આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે 21મી ફેબ્રુઆરી જ શા માટે ? અનેક વિદ્યાર્થીઓએ લોહી આપ્યું છે આ માટે!

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
દેશ અને દુનિયામાં ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડે, સાક્ષરતા દિન જેવા અનેક દિવસો વિશેષ રીતે ઊજવાતા હોય છે. એ જ રીતે 21મી ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઊજવવામાં આવે છે. કેમ કે આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરી પસંદ કરી છે. પણ પ્રશ્ન એ થાય કે યુનેસ્કોએ આ માટે ૨૧ ફેબ્રુઆરી જ કેમ પસંદ કરી? કારણ છે માતૃભાષા માટેનું એક લોહીયાળા આંદોલન…!!જાણો…
 
આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે 21મી ફેબ્રુઆરી જ શા માટે ?
 
વર્ષ હતું 1948નું, તારીખ 21મી ફેબ્રુઆરી. એકાદ વર્ષ પહેલાં જ હિન્દુસ્થાનની ધરતીનો ટુકડો લઈ રચાયેલા પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે, ‘.... આજથી પૂર્વ અને પશ્ર્ચિમ પાકિસ્તાન માટે ઉર્દૂ ભાષા જ રાષ્ટ્રભાષા રહેશે. રાષ્ટ્રીય બંધારણીય ભાષા તરીકે બધાએ ઉર્દૂને સ્વીકારવી. સરકારી સહિત બધાં જ કામકાજ હવે ઉર્દૂમાં જ કરવાનાં રહેશે...’
 
આ જાહેરાતને પશ્ર્ચિમ પાકિસ્તાનના લોકોએ ‘માશા અલ્લાહ’ કહીને વધાવી લીધી. પણ પૂર્વી પાકિસ્તાનના લોકો વેદનાથી ‘યા અલ્લાહ!’ બોલી ઊઠ્યા...
 
કારણ શું ? કારણ એ હતું કે પૂર્વી પાકિસ્તાનમાં વસતા મોટા ભાગના લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી. એ લોકો કોઈપણ ભોગે પોતાની માતૃભાષા બંગાળીને છોડીને ઉર્દૂ સ્વીકારવા તૈયાર નહોતા. ભયંકર વિરોધ થયો. સરકાર કોઈ કાળે ટસની મસ થવા તૈયાર નહોતી. પણ વિરોધીઓ પણ કોઈ કાળે મા સમાન માતૃભાષાનો ખોળો ત્યજ્વા રાજી ન થયા. વિરોધ લંબાયો, અરસપરસનાં ઘર્ષણો થવા લાગ્યાં. આ વિરોધના ભાગ રૂપે જ 21મી ફેબ્રુઆરી, 1952ના દિવસે ઢાકા વિશ્ર્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ એક મોટુ આંદોલન કર્યં. એક વિશાળ રેલી કાઢી પોતાની માતૃભાષા માટે જંગ છેડી દીધો. હજારો લોકો રેલીમાં જોડાયા હતા. સરકાર વિફરી. આંદોલનને કચડી નાંખવા માટે પોલીસના કાફલા ઉતાર્યા. પોલીસે લાઠીચાર્જ કર્યો. હજ્જારો લોકો ઘવાયા અને ચાર વિદ્યાર્થીઓને પોલીસે મારી નાંખ્યા. લોકોએ જાન ગુમાવ્યા પણ પોતાની માતૃભાષાની મમત ના છોડી. આખરે સમય જતાં માતૃભાષાના પ્રેમના આ ઝનૂનને કારણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો.
માતૃભાષા માટેના આંદોલન માટે 21મી ફેબ્રુઆરીનો આ દિવસ ઇતિહાસમાં અંકિત થયો. ઈ.સ. 1999માં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઊજવવાનું નક્કી કર્યં. એ માટેની તારીખની ચર્ચા થઈ. યુનેસ્કોના ખેરખાંઓની દ્ષ્ટિ સમક્ષ માતૃભાષા માટે થયેલું આ આંદોલન તરવરી ઊઠ્યું અને એ જ ઘડીથી 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે ઊજવવાનું નક્કી થયું. એ પછી વર્ષ 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરી વિશ્ર્વભરમાં માતૃભાષા દિન તરીકે ઊજવાય છે.
 

 
આપણી માતૃભાષા ગુજરાતીનો ઉદ્ભવ અને વિકાસ
ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે. આર્યાવર્ત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર, વિશ્ર્વની ભાષાઓમાં ભાગ્યે જ કોઈ ભાષામાં થયો હશે, ગુજરાતના ઇતિહાસમાં સાહિત્યમાં ‘ગુજરાત’ શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે, પણ તેમાંથી એકે સંપૂર્ણ પ્રતીતિકારક નથી, આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર+રાષ્ટ્ર એટલે ‘ગુર્જર રાષ્ટ્ર’ ગુર્જર પ્રજાના રાષ્ટ્ર પરથી ‘ગુજરાત’ નામનો ઉદ્ભવ થયો હોવાનું સમર્થન છે. ગુર્જર પ્રજાના રાષ્ટ્રને ‘ગુર્જર-રાષ્ટ્ર’ કહેવાતું એ પછી ‘રાષ્ટ્ર’નું ‘રાટ્’ થયું એમાંથી ગુર્જરરાટ અને પછી ધીમે ધીમે ‘ગુજરાત’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો.
 
ગુજરાતી જ નહીં અનેક ભાષાઓ લુપ્ત થઈ રહી છે
 
દરેક સંસ્કૃતિના લોકો પોતાના મૂળ સાથે જોડાઈ રહે એવા શુભ આશયથી યુનેસ્કો દ્વારા આ દિન ઊજવવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસનો ઇતિહાસ પણ ભાષા સાથે જ જોડાયેલો છે. માટે એનો મુખ્ય ઉદ્દેશ પણ ભાષાની જાળવણીનો છે. ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવા માટે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઊજવાય છે.
દરેક સમાજની મૂર્ત અને અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટે સક્ષમ અને અસરકારક સાધન જો કોઈ હોય તો એ માતૃભાષા છે. અને માતૃભાષા બચશે તો જ દેશ અને દુનિયા બચશે.
આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણને સ્વાભાવિક જ એની ચિંતા થાય. પણ આપણા દેશની અનેક ભાષાઓ આજે ભયાનક સ્થિતિમાં છે. આપણે સૌએ મળી એની પણ ચિંતા કરવી જોઈએ. તો જ આપણો ભાષાપ્રેમ, રાષ્ટ્રપ્રેમના શિખરે પહોંચે.
 
એક આંકડા મુજબ દુનિયાની 7000 કરતાં પણ વધારે ભાષાઓમાંથી અડધોઅડધ લુપ્ત થવાના આરે છે. ભારતીય ભાષાઓની વાત કરીએ તો 196 જેટલી ભાષાઓ-બોલીઓ મૃત:પ્રાય છે. એ ભાષાઓ ખતમ થઈ જશે તો એ સંસ્કૃતિ અને એ સમાજ પણ ખતમ થઈ જશે.