કવર સ્ટોરી : આપણે ભારત બંધના સંકેતોને ઓળખીએ
SadhanaWeekly.com       |    ૧૦-એપ્રિલ-૨૦૧૮

 
૨ એપ્રિલનો દિવસ એટલે ભારત બંધનો દિવસ
 
ભારતનાં ૧૦ જેટલાં રાજ્યોમાં બંધની ભારે અસર દેખાઈ
 
૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાથી અનુસૂચિત જાતિ -જનજાતિ બંધુઓની લાગણી દુભાઈ. તેમને લાગ્યું કે સદીઓથી એમના પર આચરવામાં આવતા જુલ્મો, અન્યાયો અને અસમાનતા સામે રક્ષણ આપતા કાયદાને બિનઅસરકારક બનાવવાનો પ્રયત્ન સુપ્રીમના આ ચુકાદાથી થયો છે. પરિણામે લોકોની લાગણી ઉગ્ર બની. આ અશાંતિની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ રાજકારણીઓએ કર્યું. એમના માટે આ ઘટના રાજકીય લાભનો એક મોકો હતો. ચાર્લી પોપ નામના વિચારકે એક ચોટદાર વાક્ય લખ્યું છે કે, "Politics is an art of looking for troubles, Diagnosing it incorrectly and applying the wrong medicine." (એટલે કે રાજકારણ સમસ્યાઓ શોધવાની, ખોટું નિદાન કરવાની અને રોગ મટાડવા માટે ખોટી દવાઓ આપવાની કળા છે.)
 
બંધ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરના કર્ણાટક પ્રવાસમાં શાંતિની અપીલ કરવાને બદલે સાવ બેજવાબદાર વિધાન કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટ રદ કર્યો છે. અને અનામત પણ રદ કરી રહી છે. રાહુલે દોષનો ટોપલો સંઘ ભાજપા પર નાંખતાં કહ્યું કે સંઘ-ભાજપના ડીએનએમાં જ દલિત વિરોધ છે. આ સરાસર ખોટા વિધાને હિંસાની આગ ભડકાવી. આક્રોશની આગોશમાં પૂરો દેશ ભિડાઈ ગયો. દહેશત, અરાજકતા, અસલામતી અને ઉચાટમાં લોકોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા.
 
સન ૧૯૮૯માં વડાપ્રધાન વિશ્ર્વનાથ પ્રતાપસિંહની બિનકોંગ્રેસી સરકારે એટ્રોસિટી એક્ટ બનાવ્યો. જે એસસી/એસટી બંધુઓની સામે આચરવામાં આવતા ૧૯ પ્રકારના જુલ્મો સામે રક્ષણ આપે છે.
 
મહારાષ્ટ્રના રાજ્ય ટેકનિકલ શિક્ષણ વિભાગના સ્ટોરકીપર શ્રી ગાયકવાડે તે જ વિભાગના નિર્દેશક સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૭માં સુભાષ બોમ્બે હાઈકોર્ટમાં ગયા, પરંતુ ત્યાં પોતાને અનુકૂળ ચુકાદો ન મળતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો આપતાં એટ્રોસિટી એક્ટમાં નીચે પ્રમાણે સુધારા કર્યા.
 
(૧) તહોમતદારની તાત્કાલિક ધરપકડ ન કરવી, (૨) વધુમાં વધુ એક સપ્તાહ દરમિયાન પૂરી તપાસ કર્યા પછીથી ધરપકડ કરવી. (૩) તહોમતદાર આગોતરા જામીન મેળવી શકશે. (૪) સરકારી અધિકારી પર મુકાયેલા એટ્રોસિટી એક્ટના ભંગ માટે તેના ઉપલા અધિકારીની મંજૂરી પછી જ તેમના પર એકશન લેવાય.
 
દલિત બંધુઓને લાગ્યું કે આ સુધારાથી તેમને મળેલું રક્ષાકવચ બુઠ્ઠું થઈ જશે. કાયદાનો ભંગ કરનારને મોકળાશ મળશે. દલિતો પર અત્યાચારો વધશે. આ બાબતે સુપ્રામ કોર્ટના ન્યાયાધીશ કહે છે કે સુપ્રીમનો ચુકાદો વાંચ્યા વગર જ આંદોલનકારીઓએ હિંસા ભડકાવી છે. આ ચુકાદામાં એટ્રોસિટી એક્ટથી એસસી/એસટી એક્ટને મળતા રક્ષણમાં ક્યાંય ફેરફાર કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા ટાંકીને કહ્યું કે જે એટ્રોસિટીના કેસો થયા છે તેમાંથી ૧૫ થી ૨૦ ટકા કેસોના તો ક્લોઝર રીપોર્ટ ફાઈલ થયા છે. એટલે કે ફરિયાદો માંડવાળ કરવામાં આવી છે અને નિકાલ થયેલા કેસોમાંથી ૭૫ ટકા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. માત્ર ૯% કેસમાં જ સજા થઈ છે. સુપ્રિમ કોર્ટે ઉપરના આંકડાઓને આધારે માન્યું કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે માટે પૂરી તપાસ કર્યા વગર તહોમતદારની ધરપકડ ન કરવી.
 
ગુજરાત સમાચારના તા. ૫ એપ્રિલ, ૨૦૧૮ના સમાચારમાં છપાયું છે કે અગાઉ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીજીએ પણ કબૂલ્યું હતું કે એટ્રોસિટી એક્ટનો ક્યારેક દુરુપયોગ થયો છે. તેમની સરકાર હતી ત્યારે માયાવતીજીએ એટ્રોસિટી એક્ટ હળવો કરવાની મંજૂરી આપી હતી. માયાવતીજીએ ૨૦૦૭માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમણે અગ્રણી રાજકારણી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને એટ્રોસિટી એક્ટનો અમલ કરવામાં ખૂબ સાવધાની રાખવાનો આદેશ કર્યો હતો. તે વખતે દલીલ કરાઈ હતી કે, દબંગ વ્યક્તિઓ પોતાના અંગત વેર વાળવા માટે દલિત વ્યક્તિને મહોરું બનાવી જૂઠા કેસ દાખલ કરે છે. સરકારી અધિકારીઓને પણ હેરાન કરવા આ એક્ટનો દુરુપયોગ કરવામાં આવે છે.
 
