આ ન્યુયોર્ક નથી જામનગરનું રણમલ તળાવ - લાખોટા પેલેસ છે. જુવો તસવીર ઝલક

    ૦૫-મે-૨૦૧૮

 
 
કોઈ વિદેશી ધરતી પર હોવાનો અહેસાસ લાખોટા કોઠાને જોઈ થાય.
 
આટલા સુંદર પર્યટનસ્થળોનો વિકાસ કરવામાં આવે તો ચોકક્સ પર્યટકોને આકર્ષી શકાય.
 

 
 
 જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. 1582-83માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે.
 

 
 
કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્ર્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે. 
 

 
 
હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. 1820થી 1852 વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. 1840માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતાં ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રમણલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો.  
 

 
 
જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના 1946માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યૂઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.