દેશ-દુનિયા : મોદીનો માસ્ટરસ્ટ્રોક : નેપાળ સાથે સંબંધો સુધારવાની પહેલ

    ૧૭-મે-૨૦૧૮



 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી નેપાળયાત્રા સમાપ્ત થઈ અને યાત્રા દરમિયાન બંને દેશોના સંબંધોમાં આવેલી ઓટને દૂર કરવા અને પરસ્પર વિશ્ર્વાસ કાયમ કરવા થયેલા પ્રયાસ સરાહનીય છે. પહેલાં એપ્રિલમાં નેપાળના વડાપ્રધાન કેપી ઓલી ભારતની ત્રણ દિવસની યાત્રાએ આવ્યા ત્યારે બંને દેશોના સંબંધો પહેલાં જેવા ઉષ્માપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત થયેલી. નેપાળના પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ સીતામાતાની નગરી જનકપુરીથી અયોધ્યા સુધીની બસયાત્રા શરૂ કરવાની જાહેરાત કરીને સંબંધોને એક નવી દિશા આપી. ભારત અને નેપાળ સાથે મળીને રામાયણ સર્કિટ બનાવશે એવી જાહેરાત પણ કરાઈ છે. ભારત સરકારના પ્રવાસન ખાતાની યોજના રામાયણ સર્કિટ અંતર્ગત ભારતના એવાં ૧૫ ધાર્મિક સ્થળોને જોડવામાં આવશે જ્યાં થઈને ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન લંકા ગયા હતા.

ભારત-નેપાળ વચ્ચે સંબંધો સુધારવાની મોદીએ કરેલી પહેલ જરૂરી હતી કેમ કે ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો તથા સમાનતા છે. બંને દેશોના સંબંધ હિન્દુત્વના મજબૂત પાયા પર ઊભા છે. છેલ્લાં ૨૭ વર્ષથી નેપાળમાં રાજકીય અસ્થિરતાનો દોર છે અને તેના કારણે કેટલીયે સરકારો આવી અને ગઈ. છેલ્લાં ૧૧ વર્ષમાં નેપાળમાં ૧૦ વડાપ્રધાન આવી ગયા છે તેના પરથી કેવી રાજકીય અસ્થિરતા છે તે સમજી જાઓ. તેના કારણે નેપાળે ભારે નુકસાન સહન કરવું પડયું છે. રાજકીય અસ્થિરતાનો લાભ લઈને ડાબેરીઓ મજબૂત બન્યા. ડાબેરીઓ ચીન તરફ ઢળેલા હોય તેથી ભારતને તેમણે દૂર ધકેલ્યું. તેના કારણે પણ બંને દેશોના સંબંધો પર ખરાબ અસર થઈ.

હાલના વડાપ્રધાન ઓલી પણ એક તબક્કે ભારત વિરોધી હતા. ઓલી ચીન તરફી મનાય છે અને અગાઉ ૨૦૧૫માં ઓલીની સરકાર સંસદમાં બહુમતી સાબિત કરી શકતાં ગબડી ગઈ હતી. વખતે એવો આક્ષેપ થયેલો કે ઓલી સરકારના પતન પાછળ ભારતનો હાથ છે. ઓલીએ પોતે આક્ષેપ પણ કર્યો હતો કે, ભારત નેપાળમાં રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ઇચ્છે છે. ઓલીના કાર્યકાળ દરમિયાન નેપાળના પ્રસ્તાવિત બંધારણ વિરુદ્ધ પ્રચંડ મધેશી આંદોલન થયું હતું જેના માટે પણ ડાબેરીઓએ ભારતને જવાબદાર ગણાવેલું. મધેશી આંદોલન દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રકોની અવરજવર પર પ્રતિબંધ મુકાતાં ઓલી સરકાર અને ભારતના સંબંધો એકદમ બગડી ગયા હતા. ચીનની નજીક જવા લાગ્યા પણ ચીનની બીજાનું હડપ કરવાની માનસિકતાનો પરચો મળ્યા પછી તેમને લાગ્યું કે, ચીન કરતાં ભારત સારો દોસ્ત છે તેથી તે ફરી ભારત તરફ વળ્યા છે. ફેબ્રુઆરીમાં ઓલી ફરી વડાપ્રધાન બન્યા પછી તેમણે ભારત સાથેના સંબંધો સામાન્ય કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે ભારત માટે સારો સંકેત છે.

મોદીએ નેપાળ સાથેના સંબંધો સુધારવાને મહત્ત્વ આપ્યું સા‚છે. મોદીનો માસ્ટરસ્ટ્રોક છે કેમ કે થોડા સમયથી દક્ષિણ એશિયાના દેશો ચીન તરફ ઢળી રહ્યા છે. ચીનના દેવા તળે દબાયેલા શ્રીલંકાએ ચીનને પોતાની ધરતી પર પ્રવેશ આપવો પડયો છે. માલદીવ પણ ચીનના ખોળામાં બેસી ગયું છે. રોહિંગ્યા મામલે મધ્યસ્થીની ઑફર કરીને ચીને મ્યાંમાર અને બાંગ્લાદેશ બંનેને પોતાની તરફ ખેંચ્યા છે. પાકિસ્તાન તો પહેલેથી ચીનનું પીઠ્ઠુ છે. ટૂંકમાં ચીન ભારતને ચોતરફથી ઘેરીને નાકાબંધી કરી રહ્યું છે. સંજોગોમાં નેપાળ ભારત સાથે રહે તો ચીનને વધતું રોકી શકાય એમ છે.

બીજી બાજુ નેપાળ માટે પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવી અનિવાર્ય છે. નેપાળ પેટ્રોલિયમ સહિતની નાનામાં નાની જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર છે. વળી, સાંસ્કૃતિક, આર્થિક અને ઐતિહાસિક રીતે પણ નેપાળ ચીન કરતાં ભારતની વધારે નિકટ છે. બંને દેશો વચ્ચે સરહદ ખુલ્લી છે અને લાખોની સંખ્યામાં નેપાળીઓ રોજીરોટી માટે ભારત આવે છે. આમ બંને દેશોનાં હિતો એકબીજા સાથે સંકળાયેલાં છે તે જોતાં બંને દેશો નજીક રહે જરૂરી છે.