કેન્દ્ર સરકારે ભારત બંધ દરમિયાન થયેલા તોફાનોનો ઉલ્લેખ કરીને દેશમાં ઝડપથી શાંતિ સ્થપાય તે માટે ચુકાદા પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરી પણ માનનીય ન્યાયાધીશોએ કહ્યું કે, એટ્રોસિટીના દુરુપયોગને કારણે ભોગ બનેલા નિર્દોષોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પણ કોર્ટની છે. તેમ કહી સ્ટે આપવાનો ઇન્કાર કર્યો. આમ, અત્યારે હાલ પૂરતો આ પ્રશ્ર્ન અધ્ધરતાલ જ રહેલો દેખાય છે.
 
વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રા. સ્વ. સંઘના મા. સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશી, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહજીના નિવેદનો દ્વારા પ્રજાને શાંતિ અને સૌહાર્દની અપીલ કરાઈ છે. જે આ અંકમાં જ અન્યત્ર પ્રસ્તુત કરી છે.

સમાજે પીડિત સમાજની વેદનાઓ પણ સમજવી પડશે
 
બંધ દરમિયાન પ્રગટ થયેલા ભારે આક્રોશને જોતાં શેષ સમાજના મનમાં એવો ભાવ અવશ્ય જોવા મળતો હતો કે સુપ્રિમના ચુકાદાની બાબતે એસસી/એસટી સમાજે જરૂર કરતાં ઘણા બધા વધારે પ્રમાણમાં પ્રતિક્રિયા આપી છે. પણ એક વાત શેષ સમાજે શાંતિપૂર્વક સમજવી પડશે કે હજારો વર્ષોથી આ સમાજને અતિ ભારે અન્યાય અને અસમાનતા સહન કરવાં પડ્યાં છે. તેમના તરફ આચરવામાં આવતાં જુલમો તદ્દન અમાનવીય અને અશોભનીય છે. વર્ષોથી ચૂપચાપપણે આ અન્યાયો સહન કરતા આ સમાજને આઝાદી પછી માંડ થોડાક અધિકારો મળ્યા છે, જેનાથી તેમની પ્રત્યે થતા દુર્વ્યવહારો સામે તેમને રક્ષણ મળતું રહ્યું છે. હવે પોતાને મળેલા થોડાક અધિકારોમાંથી પણ થોડા અધિકારો જ્યારે લઈ લેવામાં આવે ત્યારે હજારો વર્ષોથી દબાઈ પડેલી તેમની વેદનાઓનો વિસ્ફોટ અગર પ્રચંડ અવાજવાળો હોય તો બાકીના સમાજે ખૂબ જ સમજદારીપૂર્વકનો અભિગમ રાખી તેમની વેદનાઓને સમજવી પડશે. બંધ દરમિયાન આ સમાજના લોકોને આગળ કરી ગુંડાગર્દી કરવાવાળા પરિબળોએ પણ તેમની પ્રતિક્રિયામાં સામેલ થઈ આંદોલનને બદનામ કર્યું છે તે વાત પણ સમજવી પડશે.
અશાંતિ સર્જનારાઓનું લક્ષ્ય શું છે ?
 
ભારત બંધ આંદોલનમાંથી ઘણા બધા પ્રશ્ર્નો આપણને વિચારતા કરી મૂકે છે, પરંતુ તેમાં બે મુખ્ય ઉદ્દેશો તો સ્પષ્ટ દેખાય છે. (૧) પહેલું લક્ષ્ય છે ૨૦૧૯માં આવનાર લોકસભા ચૂંટણીમાં એસસી / એસટી મતનો મસમોટો ઝૂમખો પોતે લઈ જવો. (૨) બીજો ઉદ્દેશ્ય છે એટ્રોસિટી જેવા સંવેદનશીલ મુદ્દાને વિકરાળ સ્વ‚પ આપી દેશમાં વિદ્વેષ ફેલાવી હિન્દુ સમાજને દુર્બળ, વિભાજિત અને પ્રભાવહીન બનાવવો.
વર્તમાન વિષમ પરિસ્થિતિ એસસી/એસટીના મતોની ઝૂંટમઝૂંટ અને છીનાઝપટીની નિમ્ન સ્તરની સ્પર્ધાનું પરિણામ છે. કોંગ્રેસ, બસપા, સપા, ડાબેરીઓ, તૃણમલ, રાજદ, આપ, જેડીયુ, તેલુગુદેશમ્ આદિ તમામ પક્ષોની કુટિલ નજર એસસી/એસટી મતો પર છે. અગાઉ આ મતો કોંગ્રેસની ઝોળીમાં પડતા હતા. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને કોંગ્રેસની દલિત વિરોધી દાનત પ્રગટ થતી ગઈ તેમ તેમ અનુસૂચિત જાતિ-જનજાતિના બંધુઓને કોંગ્રેસ માટેનો ભ્રમ ભાંગવા લાગ્યો.
કોંગ્રેસના DNAમાં જ એસસી / એસટી વિરોધ પડેલો છે
 
