સાયકલ
SadhanaWeekly.com       |    ૧૨-એપ્રિલ-૨૦૧૮

 
નાસ્તાના ટેબલ પર વિનુ અને હું એકદમ ચૂપચાપ બેઠા હતા. અમને ખબર હતી કે પિતાજી હમણાં જ પૂછશે - તમારા પરિણામનું શું થયું ? જવાબ આપતાં જ બરાબર ધમકાવશે. એના કરતાં તો ચૂપ રહેવું. કંઈ જ જવાબ ના આપવો વધુ સારું.
પિતાજી ગણગણાટ કરતા છાપું વાંચી રહ્યા હતા. એમનું મ્હોં બગડવામાં હવે વાર લાગે એમ ન હતી. મમ્મીએ નાસ્તાની પ્લેટ લાવીને ટેબલ પર મૂકી દીધી. પપ્પાએ માથું ઊંચું કરી વિનુને પૂછ્યું - ‘હા, ભાઈ વિનુ, ગઈકાલે તારું અને બચુનું પરિણામ આવી ગયું ને ? શું થયું ?’ અમે બન્નેએ તો માથું ઝુકાવી દીધું. જવાબ આપ્યો મમ્મીએ - આ બન્ને શું કહેશે ? કહેવા જેવું હોય તો કહેને. એકનો છવ્વીસમો નંબર છે, બીજાનો ત્રીસમો.
મમ્મીએ અમારા બંનેના નંબર કહ્યા અને અમારા બન્નેનું પરિણામ પપ્પાના હાથમાં મૂકી દીધું. પપ્પા આંખે ચશ્મા ચઢાવી અમારા માર્ક્સ જોવા લાગ્યા.
જો ગઈ કાલ સાંજના પપ્પા ઑફિસથી જલદીથી આવી જાત તો સવાર સવારના નાસ્તાના ટેબલ પર તો અમારી દશા ના બગડત. આમ તો મેં અને વિનુએ મમ્મીને સમજાવી હતી કે, પપ્પા રાતના ઑફિસથી આવે તો એમને અમારું પરિણામ ના બતાવે, નહીં તો અમને સૂતેલાને જગાડીને ધમકાવશે.
પણ હવે તો અમારો વારો નીકળવાનો જ હતો, પરંતુ પપ્પાએ અમને ધમકાવ્યા નહીં પણ એક લાંબો શ્ર્વાસ લઈને પરિણામનો કાગળ ટેબલ પર મૂકી દીધો. પપ્પા જ્યારે મૂડમાં ના હોય ત્યારે ખૂબ ગુસ્સો કરતા હોય છે. જો થોડાક અમને ધમકાવે તો એમનો ગુસ્સો શાંત થઈ જાય.
પપ્પાએ અમારી તરફ જોઈને પૂછ્યું, ‘ટીનાનો કયો નંબર આવ્યો છે ?’
ટીના અમારા પડોશમાં રહેતી હતી. તે પપ્પાના મિત્ર દેસાઈકાકાની દીકરી હતી. વિનુના વર્ગમાં ભણતી હતી.
મેં ધીમેથી કહ્યું, ‘બીજો.’
‘બીજા ઘરનાં બાળકો હમેશા પહેલા અને બીજા નંબરે આવે છે અને આપણા બાળકો...’
મમ્મી બડબડી...
‘અરે, આ બન્ને પાસ થઈ ગયા, એ જ મોટી વાત છે.’ પપ્પાએ કહ્યું.
વિનુએ ચોરદૃષ્ટિએ મારા તરફ જોયું. આ વખતે પપ્પાએ કહ્યું હતું, કે અમારા બંનેના નંબર પાંચ સુધી આવશે તો અમને સાયકલ લઈ આપશે, પણ મેં અને વિનુએ પપ્પાની ઇચ્છા પૂરી કરી ન હતી.
મમ્મીએ અમને ધમકાવવાની તક ઝડપીને કહેવાનું શ‚ કરી દીધું- ‘કેવા છે આ બે છોકરા ? આપણે એમને કોઈ વાતે ઓછું આવવા દેતા નથી. પરીક્ષાના સમયે ધમકાવીને ભણાવીએ છીએ પણ પરિણામ જોઈએ તો સાવ પાછલા નંબરે પાસ થાય..’
