ચીન અમેરિકાને કેમ ગાંઠતું નથી ?
SadhanaWeekly.com       |    ૨૭-જૂન-૨૦૧૮


 

દુનિયામાં અત્યારે સૌથી મોટી આર્થિક મહાસત્તા ગણાતા બે દેશો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે અને બંને દેશના તેવર જોતાં ટ્રેડ વોર વકરે તેવાં એંધાણ છે. આમ તો ટ્રેડ વોર લાંબા સમયથી ચાલે છે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની અમેરિકાની આયાત પર ૧૦ ટકા ટેક્સ નાંખવાની ધમકી આપી તેના પગલે વિવાદ વકર્યો છે ને બંને દેશો સામસામે આવી ગયા છે.

ટ્રમ્પ એશિયન કંપનીઓ સામે કેમ આકરા પાણીએ છે

ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકીના મૂળમાં પણ આમ તો અમેરિકાએ લાદેલો ટેક્સ છે. માર્ચ મહિનામાં ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આવતા માલ પર ૬૦ અબજ ડોલરનો જંગી ટેક્સ ઠોકી દીધો હતો. સામે ચીને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાની ૧૨૮ પ્રોડક્ટ પર ૧૫ ટકાથી શરૂ કરીને ૨૫ ટકા સુધીનો ટેક્ષ ઝીંકવાનું એલાન કરેલું. અમેરિકા જુલાઈથી ટેક્સના વધારાનો અમલ કરવાનું છે એટલે ચીને પણ અમેરિકાને જુલાઈ સુધીનો સમય આપેલો. ચીને એવી ધમકી પણ આપી હતી કે અમેરિકા ચીનનાં ઉત્પાદનો ઉપર લાદેલો ટેક્સ ઓછો નહીં કરે તો અમે તમામ અમેરિકી પ્રોડક્ટ પર ટેક્સ ઠોકીશું. ટેક્સનો રેટ પણ ઊંચો હશે ને અત્યારે જે ટેક્સ ઠોકવામાં આવ્યો છે તેનો રેટ હજુ ઊંચો કરવામાં આવશે. ચીને આપેલી મુદત નજીક આવતી જાય છે તેથી તેણે અમેરિકાને પોતાનાં ઉત્પાદનો પર લાદેલા ટેક્સની યાદ અપાવી તેમાં ટ્રમ્પ ભડકી ગયા ને તેમણે ચીનના માલ પર સીધો ૧૦ ટકા ટેક્સ ઠોકવાનું એલાન કરી દીધું.

ટ્રમ્પ પોતાની ધમકીનો અમલ કરે છે કે નહીં જોવાનું રહે છે પણ અત્યારે જે સ્થિતિ છે તે જોતાં ટ્રમ્પ ચીનને નાથી શકે વાતમાં માલ નથી. ટ્રમ્પ ચીન સામે આકરા પાણીએ છે કેમ કે ચીન ટ્રમ્પને ગાંઠતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં એશિયન કંપનીઓ પર લગામ કસીને અમેરિકનોનાં આર્થિક હિતો સાચવવાનું વચન આપેલું. અમેરિકામાં લાંબા સમયથી એવો અસંતોષ વકરી રહ્યો છે કે, ચીન, ભારત, દક્ષિણ કોરિયા, જાપાન સહિતની એશિયાના દેશોની કંપનીઓ અમેરિકામાં પોતાનો માલ સસ્તા ભાવે પધરાવીને અમેરિકનોની રોજી છીનવે છે. ટ્રમ્પે અસંતોષનો લાભ લઈને ચૂંટણી જીતી તેથી દિશામાં પગલાં લીધા વિના છૂટકો નહોતો પણ ચીન ટ્રમ્પે કહ્યા પ્રમાણે કરવા તૈયાર નથી તેથી ટ્રમ્પ બગડ્યા છે. ટ્રમ્પે સત્તાવાર રીતે કહ્યું છે કે ચીન અમેરિકાની ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક સંપદાને અયોગ્ય રીતે નુકસાન પહોંચાડીને અમેરિકામાં ૨૦ લાખ નોકરીઓનો ભોગ લીધો છે.