(૧) વડાપ્રધાન નહેરુને ડૉ. આંબેડકર માટે સહેજ પણ આદર નહોતો. તેઓ જરા પણ ઇચ્છતા ન હતા કે ભારતનું બંધારણ બાબાસાહેબ લખે. નહેરુજી બે વિદેશી બંધારણ નિષ્ણાતોના હાથે બંધારણ લખાવવા માંગતા હતા. પણ ગાંધીજીના આગ્રહના કારણે જ બાબાસાહેબ દ્વારા બંધારણ ઘડાયું. આમ, પ્રારંભથી જ કોંગ્રેસના ડીએનએમાં દલિત વિરોધી ભાવ છે.
(૨) બંધારણ ઘડતી વખતે બાબાસાહેબે અનામતનો આગ્રહ કર્યો તો નહેરુએ સાવ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. તો આપણા દેશમાં પણ આવી કોઈ અનામત વ્યવસ્થા કરવાની જરૂર નથી. ફરી ગાંધીજીને દરમ્યાનગીરી કરવી પડી. તેમણે નહેરુજીને સમજાવ્યા અને ગાંધીજીના આગ્રહને વશ થઈ બંધારણમાં માત્ર દસ વર્ષ માટે જ અનામત રાખવા નહેરુજી સહમત થયા.
(૩) નહેરુજી ડૉ. આંબેડકરને ૧૯૩૯માં પહેલીવાર જ મળ્યા હતા. તે પહેલાં પંડિતજીને આ મહાન દલિત નેતાને મળવાની ફુરસદ પણ નહોતી.
(૪) ૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણીમાં નહેરુજીએ ડૉ. આંબેડકરને હરાવવાનું પાપ કર્યું હતું. તમામ પક્ષો ઇચ્છતા હતા કે બંધારણના ઘડવૈયા બાબાસાહેબને બિનહરીફ ચૂંટવા જોઈએ. પણ નહેરુજી માન્યા નહીં. તેમણે પોતાના પરિવારના નોકર એવા હરિ નામના ઉમેદવારને બાબાસાહેબ સામે ભીડાવ્યો અને બાબાસાહેબને હરાવ્યા.
(૫) બાબાસાહેબનું નિર્વાણ ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ થયું. જોગાનુજોગ ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈ ભારતના પ્રવાસ દરમ્યાન બાબાસાહેબના અવસાનના દિવસે જ કલકત્તામાં આવ્યા. ચીનના વડાપ્રધાનને ખુશ કરવા માટે તમામ સરકારી કચેરીઓમાં ભવ્યાતિભવ્ય રોશની કરવામાં આવી. મહામાનવ બાબાસાહેબના મોતનો મલાજો પણ કોંગ્રેસ જાળવી શકી નહીં.
(૬) શ્રીમતી ઇન્દિરાજીના ડીએનએમાં પણ દલિત વિરોધી ભાવ હતો. ઈન્દિરાજીએ ૧૯૬૬માં વડાપ્રધાન બન્યા પછી લાકુર સમિતિની રચના કરી. તેમની એવી ઇચ્છા હતી કે આ લાકુર સમિતિ એવો રિપોર્ટ આપે કે જેના આધારે બંધારણમાં દર્શાવેલી ૧૦ વર્ષની મર્યાદા પૂર્ણ થતાં અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોને મળતી અનામત વ્યવસ્થા બંધ કરી શકાય. ત્રણ મહિના દરમિયાન આ સમિતિ પાસે રિપોર્ટ લખાવડાવ્યો કે અનુસૂચિત જાતિની ૩૫ પેટાજાતિઓ અને આદિવાસીઓની ૬૫ પેટાજાતિઓને આરક્ષણની જરૂર નથી. આ વાત એસસી/એસટી નેતાઓના ધ્યાનમાં આવતાં તમામ એસસી/એસટી સાંસદોએ આનો વિરોધ કર્યો. પરિણામે ઇન્દિરાજીને પીછેહઠ કરવી પડી.
(૭) સન ૧૯૬૮માં ઇન્દિરાજીએ એક નવી સમિતિ બનાવી. ઇન્દિરાજીએ સૂચના આપી કે આ સમિતિ એવો રિપોર્ટ આપે કે હવે દેશમાં અસ્પૃશ્યતા રહી જ નથી. આ રિપોર્ટના આધારે તેઓ અનામત વ્યવસ્થા દૂર કરવા માંગતા હતા. પરંતુ સમિતિએ એવો રિપોર્ટ આપ્યો કે દેશમાં હજુ અસ્પૃશ્યતા ખતમ થઈ નથી. પોતાની અપેક્ષા કરતાં સાવ ઊલટો રિપોર્ટ જોતાં ઇન્દિરાજીએ સમિતિના સભ્યોને લાંચ આપી સુધારો કરવાના હથકંડા અપનાવ્યા પણ તે સમયના દલિત સાંસદ શ્રી સૂરજભાણે લાંચની સંપૂર્ણ વિગતો પ્રગટ કરી દેતાં હોબાળો મચી જતાં મામલો રફેદફે કરવામાં આવ્યો. આવો હતો ઇન્દિરાજીનો દલિતપ્રેમ.
(૮) આવો જ અન્યાય ઇન્દિરાજીએ મોટા ગજાના દલિત નેતા બાબુ જગજીવનરામ પ્રત્યે પણ કર્યો હતો. પરિણામે જીવનભર કોંગ્રેસની સેવા કરનાર જગજીવન બાબુએ ત્રાસીને કોંગ્રેસ છોડી અને સીએફડી નામની પાર્ટી રચી. કટોકટી પછી રચાયેલી મોરારજી દેસાઈની સરકારમાં જનસંઘના આગ્રહને કારણે જગજીવન બાબુને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
(૯) કોંગ્રેસે પોતાના સમગ્ર કાર્યકાળમાં બાબાસાહેબને ભારતરત્નના ઇલકાબથી વંચિત જ રાખ્યા હતા. તેમના નિર્વાણના ૩૪ વર્ષ પછી શ્રી વી. પી. સિંહની સરકાર કે જેમાં ભાજપા પણ ટેકેદાર હતી તે વખતે ૧૯૯૦માં તેમને મરણોત્તર ભારતરત્ન અપાયો.
(૧૦) સોનિયા ગાંધીમાં પણ એસસી / એસટી વિરોધી ભાવ છે. ૧૯૯૮ની લોકસભાની ચૂંટણી વખતે અનુસૂચિત જાતિના નેતા સીતારામ કેસરી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમણે સોનિયા ગાંધીને ૧૯૯૮ની લોકસભાની ચૂંટણી જીતવા સ્ટાર કેમ્પેનર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસને માત્ર ૧૪૧ બેઠકો જ મળી. સોનિયાજીના ટેકેદારોએ કોંગ્રેસની હાર માટે સોનિયાજીને જવાબદાર ગણવાને બદલે પક્ષપ્રમુખ સીતારામ કેસરીને જવાબદાર ગણ્યા અને અનુસૂચિત જાતિના આ કર્મઠ નેતાને અપમાનિત કરી રાજીનામું આપવાની ફરજ પડાઈ. આ સોનિયાજીનો દલિતપ્રેમ. કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિરોધી ડીએનએને ઓળખી જતાં આ બંધુઓનો કોંગ્રેસપ્રેમ ભાંગી પડ્યો. અને તે પછી અનુસૂચિત જાતિના નેતા કાંશીરામ અને માયાવતીની ગુરૂ-શિષ્યાની જોડી રાજકારણમાં લાઈમલાઈટમાં આવી અને કોંગ્રેસનો અનુસૂચિત જાતિ - જનજાતિના મતોનો ખજાનો સરેઆમ લૂંટી લીધો.
કાંશીરામ - માયાવતી અને એસસી/એસટી મતો
 
