બાજના જીવનની બીજી ઇનિંગ તમને પ્રેરણાથી ભરી દેશે...!

    ૨૨-જૂન-૨૦૧૮
 
 
 
હું બાજ હોત તો...
 
હજુ હમણાં તો આકાશ ચોખ્ખું હતું અને ઘડીકમાં ધટાટોપ વાદળો આવી ચડ્યાં અને અનરાધાર મેઘો મંડાયો. પતિએ પત્નીને પૂછ્યું : વિવેકને રેઈનકોટ આપ્યો છે ?
 
પત્નીએ કહ્યું : એ ન લઈ ગયો, કહે સ્કૂલ બેગમાં વજન વધી જાય છે. પોતાનો રેઈનકોટ પહેરીને, વિવેકનો રેઈનકોટ સાથે લઈને ચિંતાતુર પિતા સ્કૂલે જવા નીકળ્યા. વિવેકે પિતાને જોયા. તેના ચહેરા ચમક આવી ગઈ. વળી ડર પણ લાગ્યો. પિતા રેઈનકોટ સાથે ન લેવા બદલ ઠપકો આપશે તો ? પિતા-પુત્ર ચાલીને ઘેર પહોંચ્યા. વરસાદમાં ઓછા, પણ લાગણીમાં ખૂબ ભીંજાયા.
 
વિવેક બોલ્યો : ‘હું બાજ હોત તો સારું.’ માએ આશ્ર્ચર્યથી પૂછ્યું, આવું કેમ બોલે છે બેટા ?
 
મા, તને ખબર છે ? બાજ પક્ષી વાદળથી પણ ઊંચે ઊંડે એટલે એને વરસાદ પજવે નહીં. જો હું બાજ હોત તો મારા પપ્પાને લેવા આવવું પડત નહીં ને ? બાળકની જાણકારી અને તેમાં કલ્પનાના રંગથી પિતા રંગમાં આવી ગયા. તે બોલ્યા : તું બાજ હો તો મને ખૂબ ગમે ! પત્નીએ છણકો કર્યો. તમેય
 
તે ! અને વિવેક પ્રશ્ર્નભરી નજરે પિતા સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો, પણ તો હું ભણી શકું નહીં અને તમે મને પ્રેમ કરી શકો નહીં.
 
પિતાએ કહ્યું, ‘બેટા, બાજ પાસે ભણતર નથી પણ તેનું ગણતર તારામાં આવે, તો અમે જ નહીં, અનેકો તને ચાહવા લાગે.’ હવે મા-પુત્ર બન્નેને જિજ્ઞાશા થઈ.
 
પિતાએ કહ્યું, : બાજની ઉંમર સરેરાશ ૭૦ વર્ષની. લગભગ માણસ જેટલી જ. પણ ચાલીશીએ પહોંચતાં બાજના ત્રણ અંગો નબળાં પડી જાય. પંજા પહોળા અને ઢીલા બની જાય એટલે શિકાર પકડવો મુશ્કેલ. ચાંચ આગળની તરફ વળી જાય એટલે ખોરાક ખાવામાં ભારે મુશ્કેલી અને તેની ઊંચી ઉડાનની ઓળખ પાંખ નબળી પડતાં ઊડવાની ક્ષમતા ઘટી જાય.
 
આયુષ્યના અડધા મુકામે જીવન દોહ્યલું બની જાય, પણ બાજ લાચાર થઈને મૃત્યુની પ્રતીક્ષા કરવાને બદલે ઊંચા પર્વત પર સુરક્ષિત માળો બનાવે છે. જાતે જ પંજા, ચાંચ અને પાંખને પથ્થરો સાથે ઘસી ઘસીને ખેરવી નાંખે છે. અસહ્ય પીડા સહન કરે છે. ૧૪૦થી ૧૫૦ દિવસમાં તેને કુદરત નવી ચાંચ, પાંખ અને પંજા આપે છે. બાજના જીવનની બીજી ઇનિંગ શરૂ થાય છે.
એ જ પક્કડ, એ જ તીક્ષણતા અને એ જ ઉડાન !
 
વિવેક પિતાને વળગી પડ્યો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા. લવ યુ પપ્પા.
માની આંખ આનંદના આંસુથી છલકાઈ ગઈ.