‘પણ.. મમ્મી, મારો નંબર તો ભાઈની આગળ આવ્યો છે.’ મેં દલીલ કરવા ખાતર દલીલ કરી.
‘હા, હા. કેમ નહીં ? વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓમાં તારો નંબર છવ્વીસમો અને એના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થી, એમાં એનો નંબર ત્રીસમો, બન્નેમાં ફેર શો ? એક-બે નંબર આઘાપાછા થાત તો સીધા નાપાસ થાત !’ મમ્મીએ વળતો જ જવાબ આપી દીધો.
અમે બન્ને ચ્હાના કપમાં ચૂપચાપ ચમચી હલાવવા લાગ્યા. શું કરીએ આટલી બધી મહેનત કરીએ છીએ, છતાં નંબર નથી આવતો.
પપ્પાએ એ વાત કહીને વાત જ પૂરી કરી દીધી, ‘ઠીક છે, આ રીતે અભ્યાસ કરીને, તમે બન્ને તમારું જ ભવિષ્ય ખરાબ કરી રહ્યા છો. સારી રીતે અભ્યાસ કરતા હોત તો તમને સાયકલ મળત !’
સાંજે હું અને વિનુ ઘરની બહાર રમી રહ્યા હતા. એણે વાત વાતમાં મને કહ્યું કે, ‘બચુ, તું થોડોક સારો અભ્યાસ કરી લેત તો પપ્પા તને સાયકલ અપાવતને !’
‘જાણે મોટો ના જોયો હોય તો ! પપ્પા સાયકલ મારા માટે ખરીદે અને ફેરવે તું. સાયકલનો એટલો બધો શોખ હોય તો સારી રીતે અભ્યાસ કર !’ મેં વિનુને ચોખ્ખુ સંભળાવી દીધું.
ટીનાની પાસે પણ સાયકલ છે અને ધુવલની પાસે પણ છે ફક્ત આપણે બે જ શાળાએ ચાલતા જઈએ છીએ લડતા, ઝઘડતા. એક સાયકલ હોત તો વિનુ ચલાવત અને હું પાછળ બેસત. પછી લડ્યા-ઝઘડ્યા વગર જ શાળાએ પહોંચી જાત ! પણ પપ્પાજીને આ કેવી રીતે સમજાવીએ ! બસ, એમણે તો એક શરત મૂકી દીધી કે જ્યાં સુધી અમે સારા નંબરે પાસ ના થઈએ ત્યાં સુધી સાયકલ નહીં અપાવવાની. હવે સાયકલ માટે અમારે એક વર્ષ રાહ જોવાની.
રાતના પિતાજીના મિત્ર દેસાઈકાકા અમારા ઘેર આવ્યા. ટીના બીજા નંબરે પાસ થઈ, એની ખુશીમાં પેંડા લાવ્યા હતા.
પપ્પાને પેંડાનું પેકેટ આપતાં એમણે હસતાં-હસતાં પૂછ્યું - ‘તમારા બાળકો પાસ તો થઈ ગયા ને ?’
‘હા, જેમ તેમ કરી, ખેંચી-ખેંચીને પાસ તો થઈ ગયા.’ પપ્પાએ નિરાશાભર્યા સ્વરે કહ્યું.
‘કયો નંબર આવ્યો ?’
‘કોઈ કહેવા જેવો નંબર હોત તો કહેને ? બન્ને સૌથી પાછળ છે. તમારી ટીનાની જેમ થોડા અમારા બચુ અને વિનુ છે ?’ મમ્મીએ ફરિયાદના સ્વરમાં કહ્યું.
‘આપણે શું, નહીં ભણે તો એમને ભોગવવું પડશે. આજકાલ આમે કૉલેજમાં પ્રવેશ મળવો મુશ્કેલ હોય છે. આ અમારા બન્ને છોકરા આવી રીતે ભણશે તો કૉલેજ પહોંચવાનો વારો જ નહીં આવે.’ પપ્પાએ કહ્યું.
