મહાશિવરાત્રી - શિવરાત્રી વ્રત

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ઋષિઓ બોલ્યા : હે સૂત ! વ્રતોમાં કયું વ્રત ઉત્તમ છે ? ઉત્તમ વ્રત પૂર્વે કોણે કર્યું હતું ? અજાણતાં કરીને પણ કોણે કયું ઉત્તમ ફળ મેળવ્યું હતું ? સૂત બોલ્યા : હે ઋષિઓ ! સર્વ શાસ્ત્રોનો તથા અનેક ધર્મોનો વિચાર કરી સર્વ કરતાં ઉત્કૃષ્ટ - શ્રેષ્ઠ વ્રત તે શિવરાત્રીનું વ્રત છે. શિવ કલ્યાણકારી છે. ત્રણે લોકમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવી-દેવતાઓ, રાજા-મહારાજાઓ, ગંધર્વો, નાગો, દાનવો, ક્ધિનરો, મનુષ્યલોકમાં સર્વે વર્ણોએ, પાર્ષદોએ. શિવની ઉપાસના કરી સુખ-સમૃદ્ધિને પામી મોક્ષગતિ મેળવી છે. શિવરાત્રીનું વ્રત મહાવદ-તેરસે હોય છે, તેમાં ચાર પ્રહરની પૂજામાં શિવજીની આરાધના-ઉપાસના, બીલીપત્ર તથા ગંધ, પુષ્પ, આકડાનાં ફૂલો, અક્ષત, ગોળ, ઘી, ધૂપ-દીપ તથા નાના પ્રકારની પૂજાની સામગ્રીથી થાય છે. રાત્રીએ નમ: શિવાયના જાપ ઉત્તમ ફળ આપનારા છે. સૂત બોલ્યા : ‘હે શિવભક્તો ! શિવરાત્રી વ્રતને વિધિપૂર્વક કરવાથી ઉત્તમ ફળો મેળવ્યાં છે તે તો તમે જાણો છો, પણ અજાણતાથી પણ શિવની પૂજા શિવરાત્રીને દિવસે થવાથી ઉત્તમ ફળ મળે છે અને શિવજી સ્વયં પ્રગટ થઈ દર્શન આપી આશીર્વાદ આપે છે, તેવો એક શિકારીનો પુરાતન ઇતિહાસ તમે બધા સાંભળો.

શિવરાત્રી વ્રત

સૂત બોલ્યા : પૂર્વે કોઈ વનમાંગુરુદ્રહનામે શિકારી રહેતો હતો. તે કુટુંબવાળો, બળવાન તથા ક્રૂર હતો તેમજ ક્રૂર કર્મો કરવા સદાયે તત્પર રહેતો હતો. તે નિરંતર જંગલમાં રહી મૃગલાંઓનો શિકાર કરતો અને અનેક જાતની ચોરીઓ પણ કરતો હતો. તેણે બાળપણથી માંડી લોકમાં કંઈ શુભ કર્મ કર્યું હતું.

એક દિવસે શિકારીના પરિવારે હઠ પકડી કે તે જંગલમાં જઈ શિકાર લાવે, કારણ કે શિકારીની સ્ત્રીને પ્રસવ થવાનો હતો. શિકારી વનમાં જાય છે અને આમથી તેમ ભટકે છે, પણ કોઈ શિકાર મળતો નથી. તે વિચારમાં પડે છે કે આજે મને કંઈ પણ મળ્યું નથી, ઘેર જે બાળકો છે તેમનું અને માતા-પિતાનું શું થશે ? મારી પત્નીને પણ પ્રસવનો સમય છે, તેથી ઘરે પાછો જઈને શું જવાબ આપીશ ? આમ વિચારતો વિચારતો શિકારી જળાશયની સમીપ જાય છે અને આશા રાખે છે કે જરૂર કોઈ શિકાર પાણી પીવા આવશે , તેમ વિચારી તે શિકારી જળાશયની સમીપના બીલીના ઝાડ પર પીવાનું પાણી લઈ ચઢી ગયો. ‘ક્યારે કોઈ આવે અને ક્યારે હું મારું ?’ એવો વિચાર ધરી શિકારી ભૂખ્યો-તરસ્યો તે બીલીના ઝાડ પર બેસી રહ્યો. તે રાત્રિના પહેલા પ્રહરે એક મૃગલી ત્યાં આવી. તે તરસથી પીડાયેલા તથા ભયભીત હોઈ વેળા ત્યાં મોટી ફાળ કરતી હાંફતી હતી.

