આપણે ‘સ્થૂળ’ને ‘સ્વસ્થ’ બનાવીએ અને કહીએ, ‘અમે પણ ફિટ છીએ અને ઇન્ડિયા પણ ફિટ છે.’

    ૨૨-જૂન-૨૦૧૮   

 
 
હમ ફિટ તો ઇન્ડિયા ફિટ
 
માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે ગત વર્ષે, તમામ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં એક પિરિયડ રમવા માટે રહે તેવો કાયદો ઘડવાની વિનંતી કરી, જેથી વિદ્યાર્થીઓ સુસ્ત જીવનશૈલીથી બચી શકે. સચીને કાયદામાં સુધારા કરીને, બાળકો માટે ફ્રી અને ફરજિયાત એજ્યુકેશન બિલ ‘રાઈટ ટુ પ્લે’ની પણ માંગ કરી છે. સ્થૂળતા (ઓબેસીટી)ના મામલે વિશ્ર્વમાં ભારતનો બીજો નંબર છે અને દેશના મોટા ભાગના લોકો આ રોગથી પીડાય છે એ ચિંતામાંથી આ વિનંતી ઉદ્ભવી હતી.
 
આ ચિંતામાં વધારો થાય તેવો રિપોર્ટ તાજેતરમાં જ મેડિકલ રિસર્ચની જૂનામાં જૂની સંસ્થા, ન્યુ દિલ્હીની ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આવ્યો છે. રિપોર્ટ મુજબ ભારતના ૫૪ ટકા લોકો શારીરિક રીતે નિષ્ક્રિય છે. ભારતના લોકો ફિટનેસ બાબતે સજાગ નથી, નિયમિત યોગ, કસરત કરતા નથી, બાળકોને રમવા માટે પૂરતો સમય, સ્થળ અને તક મળતાં નથી, ભોજનમાં અનિયંત્રણ અને સાત્ત્વિકતાનો ય અભાવ. તેથી ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, હૃદયરોગ જેવા રોગોએ મોટાભાગના ભારતીયોને ભરડો લીધો અને હવે સ્થૂળતા, જાડાપણું શરીરને ખોખલું કરી રહ્યાં છે. ડાયાબિટીસના ૬.૧ કરોડ દર્દીઓ ધરાવતું ભારત ડાયાબિટીસ કેપીટલ ઓફ વર્લ્ડ ગણાય છે અને હૃદયરોગનાં ૩ કરોડ દર્દીઓય મોટો આંકડો છે. રિપોર્ટની ગંભીરતા મુજબ સ્થૂળતાની આ બીમારી ટૂંક જ સમયમાં મહામારીમાં પલટાઈ શકે છે. દેશની ૧.૨ અરબ આબાદીમાંથી લગભગ ૧૩ ટકા જેટલાં લોકો જાડાપણાથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી મુજબ ૨૦૨૫ સુધી પૂરી દુનિયામાં ત્રીસ ટકા લોકો તો માત્ર ડાયાબિટીસ અને મોટાપાનો શિકાર બનશે, તેમાં ભારતના લોકો સૌથી વધારે હશે અને બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધા જ પીડાતા હશે.
 
સ્થૂળતાનું સૌથી મોટું કારણ અનિયમિત જીવનશૈલી, અસંતુલિત ભોજન, જંકફૂડની વધતી માંગ, શારિરીક નિષ્ક્રિયતા, કસરત, યોગ, સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વગેરેનો અભાવ છે. બાળકો આઉટડોર ગેઈમ રમવાનું જ ભૂલી ગયા, યુવાનો લાંબા કલાકોની નોકરીમાં અને પછી મોબાઈલ અને સોશિયલ મીડિયામાં અટવાઈ ગયા, મહિલાઓના શારીરિક શ્રમ જેવા કે જાતે કપડાં ધોવા, પાણી ભરવું, ચાલીને દૂર સુધી શાકભાજી લેવા જવું, એ બધું જ આધુનિક જીવનશૈલીને કારણે બંધ થઈ ગયું, નોકર-ચાકરનો માહોલ વિકસતો ગયો તેમ રોગો પણ વધતા - વકરતા ગયા.
 