૧૯૮૪માં પંજાબના એસસી નેતા કાંશીરામે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી. તેઓ માનતા બ્રાહ્મણ, બનિયા અને ઠાકુરો માત્ર ૧૫ ટકા જ છે. છતાં સત્તા તેમની પાસે છે, જેમાં પરિવર્તન આવવું જોઈએ. તેમણે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો. તેમણે સૂત્ર આપ્યું, "વોટ હમારા, રાજ તુમ્હારા, નહીં ચલેગા નહીં ચલેગા તેમણે બીજું ખતરનાક સૂત્ર આપ્યું, "બ્રાહ્મણ, બનિયા, ઠાકુર ચોર, બાકી હૈ સબ ડીએસફોર (DS4 = દલિત, શોષિત, સમાજ, સંઘર્ષ સમિતિ) તેમણે ત્રીજું સૂત્ર આપ્યું : "તિલક, તરાજુ ઔર તલવાર, ઉનકો મારો જૂતે ચાર. આ વિદ્વેષકારી સૂત્રો પછાતોને આકર્ષી ગયા. અને કોંગ્રેસના લૂંટી લીધેલા આ જાતિના મતોથી સન ૧૯૯૫માં માયાવતીજી પહેલી જ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. ૧૯૯૭માં ફરીથી ભાજપાના ટેકાથી મુખ્યમંત્રી બન્યા. ૨૦૦૨માં પણ ભાજપના ટેકાથી માયાવતીજી ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. અને ૨૦૦૭માં સ્પષ્ટ બહુમતીથી માયાવતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. આમ, કાંશીરામ - માયાવતીએ ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો. અરે, ગુજરાતના ભાયાવદરમાં ૨૦૦૮ની સુધરાઈની ચૂંટણીમાં પણ માયાવતીની પાર્ટી બસપાનું શાસન આવ્યું.
નવાં પ્રકારનો Socio-Political અભિગમ
 
