કલરવ : સાચાં મોતીનું ખેતર
SadhanaWeekly.com       | ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 

 
એક નાનું એવું ગામ હતું. ગામમાં ધનો અને મનો નામના બે ખેડૂતો રહે. તેમાં ધનો કામનો આળસુ, જ્યારે મનો બહુ મહેનતુ. તે આખો દિવસ પોતાના ખેતરમાં નાનું મોટું કામ કર્યા કરતો. ધનો સ્વભાવે આળસુ એટલે કામ કરવું તેને ફાવે નહિ. તે આખો દિવસ બજારમાં બેસી ગામગપાટા હાંક્યા કરે અને બીડીઓનાં ઠૂંઠાં ફૂંક્યા કરે. તેની આળસ ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ હતી.

આળસુ અને કામચોર માણસને વિચારો પણ મોટા આવે. ધનાને પણ ધનવાન બનવાના વિચારો આવે. મોટર ગાડી બંગલાના વિચારો આવે. મોટા માણસ બનવાના વિચારો આવે.

એક દિવસ આવા બધા વિચારોનો ભાર મગજમાં ખડકીને તે સૂતો હતો ત્યારે તેના સપનામાં પરીઓ આવી. પરીઓનું રૂ જોઈ ધનો તો ખુશ ખુશ થઈ ગયો ને પરીઓની સાથે નાચવા લાગ્યો. પરીઓએ તેનું ખેતર બતાવવાનું કહ્યું : ધનો પરીઓને પોતાના ખેતરમાં લઈ ગયો. પરીઓએ જોયું તો ખેતરમાં કશું ઊગેલું હતું. પરીઓએ આનું કારણ પૂછ્યું તો ધનાએ પોતાનો આળસુ સ્વભાવ છુપાવી કહ્યું, ‘ઓણ અમારા મલકમાં દુકાળ પડ્યો છે. વરસાદ વિના વાવણી કેમ કરવી ?’

બીજે વરસે પણ પરીઓ ધનાના સપનામાં આવીને પોતાને ખેતર દેખાડવા કહ્યું. ધનો તેને પોતાના ખાલી ખેતરમાં લઈ ગયો ત્યારે ખેતર જોઈને પરીઓ બોલી : ‘ વરસે પણ તેં કંઈ નથી વાવ્યું?’ ત્યારે ધનાએ વાત દોહરાવી ને દુકાળનું બહાનું કાઢ્યું. આમ દર વરસે ધનાના સપનામાં પરીઓ આવતી ને દર વરસે ધનો ખુલ્લું ખેતર બતાવી દુકાળનાં બહાનાં બતાવતો.

આગળના વરસે પરીઓ કંઈક નક્કી કરીને ધનાના સપનામાં આવીને ધનાને મદદ‚ બનવાનો વિચાર કરી પરીઓએ ધનાને કહ્યું : "ધના, વરસે અમે તારા ખેતરમાં સાચાં મોતીની રાખ દાટી છે. તું સવારે ઊઠીને પ્રથમ કામ તારા ખેતરમાં જઈ રાખને શોધી લેજે. અને રાખ જ્યારે તું વાવણી કરે ત્યારે બિયારણની સાથે ભેળવી દેજે. પાંચ વરસની અંદર ગમે તે એક વરસે ઊગેલા પાકના અનાજના દાણા સાચાં મોતીના થઈ જશે. પણ યાદ રાખજે. દર વરસે તારે ખેતરની માટીને ઊંધીચત્તી કરવી પડશે. તો રાખ તને ફળ આપશે. એમ બોલીને પરીઓ ઊડી ગઈ.

ધનાએ સવારે ઊઠી પહેલું કામ ખેતરમાં દાટેલી સાચાં મોતીની રાખ શોધવાનું કર્યું. તેણે હળ વડે આખું ખેતર ખેડી કાઢ્યું, પણ ક્યાંય રાખ મળી નહિ. હા, એક ખૂણે રેતી જેવી ચમકતી માટી હતી. ધનાએ તે માટીની પોટલીવાળી વાવણી સમયે વાવવાના બિયારણમાં તેને ભેળવી દઈ વાવણી કરી. પ્રમાણે પાંચ વરસ સુધી ધનાએ પરીઓના કહેવા પ્રમાણે સખત પરિશ્રમથી ખેતર ખેડી તેમાં વાવેતર કર્યું હતું તે છતાં હજી પણ પાકના કોઈ છોડવામાં સાચાં મોતીના દાણા ઊગ્યા હતા. તેથી ધનો મનોમન પરીઓ માથે ખિજાયો હતો.

છઠ્ઠે વરસે ધનાના સપનામાં પરીઓ આવી ત્યારે ઘનો પરીઓ માથે ભારે ગુસ્સે થયો. જોઈને સોનપરી બોલી : "ધના ! ખોટું બોલ. અમારા અન્નદેવતાએ અમને કહ્યું છે કે ધનાના ખેતરમાં તો સાચાં મોતી પાક્યાં છે !

"તમારા અન્નદેવતા અને તમે પોતે પણ જૂઠાણાનાં પડીકાં છો. મારા ખેતરમાં એક પણ સાચું મોતી ઊગ્યું નથી. દર વરસે મહેનત કરાવી કરાવીને તમે મને બળદિયો બનાવી દીધો છે. પરીઓ પણ ખોટાડી હોય છે વાતની મને ખબર પડી ગઈ છે. એમ બોલી ધનો ધગી ઊઠ્યો.

ધનાને ધીરો પાડતાં સોનપરી બોલી : "ધના ! મહેનત સાચાં મોતી છે. તું આળસુ થઈને પડ્યો રહે તો મોતી શું કથીરના દાણા પણ નીપજે. તેં સખત મહેનત કરીને ઉગાડેલું અનાજ સાચું મોતી છે. બાકી ક્યાંય સાચાં મોતીનાં ઝાડવાં ઊગતાં નથી.

ધનાને પરીઓની વાત બરાબર સમજાઈ ગઈ. પછી તો ધનો બમણી મહેનતથી ખેતી કરવા લાગ્યો અને મબલખ ઊપજ મેળવવા લાગ્યો. તેની મહેનતે તેને કાલનાધનિયામાંથી આજનો ધનજી શેઠ બનાવી દીધો હતો.