અને દ્વીપના સંગમથી બન્યાનું મનાય છે. હાલ માલદીવ્સમાં ગુજરાતી તરીકે ઓળખાતો સમુદાય મુસ્લિમ ધર્મ પાળે છે અને ગુજરાતી ભાષા બોલે છે. આ વસતી આશરે ૧૦૦૦ લોકોની છે. ઠાકુર અને રાણા માલદીવ્સની મુખ્ય અટકો પૈકી એક છે.