ભલાઈના કામમાં થાક કેવો ?
SadhanaWeekly.com       |    ૨૬-મે-૨૦૧૮


 

વરસે વરસાદ ઓછો પડ્યો. નદી-તળાવમાં ખાસ પાણી રહ્યાં. દિવાળી પછી બે મહિનામાં એય ખલાસ થઈ ગયાં. ગામના લોકો કૂવામાંથી પાણી ખેંચતા ને વાપરતા હતા. એમનાં પાલતું પ્રાણીઓને પણ પાણી ખેંચીને પાતાં હતાં. એટલે એમને તકલીફ ના પડી.

પરંતુ સીમમાં રહેતાં પ્રાણીઓ પાણી માટે વલખાં મારવા લાગ્યાં. શિયાળ, રોઝડાં, સસલાં, નીલગાય, ભૂંડ જેવાં પ્રાણીઓ પાણી માટે દોડાદોડી કરતાં હતાં. પરંતુ પાણી હોય તો મળે ને ?

ગામ નજીક જંગલ હતું. જંગલ મધ્યે મોટું સરોવર હતું. પંખીઓ તો ઊડતાં-ઊડતાં ત્યાં જતાં ને પાણી પી પાછાં આવતાં. એટલે એમને તો તકલીફ ના પડતી. ખરી તકલીફ તો સીમમાં રહેતાં પ્રાણીઓને હતી. કદાચ ગામ તરફ જાય તો કોઈ દયા કરી પાણી પાય એમ હતું. વળી ગામનાં કૂતરાં એમને ઊભાંય રહેવા દે. ગામલોકોય પરાણે પાણી ભેગાં થતાં હતાં ત્યાં એમની ક્યાં દરકાર કરે ? વળી, સીમનાં પ્રાણીઓની એમને ગરજ પણ શી હતી ?

એક વાર ઝાડ નીચે બધાં પ્રાણીઓ ભેગાં થયાં. તેઓ પાણી અંગે ચિંતા કરવા લાગ્યાં. તે ઝાડ પર પોપટ, કબૂતર, હોલો જેવાં પંખીઓ એમની વાતો સાંભળતાં હતાં.

અરેરે ! પાણી પીવા જવું ક્યાં ?’ સસલું બોલ્યું.

હજી તો ચોમાસું આવવાને ઘણી વાર છે ત્યાં સુધી કેવી રીતે જીવાશે ?’ નીલગાય બોલી.

પાણી નહીં મળે તો મારા જેવાં મરી જવાનાંભૂંડ બોલ્યું.

પંખીઓને એમની દયા આવી. કબૂતર કહે, ‘પ્રાણીઓ ! તમે ચિંતા ના કરો. જંગલમાં એક હાથી મારો ભાઈબંધ છે. એને હું તમારા દુ:ખની વાત કરીશ. ચોક્કસ કોઈ ઉપાય શોધી કાઢશે.’

તો તો કબૂતરભાઈ, તમારો ખૂબ આભાર માનીશું.’ સૌએ કહ્યું.

બીજે દિવસે કબૂતર જંગલમાં ગયું. હાથીને મળ્યું : તે કહે, ‘હાથી ભૈયા ! અમને તો પાણી મળી રહે છે એટલે ચિંતા નથી, પણ અમારે ત્યાં વગડામાં રહેતા કેટલાંક જનાવરો પાણી વગર તરફડે છે.’

તો ચાલો, હું સૂંઢમાં પાણી ભરી આવી જાઉં.’

ભૈયા, તમે કેટલાને પાણી પાશો? તમે એક ને કેટલાં બધાં !’ કબતૂરે ચિંતા વ્યક્ત કરી.

તો પછી હું શું કરું ? તમને કાંઈ સૂઝ પડે તો કહો.’

હાથીભૈયા ! એક કામ થઈ શકે? તમે તમારા ભાઈબંધ બધા હાથીઓને વાત કરો. બધા સૂંઢમાં પાણી ભરી મારી સાથે આવે તો ? તો કંઈક વાત બને !’