આ રિપોર્ટ બાબતે આંખ આડા કાન કરવા જેવા નથી. શારીરિક સક્ષમતાને જો ગંભીરતાની નહીં લઈએ તો આવનારી પેઢી રોગીષ્ઠ બનશે. આ સમસ્યાના ઉકેલ માટે સૌ ભારતીયો આગળ આવીને કામ કરે તે અનિવાર્ય છે. દેશના વડાપ્રધાનથી માંડીને શાળાના પ્રિન્સિપાલ સુધી તમામ ક્ષેત્રના લોકો આમાં મદદ‚પ બની શકે છે. શ‚આત થઈ ચૂકી છે, ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહે ઓફિસમાં વ્યાયામ કરતો વિડિયો શૂટ કરી ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ !’ હૈશટેગથી ટ્વિટર પર ફિટનેસ ચેલેન્જ શ‚ કરી સૌને એમાં સામેલ થવા અપીલ કરી. વિરાટ કોહલી, ઋતિક રોશન, સાઈના નહેવાલ તેમાં જોડાયા અને વિરાટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ કરી. પછી તો ચેલેન્જની લાઇન લાંબી ચાલી. આજે સેલિબ્રિટીઓ દ્વારા આખા ભારતમાં ફિટનેસ ચેલેન્જનો માહોલ ઊભો થયો છે. આ જ રીતે તમામ ક્ષેત્રના લોકોએ શારીરિક સ્વાસ્થ્ય માટે કામ કરવું રહ્યું, ફિલ્મ સુપરસ્ટાર, ક્રિકેટર્સ, પોલીસ હેડ, મંત્રી, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, સ્કૂલ-કૉલેજના પ્રિન્સિપાલ સહિત સમગ્ર દેશ, તમામ જિલ્લા, તાલુકા, ગામના અધિકારી-પદાધિકારી, અગ્રણીઓ પોતાના વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે આગળ આવી નવા પ્રયોગો કરે અને ફિટનેસ માટેનો માહોલ ઊભો કરે. દરેક ક્ષેત્રમાં એક નવું મોડેલ ઉભું થાય, દરેક યુવાનને કસરત માટેનો સમય અને સ્થળ મળે, સ્કૂલમાં ફરજિયાત વ્યાયામ થાય અને યોગ્ય રીતે થાય, સેલિબ્રિટીઓ લોકોના રોલ મોડેલ બને. આવું થવાથી હેલ્થનું બજેટ ઓછું થશે, હેલ્ધી અને વેલ્ધી સમાજનું નિર્માણ થશે. ભારત ખરા અર્થમાં સ્વસ્થ અને સક્ષમ બની રહેશે.
 
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘મારો યુવાન ગીતા નહીં વાંચે તો ચાલશે, પણ મેદાનમાં ફૂટબોલ જરૂર રમવો જોઈએ. તમે મને સો યુવાનો આપો, હું દેશની કાયા પલટી નાંખીશ.’ આજે ય એ ઉક્તિના પથ પર ચાલવાની તાતી જ‚રિયાત છે, યુવાનોને મેદાનમાં મોકલો અને સ્વાસ્થ્યની બાબતમાં મેદાન મારી લો, કારણ કે જે ‘સ્થૂળ’ થઈ રહ્યું છે તે માત્ર નાગરિકો નથી, આખો દેશ, સમગ્ર સંસ્કૃતિ અને સમાજ છે. આપણે ‘સ્થૂળ’ને ‘સ્વસ્થ’ બનાવીએ અને કહીએ, ‘અમે પણ ફિટ છીએ અને ઇન્ડિયા પણ ફિટ છે.’