સન ૨૦૦૭માં અત્યાર સુધી જેમને અઢળક ગાળો કાઢી હતી તેવા કહેવાતા મનુવાદી બ્રાહ્મણોનો સામે ચાલીને માયાવતીએ સાથ માંગ્યો. માયાવતીએ દલિત-સવર્ણોની ખાઈ તોડીને કહેવાતા ઉજળિયાતો સાથે હાથ મિલાવી કદી માની ન શકાય તેવી સત્તાની નવી કેડી તૈયાર કરી.
હવે માયાવતીના રાજકીય સૂત્રો બદલાઈ ગયાં. "તિલક, તરાજુ ઔર તલવાર, ઉનકો મારોં જૂતે ચારને બદલે માયાવતીએ સૂત્ર પોકાર્યું - "તિલક, તરાજુ ઔર તલવાર ઉનકે લિયે હો શિષ્ટાચાર. અગાઉ સૂત્ર હતું, "બ્રાહ્મણ, બનિયા, ઠાકુર ચોર હવે માયાવતીએ નવું સૂત્ર આપ્યું, ‘બ્રાહ્મણ શંખ બજાયેગા, હાથી દિલ્હી જાયેગા’. હિન્દુ દેવો પ્રત્યે અત્યારસુધી અણગમો દર્શાવતા માયાવતીજીએ હિન્દુ દેવોનું સન્માન કરવા વળી નવું સૂત્ર આપ્યું કે, "હાથી નહિં ગણેશ હૈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ.”
માયાવતી ૨૦૦૭ની ચૂંટણીમાં ૮૯ બ્રાહ્મણો, ૩૬ રાજપૂતો અને ૧૪ બનિયાઓને ટિકિટ આપી. બ્રાહ્મણ નેતા સતીષ શર્માને તેમણે બસપના વજનદાર નેતા બનાવ્યા. ૨૦૦૭ના ચુનાવમાં માયાવતીને કુલ ૪૦૩ બેઠકોમાંથી ૨૦૬ બેઠકો મળી. ઉત્તરપ્રદેશમાં ૧૬ વર્ષ પછી પહેલીવાર એક પક્ષની સરકાર બની. માયાવતીએ ૯ બ્રાહ્મણોને પોતાના મંત્રીમંડળમાં મંત્રી બનાવ્યા. માયાવતીએ તદ્દન નવા પ્રકારનો Socio-Political અભિગમ અપનાવ્યો. તેમણે દલિતો અને કહેવાતા ઉજળિયાતો સાથે મળીને સામાજિક સમરસતાનો નવો જ રાજમાર્ગ કંડાર્યો. એવું લાગવા માંડ્યુ કે બહુજન સમાજ હવે સર્વજન સમાજ બની રહ્યો છે. પરંતુ વધારે પડતી સત્તાલોલુપતાના કારણે, વધારે પડતી કુટિલતાના કારણે અને માયાવતીના ભ્રષ્ટ આચરણોને કારણે સામાજિક સમરસતા તરફ ખૂલેલો માર્ગ ધૂંધળો થઈ ગયો.
બે વાર ભાજપનો ટેકો લઈ માયાવતી મુખ્યમંત્રી બન્યા. પણ આપેલા વચનમાં ફરી જતાં તેમણે રાજકીય વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી. તેમણે કરોડો ‚પિયાનું ફંડ ભેગું કર્યું. તેઓ વૈભવી જીવનશૈલીમાં રાચવા લાગ્યાં. કહેવાય છે કે માયાવતીનાં જૂતાં વિદેશમાંથી ચાર્ટર્ડ વિમાનમાં આવતાં હતાં. માયાવતીનો ભાઈ અનેક કંપનીઓમાં ભાગીદાર બની ગયો. રાહુલ ગાંધીએ તા. ૨૬-૧૧-૨૦૧૧ના રોજ માયાવતી પર આક્ષેપ કર્યો કે લખનૌમાં બેઠેલો હાથી કેન્દ્ર સરકારે મોકલેલાં નાણાં ખાઈ જાય છે. માયાવતીના શાસનકાળ દરમિયાન અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારોના મામલે ઉત્તરપ્રદેશ નંબર-૧ બની ગયું. ૨૦૦૯માં જ્યારે માયાવતીનું શાસન ઉત્તરપ્રદેશમાં હતું ત્યારે સમગ્ર દેશમાં બનેલી ૩૩૪૦૦ જેટલી અત્યાચારોની ઘટનાઓમાં ૨૨% ઘટનાઓ તો માત્ર ઉત્તરપ્રદેશમાં જ બની હતી. આમ, ધીમેધીમે એસસી/એસટી બંધુઓનો માયાવતી પ્રત્યેનો ભ્રમ પણ ભાંગવા લાગ્યો.
આના પરિણામો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં દેખાયા. તમામ પક્ષો પરથી જેમનો વિશ્ર્વાસ ઊઠી ગયો હતો તેવા આ મતદારોએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદથી તરબતર એવા ભાજપને વોટ આપ્યા. આશ્ર્ચર્ય એ વાતનું છે કે આ ચૂંટણીમાં માયાવતીને ઉત્તરપ્રદેશમાં લોકસભાની એક પણ બેઠક મળી નહીં. એકસમયે એસસી/એસટી + કહેવાતા ઉજળિયાતોની થિયરીના આધારે માયાવતીને દેશના વડાપ્રધાન બનવાનો અભરખો હતો. તેમણે સૂત્ર આપ્યું હતું કે "બ્રાહ્મણ શંખ બજાયેગા, હાથી દિલ્હી જાયેગા. પરંતુ ૨૦૧૪ની ચૂંટણીમાં બસપાનો કરુણ રકાસ થયો. હવે તમામ વિપક્ષો મમતા બેનરજીને આગળ કરે છે. કોઈ માયાવતીને યાદ કરતું નથી.
હવે શું આ આંદોલન આંબેડકરવાદીઓના હાથમાંથી ડાબેરીઓના હાથમાં જઈ રહ્યું છે ?
 
હવે ૨૦૧૯ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એકવાર પ્રત્યેક ચૂંટણી વખતે થતી મતોની છીનાઝપટીના નાટકો શ‚ થયાં છે. એમાં જુના, ખંધા રાજકીય પક્ષોની યાદીમાં આ વખતે ડાબેરીઓનું પરિબળ પણ ઉમેરાયું છે. ૨૦૧૪માં રાષ્ટ્રવાદી બળોનો ચૂંટણીમાં વિજય થતાં વિપક્ષોના પેટમાં તેલ રેડાયું હતું. હવે એસસી/એસટી મતો પર ડાબેરીઓની નજર પણ મંડાઈ છે. ડાબેરીઓનો માર્ગ પણ સંઘર્ષનો જ છે. નાના - નાના મુદ્દાઓ પર સમાજમાં અસંતોષને જગવવો, છાશવારે આંદોલનો કરવાં, શાંતિ અને પ્રગતિના માર્ગમાં રોડાં નાખવાં, હિન્દુ વિરોધી સૂત્રો પોકારવાં, રાષ્ટ્રવિરોધી સંમેલનો ભરવાં, હિન્દુ મૂલ્યોની મજાક ઉડાવવી, સામાજિક સમરસતાને તોડવી, યુવકોને ગુમરાહ કરવા - આ ડાબેરીઓની સ્વાભાવિક પ્રવૃત્તિઓ છે. ગુજરાતમાં આ પ્રવૃત્તિનું નેતૃત્વ કોંગ્રેસના ટેકાથી ધારાસભ્ય બનેલા અને મૂળે ડાબેરી વિચારધારા ધરાવતાં નવોદિત નેતા જિજ્ઞેશ મેવાણી કરી રહ્યા છે.
 
