વિક્રમાદિત્યનું વિદેશી આક્રાંતો પરના વિજયનું પર્વ

    ૦૯-માર્ચ-૨૦૧૮

 

 
ચૈત્ર સુદ-એકમ, તા. ૧૮મી માર્ચ - વર્ષ પ્રતિપદા (ગુડી પડવો)

ઇન્દ્રલોકની નગરી અમરાવતીમાં સુવર્ણના સિંહાસન પર ઇન્દ્રરાજ બિરાજમાન છે. દેવસમાજ અને શિષ્ટ પુરુષવરોથી સભાખંડ ઓપી રહ્યો છે. કોકિલકંઠી મેનકા આદિ અપ્સરાઓનું ગાયન સાંભળવામાં સૌ મશગૂલ છે. એટલામાં સુરોચન નામનો ગંધર્વ, મેનકાનું સૌંદર્ય જોતાં મોહમાં મુગ્ધ થયો. કામમાં અંધ બનેલો તે ભરીસભામાં ઊભો થઈ મેનકાને ભેટી પડ્યો અને તેની સાથે સર્વના દેખતાં અમર્યાદ અને અયોગ્ય ચેષ્ટા કરવા લાગ્યો. ‘કામાંધો નૈવ પશ્યતિ’.

ખરેખર ! કામાંધને સારાસારનો વિવેક હોતો નથી. હું કોણ, ક્યાં છું ! અને શું કરી રહ્યો છું, એનો વિચાર સુધ્ધાં આવતો નથી. સુરોચન ગંધર્વ પણ અવદશાને, અધમતાને પામ્યો. ઇન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો. સુરોચન ગંધર્વને શાપ આપ્યો કે તેં પશુ સમાન વર્તન કર્ય છે. તેથી પૃથ્વીની ઉપર ગર્દભ (ગધેડો) થઈને પડ ! અને તારાં કર્મની સજા ભોગવ. ‘ શાપ સાંભળતાં સુરોચનનું ભાન ઠેકાણે આવી ગયું. તે અતિ ગળગળો થઈ ઇન્દ્ર મહારાજના ચરણમાં પડી ગયો. પોતાના શાપના નિવારણ માટે પ્રાર્થના કરી કેહે ઇન્દ્રરાજ ! આપ તો સર્વજ્ઞ છો. બંધનમાંથી છૂટવાનો ઉપાય જણાવો.’ ઇન્દ્રરાજાને દયા આવી. તેમણે કહ્યું કે, ‘આજથી બરાબર બાર વર્ષે તું તારા મૂળ સ્વરૂપને પામીશ, પરંતુ તારે એમાંથી મુક્તિ માટે એક કામ કરવું પડશે, અને તે કે, તું ગમે તે યુક્તિ-પ્રયુક્તિ યોજીને, મિથિલાપુરના રાજા સત્ય વર્માની પુત્રી સાથે તારું લગ્ન થઈ જાય એવો પ્રબંધ કરજે. એમાં તું અવશ્ય પાર પડશે અને તેના યોગે તને એક મહાન પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થશે. પુત્રના મુખનું દર્શન કરતાં, તું અધમ યોનિમાંથી મુક્ત થઈ, તારા અસલ સ્વરૂપને પામી સ્વર્ગમાં આવશે.’

ઇન્દ્રનો શાપ પામી પૃથ્વી પર પડેલો સુરોચન મિથિલાપુરની પાસે આવેલ અરણ્યમાં પોતાના જાતભાઈઓ સાથે ફરે છે અને તેના અંતરમાં એક ધારણા અને એક વિચારણા ચાલી રહી છે. રાજા સત્યવર્માની પુત્રીને પરણું. એવામાં પોતાના ગધેડાંઓને શોધવા નીકળેલો એક પ્રજાપતિ-કુંભાર એકાએક અરણ્યમાં આવી પહોંચ્યો. તે બધાં ગધેડાંને હાંકીને ઘરે લઈ ગયો. એમાં પેલો નવો ગર્દભ પણ આવી ગયો. બધાં ગધેડા કરતાં ગધેડા પર તેને વધારે વ્હાલ આવે છે.

આવી રીતે નિવાસ કરતાં સુરોચન (ગર્દભ-ગધેડા)નો કેટલોક સમય વ્યતીત થયો. એટલામાં એક વર્ષ નબળું આવી ગયું. એથી કુંભારે બીજા બધા ગધેડાને વેચી નાખ્યા પણ તેને પ્રિય ગર્દભ (સુરોચન)ને પોતાની પાસે રાખ્યો. એને વેચતાં એનો જીવ ચાલ્યો નહીં. એટલી બધી મમતા તેના પર વધી ગઈ હતી.

