પાકિસ્તાનમાં વ્યભિચાર કાંડ ઈમરાનની મહેચ્છા પર પાણી ફેરવશે?

    ૨૨-જૂન-૨૦૧૮

 
 
પાકિસ્તાનમાં ૨૫ જુલાઈએ સંસદની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં કોણ જીતશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે ત્યાં જ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને કરેલા ધડાકાએ ખળભળાટ મચાવ્યો છે. રેહમ ખાન ઈમરાનની બીજા નંબરની પત્નિ હતી ને ત્રણ વર્ષ પહેલાં ડિવોર્સ લઈને અલગ થયેલી. રેહમ ખાનની આ મેન્યુસ્ક્રીપ્ટમાં ઈમરાન એકદમ લંપટ માણસ છે તેવો આક્ષેપ કરાયો છે અને ઈમરાનની લફરાંબાજીની વાતો લંબાણપૂર્વક લખાઈ છે.
 
સ્ત્રી શોષણમાં ઇમરાને હદ વટાવી છે
 
રેહમનો દાવો છે કે, ઈમરાન ખાન પોતાની અણછાજતી ઈચ્છાઓ સંતોષવા માટે રાજકીય પક્ષ ચલાવે છે અને તેની તહરીક-એ-ઈસ્લામ પાર્ટી (પીટીઆઈ)માં એવી જ યુવતીઓને હોદ્દા આપે છે કે જે તેની સાથે શારીરિક સંબંધો બાંધવા તૈયાર હોય. ઈમરાનની પાર્ટીમાં કો-ઓર્ડિનેટર તરીકે અનિલા ખ્વાજા નામની યુવતી કામ કરે છે. રેહમના મતે અનિલાને ઈમરાન સાથે લાંબા સમયથી શારીરિક સંબંધો છે અને એ ઈમરાનની માંગ સંતોષવા બીજી યુવતીઓને પણ લઈ આવે છે. રેહમે તેને ઈમરાનની ચીફ-એ-હરમ ગણાવી છે.
 
રેહમના કહેવા પ્રમાણે પાકિસ્તાનના રાજકારણમાં સ્ત્રીઓનું શોષણ સામાન્ય વાત છે પણ ઈમરાને બધી હદ વટાવી છે. રેહમે ઈમરાન સામે બીજા પણ ઘણા ગંદા આક્ષેપો કર્યા છે અને ઈમરાનના ખાસ શિષ્ય મનાતા વસિમ અકરમની પહેલી પત્ની હુમા મુફતીની વાતને સાંકળીને તેની સામે પણ ગંદા આક્ષેપો કર્યા છે. રેહમે આવા ઘણા આક્ષેપો કર્યા છે અને તેના પહેલા પતિથી લઈને બીજાં ઘણાં મોટાં માથાંને લપેટમાં લઈ લીધાં છે. આ બધા આક્ષેપોની વાત કરવી શક્ય નથી ને આ આક્ષેપો એટલા ગંદા છે કે તેની વાત કરવી પણ યોગ્ય નથી. આ આક્ષેપોના કારણે એક તરફ તેના પર કાનૂની નોટિસોનો મારો ચાલ્યો છે તો બીજી તરફ રાજકીય રીતે પણ ખળભળાટ મચ્યો છે. મોટી વાત એ છે કે આ ઘટનાક્રમના કારણે પાકિસ્તાનમાં આવતા મહિને યોજાનારી સંસદની ચૂંટણીનો તખ્તો જ બદલાઈ જશે એવું લાગે છે ને ઈમરાન ખાનની પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની મહેચ્છા પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
 

 
 
પાકિસ્તાનની સંસદને કૌમી એસમ્બલી-એ-પાકિસ્તાન કહે છે. આ શબ્દો બહુ ભારે છે તેથી સામાન્ય રીતે તેનો ઉલ્લેખ નેશનલ એસેમ્બલી તરીકે થાય છે. નેશનલ એસેમ્બલીની કુલ ૩૪૨ બેઠકો છે અને ૨૫ જુલાઈએ તેના માટે મતદાન થવાનું છે. આ મતદાન પાકિસ્તાનમાં હવે પછીનાં પાંચ વર્ષ લગી કોણ રાજ કરશે તે નક્કી કરશે. પાકિસ્તાનમાં વરસોથી ભુટ્ટો પરિવારની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને નવાઝ શરીફ ખાનદાનની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ) વચ્ચે જંગ રહ્યો છે. વારાફરતી આ બેમાંથી કોઈ એક પક્ષ સત્તામાં આવ્યા કરે છે પણ આ વખતે સ્થિતિ અલગ છે.
 
રાજકીય પંડિતોમાં ઈમરાનના પક્ષે આશા જગાવી હતી
 
ઈમરાન ખાને પાકિસ્તાનને ૧૯૯૨માં વર્લ્ડ કપ જીતાડેલો તેના કારણે પાકિસ્તાનમાં ઈમરાન હીરો બની ગયો. ઈમરાન તેનો લાભ લેવા માટે રાજકારણમાં કૂદી પડ્યો ને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) નામની પાર્ટી બનાવી. જો કે પાકિસ્તાનના રાજકારણમાં વરસોથી જામી પડેલા ભુટ્ટો અને શરીફ જેવા પરિવારો સામે તેને ધારી સફળતા મળી નહીં. બાકીની બંને પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે લોકો હવે તેમનાથી કંટાળ્યા છે તેથી પરિવર્તનના મૂડમાં છે તેવી આગાહીઓ થઈ રહી છે. આ વખતે પહેલી વાર ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ચૂંટણીમાં જીતશે ને ઈમરાનનું પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું સપનું પચ્ચીસ વરસ પછી સાકાર થશે તેવી આગાહીઓ થઈ રહી હતી ત્યાં જ રેહમ ખાને આ બોમ્બ ફોડ્યો છે.
 