(૧) આ નેતા દિલ્હીના જેએનયુમાં જઈ ‘ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શાઅલ્લાહ ઈન્શાઅલ્લાહ’ પોકારનાર ક્ધહૈયાકુમાર અને ઉમર ખાલિદની પીઠ થાબડી આવ્યા હતા.
(૨) ૧૫ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ કમનસીબ ઘટનાસ્થળ - ઉનામાં યોજાયેલ ધ્વજવંદનમાં આ લોકોએ દલિત-મુસ્લિમ ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા. આ જ સભામાં થયેલા પ્રવચનમાં કહેવામાં આવ્યું કે ‘ગાયની પૂંછડી તમે રાખો અને જમીન અમને આપો’ એમ કહી હિન્દુ મૂલ્યની હાંસી ઉડાવી હતી. આ જ સંમેલનમાં દલિત-મુસ્લિમ એકતા જિંદાબાદ અને ગૌરક્ષા મુર્દાબાદના નારા લાગ્યા હતા.
(૩) ૧૫ ઓગસ્ટે યોજાયેલા આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય પ્રાંતના ડાબેરીઓને વીણી વીણીને ભેગા કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં રોહિત વેમુલાની માતા રાધિકાબાઈ, જેએનયુનો કુખ્યાત વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર, જનવાદી કલાકારો ચારુલ અને વિનય, રીપબ્લિક પેન્થર જૂથના કાર્યકરો, જનવાદી લોકગાયક સંભાજી, ગુજરાતના પૂર્વ પોલિસ અધિકારી રાહુલ શર્મા, પ્રસિદ્ધ ડાબેરી વકીલ મુકુલસિંહાના પત્ની, જેમની સામે દલિતો પ્રત્યે અન્યાય કરવાના આક્ષેપો મુકાયા હતા તેવા નવસર્જન સંસ્થાના માર્ટિન મેકવાન, અંબરનાથના કામદાર નેતા શ્યામ ગાયકવાડ ઉપરાંત અનેક ડાબેરી કર્મશીલો ઉનાની કમનસીબ ઘટનાનો લાભ ઉઠાવવા ભેગા થયા હતા. અને તેમના સ્ટેજ ઉપર રાજકીય ફાયદાની ગણતરીવાળા કોંગ્રેસના નેતાઓ પણ ગોઠવાઈ ગયા હતા.
(૪) તા. ૨૮-૧૦-૨૦૧૬, ધનતેરસના રોજ ગાંધીનગરના સચિવાલય આગળ જિજ્ઞેશ મેવાણીએ બેનરો સાથે દેખાવો કર્યા હતા. આ બેનરોમાં લખ્યું હતું કે, ‘તેરસ તમારી પાસે રાખો અને ધન અમને આપો’ આવું કહી તેમણે પવિત્ર હિન્દુ તિથિઓનું અપમાન કર્યું હતું.
(૫) જુનાગઢથી શરૂ થયેલી ભીમયાત્રા ૨ સપ્ટેમ્બરે અમદાવાદમાં આવી અને જુહાપુરામાં તેનું સન્માન થયું ત્યારે જમાતે-ઇસ્લામીએ સ્વાગત કરી દલિત-મુસ્લિમ ભાઈ-ભાઈના નારા લગાવ્યા. ગાંધીઆશ્રમ આગળ યોજાયેલી સભામાં આ નવોદિત નેતાએ હિન્દુ ધર્મનો ત્યાગ કરવા માટે અનુસૂચિત જાતિ - જનજાતિના લોકોને આહ્વાન આપ્યું. તેમણે શ્રીમંત, સામંત અને મહંતની ધરીને તોડીને દલિત-મુસ્લિમનું મહાજોડાણ કરવા અપીલ કરી. આ નેતાઓ આ સમાજને ક્યાં લઈ જશે? આવા નેતાઓ પાછળ કયાં તત્ત્વોનો દોરી-સંચાર હશે? કયાં રાષ્ટ્ર વિરોધી પરિબળો તેમને પ્રેરણા આપતાં હશે? એકદમ સ્પષ્ટ બાબત છે કે હિન્દુ સમાજને તોડવાવાળા પરિબળોએ અનુસૂચિત જાતિ / જનજાતિ બંધુઓને પોતાના ટાર્ગેટ બનાવ્યા છે.
(૬) કેન્દ્રના સામાજિક ન્યાયમંત્રી અને મોટાગજાના અનુસૂચિત જાતિના નેતા શ્રી રામદાસ આઠવલેએ તા. ૮ એપ્રિલના રોજ સુરતની પત્રકાર પરિષદમાં જિજ્ઞેશ મેવાણીની કાર્યપધ્ધતિની ટીકા કરતાં કહ્યું કે, ‘જિજ્ઞેશ મેવાણી નકસલવાદીઓ અને માઓવાદીઓને સાથ ન આપે અને તેમની દોસ્તી છોડી દે. આવા લોકો દલિત વિરોધી છે. ’
(ગુજરાત સમાચાર ૯-૪-૨૦૧૮)
હિન્દુત્વવાદી સંગઠનોનો અભિગમ
 