અમેરિકા સામે દ્વિપક્ષીય વેપારમાં ચીનનો હાથ ઉપર

ટ્રમ્પે સૌથી પહેલાં તો અમેરિકા-ચીનના વેપારમાં રહેલી અસમાનતા દૂર કરવા કહેલું. અમેરિકા-ચીન વચ્ચે વરસે ૫૭૮ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર ચાલે છે. વેપારમાં ચીન ફાયદામાં છે કેમ કે ચીન અમેરિકામાં વધુ રકમની ચીજવસ્તુઓ ઠાલવે છે. ચીન વર્ષે ૩૭૦ અબજનો માલ અમેરિકામાં ઠાલવે છે. સામે અમેરિકાનો ૨૦૮ અબજ ડોલરનો માલ ચીનમાં જાય છે. મતલબ કે અમેરિકામાંથી ચીન દર વર્ષે ૧૬૦ અબજ ડોલર ઢસડી જાય છે. ટ્રમ્પે અગાઉ તફાવત અંગે પણ ટકોર કરતાં કહ્યું હતું કે, વેપાર બંને પક્ષે સરખો હોવો જોઈએ. જો કે ચીન પોતાનો ફાયદો જોવા ટેવાયેલું છે તેથી તેણે વાત કાને ના ધરી એટલે ટ્રમ્પ બગડ્યા ને ચીનને નાથવા હવે જંગી ટેક્સ લગાવી દીધો. સામે ચીને પણ ઘૂરકિયું કર્યું ને અમેરિકાથી આયાત થતી માંસ, પાઈપ, વાઈન, સ્ટીલ, અખરોટ, ફળો સહિત ૧૨૮ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવ્યો તેના કારણે ટ્રેડ વોર શરૂ થઈ ગઈ.

દુનિયાના લોકોને અમેરિકા તાકતવર લાગે છે અને અમેરિકા ધારે તો ચીનને મસળી નાંખે એવું મોટા ભાગના લોકો માને છે. અમેરિકા વરસોથી દુનિયા પર આર્થિક રીતે રાજ કરે છે તેથી ધારણા બની છે પણ વાસ્તવિકતા અલગ છે. ચીન છેલ્લાં કેટલાંક વરસોમાં આર્થિક રીતે એટલું તાકતવર બન્યું છે કે હવે તે અમેરિકાને પણ હંફાવી શકે છે. ચીનને અમેરિકાની ટેક્નોલોજીની જરૂર છે પણ સામે અમેરિકાને ચીનના માલની જરૂર છે કેમ કે ચીનથી સસ્તા ભાવે બીજું કોઈ માલ નથી આપી શકતું. અમેરિકા બીજા દેશો પાસેથી માલ લે તો તેની કિંમત વધે ને અમેરિકામાં કકળાટ થાય તેથી વિકલ્પ બહુ અસરકારક નથી.

અમેરિકાની બીજી એક તકલીફ છે કે તેની ચોટલી ચીનના હાથમાં છે. અમેરિકાના માથે ચીનનું .૧૯ ટ્રિલિયન ડોલરનું દેવું છે. અમેરિકાનાં ટ્રેઝરી બિલ, પ્રોમિસરી નોટ્સ, બોન્ડ્સ વગેરે ચીન પાસે છે. હવે ચીન પોતાના પૈસા વસૂલ કરવા તેમાંથી થોડોક હિસ્સો પણ વેચે તો અમેરિકાની આબરૂ જાય ને ત્યાં વ્યાજના દર વધે. વ્યાજના દર વધે એટલે આર્થિક વિકાસ દર ધીમો પડે. અમેરિકા અત્યારે ભીડમાં છે ત્યારે તેના માટે પડતા પર પાટુ જેવો ઘાટ થાય. કારણે અમેરિકા ચીન સામે ઘૂરકિયાં કરે છે પણ ચીનને પછાડી શકે તેમ નથી.