રેહમના આક્ષેપોના કારણે પાકિસ્તાનમાં રાજકીય રીતે ગરમી છે ને આક્ષેપ-પ્રતિ આક્ષેપો જોરશોરથી ચાલી રહ્યા છે. ઈમરાનની પાર્ટીનું કહેવું છે કે, આ વાતોમાં દમ નથી અને આ રાજકીય કાવતરું છે તેથી તેની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. તેમના દાવા પ્રમાણે આ બધું કારસ્તાન નવાઝ શરીફની પાર્ટીનું છે. શરીફની પાર્ટીએ રેહમ ખાનને ૧૦ લાખ બ્રિટિશ પાઉન્ડ (લગભગ ૧૦ કરોડ ‚પિયા) આપીને આ ખેલ કરાવ્યો છે. ઈમરાનની જીત નક્કી છે તેથી લોકોમાં તેની ઈમેજ બગાડીને તેને જીતતો રોકવા આ ખેલ કરાયો છે પણ તેના કારણે કશો ફરક નહીં પડે. સામે નવાઝ શરીફની પાર્ટીનું કહેવું છે કે, ઈમરાન ખાનને ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી એ વાત અમે વરસોથી કહીએ છીએ. ઈમરાન લંપટ ને ભ્રષ્ટ માણસ છે એવી અમારી વાત આ આક્ષેપોના કારણે સાચી પડી છે.
 
આવા આક્ષેપોએ બેનજીરને પણ હરાવ્યા હતાં
 
આ આક્ષેપ અને પ્રતિ આક્ષેપો ચાલતા જ રહેશે પણ આ કાંડના કારણે ઈમરાન માટે ખતરો તો છે જ કેમ કે ભૂતકાળમાં આ દાવના કારણે બેનઝીર ભુટ્ટોની ભૂંડી હાર થઈ હતી. પાકિસ્તાનમાં ૧૯૯૭માં સંસદની ચૂંટણી થઈ હતી. એ વખતે બેનઝીર ભુટ્ટો જીવતાં હતાં ને નવાઝ શરીફ સામે મોટો પડકાર હતાં. એ વખતે શરીફની પાર્ટીએ બેનઝીરને પછાડવા બહુ ગંદી રમત રમી હતી અને આ રીતે જ બેનઝીરને હવસખોર સ્ત્રી ચીતરીને લોકોમાં તેમની ઈમેજ ખરાબ કરીને હરાવી દીધાં હતાં.
ઈમરાન ખાન સામે અત્યારે જે આક્ષેપો થયા છે એ રાજકીય હોઈ શકે પણ ઈમરાનની ઈમેજ પ્લેબોય ટાઈપની છે તેથી લોકોને ગળે આ વાત ઊતરી જાય એવું બને. ઈમરાન અત્યારે ભલે નખશિખ પાકિસ્તાની હોવાનો દેખાવ કરતો હોય પણ એ જુવાનીના દિવસોમાં બિલકુલ અંગ્રેજ હતો. ઈમરાન જમીનદારનો દીકરો છે ને ઈંગ્લેન્ડમાં ભણ્યો છે. ઈંગ્લેન્ડમાં ઘણી છોકરીઓ સાથે તેનું નામ જોડાયેલું. પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમવા માંડ્યો પછી તેનાં લફરાંની ઘણી વાતો બહાર આવવા માંડેલી. ભારતની બે અભિનેત્રીઓ સાથે પણ તેનું નામ જોડાયેલું. ઈમરાને સત્તાવાર રીતે પણ ત્રણ લગ્ન કર્યાં તેના કારણે સ્ત્રીઓના મામલે તેની ઈમેજ બહુ સારી નથી તેથી લોકો આ વાતો માને એવી પૂરી શક્યતા છે.
 
આ ઘટનાઓ સાથે ભારતને સીધો કોઈ સંબંધ નથી. આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે પણ આડકતરી રીતે આ ઘટનાક્રમ ભારતના ફાયદામાં છે. ઈમરાન ખાન કટ્ટરવાદી અને હળાહળ ભારતવિરોધી છે. એ સતત ભારત સામે ઝેર ઓક્યા કરે છે અને કટ્ટરવાદીઓને થાબડ્યા કરે છે. ઈમરાન વડાપ્રધાન બને તો ભારત માટે મુશ્કેલી વધે. બીજી તરફ નવાઝ શરીફ બહુ ભરોસાપાત્ર નથી અને પાકિસ્તાનના લશ્કર સામે ઝીંક ઝીલી શકતા નથી પણ પોતાના બિઝનેસ હિતોના કારણે ભારત તરફી નરમ વલણ અપનાવે છે. આ સંજોગોમાં નવાઝ શરીફની પાર્ટી સત્તામાં હોય તો ભારત માટે ઓછી મુશ્કેલીઓ ઊભી થાય.
 
- જય પંડિત