એક બાજુ સમાજને તોડનાર પરિબળો સક્રિય છે. તો બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, સામાજિક સમરસતા મંચ જેવાં હિન્દુ સંગઠનો સમાજમાં સમરસતા અને એકાત્મતા સ્થાપવા માટે કાર્યરત છે. સંઘ ઉપર આક્ષેપ કરનાર કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ યાદ રાખવું પડશે કે સંઘના ડીએનએમાં દેશપ્રેમ છલોછલ ભરેલો છે. આ રહ્યાં તેનાં ઉદાહરણો :
(૧) અગાઉ સૌ નેતા કહેતા હતા કે, "અસ્પૃશ્યતા હટાવો ((Remove untouchablity) જ્યારે સંઘ સ્થાપક ડૉ. હેડગેવારની કાર્યપધ્ધતિ વિશિષ્ટ હતી. ૧૯૩૪ની ૩૧મી જાન્યુઆરીના રોજ માન્યવર ચમનલાલ બજાજ અને ડૉ. હેડગેવારની મુલાકાત નાગપુરમાં થઈ. આ મુલાકાત દરમ્યાન ચમનલાલ બજાજે સંઘનો અસ્પૃશ્યતા બાબતે શો મત છે તેવું પૂછ્યું ત્યારે ડૉ. હેડગેવારે પોતાનો મત સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, Sangh totally disapprove of the practice of untouchability અર્થાત્ બીજા બધાઓ અસ્પૃશ્યતા હટાવવાની વાત કરે છે જ્યારે અમે તો અસ્પૃશ્યતાને માનતા જ નથી. અમે કહીએ છીએ કે, હિન્દુ સહોદરા સર્વે, ન હિન્દુ પતિતો ભવેત્ - (તમામ હિન્દુઓ આપણા બંધુઓ છે, હિન્દુ ક્યારેય દલિત કે પતિત હોતો નથી.)
(૨) બાબાસાહેબ સંઘકાર્યને દિલથી ચાહતા હતા. બાબાસાહેબે એકવાર રા.સ્વ.સંઘના શિબિરની મુલાકાત લઈ આ પ્રવૃત્તિને જાણવાનો પ્રયત્ન પણ કરેલો. સંઘ સંપૂર્ણ હિન્દુ સમાજને નાત-જાતના ભેદભાવ વગર સાચી એકાત્મતાપૂર્વક સંગઠિત કરવા જે પ્રયત્ન કરે છે તે વાતથી તેઓ સંતુષ્ટ પણ હતા. બાબાસાહેબે અન્ય ઘણા નેતાઓ, પધ્ધતિઓ, પક્ષો, પંથો અને શ્રધ્ધાઓની કડવા શબ્દોમાં ટીકા કરી હતી. પણ તેમણે ક્યારેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરી નથી તે ઘણી અર્થસૂચક બાબત ગણાય. અલબત્ત, તેમણે ૧૯૫૬માં સંઘ પ્રચારક માન. દત્તોપંત ઠેંગડી સાથેની મુલાકાતમાં સંઘકાર્યની ગતિ (Speed) બાબતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
(૩) પૂનાની વસંત વ્યાખ્યાનમાળામાં રા.સ્વ.સંઘના તત્કાલીન સરસંઘચાલક માનનીય બાળાસાહેબે અસ્પૃશ્યતા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, 'If untouchability is not wrong then nothing is wrong. જો અસ્પૃશ્યતાનું આચરણ ખરાબ નથી તો કશું જ ખોટું નથી. ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા કાલબાહ્ય હોઈ આ જાતિ વ્યવસ્થાને તોડી ફોડી ફેંકી દેવી જોઈએ.’
(૪) ૧૯૮૧માં દેશભરમાં જ્યારે અનામત આંદોલનો ચાલતા હતા ત્યારે રા.સ્વ.સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં એસસી/એસટી માટે અનામત વ્યવસ્થા તદ્દન જરૂરી છે તેવો પ્રસ્તાવ પ્રારિત કર્યો હતો.
(૫) મરાઠાવાડ યુનિવર્સિટીની સાથે ડૉ. આંબેડકરનું નામ જોડવા બાબતે ભારે વિરોધ ઊભો થયો હતો. તે વખતે રા.સ્વ.સંઘે પોતાનો મત સ્પષ્ટપણે જાહેર કર્યો અને બાબાસાહેબનું નામ મરાઠાવાડ યુનિવર્સિટી સાથે જોડવાનો પ્રસ્તાવ પારિત કર્યો. તા. ૧૯ ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ સંઘના તત્કાલિન પ્રાંતકાર્યવાહ શ્રી ભિકુ ઇદાત્તે એ નામાંતરણના સમર્થનમાં પત્રિકા પ્રગટ કરતાં વિરોધ કરનાર તમામ રાજકીય પક્ષોના હાથ હેઠા પડ્યા હતા અને બાબાસાહેબનું નામ આ યુનિવર્સિટી સાથે જોડાયું હતું.
(૬) ૧૯૬૯માં ઉડુપી ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદે યોજેલા ધર્મસંમેલનમાં પૂજનીય શંકરચાર્યોએ ઘોષણા કરી હતી કે, ‘અમે જગદ્ગુરુ છીએ અને અમારા જગતમાં દલિતો પણ આવે છે.’ કાંચી કામકોટી પીઠના પૂ. શંકરાચાર્ય કર્ણાટકના દલિતોની ઝૂંપડી ઝૂંપડીએ ફર્યા હતા.
(૭) કેરળના ગુરુવાયુર ખાતે પૂ. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજીએ ૨૯ અનુસૂચિત જાતિના યુવકોને કર્મકાંડનું શિક્ષણ આપી અને ૪૦ હજારની જનમેદની વચ્ચે આ અનુસૂચિત જાતિના યુવકોને મંદિરના પૂજારી બનવાના અધિકારો અર્પણ કરવામાં આવેલા. તાજેતરમાં જ કેરળના ત્રાવણકોર દેવસ્વોમ (મંદિર)ના નિયુક્તિ બોર્ડે અનુસૂચિત જાતિ સમુદાયના ૬ વ્યક્તિઓને પૂજારી બનાવી ઇતિહાસ સર્જ્યો છે.
(૮) ૧૯૮૧માં કર્ણાટકમાં પ્રમુખ મઠાધિપતિઓએ દલિતો સહિત તમામને જ્ઞાતિભેદ રાખ્યા સિવાય મંત્રદીક્ષા આપવાનું શરૂ કર્યું.
(૯) ૬ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ અયોધ્યાના નૂતન રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પૂજ્ય શંકરાચાર્યો અને અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામ મંદિરના પાયાની પહેલી ઈંટ અનુસૂચિત જાતિના નેતા કામેશ્ર્વર ચૌપાલના હાથે મૂકવામાં આવી હતી. એટલે કે રામ મંદિરનો શિલાન્યાસ આ વર્ગના બંધુના હસ્તે કરવામાં આવ્યો હતો. તે વખતે કોઈકે કહ્યું હતું કે જો બાબાસાહેબ આંબેડકર આ સમયે જીવતા હોત તો રામમંદિરનો શિલાન્યાસ તેમના શુભહસ્તે જ થયો હોત.
ઘટના બોધ
 
