બુલબુલરાણી
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

સુંદરપુર ગામ શરૂ થાય કે ચોતરફથી આવતી ફૂલોની સુવાસ મનને મોહી લે ! હા, સુંદરપુર ગામ તેના નામ મુજબ ખરેખર સુંદર છે. ગામમાં ચોતરફ હરિયાળી છે. નાનાં-મોટાં વૃક્ષો, તળાવ, બગીચાઓ વગેરેથી ગામની સુંદરતામાં અનેકગણો વધારો થયો છે. તપન અને દીપુ પણ સરસ મજાના ગામમાં રહે છે. અહીં રહેતા તમામ લોકોના મકાનની પાછળના ભાગમાં મોટો વાડો છે. તપન-દીપુ ભાઈ-બહેન છે. બંને જણ પ્રાથમિક શાળામાં ભણે છે. રવિવાર હોવાથી તેઓ વાડામાં રમી રહ્યાં છે. ધીમે ધીમે વરસાદ ચાલુ છે, તેવામાં એક બુલબુલ ઊડતું ઊડતું આવે છે. બુલબુલની ચાંચમાં થોડાં તણખલાં છે. બુલબુલને જોઈ દીપુ બોલી, "એય, તારું નામ શું છે ?

"બુલબુલરાણી, મારું નામ બુલબુલરાણી છે. મને જાસુદના છોડ ઉપર માળો બાંધવા દેશો ? બુલબુલ પાંખો ફફડાવતી રહી. દીપુ તપનની સામે જોવા લાગી. તપન બોલ્યો, "દીપુ, બુલબુલરાણીને આપણી મદદની જરૂર છે. એમને રજા આપ.

બુલબુલરાણીને રજા મળતાં જાસુદના છોડ ઉપર યોગ્ય જગ્યા શોધીને માળો બાંધતાં વાર લાગી. દીપુ-તપન પોતાની રમતમાં લાગી ગયાં. બુલબુલરાણીને હાશ થઈ. વરસાદ પણ બંધ થઈ ગયો હતો. તપન અને દીપુ સાંજ પડતાં પોતાના ઘરમાં ચાલ્યાં ગયાં. પછી તો દર રવિવારે બુલબુલરાણી અને પેલાં ભાઈ-બહેન વચ્ચે વાતો થતી. બુલબુલરાણીને પણ તેમની સાથે વાતો કરવાની મજા આવતી.

એકવાર તપને હસતાં હસતાં પૂછ્યું, "બુલબુલરાણી આપના હસબન્ડ ક્યાં છે ?

દીપુએ સાંભળ્યું તો કહેવા લાગી, "તપન એમ પુછાય. પૂછ કે બુલબુલરાણા ક્યાં છે ?

દીપુ-તપનની વાતો સાંભળી બુલબુલ રાણી તો શરમાઈ ગઈ. પછી કહેવા લાગી કે બુલબુલ રાણા તો અમદાવાદમાં રહે છે. મહિને એકાદ વખત મને મળવા આવે છે.

દીપુ-તપન તથા બુલબુલરાણીને વાડામાં સારું ફાવી ગયું હતું. જાસુદના છોડ ઉપર બુલબુલરાણીને કોઈ તકલીફ નહોતી. થોડા મહિનાઓ બાદ બુલબુલરાણીના માળામાં બે ઈંડાં જોતાં દીપુ-તપન હરખાઈ ઊઠ્યાં. દીપુ કહેવા લાગી, "બુલબુલરાણી, બધાઈ હો બધાઈ.

એકવાર દીપુ-તપન વાડામાં રમતાં હતાં. બુલબુલરાણી ખેતરમાં ગયાં હતાં. માળામાં માત્ર બે ઈંડાં હતાં. એવામાં એક બિલાડી આવી. તેને ખબર પડી ગઈ હતી કે જાસુદના છોડ ઉપર બુલબુલના ઈંડાં છે, તે ઈંડાં ખાવા માટે છોડ ઉપર ચઢવા ગઈ કે તપને બાજુમાં પડેલ પથ્થર વડે તેના ઉપર ઘા કર્યો. સંજોગોવશાત્ પથ્થર બિલાડીને વાગવાને બદલે સીધો માળામાં અથડાયો. એક ઈંડું નીચે પડતાંની સાથે તૂટી ગયું.

દીપુ તથા તપનને ખૂબ દુ: થયું. તેઓ વિચારવા લાગ્યાં કે બુલબુલરાણી જાણશે તો તેને ખૂબ દુ: થશે ! તપને ઈંડાં બચાવવાની કોશિશ કરી હતી, પણ એક ઈંડું તૂટી ગયું હોવાથી તેને પણ ભારે દુ: થયું હતું. દીપુએ તેને આશ્ર્વાસન આપ્યું. એટલીવારમાં બુલબુલરાણી ઊડતાં ઊડતાં આવી ગઈ.

તૂટેલા ઈંડાને જોતાં તે ચોધાર આંસુથી રડવા લાગી. જોકે દીપુએ તેને આખી વાત સમજાવી. ત્યારબાદ બુલબુલરાણી શાંત પડી. તેણે તપન સામે જોયું. તપન પણ લીમડાના એક ઝાડ નીચે બેઠો બેઠો રડતો હતો. બુલબુલરાણી ઊડીને તેની પાસે પહોંચી. કહેવા લાગી, "તપનભાઈ, રડશો નહીં. તમે ક્યાં ખોટું કામ કર્યું છે ! તમે તો નિર્દોષ છો. ભલે મારું એક ઈંડું તૂટી ગયું. મને દુ: તો છે, પરંતુ એક ઈંડું બચ્યું હોવાથી હું તમને માફ કરી દઉં છું. ભગવાને મને સાવ નિરાશ નથી કરી મારા માટે સારી વાત છે.