એક દિવસ મધ્ય રાત્રિનો સમય છે. કુંભાર અને તેની સ્ત્રી સૂઈ ગયાં છે. હવે સુરોચનને શાંત બેસી રહેવું યોગ્ય લાગ્યું નહીં. ઇચ્છિત કાર્ય સત્વરે સાધી લેવાની અંતરની ખરી આતુરતા પ્રકટી, એથી એણે વખતે ગાવા માંડ્યું.

સત્યવર્મા રાજાની સુતા સંગાથે મુજને પરણાવો,

લેશ શંકા લાવો, લેવા આવો અલભ્ય લ્હાવો.

અવાજ સાંભળતાં કુંભાર એકાએક ઝબકીને જાગી ઊઠ્યો. એણે ઊઠીને આસપાસ તપાસ કરી, પરંતુ કોઈપણ મનુષ્ય જોવા મળ્યું નહીં. મારો ગર્દભ બોલતો હશે એવો વ્હેમ ક્યાંથી આવે ? એથી એણે મનથી માન્યું કે, ‘ તો મને ઊંઘમાં મિથ્યા ભણકારો થયો.’ બીજી રાત્રે પણ એવો બનાવ બન્યો. સુરોચને ખૂબ જોરથી એક ધારા ચલાવી. કુંભાર એકાંતમાં ઊભો રહી સાંભળવા લાગ્યો. તેણે જોયું કે મારો પ્રિય ગર્દભ મનુષ્યની વાણી બોલે છે. સુરોચનનું રટણ તેણે ધ્યાનથી સાંભળ્યું.

વરવું છે વરવું છે મ્હારે, રાજક્ધયાને વરવું છે,

કરવું છે કરવું છે મ્હારે, કાજ બસ કરવું છે - વરવું છે.

સાંભળી કુંભાર વિમાસણમાં પડી ગયો. તેણે ગર્દભને પાસે બોલાવી તેના મુખે સમગ્ર ઘટના જાણી લીધી. વાત સાંભળતાં કુંભાર ગભરાયો. હવે વાત રાજા પાસે જશે તો શૂળીએ ચઢાવશે. તેથી તે ગર્દભ અને પત્નીને લઈ રાજ્યની બહાર ચાલી નીકળ્યો. અનુચરોએ એને અટકાવ્યો અને ગામ છોડીને ચાલ્યા જવાનું કારણ પૂછ્યું. અનુચરોએ વાત રાજા સત્યવર્માને સંભળાવી. રાજા જ્ઞાની તથા દયાળુ હતા. તે સમગ્ર ઘટનાનો સાર પામી ગયા. તેમને લાગ્યું કે ગર્દભ કોઈ કારણવશ આમ વર્તે છે. રાજા કુંભાર તથા ગર્દભને એકાંતમાં બોલાવે છે. ગધેડો (સુરોચન) ગંધર્વ હોવાનું જણાવે છે. આની સાથે પુત્રીનાં લગ્નનો પ્રસ્તાવ રાજા પુત્રી સમક્ષ મૂકે છે, પણ મિથીલાપુર નરેશ ગધેડો ગંધર્વ વિરોચન હોવાની પરીક્ષા કરે છે. રાજા ગર્દભને મિથિલાપુર નગરીને તાંબાની બનાવવા પ્રસ્તાવ મૂકે છે. પડકાર ઝીલીને સુરોચન બ્રહ્માજીને નગરી તાંબાથી મઢવા માટે પ્રાર્થના કરે છે. બ્રહ્માજી સુરોચનની મુક્તિ માટે તેમ કરે છે. બીજા દિવસે સમગ્ર મિથિલાપુર નગરી તાંબાવર્ણી થાય છે. રાજા તથા પ્રજાને આશ્ર્ચર્ય થયું. રાજાએ રાજકુંવરી પુત્રી સત્યવતી સમક્ષ ગર્દભ સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.

પિતાની આજ્ઞાનું પાલન કરી રાજપાટનો વૈભવ છોડી સત્યવતી સુરોચનને પરણે છે, અને રાજપાટ છોડી કુંભારના ઘરે પ્રેમથી વસવાટ કરે છે. સૌનો પ્રેમ જીતે છે. સમગ્ર કુંભાર પરિવારોમાં આનંદ સમાતો નથી. સમય વીતતો ગયો. બાર વર્ષ પૂર્ણ થવાને આરે છે. સુરોચન ગંધર્વ પત્ની સત્યવતીને તથા પાલક માતા-પિતાને પોતાના મૂળ સ્વરૂગંધર્વનાં દર્શન કરાવે છે. સાક્ષાત્કાર થાય છે. મૂળ સ્વરૂપમાં રાજકુંવરી સત્યવતી સાથે દેહસંબંધ બંધાતાં પુત્રનો જન્મ થાય છે. આપણા વિક્રમાદિત્ય. પરાક્રમી પુત્ર વિક્રમનું દર્શન કરી સુરોચન શાપમુક્ત થઈ અસલ સ્વરૂપ્રાપ્ત કરી સ્વર્ગમાં જાય છે.