‘આ પુસ્તક મેં વાંચ્યું છે એટલે કહું છે કે આ પુસ્તક દેશભરમાં જવું જોઈએ’ : રાષ્ટ્રપતિ કોવિંદ
SadhanaWeekly.com       |    ૧૫-મે-૨૦૧૮

 
 
 
શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચિંતન પ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલું પુસ્તક ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : વ્યક્તિ નહી, સંકલ્પ’
પુસ્તક : ડૉ. બાબાસાહેબ આંબેડકર : વ્યક્તિ નહી, સંકલ્પ - નરેન્દ્ર મોદી
સંપાદન : કિશોર મકવાણા
પ્રકાશક : સંવેદના પબ્લિકેશન
મૂલ્ય : પુસ્તક મૂલ્ય : ૩૦૦ રૂપિયા (ગુજરાતી), ૪૦૦ ‚પિયા (હિન્દી )
સંપર્ક : ૦૭૯ - ૨૬૫૬૪૭૩૪
‘આ પુસ્તક મેં વાંચ્યું છે એટલે કહું છે કે આ પુસ્તક દેશભરમાં જવું જોઈએ’ : રાષ્ટ્રપતિ કોવિંદ
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ચિંતન પ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલાં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : વ્યક્તિ નહી, સંકલ્પ’ પુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન-વિચાર અને એમના ઉદ્દેશ્યને સમજવામાં ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું આ પુસ્તક છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિના શુભ અવસરે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં આયોજિત ગરિમામય કાર્યક્રમમાં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : વ્યક્તિ નહી, સંકલ્પ’ પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયાજી નાયડુએ વિમોચન કરી, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને તે પ્રત અર્પણ કરવા આવી હતી.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમગ્ર જીવન દર્શનને વ્યક્ત કર્યું છે. બાબાસાહેબનું સમગ્ર વ્યક્તિત્વ વૈશ્ર્વિક હતું. અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષણો સામે સંઘર્ષ કરતી વખતે પણ તેમની સામે રાષ્ટ્રનું હિત હતું. શિક્ષણ, વિદેશ નીતિ કૃષિ, મજદૂર, ઉદ્યોગનીતિ તેમજ આર્થિક બાબતો અંગેના બાબાસાહેબના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એને નરેન્દ્ર મોદીએ આ પુસ્તકમાં પોતાના વિચારો દ્વારા ખૂબ વિશદ રીતે સમજાવ્યું છે. બાબાસાહેબના વિસ્તૃત જીવન દર્શન ઉપરાંત બાબાસાહેબના વિચારોના અધિકૃત ક્વોટેશન તેમજ ઉત્કૃષ્ટ કાગળ, પ્રીંન્ટીંગ તેમજ કલરફૂલ ફોટોગ્રાફ્સથી આખું પુસ્તક સમૃદ્ધ છે. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહી, સંકલ્પ’ પુસ્તકનું સંપાદન કિશોર મકવાણાએ કર્યું છે, ‘સંવેદના પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તક ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.
 

 
 
સ્વયં રાષ્ટ્રપતિએ આખું પુસ્તક વાંચીને પોતાના પ્રતિભાવમાં આ પુસ્તક વિશે કહ્યું કે પુસ્તક મેં વાંચ્યું છે, આથી પુસ્તકમાં લખેલી બાબતો પર હું મારા થોડા વિચારો રજૂ કરીશ. આ પુસ્તકનાં અંદરના પાનાઓ પર પહેલા પાને છપાયેલી તસવીર અને છેલ્લા પાને છપાયેલી તસવીર તથા અન્ય ઘણી તસવીરો બતાવે છે કે અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી અને આજ દેશના વડાપ્રધાન છે એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી ડૉ. આંબેડકરના પરમ અનુયાયી છે અને સંવિધાનના પૂજારી પણ... એ સંવિધાન જે ડૉ. આંબેડકરે ભારતને આપેલી ભેટ છે. વડાપ્રધાન બાબાસાહેબના વિઝનને સાકાર કરવા માટે પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યા છે એ સમગ્ર દેશ જાણે છે. આ પુસ્તકથી ધ્યાનમાં આવે છે કે નરેન્દ્ર મોદી વિદ્યાર્થી જીવનથી જ ડૉ. આંબેડકરના આદર્શોથી પ્રભાવિત રહ્યા છે. પોતાના સાર્વજનિક જીવનમાં તેઓ હંમેશા બાબાસાહેબના આદર્શોને કાર્યરૂપ આપતા રહ્યા છે. આ પુસ્તકમાં સમરસતાના અર્થને ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે.
 
સામાજિક મુદ્દે રાજનીતિ કરવાથી સમાજનું અહિત થાય છે. આજે સ્વાર્થની રાજનીતિ વડે સમાજને સમરભૂમિ બનાવવાની નુકસાનકારક પ્રવૃત્તિ જોવા મળી રહી છે. ડૉ. બાબાસાહેબના સપનાનું ભારત બનાવવા માટે જાતિવાદથી મુક્ત થવું પડશે, કારણ કે જાતિવાદ તોડવાનું કામ કરે છે. માત્ર આર્થિક વિકાસ માટે નહીં પરંતુ દરેક પ્રકારની સુખ શાંતિ માટે સામાજિક સૌહાર્દ જરૂરી છે. આ બધી બાબતોનો આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
 
 
 
આ પુસ્તક વ્યાપક સ્તર પર સમાજમાં જવું જોઈએ એવું રાષ્ટ્રપતિને પણ આ પુસ્તક વાંચીને લાગ્યું. રામનાથ કોવિંદે કહ્યું આ પુસ્તકમાં બાબાસાહેબના પ્રેરક જીવન તથા એમના ગહન વિચારોના દરેક આયામો તેમજ એ અંગે વડાપ્રધાનના વિચારોનો સમાવેશ કરીને પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક બાબાસાહેબને સમજવા માટે એક સુંદર અને સરળ સ્ત્રોત તરીકે ઉપલબ્ધ છે. તેના માટે હું આ પુસ્તકના સંપાદક કિશોર મકવાણાની પ્રશંસા કરૂ છું. સાથે આ પુસ્તકના પ્રકાશન સાથે જોડાયેલા દરેકને અભિનંદન આપું છું. હું ઇચ્છું છું કે આ પુસ્તકમાં સંપાદિત વિચારો ખૂબ વિશાળ સ્તર સુધી દેશવાસીઓ સુધી પહોચે જેથી સમરસતા અને સૌહાર્દ સાથે હળી મળીને આગળ વધવાની ભાવના વધુ મજબૂત બને. વર્તમાન માહોલમાં આ પુસ્તક લોકો વચ્યે આવ્યું છે ત્યારે રાષ્ટ્રના કર્ણધાર એવા વડાપ્રધાન ડૉ. બાબાસાહેબનું કેવી રીતે મૂલ્યાંકન કરે છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર પ્રવાહમાંથી નીપજેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વનો કેવો નિખાર છે એ અનુભવવા આ પુસ્તક દરેક ગુજરાતીએ વાંચવું જોઈએ.
***
 
- અનીતા પરમાર
(લેખિકા ‘સંવેદના સમાજ’ સામયિકના તંત્રી છે.)