મમ્મીના શબ્દો
SadhanaWeekly.com       |    ૦૪-મે-૨૦૧૮


 

વેદાંત ક્રિકેટનો સારો ખેલાડી હતો. તે તેની સ્કૂલની ટીમનો કેપ્ટન પણ હતો.

આજ તેની સ્કૂલમાં જિલ્લા કક્ષાની જુનિયર ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી થવાની હતી. તેમાં તેનું નામ પણ સામેલ હતું. મેચ શરૂ થઈ. વેદાંતનો ફિલ્ડીંગમાં વારો આવ્યો. એક કેચ પકડવા જતાં તેના ડાબા પગમાં મચકોડ આવી ગઈ. તેથી ફિલ્ડીંગમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો. તેનો બેટીંગમાં વારો આવ્યો. ‚આતમાં બોલરે બાઉન્સર ફેંકતાં દડો વેદાંતના ખભાને ટકરાઈને નીકળી ગયો. તેના ખભામાં દુ:ખાવો થવા લાગ્યો. તે એક પણ રન બનાવી શક્યો નહીં. તેથી તે ટીમમાં પસંદગીમાં અસફળ રહ્યો.

વેદાંત ઘેર આવ્યો. તેનું મન ખૂબ ખિન્ન અને ઉદાસ હતું. તેણે પોતાની સ્કૂલ બેગ એક તરફ ફેંકી અને જઈને પલંગમાં પડ્યો. મમ્મીએ કહ્યું, ‘બેટા, હાથ-મોં ધોઈ લે. હું જમવાનું પીરસું છું.’ તેણે કંઈ જવાબ આપ્યો. મમ્મીએ ફરી કહ્યું, છતાં ચૂપ રહ્યો. મમ્મીને ચિંતા થઈ. મમ્મીએ આવીને જોયું તો વેદાંતની આંખમાં આંસુ હતાં. મમ્મીએ વ્યગ્રતાથી પૂછ્યું, ‘બેટા, શું થયું છે ? શું કામ રડે છે ?’

વેદાંતે રડતાં રડતાં બધી વાત મમ્મીને કરી. પછી બોલ્યો, ‘મમ્મી, વારેઘડીએ મુશ્કલીઓ મારા પર શું કામ આવે છે ?’

સાંભળી મમ્મી હસવા લાગી. તેણે કહ્યું, ‘બસ એટલી વાત છે ને ? બેટા, મુશ્કેલીઓથી ગભરાવાનું હોય. આફતને અવસરમાં પલટી નાંખતાં શીખ. ઊડતી પતંગોને જો, પતંગ પવનની સાથે નહીં પણ તેની વિરુદ્ધ દિશામાં ઊડે છે. બસ, એવી રીતે ખરાબ પરિસ્થિતિનો સામનો તેની સામે લડીને કર. જો તું ગભરાઈશ તો પરિસ્થિતિઓ તને ઘેરી વળશે.’ વેદાંતને મમ્મીની વાત સાચી લાગી. તેના મનમાં પતંગની વાત બરાબર ઠસી ગઈ. તેને એમ થયું કે નિરાશ થવાથી ક્યારેય સફળ થઈ શકાય નહીં. તેણે પોતાની જાતને ઘડવી પડશે અને તે માટે કઠોર પરિશ્રમ કરવો પડશે.

વેદાંત હવે બરાબર મચી પડ્યો. સફળતા માટે દૃઢ સંકલ્પ સાથે નિયમિત પ્રેક્ટિસ કરવા લાગ્યો. વર્ષે પણ જિલ્લા મથકે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની હતી જેમાં જિલ્લાની બધી સ્કૂલોની ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી હતી. વિજેતા ટીમ માટે એક ચમકતી ટ્રોફી અને રોકડ પુરસ્કારની પણ જાહેરાત થઈ હતી. વેદાંત તેની સ્કૂલની ટીમ માટે પસંદગી પામ્યો હતો.

મેચ ‚ થઈ. ‘ગૃપમાં સૌથી વધારે પોઈન્ટ મેળવી વેદાંતની ટીમ ફાઈનલમાં પ્રવેશી. ફાઈનલમાં તેનો મુકાબલો જિલ્લા સ્તરે પસંદગી પામેલ ખેલાડીઓની ટીમ સામે હતો.

નિર્ધારિત સમયે ફાઈનલ મેચ શરૂ થઈ. ટોસ જીતીને જિલ્લા સ્તરની ટીમના કેપ્ટને પહેલાં બેટીંગ કરતાં ૨૪૦ રનનો પડકારજનક સ્કોર ઊભો કરી દીધો. જેને જોઈને વેદાંતની ટીમનું આત્મબળ હચમચી ગયું.

વેદાંતની ટીમ બેટીંગમાં ઊતરી. એક પછી એક ખેલાડીઓ પેવેલિયનમાં પાછા ફરવા લાગ્યા. વેદાંત મેદાનમાં ઊતર્યો. તેના ચહેરા પર નિરાશા નહીં પણ એક પ્રકારનો આત્મવિશ્ર્વાસ છલકતો હતો. થોડી વારમાં તેણે ચોગ્ગા-છગ્ગાની ઝડી વરસાવી દીધી. રમતની દિશા જાણે બદલાઈ ગઈ. પોતાની જોરદાર રમતથી તે રમતપ્રેમીઓના દિલ પર છવાઈ ગયો. અંતે મેચ તેણે પોતાના તરફ કરી લીધી.

વેદાંતને પુરસ્કૃત કરતાં ખેલકુંભના અધિકારીઓએ તેના અદ્ભુત આત્મબળ, સાહસ અને નિયમનશક્તિને જોઈ રાજ્યકક્ષાની ટીમમાં તેની પસંદગીની જાહેરાત કરી. સાંભળી વેદાંત રાજી-રાજી થઈ ગયો. પત્રકારો તેને ઘેરી વળ્યા. તેને અનેક સવાલો પૂછ્યા. તેમાં એક સવાલના જવાબમાં તેણે કહ્યું, ‘મારી સફળતાનું રહસ્ય મારી મમ્મીના શબ્દ છે. ‘આફતને અવસરમાં બદલી નાંખ.’ મમ્મીએ મને વિકટ પરિસ્થિતિ સામે લડતાં શીખવ્યું છે.’