સૂત કહે : ‘હે ઋષિવરો - શિવભક્તો ! મૃગલીને જોઈને શિકારી ખુશ થયો. તેણે ધનુષમાંથી બાણ તાક્યું. તે વેળાએ શિકારી પાસેનું પાણી તથા બિલીપત્રો નીચે શિવલિંગ પર પડે છે, ત્યારે મૃગલીને વાચા આવી.’

મૃગલી : ‘હે શિકારી, તું શું કરવા ઇચ્છે છે ? મારી આગળ સત્ય કહે.’

શિકારી બોલ્યો : ‘મારું કુટુંબ આજે ભૂખ્યું છે, માટે તને મારી હું તેમને તૃપ્ત કરવા માગું છું.’

તેનું ક્રૂર વચન સાંભળી, હરણી જેને અટકાવવો મુશ્કેલ હતો, એવા દુષ્ટ સામે જોઈનેહવે હું શું કરું ? ક્યાં જાઉં ? ( માટે) હું ઉપાય કરું.’ એમ વિચારી વચન બોલી :

મૃગલી બોલી : મારા માંસથી જો તને સુખ થાય તો અનર્થકારક (મારા) દેહનું (એથી) વધારે મોટું પુણ્ય શું હોઈ શકે ? કેમ કે લોકમાં ઉપકાર કરનારને જે પુણ્ય થાય છે, તે પુણ્ય મેળવવા સેંકડો વર્ષે પણ સમર્થ થઈ શકાતું નથી, પણ હે શિકારી ! મારાં બચ્ચાં તેમને સ્થાને છે અને તેમને સાચવવા મારા પતિ તથા મારી બહેનને મૂકીને આવી છું. દરમિયાન શિકારીના હાથમાંથી પાણી તથા બીલીપત્રો પણ ઝાડની નીચે આવેલ શિવલિંગ પર પડતાં રહે છે. જાણે શિકારીના હાથે શિવરાત્રીના પહેલા પ્રહરની પૂજા થઈ હોય ! અજાણ્યે શિકારીથી પહેલા પ્રકારની પૂજા થાય છે, તેનું ફળ તુરત મળે છે. મૃગલી શિકારીને વિનંતી કરે છે કે હું વચન આપું છું. મારાં બાળકો તથા પરિવારને મળી તુરત પરત આવીશ. શિકારીને વિશ્ર્વાસ થાય છે અને તે મૃગલીને જવાની રજા આપે છે, જેના પર વિશ્ર્વાસ મૂક્યો હતો તે મૃગલીની રાહ જોતો બાણ તાકી બેસી રહે છે.

બાજુ મૃગલી પોતાનું વચન પાળવા તેના બાળકો તથા પરિવારને કહે છે કે, ‘હું શિકારીને આપેલ વચન પાળવા જળાશય પર જઈ તેના હાથે મૃત્યુ પામીશ. સાંભળી તેને બહેન કહે છે કે બહેન ! ‘હું એકલી છું, તારે તો પતિ તથા બાળકો છે તો તારી જગ્યાએ શિકારીની સામે હું જાઉં છું.’ એમ કહી મૃગલી (બહેન) શિકારી પાસે જાય છે. દરમિયાન શિકારીના હાથમાંથી પાણી તથા તેની સાથે બીલીપત્રો શિવલિંગને ચઢે છે. જાણે શિકારીની શિવરાત્રીના બીજા પ્રહરની પૂજા થઈ હોય ! પેલી મૃગલી શિકારીને વિનંતી કરે છે કે હું ધન્ય છું; મારા દેહનું ધારણ સફળ થશે તેથી મારો શિકાર થશે તો પરોપકારી થઈ મોક્ષને પામીશ, પણ મારી વિનંતી છે કે એકવાર બધાંને મળીને આવું. જાણે-અજાણે શિકારીના વરદ્હસ્તે શિવજીના બીજા પ્રહરની પૂજાનો પરચો થયો હોય તેમ શિકારી બીજી મૃગલી પર પણ વિશ્ર્વાસ મૂકી તેને જવા દે છે. આવી ઘટના ત્રીજા પ્રહર માટે મૃગલીના હરણ માટે અને ચોથા પ્રહર માટે મૃગલીનાં બાળકો, બહેન તથા પતિ (સમગ્ર) માટે થાય છે. શિકારીના હાથે શિવરાત્રિના દિવસે અજાણે ચાર પ્રહરની પૂજા થવાથી ત્યાં શિવજી પ્રગટ થાય છે. શિવનાં સ્વ‚પનાં દર્શન કરી શિકારી તથા મૃગલી અને તેનો પરિવાર ધન્ય થાય છે. શિવજી આશીર્વાદ આપે છે. શિકારીને આશીર્વાદ આપી તેનુંગુહએવું નામ પડ્યું અને કહ્યું કે હે ગુહ, તું આજથી શૃંગવેગનગરની શ્રેષ્ઠ રાજધાનીનો આશ્રય કરી દિવ્ય ભોગોને ભોગવ. તારા વંશની અવિનાશી વૃદ્ધિ થાઓ, તું દેવતાઓને પણ વખાણવા યોગ્ય થયો છે; હે શિકારી ! શ્રી રામચંદ્ર તારે ઘેર અવશ્ય આવશે. મારા ભક્તો પર સ્નેહ કરનાર મારા પરમ ઉપાસક શ્રી રામ તારા મિત્ર થશે અને તું પણ મારી ભક્તિમાં લીન થઈ દુર્લભ મુક્તિને પામીશ.