આ દેશના અનેક ટુકડા કરવા માટે સજ્જ થયેલા અનેક દેશી-વિદેશી પરિબળો પોતાનો કુટિલ પ્રભાવ પ્રસરાવી રહ્યા છે. તેઓ માને છે કે દેશને તોડવા માટે સૌપ્રથમ હિન્દુ સમાજને તોડવો પડશે. હિન્દુ સમાજમાં પીડિત, શોષિત, વનવાસી બંધુઓ આપણા સમાજની નબળી કડીઓ છે. આ નબળી કડીઓ ઉપર દેશવિરોધી પરિબળોની કુટિલ દૃષ્ટિ મંડાઈ છે. સમાજની નાની-નાની લાગણીઓને ઉશ્કેરીને, સમાજમાં વિદ્વેશ પ્રસરાવીને, સમાજનું વિખંડન કરીને, સમાજમાં સંઘર્ષ ઊભો કરીને, હિન્દુ સમાજને તોડવાના ભરસક પ્રયાસો થઈ રહ્યા છે, જેની ગંભીર નોંધ સમાજે લેવી પડશે. સંઘર્ષ હંમેશાં હાનિકારક છે. સમરસતા એ જ સાચો માર્ગ છે. શુધ્ધ સાત્ત્વિક પ્રેમ એ જ સાચો માર્ગ છે. અને એ જ ભાવના સમાજને બળવાન બનાવે છે. સૌ બંધુઓને વિનંતી છે કે દેશમાં થતાં કુટિલ ષડયંત્રો પ્રત્યે સજાગ બની તેને નિષ્ફળ બનાવીએ. આપણે યાદ રાખીએ કે સંચાલન સૂત્રો કોના હાથમાં છે તે અત્યંત મહત્ત્વનું છે. સંચાલન સૂત્રો શકુનિના હાથમાં હોય તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ જ થાય, પણ યુધિષ્ઠિરના હાથમાં હોય તો "અમે ૧૦૫ છીએ એવું જ બોલાય. આપણે સૌ યુધિષ્ઠિરની મનોભૂમિકા પ્રમાણે વર્તીએ. અસ્તુ.
વર્તમાન ઘટના સંદર્ભે પ્રતિભાવો
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારે બાબાસાહેબ આંબેડકરનું સન્માન વધારવા જેટલા કાર્યો કર્યા છે તેટલા બીજા કોઈ સરકારોએ કર્યા નથી. બાબાસાહેબની યાદમાં અનેક પરિયોજનાઓને પૂર્ણ કરી અમારી સરકારે તેમને ઉચિત સન્માન આપ્યું છે. ૨૬ અલીપુર રોડ સ્થિત જે મકાનમાં બાબાસાહેબે અંતિમ વિશ્ર્વાસ લીધા હતા. તેને આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લોકોએ આંબેડકરનાં નામનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કર્યો. જ્યારે અમારી સરકારે ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાની પરિયોજનાને પૂર્ણ કરી છે.
 
વર્તમાન સરકાર દ્વારા બાબાસાહેબના સન્માનમાં થયેલાં કાર્યો
 

વર્તમાન ભાજપ સરકારે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંબંધિત સ્થળોને પંચતીર્થરૂપે વિકસિત કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. તે અંતર્ગત નાગપુરમાં બાબાસાહેબના દીક્ષાસ્થાને તથા મુંબઈમાં ચૈતન્ય ભૂમિ ખાતે વિરાટ સ્મારકો બનાવવામાં આવ્યાં છે. નવી દિલ્હી જનપથ માર્ગ પર ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. લંડનમાં વડાપ્રધાનશ્રીએ ડૉ. આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કરી બાબાસાહેબને આંતર્રાષ્ટ્રિય ખ્યાતિ અર્પી.

 
રા.સ્વ.સંઘના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, એસસી/એસટી એટ્રોસિટીઝ એક્ટના સંદર્ભે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલ નિર્ણય પર થઈ રહેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. ન્યાયાલયના આ નિર્ણયની આડમાં જે પ્રકારે સંઘ વિશે દૂષ્પ્રચાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે આધારહિન તથા નિંદનીય છે. ન્યાયાલયના આ ચુકાદામાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને કોઈ સંબંધ નથી. જાતિના આધાર પણ કોઈપણ પ્રકારનાં ભેદભાવ અથવા અત્યાચારનો સંઘ હંમેશા વિરોધ કરે છે. આ પ્રકારના અત્યાચારોને રોકવા માટે બનાવાયેલા કાયદાઓનું કઠોરતાથી પાલન થવું જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલા આ નિર્ણય સાથે અસહમતી પ્રગટ કરી કેન્દ્ર સરકારે પુનર્વિચારની યાચિકા દાખલ કરવાનો જે નિર્ણય કર્યો છે તે સર્વથા ઉચિત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજના તમામ પ્રબુદ્ધ લોકોને અનુરોધ કરે છે કે સમાજમાં પરસ્પર સૌહાર્દ જાળવી રાખવામાં પોતાનું યોગદાન આપે. સમાજ પણ કોઈપણ પ્રકારના બહેકાવવામાં ન આવીને પરસ્પર પ્રેમ અને વિશ્ર્વાસ જાળવી રાખે તથા કોઈપણ પ્રકારના દુષ્પ્રચારનો શિકાર ના બને.
 

 
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શિક્ષણ તેમજ નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય માટે અનામતની પ્રથાને ન તો રદ્દ કરશે ન તો કોઈને કરવા દેશે. ભારત બંધ કેમ આપવામાં આવ્યું. જ્યારે કે પ્રધાનમંત્રીજીએ ખુદ લોકોને આશ્ર્વાસન આપ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કેન્દ્ર પુન:વિચાર અરજી દાખલ કરશે. ભારતના બંધારણમાં અમને સંપૂર્ણ નિષ્ઠા છે. બી.આર. આંબેડકર દ્વારા બંધારણમાં નક્કી કરાયેલ અનામત જાતિના જરા પણ બદલાવ કરવામાં નહીં આવે.

 
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે અમારી સરકાર એસ.સી.-એસ.ટી. કાનૂનને કમજોર માંગતી નથી. બલ્કે અમારી સરકારે તો તેને વધુ સારો બનાવ્યો છે અને અમારી સરકાર એસ.સી.-એસ.ટી. સમુદાયના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ૨૦૧૫માં અમારી સરકારે આ કાયદામાં નવી કલમો જોડી તેને વધુ મજબૂત બનાવ્યો છે. અમારી સરકારે પીડિતોને અપાતી સહાયમાં પણ વધારો કર્યો છે અને એવા અધિકારીઓ પર કાર્યવાહીનો કાયદો બનાવ્યો છે.