વિચાર વૈભવ : ઉનાળામાં ને જીવનમાં દરેકની શોધ હોય છે - છત્રી અને છત્ર
SadhanaWeekly.com       |    ૧૦-એપ્રિલ-૨૦૧૮

 
 
ઘણીવાર એકદમ જ કોઈ ઘટના તમને જુદી જ દુનિયામાં લઈ જાય છે. આમ તો જેઠ મહિનાના તાપની સામે ટકવું મુશ્કેલ હોય છે એટલે ઓટલે હીંચીએ. ઓટલો આમ તો ઘરની જીભ જેવો છે પણ આખી બપોર મૌનનો માહોલ હોય. સાંજના સાત-સાડા સાત સુધી પણ તડકો પીધેલા પવનોનો વિશ્ર્વાસ ન કરી શકાય તેવું લ્હાય લ્હાય વાતાવરણ હોય છે. એટલે ઓટલો ઊકળતો હોય એવી લાચારીથી આપણી સામે જુએ ત્યારે એમ થાય શબ્દોને શરણે જઈએ. જાંબુડાને મહોર આવ્યા છે, એટલે જાણે કાલિદાસ ડોકિયું કરતા હોય એવું લાગે છે. પણ ‘કવિલોક’નો માર્ચ-એપ્રિલનો અંક અને કવિ રાજેન્દ્ર પટેલનો કાવ્યસંગ્રહ ‘બાપુજીની છત્રી’ વાંચતા વાંચતાં જાણે એક જુદી જ દુનિયામાં જઈ ચઢ્યા. એક તરફ કવિતામાં કવિની પિતૃભક્તિના માધ્યમથી આજુબાજુના વિશ્ર્વની તપાસ તો બીજી તરફ બે મહાકવિઓની સાધનાની સોનોગ્રાફી...
ચાર-પાંચ દિવસ થાય ત્યારે કોઈ કવિને મળવાની ઇચ્છા થાય તેનું મુખ્ય કારણ પરિશીલનની ભૂખ. મનને સતત કશોક અભિવ્યક્તિનો આહર જોઈએ. કોઈ કવિતાની ગદ્યખંડની રમણીયતા તમને તરબતર કરી દે. આવા ‘સાહિત્યિક સંવાદો’ નાનાં-નાનાં જૂથોમાં ચાલ્યા કરે તો આપણે આપણા ભાવકોનું સ્તરાંતર કે સ્તરચઢાણ પામી શકીએ તો કેવી મઝા આવે ? રાજેન્દ્ર પટેલ સતત પરિશીલનશીલ કવિ છે. એમની બાપુજીની છત્રી આ કારણસર માત્ર સ્મૃતિકવિતાના બંધનમાં બંધાતી નથી. તે પોતાને આઈરીશ કવિ સિમસ હેની સાથે જોડે છે. મારું વ્યક્તિત્વ પણ પિતાકેન્દ્રી હોઈ મને કવિના કાવ્યસંગ્રહ ‘બાપુજીની છત્રી’માં રસ પડ્યો. કવિતાના ચાર ખંડ સહેતુક ઘડાયા છે. કવિ સ્વજનને, સમયને, પ્રકૃતિને અને છેલ્લે સ્વને કશુંક કહે છે, સંભારે છે પહેલી પંક્તિમાં જ કવિ કહે છે.
જ્યારે જ્યારે ખાબકે વરસાદ, બાપુજીની છત્રી આવે યાદ.
આ ભાવસરળતા વહેતી રહે છે સળંગ.
કવિ બહુ સાદાં વાક્યોથી કામ લે છે અને ઊંડાણ તાગે છે ત્યારે કવિતા વાંચવાની મઝા પ્રગટે છે. આવી જ એક કવિતામાં કવિ આવી રીતે વેદના અને સત્યપ્રતીતિ વ્યક્ત કરે છે, જ્યારે તે એક કાવ્ય ‘બા’ને સંબોધીને લખે છે,
મારે તને એનો અર્થ પૂછવો છે
પણ તું તો હવે શબ્દ અને અર્થને અતિક્રમી ગઈ છે...
અહીં ફરી પાછા રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદ સંભળાય. પ્રશ્ર્ન છે, ટાગોર પહેલાં શું ? કવિ કે તત્ત્વજ્ઞાની ? ગુરુદેવ તો કહે ‘આમિ ગુરુ નઈ, આમિ કવિ...’ હું તો કવિ પ્રથમ છું, આમ કવિએ પોતે જ પોતાના ઉત્ક્રાંત‚પની શોધ કરવાની હોય છે. રાજેન્દ્રભાઈની કવિતા કે સાહિત્યપ્રીતિ અને અભ્યાસમાં આ બધું છલોછલ સંભળાયા કરે. એટલે ગીતાંજલિ એ પંક્તિને વારંવાર દોહરાવે-
From words of poet
men take what meanings please them,
yet their last meaning points to thee..
બાપુજીની છત્રી એ તો માધ્યમ છે, કવિની શોધ તો શાશ્ર્વત છત્રની છે. શબ્દો તો માતાએ અને પિતાએ આપ્યા એટલે એમનો સહારો લઈને ચાલવું છે કવિને.
મારે મન બા-બાપુજીનાં કાવ્યોનું એક શિખર તે ‘માટલું’ કાવ્ય છે. જુઓ કેવી રીતે કવિ આપણને શાશ્ર્વત સાથે જોડે છે.
બાપુજીની ચિતા પતે
પાણી ભરેલી માટલી ફોડી
પાછળ જોયા વગર જ ઘેર પાછો ફરેલો..
અને પછી ‘બા’ને યાદ કરે છે -
બાના મર્યા પછી મહિને
પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી.
પછી એ માટલીનું પાણી કોણે પીધું હશે?
કયા પંખીએ પીને ટહુકો કર્યો હશે ?
કયું ગીત ગાયું હશે ?
આમ જોઈએ તો કવિ પ્રતીકોથી પોતાના નિજી સંવેદનોને અખિલ સાથે જોડે છે. આ પ્રતીકો પણ પરંપરાનાં પ્રતીકો છે, એટલે કવિ એક પ્રકારનું લોકશિક્ષણ પણ કર્યા કરે છે. કવિ પોતાની ઓળખ સુધી જતાં પહેલાં આપણને સ્વજન અને સમય એમ બે પડાવો પર રોકે છે, ટોકે છે. ચિત્ર આપે છે, ચિત્રમાં રંગ વિચારના હોય છે, પીંછીની કોમળ અણી ભાવનાની, સંવેદનાની હોય છે પણ અંતે તો એ વાચકોને વાંચવા દે છે એના પોતાના સમયને અને સ્વજનને. સમયની વાત કરતાં જે એક કાવ્ય આવે છે તેનું એક ચિત્ર જુઓ -
રૂમમાં એક મારો બાળપણનો ફોટો લટકે છે,
ઘણીવાર એ ફોટામાં મને
પેલી ચીતરેલી ચકલી જેવું લાગે છે...
પછી સમયની દ્વિધા આવે છે -
ચીતરેલી ચકલી અને મારો ફોટો
બન્ને એકમેકને જોતાં જોતાં સમય પસાર
કરતાં લાગે છે.
કવિની નાજુક ચિત્રાવલીઓ આપણને હૃદયંગમ ભાવોમાં જગાડે છે તે તેમનાં કાવ્યોની સિદ્ધિ છે.