સમયે પેલાં બધાં મૃગલાં પણ શ્રી દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરી, તેમને પ્રણામ કરી મૃગની યોનિમાંથી છૂટી જઈ ઉત્તમ મુક્તિને પામ્યા. બધાં દિવ્ય શરીર ધારણ કરી, વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયાં, જે સ્વર્ગ અર્બુદાચલ (આબુ) પર્વત પર શિવવ્યાધેશ્ર્વરનામે ઓળખાતું સ્થળ છે, જ્યાં શિવજી (લિંગ સ્વરૂપે) પૂજાય છે.

સૂત : હે દેવાધિદેવ શિવજીના પરમ ભક્તો ! ત્રણે લોકમાં શિવરાત્રિના દિવસે મહાદેવ શંકરની આરાધના-પૂજા-અર્ચના ચારે પ્રહર સુધી કરે છે તેને બધા પ્રકારનાં સુખ-ભોગો પ્રાપ્ત થાય છે અને દુર્લભ મુક્તિને પામે છે, તેથી શિવ કલ્યાણકારી પરમાત્માનું શિવલિંગ સ્વ પ્રત્યક્ષ ફળ આપનારું છે. શિવમંદિરો તથા ભક્તોના આશ્રમો અને મઠોમાં શિવરાત્રિના વ્રતનો મહિમા યુગોથી ગવાય છે. ભરતખંડની ભારતભૂમિમાં બાર જ્યોતિર્લિંગ છે, જેમના નિર્માણ તથા સ્થાનની ધર્મકથાઓ છે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું છે. સિવાય અગિયાર પ્રચલિત જ્યોતિર્લિંગો છે, જ્યાં શિવરાત્રિના દિવસે ભક્તો દ્વારા ચાર પ્રહરની પૂજા થાય છે. સિવાય પણ દેશમાં ભવ્ય શિવમંદિરો છે, તેમાં ઉદેપુરના રાણાઓ(રાજાઓ) સદાશિવનેએકલિંગજીતરીકે પૂજ્યા છે, તેઓ એકલિંગજીમહાદેવને મેવાડના રાજા માને છે અને પોતાને સિસોદિયા વંશ જેવા રાજપૂતોને રાણા કહેવડાવે છે, તેથી મેવાડના વીર હિન્દુ-રાજા સપૂત મહારાણા પ્રતાપ કહેવાયા છે. શિવરાત્રીના દિવસે ઉદેપુરથી શ્રીનાથજી જતાં બાયપાસ પર કૈલાસપુરી ધામ છે, જ્યાં એકલિંગજીનું ભવ્ય મંદિર છે. મેવાડની પ્રજા માટે અને ખાસ કરીને ભટ્ટ મેવાડા તથા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો માટે એકલિંગજી ઇષ્ટદેવ કહેવાય છે. અહીં કૈલાસપુરીમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોનું અતિથિગૃહ તથા ભટ્ટમેવાડા બ્રાહ્મણોનું હાલમાં નિર્માણ પામેલ લીલાબા અતિથિગૃહ છે, જે શિવભક્તોની સેવા તથા સત્કાર કરે છે. અહીં રહેવા-જમવાની ઉત્તમ સગવડ પણ છે. અહીં શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. શિવરાત્રીના ઉત્સવમાં ઉદેપુરનો રાજવી પરિવાર તથા મહારાણા પ્રતાપના વંશજો દ્વારા ચાર પ્રહરની પૂજા શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી થાય છે.