આઈસ્ક્રીમ

    ૦૯-માર્ચ-૨૦૧૮


 

કેજીની મંદિરશાળામાંથી ઘેર આવીને ટીલડી કહે : ‘દાદા, મારે આઈસ્ક્રીમ ખાવો છે !’

દાદા ટીલડીની બધી માગણીઓ સ્વીકારી લેતા હતા, પરંતુ આઈસ્ક્રીમની વાત આવે ત્યારે તેઓ થોડા ખમચાતા હતા. અલબત્ત, ખાવાની વસ્તુઓમાં આઈસ્ક્રીમ ટીલડીની પ્રિય વાની હતી.

ટીલડીની મમ્મી ડૉક્ટર હતી. ટીલડી જ્યારે જ્યારે આઈસ્ક્રીમ ખાતી હતી. ત્યારે ત્યારે તે કહેતી હતી : ‘ટીલડી, આઈસ્ક્રીમ નહીં ખાવાનો. તેનાથી શરદી થઈ જાય, તેનાથી ન્યુમોનિયા થઈ જાય, આઈસ્ક્રીમ તો શરદીનું ઘર કહેવાય.’

ત્યારે ટીલડી કહેતી : ‘જો મમ્મી, મેં હમણાં આઈસ્ક્રીમ ખાધો છે, તો પણ મને શરદી થઈ છે ? મમ્મી, તું નકામી ગભરાય છે. આઈસ્ક્રીમથી મને કદી શરદી થવાની નથી.’

ટીલડીની મમ્મી વિચારતી : ‘હા, તેની વાત તો સાચી હતી. આજ સુધીમાં તેને કદી શરદી થઈ નહોતી. છતાં પણ તેનું મન આશંકા કરતું કે તેને શરદી થઈ જશે. તે ડૉક્ટર હતી ને ! એટલે તેનું મન જાતજાતના વિચારો કરતું હતું.

ત્યારે મમ્મીને રાજી કરવા માટે ટીલડી કહેતી : ‘મમ્મા, તને ગમતું હોય તો હવેથી હું આઈસ્ક્રીમ નહીં ખાઉં, બસ !’

આમ છતાં ટીલડી વારે ઘડીએ આઈસ્ક્રીમ ખાતી રહેતી હતી અને દાદા તેને છાનેછપને આઈસ્ક્રીમ મંગાવી આપતા હતા.

આજે ટીલડીએ આઈસ્ક્રીમની માગણી કરી ત્યારે દાદાએ કહ્યું : ‘ટીલડી, હું આઈસ્ક્રીમ તો મંગાવી આપું છું, પરંતુ આપણે આઈસ્ક્રીમ ખાધો હતો તે વાત કોઈને કહેવાની નહીં. તારી મમ્મીને પણ નહીં કહેવાની, રાઈટ ?’

નો દાદા !’ ટીલડીએ કહ્યું, ‘હું જૂઠ્ઠું તો નહીં બોલું, અમારી મેડમે હંમેશાં સાચું બોલવાનું કહ્યું છે, કોઈ પૂછે તો તમે જવાબ આપજો, હું નહીં બોલું, બસ !’

દાદાએ આઈસ્ક્રીમની બે કેન્ડી મંગાવી. પછી બંને જણાં ટેસથી આઈસ્ક્રીમ ખાવા લાગ્યાં. ટીલડી સોફામાં પગ હલાવતી જાય, આઈસ્ક્રીમ ખાતી ને બોલતી જાય : ‘દાદા, તમને આઈસ્ક્રીમ ગમે ?’

હા, ગમે ને !’

મને તો બહુ ગમે. જો મળે તો દિવસમાં દસ વાર ખાઉં !’ કહીને ટીલડીએ કેન્ડી પૂરી કરી અને બંને રેપર તથા સ્ટિક ડસ્ટબીનમાં નાંખી આવી.

ત્યાં બારણું ખખડ્યું. મમ્મી આવી હતી. આવતાં તેણે ડસ્ટબીનમાં કેન્ડીનાં રેપર જોઈ લીધાં હતાં. ખુરશીમાં બેસતાં તેણે પૂછ્યું : ‘ટીલડી, કોઈ ગેસ્ટ-બેસ્ટ આવ્યા હતા ?’

ના, મમ્મા ! કોઈ આવ્યું નથી, છતાં દાદાને પૂછ. હું તો હમણાં આવી છું.’ કહીને ટીલડી ફ્રીઝ પાસે ગઈ.

ટ્રેમાં બે ગ્લાસ લાવીને તેણે કહ્યું : ‘લે, મમ્મા ! પાણી પી, એકદમ ઠંડું છે, લે !’

બીજો ગ્લાસ તેણે દાદા સામે ધર્યો.

ટીલડી સાથે મમ્મીની વાત ચાલતી હતી. તે દાદા પણ સાંભળતા હતા. ટીલડીએ આઈસ્ક્રીમ ખાધો હતો તે વાત પકડાઈ જાય, એટલા માટે તેમણે ઝટપટ કહી દીધું : ‘હા - હા, મહેમાન આવ્યા હતા. તેમના માટે આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. બે મહેમાન હતા.’

બે મહેમાન કોણ હતા તે ટીલડી તરત સમજી ગઈ. તેણે કહ્યું : ‘મમ્મા, બે મહેમાન કોણ-કોણ હતા તે હું કહું ? જો એક મહેમાન હતી ટીલડી પોતે અને બીજા મહેમાન હતા દાદાજી. મારા કહેવાથી દાદાએ આઈસ્ક્રીમની બે કેન્ડી મંગાવી હતી. એક મેં ખાધી ને એક દાદાએ ખાધી. ડસ્ટબિનમાં તું જે રેપર જોઈને આવી છે તે અમે ખાધેલી કેન્ડીનાં છે. તું મને આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે, તેથી દાદાએ મહેમાનની વાત ઉપજાવી કાઢી છે. મારો બચાવ કરવા માટે દાદાએ આમનરો વા કુંજરો વાકર્યું છે, પરંતુ મારાથી એવું અસત્ય પણ નહીં બોલી શકાય. અમારી મેડમે કહ્યું છે કે ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ હંમેશા સત્ય બોલજો. મેડમની વાત મારા મનમાં કોતરાઈ ગઈ છે. હું આઈસક્રીમ છોડીશ પણ મેડમની વાત નહીં છોડું.

ટીલડીની આવી સત્યનિષ્ઠા જોઈને મમ્મી ગદ્ગદ થઈ ગઈ. તેણે ટીલડીને પોતાના તરફ ખેંચી લીધી ને તેને બાથમાં ભરીને કહ્યું : ‘ટીલડી, તું ધન્ય છે. હવે આજથી હું તને આઈસ્ક્રીમ ખાવાની છૂટ આપું છું, અને અબઘડીથી હું તને રોકીશ કે ટોકીશ પણ નહીં.’