વિચાર વૈભવ : ફાગણને ફળિયેથી...
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ફાગણ એક પવનની લહેરની જેમ ઊડી ગયો, તડકાનાં ફોરાં પડે ને મનના નળિયાને ફોલ્લા પડે ત્યારે ખુલ્લા પગે ચાલતી પનહારીનું ગીત મનમાં જાગે. ઋતુપરિવર્તનની હૈયાને દરબારે ચાલતી મહેફિલ ભરીને બેઠો છું. એમ લાગતું હતું આપણે આપણા સંગીતથી અલગ થઈ જવાની કાળકેડી પર ઊભા છીએ, પણ પ્રજામાં જાણે ઠંડી તાકાત જાગી હોય એવું પુનર્જીવન પામતું ઝીણું સંગીત સંભળાય છે, વાતાવરણમાંથી ઝમતી આશા છે કે મૃગજળ ? ખબર નથી.

એમ થાય છે કે દૂરના આંબાવાડિયામાં જઈને બેસી રહીએ. ડાળને લટકીને હીંચતી કોઈ કાચી કેરીના કાનમાં આપણી વાત કહીએ, આપણું ગીત ગણગણીએ, કદાચ કોઈ કોયલનો ટહુકો મળે, કોઈ કવિના અધૂરા ગીતનું ગુંજન મળે કે કોઈ સાધક વિના હિજરાતા પરિવ્રાજક પવનની એક નવી વાર્તા મળે. મને આજે જે મઝા આવી રહી છે તે તડકાના તોફાની તોખાર સામે મનુષ્યે શોધેલી સંગીતની છત્રીની મઝા છે, ફાગના રાગમાં વાત શોધવી છે, મારી પોપચાની પિચકારી તો રાધારાગને તાકી રહી છે. હું તો મસ્તીના રંગ ભરીને હોળીની રાખ પર ઊભો છું, રાગની શોધમાં, મારા પોતાના આનંદધોધમાં નહાવા પડી છે મારી બારાખડી...

પેલી ટહુકાની ટાંકણીએ ટાંકણીએ ફાગણના ફુગ્ગાને ફોડું છું અને ખૂલે છે એક મેળો, એક મનપાંચમનો મેળો. એક સુગંધ પહેરીને ફરવા નીકળેલી છઠ્ઠ, નદીમાં સૂરજને પલળવા મૂકવાની છઠ્ઠ, જાણે આખા બ્રહ્માંડની રાંધણ છઠ્ઠ. રાજસ્થાની મિત્રોએ હજી હમણાં શીતળા સાતમ ઊજવી. શ્રાવણની શીતળા સાતમ કરતાં અલગ મિજાજમાં ફળિયામાં ફરવા નીકળેલી સાતમસુંદરીનો ઠસ્સો તો ઠળિયા વિનાના ખજૂર જેવો હતો. લાગે છે આપણે ઉનાળા માટે સજ્જ થઈ રહ્યા છીએ, એક છાસ જેવું પાતળું સંગીત આપણને ઘેરી વળે છે, જાણે સ્વરસદરો... સફેદ, પારદર્શક, પણ મઝા તો પવનને ભેટવાની આવે, શરમાઈ જાય આપણું કહેણ અને આમંત્રણ સાંભળી... બહાર ગરમીનો કોગળો કરીને આવતો હોય તેવા અવાજ સાથે ઍરકન્ડિશનરની ગલીએથી આવે. સુરેશ દલાલ યાદ આવે, "આજ મારે હૈયે ફાગણનો ફોરમતો ફાલ... મને ફૉરમની વાત ગમે છે. પવનના વેશ પરિવર્તનની અને વહેણ વિદ્યાની જુગલબંધી ગમે છે. મોગરાની મહેફિલમાં એની નજાકતભરી ચાલ અને નિર્જન રસ્તા પર એનો બિન્દાસ બકવાસ... લાગે છે પવન પણ માણસ પાસેથી ખાસ્સું શીખી ગયો છે, પણ આપણી શોધ તો ગીતની શોધ છે, આપણું આંબાવાડિયું તો ટહુકાની ટેકરી છે, કોયલનેકૅરિયર-ફિવરની નહીં, કર્ણ-વિવર શોધ હોય છે. ફાગણની ફૉરમ હવે ચૈત્રના ચાળા સુધી લઈ આવી છે. ધુળેટીમાં ઊડેલી રંગોળી હવે મનમાં સ્થિર થઈ રહી છે, મનના જંતરને લઈને બેસવું છે, જોઈએ આજે કયો રાગ છેડે છે...