સેશેલ્સ પાણીમાં બેઠું, ચીનનો ભારતને મોટો ફટકો

ચીન ભારતના પાડોશી દેશોને એક પછી એક પોતાના પડખામાં લઈ રહ્યું છે ને ભારતને અલગ પાડવા મથી રહ્યું છે. પહેલાં ચીન ભારતની જમીન સરહદ સાથે જોડેલા દેશો સાથે ઘરોબો વધારી રહ્યું હતું પણ પછી માલદિવ્સ અને શ્રીલંકા સાથે પણ તેણે નિકટતા વધારી. તેના કારણે ભારતનાં આર્થિક હિતોને તો નુકસાન થઈ રહ્યું છે પણ સાથે સાથે ભારતની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે.

ખતરાને ટાળવા નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૫માં પાડોશી દેશ સેશેલ્સમાં એક લશ્કરી મથક સ્થાપવા માટે સમજૂતી કરી હતી. ૨૦૧૫માં નરેન્દ્ર મોદી સેશેલ્સ ગયા ત્યારે સેશેલ્સના એઝમ્પશન દ્વીપ ઉપર ભારતનો નેવી બેઝ સ્થાપવા માટે સમજૂતી થઈ હતી. સમયે સમજૂતી ગુપ્ત રાખવામાં આવી હતી તેથી કોઈને તેની ગંધ પણ નહોતી આવી. અચાનક થોડા સમય પહેલાં સમજૂતીની વાત લીક થઈ ગઈ. સાથે સેશેલ્સના વિરોધ પક્ષો અને પર્યાવરણવાદીઓ મેદાનમાં આવી ગયા. તેમના ભારે વિરોધના કારણે સેશેલ્સ પાણીમાં બેઠું ને રાષ્ટ્રપતિ ડેની ફોરેએ સેશેલ્સ ખાતે ભારતનું લશ્કરી મથક સ્થાપવાની સમજૂતી રદ કરી દેવાનું એલાન કર્યું. તેમણે એવી જાહેરાત પણ કરી છે કે, એઝેમ્પશન ટાપુ ખાતે કોસ્ટ ગાર્ડ સુવિધા ઊભી કરાશે પણ તેમાં ભારતની મદદ લેવામાં નહીં આવે.

સેશેલ્સનો નિર્ણય ભારત માટે મોટા ફટકા સમાન છે. ચીન આપણને ઘેરી લે તો પણ કોઈ લશ્કરી હિલચાલ કરવાની ગુસ્તાખી ના કરે એટલા માટે હિન્દ મહાસાગરમાં ભારતથી દૂર આપણું લશ્કરી મથક હોવું ‚રી છે. સેશેલ્સ માટે આદર્શ સ્થળ હતું ને તેને મનાવવામાં ત્રણ વર્ષ લાગેલાં. સેશેલ્સે તૈયારી બતાવી ભારત માટે મોટી વાત હતી પણ હવે બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે ને આપણે ત્રણ વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં આવીને ઊભા રહી ગયા છીએ. ભારતને ફટકો પડ્યો તેના મૂળમાં ભારતીય મૂળના વિપક્ષી નેતા રામકલાવન હોવાનું કહેવાય છે. ચીને તેમને સાધીને સમજૂતીની વિગતો કઢાવી હતી ને પછી તેમને આગળ કરીને પ્રચંડ વિરોધ ઊભો કરાવીને યોજના રદ કરવાની ફરજ પાડી.

નિષ્ફળતા પછી ભારતે હવે શું કરવું તે વિચારવું પડશે. ચીને હિન્દ મહાસાગરમાં જિબૂતીમાં પોતાનું લશ્કરી મથક સ્થાપી દીધું છે. શ્રીલંકા અને માલદિવ તેના પડખે છે ને હવે ચીન સેશેલ્સને પણ પોતાના પડખામાં લેશે. સેશેલ્સમાં ભારતના વધી રહેલા પ્રભાવને દૂર કરવા ચીન સેશેલ્સમાં પણ પોતાનાં થાણાં ઊભાં કરે બને. નાના નાના દેશોનું મોં બહુ મોટું હોતું નથી તેની ચીનને ખબર છે જોતાં ભારતે હવે વધારે સતર્ક રહેવું પડશે.