તંત્રી સ્થાનેથી : ભારત-પાક. સીમા પર શૌર્યની કૂખે શાંતિનો જન્મ થાય

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૮


 

પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરના ભંગમાં ભારતના અનેક વીર સપૂતોના લોહી વહી રહ્યા છે, નિર્દોષ નાગરિકો બાળકો સહિત મરી રહ્યા છે. તાજેતરમાં આવા હુમલામાં યુવા સૈન્ય અધિકારી કેપ્ટન કલીપમુંડ સહિત ચાર જવાનો શહીદ તથા ૧૫ વર્ષના નિર્દોષ શહેનાઝનું આઘાતજનક મૃત્યુ થયું.

આતંકી દેશ દ્વારા લાઇન ઑફ કંટ્રોલ પર ૨૦૧૭માં યુદ્ધવિરામ ભંગની ૮૬૦થી વધુ ઘટનાઓ બની. આંતરરાષ્ટ્રીય સરહદ પરની ઘટનાઓ જુદી. વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી ૧૯૨ યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં ૧૨ જેટલા વીર જવાનો, ૨૦થી વધુ નિર્દોષ નાગરિકો શહીદ થયા, મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ભારત-પાક. સરહદે ૬૨ યુવાનો માત્ર જમ્મુ-કાશ્મીરમાં શહીદ, ઘૂસણખોરી અટકાવવાના પ્રયાસમાં ૧૭ જવાનો, શસ્ત્રવિરામની ઘટનામાં ૧૫ અને ત્રાસવાદ વિરોધી ઓપરેશનમાં ૩૦ જવાનોએ જીવ ગુમાવવો પડ્યો.

સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, હાલ પણ સરકાર અને સેનાના વડાએ ચેતવણી આપી કે, ‘ભારતીય જવાનોની શહાદતની પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે.’ અર્થાત્ બીજી સર્જિકલ સ્ટ્રાઈક માટે તૈયાર રહો.

ભારતના જવાનોના પ્રમાણમાં દુશ્મનોની ખુવારી ત્રણ ગણી છે. ગયા વરસે સૈન્યએ ૧૪૦થી વધુ પાકિસ્તાન સૈનિકોનો ખુરદો બોલાવી દીધો હતો, પરંતુ મીડિયા દ્વારા આંકડાઓ પ્રસિદ્ધ થતા નથી.

રાષ્ટ્રસંઘ ખાતે પાકિસ્તાનના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા મુનિરના પાકિસ્તાનીડોનમાં પ્રસિદ્ધ લેખના મતેપાકિસ્તાન અત્યારે બે બાજુથી ભારત અને અમેરિકાની ભીંસનો સામનો કરી રહ્યું છે. અમેરિકાનું હિત કેવળ અફઘાનિસ્તાન પૂરતું મર્યાદિત છે અને આથી આપણે તાલિબાનોને વાટાઘાટ માટે તૈયાર કરી અમેરિકા સાથે બાંધછોડ કરવી જોઈએ, કારણ કે અમેરિકાનું મર્યાદિત હિત અફઘાનિસ્તાન પૂરતું હોવાથી ત્યાં શાંતિ સ્થપાતાં તે ત્યાંથી નીકળી જશે અને પાકિસ્તાન ભેરવાઈ પડશે. સામે પક્ષે ભારત પણ એક શાશ્ર્વત ખતરો છે.’ આમ છતાં પાકિસ્તાન દિશાહીન રહી અવળચંડાઈ કરે છે.

વર્તમાન પાકિસ્તાનની રાજકીય, આર્થિક અને લશ્કરી પરિસ્થિતિઓ જોતાં ભારત સામેનું સીધું યુદ્ધ પોસાય તેમ હોવાથી ભારતની કાર્યવાહીની ઓછી પ્રસિદ્ધિ ત્યાંના મીડિયામાં છે.

રશિયામાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં બન્ને દેશના વડાપ્રધાન દ્વારા સીમા પર શાંતિ જાળવી રાખવા સહમતિ સધાઈ હતી. ભારત-પાક.ના નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝરની મુલાકાતોમાંથી કંઈ નક્કર ઊપજ્યું નથી અને બંને દેશોનાં ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન DGMO તો ઘણા સમયથી મળ્યા નથી. ત્યારે હવે નરેન્દ્ર મોદી મુસ્લિમ રાષ્ટ્રોનું પાકિસ્તાન વિરોધી સંગઠન ઊભુ કરવામાં સફળ રહ્યાં છે. આજે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન અને હવે સાઉદી અરબ, ઓમાન, યુએઈ પણ ભારત સાથે છે. ૫૦ વર્ષથી પાકનો ભારત વિરુદ્ધ નફરતનો માહોલ વિદેશો દ્વારા કકડભૂસ થઈ રહ્યો છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન જેવા દેશો પણ મુત્સદ્દીગીરીને વખાણી રહ્યા છે.

લશ્કરી કડક કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ ગણા આતંકીઓ - સૈનિકો ભલે મરતા હોય પણ આપણો એક પણ જવાન શહીદ થાય તે પણ ‚રી છે. રાજકીય રીતે મુત્સદ્દીગીરી હજુ વધું આવશ્યક. કાયદો તોડનારને યુદ્ધ, સર્જિકલ સ્ટ્રાઇક, બોમ્બ, મોર્ટાર અને મિસાઈલ સિવાય પણ અનેક રીતે ખતમ કરી શકાય છે. કુનેહ કેન્દ્ર સરકારે વધુ સારી રીતે હસ્તગત કરવી રહી.

પરમાણુ હથિયારની પાક અધિકારી / સેનાની પોકળ ધમકીઓમાં ગર્ભિત ભય છે. એક મરણતોલ ફટકામાં પાકિસ્તાનનો નકશો બદલાઈ જાય.

સમયની માંગ છે કે સિઝ ફાયરની આગ બુઝાય, આપણા જવાનો શહીદ થતા અટકે અને ભારત-પાકિસ્તાનની સીમા પર શૌર્યની કૂખેથી શાંતિનો જન્મ થાય.