હા, હોં ! સોના જેવી વાત થઈ. હું હાલ બધાં હાથીઓને સાદ કરી ભેગા કરું છું.’

ને હાથીએ ચિત્કાર કર્યો. થોડી વારમાં ઘણા બધા હાથીઓ દોડી આવ્યા. ‘શી વાત છે, હાથી ભૈયા ? આફત આવી, હાથીભૈયા ?’

દોસ્તો, એક ઉપકારનું કામ કરવા જવાનું છે.’

ને પછી હાથીએ કામની સમજ પાડી. બધા હાથી તૈયાર થઈ ગયા. કહે, ‘અરે ! એમાં શું ? તો કરવા જેવું કામ છે.’

હાથીભૈયા કહે, ‘તો સાંભળો, કબૂતર આગળ ઊડતું ઊડતું આપણને રસ્તો બતાવશે, એની પાછળ પાછળ જવાનું. ત્યાં એક ખાબોચિયું હશે એમાં સૂંઢનું પાણી ખાલી કરવાનું.’

બધા હાથી સરોવરે ગયા. દરેક જણે સૂંઢમાં પાણી ભર્યું. આગળ કબૂતર ઊડતું રહ્યું તેની પાછળ હાથીઓનું ઝુંડ ચાલ્યું. જંગલનાં અન્ય પ્રાણીઓ નવાઈ પામી જોઈ રહ્યાં - બધાં ક્યાં ચાલ્યાં ?

કબૂતર સૌને વગડામાં લઈ આવ્યું. ત્યાં એક ખાડો હતો. બધા હાથીઓએ તે ખાડામાં પાણી ખાલી કર્યું. ખાડો પાણીથી ભરાઈ ગયો.

કબૂતરે કાગડાઓને કહ્યું, ‘કાગડાભાઈ, વગડાનાં જનાવરોને ઝટ બોલાવી લાવો. કહો કે પાણી આવ્યું છે.’

કાગડાઓ ચારે દિશામાં ઊડતાં જાય ને કહેતા જાય : પાણી પીવા ચાલો સહુ, તરસ મિટાવવા ચાલો સહુ.

સૌ જનાવરો દોડતાં આવ્યાં. ભૂંડ ને સસલા આવ્યાં. રોઝડાં ને શિયાળ આવ્યાં. બધાંએ પાણી પીધું. એમના જીવમાં જીવ આવ્યો. સૌ જનાવર કહે, ‘હાથીભૈયા, તમારો આભાર, કબૂભૈયા, તમારો આભાર.’

હાથી કહે, ‘આજની ચિંતા ટળી પણ આવતી કાલનું શું ?’

હાથી કહે, ‘ચિંતા ના કરો. અમે રોજ એક વાર રીતે પાણી લઈને આવીશું. પછી કાંઈ ?’

સાંભળી બધાં જનાવરો નાચવા-કૂદવા લાગ્યાં ને ગાવાં લાગ્યાં : ‘હાથીભૈયા આવ્યા... પાણી મીઠું લાવ્યા... પાણી રોજ પાશે... પાછા જંગલ જાશે.’

કબૂતરે પૂછ્યું, ‘હાથીભૈયા, તમારે રોજ આવવું પડશે. તમને સૌને તકલીફ તો નહીં પડે ને ?’

હાથીભૈયા બોલ્યા, ‘એમાં તકલીફ શાની ? અમારાથી નાના ને જરૂરિયાતવાળા અમારા ભાઈઓની સેવા કરવી અમારી ફરજ છે. ને ભલાઈના કામમાં થાક કેવો ?’

ને પછી રોજ હાથીઓ આવે છે. સૂંઢમાં પાણી લાવે છે. વગડાનાં જનાવરોને પાય છે. જનાવરો એમને દુવા આપે છે. હાથીઓ એમનો થાક વીસરી જાય છે. ને રાજી થતાં-થતાં પાછા જંગલમાં જાય છે.