અમે બન્ને માથું નીચું રાખીને બેસી રહ્યા હતા. દેસાઈકાકાએ અમારા તરફ જોયું અને પછી કહ્યું - ‘અરે ભાઈ, આપણા શાળાના દિવસો યાદ છે તને ? છઠ્ઠા ધોરણમાં તું નાપાસ થયો હતો અને હું તારાથી એક વર્ષ આગળ થઈ ગયો હતો, પણ આજે તું બેન્કમાં મેનેજર છે, અને હું સામાન્ય કર્મચારી !’
‘તો એનું શું ? એ પછી તો મારા પર જવાબદારી આવી ગઈ હતી. કૉલેજમાં હું ટોપમાં હતો.’
‘તો એમનામાં પણ થોડા દિવસ પછી જવાબદારી આવી જશે. હજુ તો બાળકો છે. યાદ છે તને ? તું નાપાસ થયો હોવા છતાં તારા પિતાજીએ તને સાયકલ લાવીને આપી હતી, કારણ મહોલ્લાના બધા છોકરાઓ પાસે સાયકલો હતી અને એ પછી જ તું સારી રીતે અભ્યાસ કરવા લાગ્યો હતો.’ દેસાઈકાકાએ કહ્યું.
‘તો શું મારા આ બાળકોને સાયકલ લઈને આપું તો સારી રીતે અભ્યાસ કરશે?’ પપ્પાએ પૂછ્યું.
‘એ તો હું ના કહી શકું. પરંતુ જ્યારે એમને એમની જવાબદારીનું ભાન થશે ત્યારે એમની મેળે જ સારી રીતે અભ્યાસ કરશે.’
અમે બન્ને મનમાં ને મનમાં ખૂબ ખુશ થયા.
દેસાઈકાકા અમારી તરફેણમાં બોલીને ચાલ્યા ગયા. ગમે તેમ હોય પણ પપ્પાએ અમને સાયકલ અપાવવી જ પડશે. દેસાઈકાકાએ અમને કહ્યું હતું કે, પપ્પાજી નાપાસ થયા હોવા છતાં દાદાજીએ એમને સાયકલ લઈ આપી હતી.
અમે પપ્પાને અમારી પસંદગી જણાવી દીધી હતી. ‘સાયકલ ૨૨ ઇંચની, લીલા રંગની.’
એક-બે દિવસ પછી વિનુએ મને પૂછ્યું - ‘બોલ બચુ, તારી સાયકલ ચલાવવાની ખૂબ ઇચ્છા છે ?’
‘કેમ ?’ હું ચમકી ગયો.
‘જો બચુ, મેં વર્ગમાં બધાને કહ્યું હતું કે, જો વર્ગમાં મારો પાંચમો નંબર આવશે તો પપ્પા મને સાયકલ લઈ આપશે અને આટલો પાછળ નંબર આવ્યા પછી પણ સાયકલ લઈને જઈશ તો મને શરમ આવશે. એક જ વર્ષની તો વાત છે. આવતા વર્ષે આગળ નંબર લાવીને સાયકલ લઈશ.’
‘ઠીક છે, પરંતુ મારી પણ એક શરત છે. તું રસ્તામાં મારી સાથે ઝઘડો નહીં કરે.’ મેં મારી વાત કહી દીધી.
‘મંજૂર, ચાલ આપણે પપ્પાની પાસે જઈને કહીએ. હું અને વિનુ પપ્પાની પાસે પહોંચી ગયા અને ગદ્ગદ્ સ્વરે પપ્પાને કહ્યું - ‘હમણાં અમારે સાયકલ નથી જોઈતી.’
‘કેમ ?’ પપ્પાએ ચમકીને પૂછ્યું.
‘હા, પપ્પા, આવતા વર્ષે અમે બરાબર અભ્યાસ કરીશું. ત્યારે સાયકલ લઈશું.’ વિનુએ કહ્યું.
પપ્પા આશ્ર્ચર્યથી અમારા બન્નેના ચહેરા જોતા રહ્યા.